વડા પ્રધાન મોદીનું હ્યુસ્ટનમાં આગમન; રેડ કાર્પેટ સ્વાગત…

વડા પ્રધાન નરેન્દ્ર મોદી 21 સપ્ટેંબર, શનિવારે બપોરે અમેરિકાના ટેક્સાસ રાજ્યના હ્યુસ્ટન એરપોર્ટ ખાતે આવી પહોંચ્યા ત્યારે ભારતીય-અમેરિકન્સ દ્વારા એમનું રેડ કાર્પેટ બિછાવીને સ્વાગત કરવામાં આવ્યું હતું. વડા પ્રધાન મોદી એમને માટે 22 સપ્ટેંબરે સવારે NRG સ્ટેડિયમમાં નિર્ધારિત સમ્માન સમારંભમાં હાજરી આપવા હ્યુસ્ટન આવ્યા છે. અમેરિકામાં વસતા ભારતીય સમુદાય દ્વારા આયોજિત એ કાર્યક્રમને ‘Howdy Modi’ નામ આપવામાં આવ્યું છે. એ કાર્યક્રમમાં 50 હજાર જેટલા ભારતીય-અમેરિકન્સ હાજરી આપશે. દક્ષિણ-પશ્ચિમ અમેરિકામાં મિત્રતાના અંદાઝમાં એકબીજાને હાઉડી (Howdy) કહેવાની પ્રથા છે. 'હાઉડી' એ અંગ્રેજી શબ્દ 'હાઉ ડૂ યૂ ડૂ' (How do you do)નું સંક્ષિપ્ત રૂપ છે. આ કાર્યક્રમનું આયોજન ટેક્સાસ ઈન્ડિયા ફોરમ સંસ્થા દ્વારા કરવામાં આવ્યું છે. પીએમ મોદી યુનાઈટેડ નેશન્સ સંસ્થાના મહાસમિતિના સંમેલનમાં હાજરી આપવા માટે અમેરિકા (ન્યૂયોર્ક) આવ્યા છે.


એરપોર્ટ પર મોદીનું સ્વાગત કરવા માટે અમેરિકાના ટ્રેડ એન્ડ ઈન્ટરનેશનલ અફેર્સ વિભાગના ડાયરેક્ટર ક્રિસ્ટોફર ઓલ્સન, અમેરિકા સ્થિત ભારતીય રાજદૂત હર્ષવર્ધન શ્રિંગલા અને ભારત સ્થિત અમેરિકી રાજદૂત કેનેથ જસ્ટર તથા અન્ય અધિકારીઓ, મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.