વાયુ વાવાઝોડાને પગલે રાજ્યના દરિયાકિનારઓને એલર્ટ કરવામાં આવ્યા છે. વાયુ વાવાઝોડાની અસર વેરાવળ બંદરમાં દેખાવા લાગી છે. દરિયામાં કરંટના કારણે મોજા વધુ ઉંચા જોવા મળી રહ્યા છે. વેરાવળમાં કાંઠા વિસ્તારમાં તેજ ગતીએ પવન ફુંકાઈ રહ્યાં છે, જેના પગલે આ વિસ્તારના કાચા પાકા મકાનોમાં નુકસાની જોવા મળી રહી છે.
રાજ્યમાં આવનારા સંકટને પહોંચી વળવા માટે આર્મી, એરફોર્સ અને કોસ્ટગાર્ડની મદદ લેવામાં આવી રહી છે. વાયુ વાવાઝોડાના પગલે કોસ્ટગાર્ડે સંપૂર્ણ તૈયારી કરી લીધી છે.
હાલ વાયુ સાયક્લોન વેરાવળથી 280 કિમી દૂર છે. હવામાન વિભાગ અને ઈસરોના ટ્રેક મુવમેન્ટ મુજબ સાયક્લોન 18 કિમી પ્રતિકલાકની ઝડપે આગળ વધી રહ્યું છે. આ વાવાઝોડું 13મી જૂને વહેલી સવારે વેરાવળ અને પોરબંદર વચ્ચે ત્રાટકશે.
ગુજરાતના સૌરાષ્ટ્ર અને કચ્છમાં વાવાઝોડાનો ભય ફેલાયો છે ત્યારે આ વાવાઝોડું ગુજરાતમાં 13 જૂને સવારે 5 વાગ્યે દીવ, ઉના અને કોડિનારથી 170 કિમીની ઝડપે ત્રાટકશે. જે માંગરોળ, પોરબંદર અને દ્વારકા સહિતના વિસ્તારોમાં અસર કરીને દરિયામાં સમાઈ જશે.