GalleryEvents વડા ન્યાયમૂર્તિ રમના વતનના ગામે બળદગાડામાં બેસીને ગયા December 24, 2021 દેશના ચીફ જસ્ટિસ (CJI) એન.વી. રમના અને એમના પત્ની 24 ડિસેમ્બર, શુક્રવારે આંધ્ર પ્રદેશના ક્રિષ્ના જિલ્લામાં આવેલા એમના વતનના ગામ પૂન્નાવરમ ખાતે ગયા હતા. પરંતુ તેઓ કોઈ મોંઘીદાટ કારમાં બેસીને કે ચોકિયાતોની મોટી ફોજ સાથે નહીં, પરંતુ એક બળદગાડામાં બેસીને ગયા હતા. આ વર્ષના એપ્રિલમાં દેશના વડા ન્યાયમૂર્તિ તરીકે નિયુક્ત થયા બાદ જસ્ટિસ રમના ગામની હદમાંથી બળદગાડામાં બેસી ગયા હતા અને ત્યાંથી ગામમાં ગયા હતા. ત્યાં ગામવાસીઓ અને જિલ્લા વહીવટીતંત્રના સભ્યોએ એમનું ભવ્ય સ્વાગત કર્યું હતું. રમના દંપતીએ ગામના મંદિરમાં દર્શન કર્યાં હતાં. જસ્ટિસ રમનાની મુલાકાતથી ગામમાં ઉત્સવ જેવું વાતાવરણ છવાઈ ગયું હતું. લોકકલાકારોએ પરંપરાગત વાદ્યો વગાડ્યા હતા તો નૃત્યકારોએ લોકનૃત્યો કર્યા હતા. જસ્ટિસ રમના ગામમાં ચારેક કલાક સુધી રહ્યા હતા અને ત્યાંથી વિજયવાડા શહેર ગયા હતા જ્યાં એમના માટે રોટરી ક્લબ ઓફ વિજયવાડા તરફથી એમના માટે સમ્માન સમારંભ યોજવામાં આવ્યો છે.