અમદાવાદ: શ્રાવણ માસ ભારતના ઉપખંડમાં ખુબ જ મહત્વનો છે. જેમાં ઉપવાસ, વ્રતો અને સોમવારનું મહત્વ છે. આ માસમાં જ મોટાં તહેવાર ઉત્સવ અને વ્રત આવે છે. આધ્યાત્મિક સાધના માટે શ્રાવણને શ્રેષ્ઠ માનવામાં આવે છે. દેવોના દેવ મહાદેવની આરાધનાનો શ્રાવણ માસ શરૂ થતાંની સાથે શિવ મંદિરોના પ્રાંગણ હર હર મહાદેવના નારાથી ગુંજી ઉઠ્યા છે.
આજે શ્રાવણ સુદ એકમને શુક્રવાર છે. આ વર્ષે શ્રાવણ મહિનામાં ચાર સોમવાર છે. મોટી સંખ્યામાં શિવ ભક્તો આખાય શ્રાવણ માસમાં ઉપવાસ અનુષ્ઠાન યજ્ઞ કરે છે.
કેટલાક શિવ ભક્તો સોમવારનો જ ઉપવાસ અને શિવ મંદિરોમાં જળ બિલ્વપત્ર સાથે પૂજા કરે છે.
શહેરના મહાદેવના મંદિરો શ્રાવણમાં સજાવવામાં આવે છે.જળાધારી સાથે મહાદેવને બીલીપત્રો અર્પણ કરવામાં આવે છે.
શ્રાવણ માસમાં પ્રથમ દિવસથી જ શિવાલયોમાં શિવલિંગનો શણગાર કરી દૂધ-જળના અભિષેકની સાથે લાખોની સંખ્યામાં બિલ્વપત્ર ચઢાવવા ભોળાનાથના ભક્તોએ પૂજા કરી.
શહેરના અંકુર કામેશ્વર મહાદેવ, નિલકંઠ મહાદેવ, ચકુડીયા મહાદેવ, કાશી વિશ્વનાથ મહાદેવ, કર્ણ મુક્તેશ્વર મહાદેવ સહિતના અનેક શિવ મંદિરોના પ્રાંગણમાં શ્રાવણ મહિનાના પ્રથમ દિવસે મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓ ઉમટી પડ્યા હતા.
(પ્રજ્ઞેશ વ્યાસ-અમદાવાદ)
