રાહુલ બજાજ પંચતત્વમાં વિલીન

અગ્રગણ્ય ઉદ્યોગપતિ રાહુલ બજાજના પાર્થિવ શરીરના 13 ફેબ્રુઆરી, રવિવારે સાંજે પુણેમાં સંપૂર્ણ શાસકીય સમ્માન સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. બજાજ ગ્રુપના ભૂતપૂર્વ ચેરમેન અને 83 વર્ષીય રાહુલ બજાજનું ગઈ કાલે બીમારીને કારણે પુણેની હોસ્પિટલમાં નિધન થયું હતું. રાષ્ટ્રીય તિરંગામાં વીંટાળેલા એમના પાર્થિવ શરીરને પુણેમાં એમના નિવાસસ્થાનેથી વૈકુંઠ સ્મશાનભૂમિ ખાતે લઈ જવામાં આવ્યું હતું. અંતિમસંસ્કાર પૂર્વે પોલીસજવાનો દ્વારા હવામાં ગોળીબાર કરીને દિવંગતને બંદૂકની સલામી આપવામાં આવી હતી.

અંતિમ સંસ્કાર વખતે મહારાષ્ટ્રના ગૃહ પ્રધાન દિલીપ વળસે-પાટીલ, પર્યટન પ્રધાન આદિત્ય ઠાકરે, એનસીપીનાં સંસદસભ્ય સુપ્રિયા સુળે, યોગગુરુ બાબા રામદેવ તથા અન્યો ઉપસ્થિત રહ્યાં હતાં. 1980ના દાયકામાં બજાજ ગ્રુપ દેશમાં સ્કૂટરની સૌથી મોટી ઉત્પાદક રહી હતી. રાહુલ બજાજના નેતૃત્ત્વ હેઠળ બજાજ ગ્રુપે ઘણી સિદ્ધિઓ હાંસલ કરી હતી. એમણે ચેરમેન પદ છોડ્યા બાદ એમના પુત્ર રાજીવ બજાજ તે સંભાળી રહ્યા છે. રાહુલ બજાજ 2006-10 સુધી રાજ્ય સભાના સદસ્ય હતા. ભારત સરકારે એમને 2001માં પદ્મભૂષણ પુરસ્કારથી સમ્માનિત કર્યા હતા.

(તસવીર સૌજન્યઃ @airnews_pune)