GalleryEvents મુંબઈગરાંઓ માટે ‘બેસ્ટ’ ન્યૂઝ; BEST હડતાળ સમાપ્ત… January 16, 2019 મુંબઈમાં મહાનગરપાલિકા સંચાલિત BEST કંપનીના કંડક્ટરો, ડ્રાઈવરો સહિત 30 હજાર જેટલા કર્મચારીઓએ એમની બેમુદત હડતાળ આંદોલનનો આજે 16 જાન્યુઆરી, બુધવારે હડતાળના 9મા દિવસે અંત લાવી દીધો છે. આ સાથે જ લાલ રંગની બસોની સેવા વિના 9 દિવસોથી હેરાન થઈ ગયેલા નાગરિકોને મોટી રાહત થઈ છે. મહાનગરની લાઈફલાઈન ગણાતી બેસ્ટની બસો મુંબઈના રસ્તાઓ પર ફરી દોડતી થઈ છે. હડતાળ સમાપ્ત કરી દીધાની સત્તાવાર જાહેરાત યુનિયન લીડર તેમજ કર્મચારીઓની બેસ્ટ કૃતિ સમિતિના અધ્યક્ષ શશાંક રાવે વડાલા ઉપનગર સ્થિત બસ ડેપો ખાતે સેંકડો કર્મચારીઓની સભામાં કરી હતી. મુંબઈ હાઈકોર્ટે આજની સુનાવણીમાં બેસ્ટ કર્મચારીઓનો પગાર વધારવાની માગણીને માન્ય રાખી હતી અને પગાર વધારી દેવાનો બેસ્ટ પ્રશાસનને આદેશ આપ્યો હતો. કર્મચારીઓને જાન્યુઆરી-2019થી પગાર વધારાની રકમ 2016ની સાલથી અમલમાં આવે એ રીતે 10-ભાગમાં ચૂકવી દેવાામાં આવશે.