ચંદ્રયાન-2ને ચંદ્ર પર મોકલવામાં મળી સફળતા…

ભારતની અવકાશ સંશોધન સંસ્થા ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ઈસરો)ના વિજ્ઞાનીઓએ 22 જુલાઈ, સોમવારે બપોરે 2.43 વાગ્યે આંધ્ર પ્રદેશના શ્રીહરિકોટાસ્થિત સતીષ ધવન સ્પેસ સેન્ટર ખાતેથી GSLV-MkIII-M1 રોકેટ દ્વારા ભારતના મહત્ત્વાકાંક્ષી ચંદ્રમિશન અવકાશયાન 'ચંદ્રયાન-2' સફળતાપૂર્વક અવકાશમાં લોન્ચ કરતા દેશભરમાં ખુશી અને આનંદની લાગણી ફેલાઈ ગઈ હતી.


લિફ્ટ-ઓફ્ફ થયાની 16 મિનિટ બાદ રોકેટે ચંદ્રયાન-2ને પૃથ્વીની ભ્રમણકક્ષામાં મૂક્યું હતું. ઈસરોના ચેરમેન કે. સિવને લોન્ચ વેહિકલની સફળતા અને રૂ. 978 કરોડના ખર્ચે બનાવેલા ચંદ્રયાન-2ના અવકાશગમનની જાહેરાત કરી હતી.












નવી દિલ્હીમાં, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ એમના કાર્યાલયમાં આ મિશનને લોન્ચ થતું નિહાળ્યું હતું અને ઈસરોનાં વિજ્ઞાનીઓને અભિનંદન આપ્યા હતા.


ચંદ્રયાન-2... ચંદ્રની ધરતી પર વૈજ્ઞાનિક સંશોધન માટે ભારતે ચંદ્રયાન-2ને ચંદ્ર પર મોકલ્યું છે. 3.8 ટન (3,850 કિલોગ્રામ) વજનનું ચંદ્રયાન-2 48 દિવસની સફર બાદ, 7 સપ્ટેંબર, 2019ના રોજ ચંદ્રની ધરતી પર દક્ષિણી ધ્રુવ પર ઉતરશે, જ્યાં આજ સુધી બીજા કોઈ પણ દેશનું યાન ઉતર્યું નથી.


ઓર્બિટર (ડાબે) અને લેન્ડર


રોવર


ચંદ્રયાન-2માં એક ઓર્બિટર, એક લેન્ડર (વિક્રમ) અને એક રોવર (પ્રજ્ઞાન) છે.


વિક્રમ લેન્ડર અને પ્રજ્ઞાન રોવર ચંદ્ર પર ઉતરશે અને એમની પાસેથી જે જાણકારી મળશે તે ઓર્બિટર દ્વારા ધરતી પર ઈસરોનાં વૈજ્ઞાનિકોને મોકલવામાં આવશે.