GalleryEvents સ્વદેશી ટેક્નોલોજીથી નિર્માણાધીન યુદ્ધજહાજ ‘સૂરત’ના શિખરનું અનાવરણ November 7, 2023 ભારતીય નૌકાદળ દ્વારા સ્વદેશી ટેક્નોલોજીથી બનાવવામાં આવી રહેલા યુદ્ધજહાજ સૂરતના શિખર (CREST – પ્રતીક ચિન્હ)નું 6 નવેમ્બર, સોમવારે સુરત શહેરમાં આયોજિત એક કાર્યક્રમમાં ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ દ્વારા અનાવરણ કરવામાં આવ્યું હતું. એ પ્રસંગે નૌકાદળના વડા એડમિરલ આર. હરિકુમાર, વેસ્ટર્ન નેવલ કમાન્ડના ફ્લેગ ઓફિસર કમાન્ડિંગ ઈન ચીફ વાઈસ-એડમિરલ દિનેશ કુમાર ત્રિપાઠી, ગુજરાત નેવલ એરિયાના ફ્લેગ ઓફિસર કમાન્ડિંગ રીયર એડમિરલ અનિલ જગ્ગી તથા ભારતીય નૌકાદળ તેમજ ગુજરાત સરકારના વરિષ્ઠ મહાનુભાવો અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. સુરત શહેર તેના ભવ્ય સમુદ્રી ઈતિહાસ અને જહાજ નિર્માણના વારસા માટે પ્રખ્યાત છે અને માટે જ આ યુદ્ધજહાજને ‘સૂરત’ નામ આપવામાં આવ્યું છે. ‘સૂરત’ યુદ્ધજહાજ નિર્દેશિત મિસાઈલ વિધ્વંસક છે, જે સ્વદેશી ટેક્નોલોજી વડે બાંધવામાં આવી રહેલું ચોથું યુદ્ધજહાજ છે. આ જહાજનું વિશિષ્ટ એવી બ્લોક કન્સ્ટ્રક્શન મેથોડોલોજીના ઉપયોગ વડે નિર્માણ કરવામાં આવી રહ્યું છે. આ જહાજ નેવલ ટેક્નોલોજી અને ક્ષમતાના ક્ષેત્રે ભારતીય નૌકાદળની મોટી છલાંગ તરીકે સાબિત થશે.