GallerySports વિશાખાપટનમમાં કુલદીપ યાદવની હેટ-ટ્રિકથી ભારત જીત્યું… December 19, 2019 વિશાખાપટનમમાં 18 ડિસેંબર, બુધવારે રમાઈ ગયેલી બીજી વન-ડે ઈન્ટરનેશનલ મેચમાં ભારતે વેસ્ટ ઈન્ડિઝને 107 રનથી હરાવીને 3-મેચોની સિરીઝને 1-1થી સમાન કરી છે. ત્રીજી અને સિરીઝની આખરી મેચ 22 ડિસેંબરે કટકમાં રમાશે. ગઈ કાલની મેચમાં વેસ્ટ ઈન્ડિઝના કેપ્ટન કાયરન પોલાર્ડે ટોસ જીતી ભારતને બેટિંગ આપી હતી. ભારતે તેના ઓપનરો રોહિત શર્મા (159), લોકેશ રાહુલ (102) વચ્ચેની 227 રનની ઓપનિંગ ભાગીદારીની મદદથી 50 ઓવરમાં 5 વિકેટે 387 રન કર્યા હતા. એના જવાબમાં વેસ્ટ ઈન્ડિઝની ટીમ 43.3 ઓવરમાં 280 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.ભારતના ચાઈનામેન બોલર કુલદીપ યાદવે 10 ઓવરમાં 52 રન આપીને 3 વિકેટ લીધી હતી. જે તેની હેટ-ટ્રિક હતી. યાદવે પોતાની 7મી ઓવરના ચોથા, પાંચમા અને છઠ્ઠા બોલે અનુક્રમે વેસ્ટ ઈન્ડિઝના શાઈ હોપ, જેસન હોલ્ડર, અલ્ઝારી જોસેફને આઉટ કર્યા હતા.વન-ડે ઈન્ટરનેશનલ ક્રિકેટમાં કુલદીપ યાદવની આ બીજી હેટ-ટ્રિક છે અને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં બે વાર હેટ-ટ્રિક લેવાની સિદ્ધિ હાંસલ કરનાર એ પહેલો જ ભારતીય બોલર છે. એણે પહેલી હેટ-ટ્રિક 2017માં કોલકાતામાં ઓસ્ટ્રેલિયા સામેની મેચમાં લીધી હતી.વન-ડે ઈન્ટરનેશનલ ક્રિકેટમાં ભારત વતી અત્યાર સુધીમાં 4 બોલરે હેટ-ટ્રિક લીધી છે. ચેતન શર્મા, કપિલ દેવ, મોહમ્મદ શમી અને કુલદીપ યાદવ.વેસ્ટ ઈન્ડિઝના દાવમાં વિકેટકીપર-ઓપનર શાઈ હોપે 78, નિકોલસ પૂરને 75, કીમો પૌલે 46 રનનું મુખ્ય યોગદાન આપ્યું હતું.