બાઈકિંગ ક્વીન્સનું સુરતમાં પુનરાગમન…

સુરતનિવાસી બાઈકિંગ ક્વીન્સ - ડો. સારિકા મહેતા અને ઋતાલિ પટેલ ભારતથી લંડન સુધીનો ઐતિહાસિક પ્રવાસ મિશન બાઈક ઉપર 89 દિવસમાં સફળતાપૂર્વક પૂર્ણ કર્યા બાદ 3 સપ્ટેંબર, મંગળવારે સુરત પાછાં ફર્યાં હતાં. એરપોર્ટ પર એમનું પરિવારજનો, સગાંસંબંધીઓ, મિત્રો, પ્રશંસકોએ ઉષ્માભર્યું અને ભવ્ય રીતે સ્વાગત કર્યું હતું.


બાઈકિંગ ક્વીન્સે તેમના ઐતિહાસિક પ્રવાસમાં 21 દેશોની મુલાકાત લીધી જેમાં તેમણે બાઈક્સ પર 3 મહાદ્વીપોમાં 21000 કિલોમીટર પણ વધારે અંતર કાપ્યું હતું, જેમાં તેમણે – 'રાઇડ ફોર વીમેન્સ પ્રાઈડ અને 'બેટી બચાવો, બેટી પઢાઓ' સંદેશો આપ્યો હતો. બાઈકિંગ ક્વીન્સની એક અન્ય સભ્ય - જિનલ શાહની બાઈક અને પાસપોર્ટ, પરમિટ ગુમાઈ જતાં એને મોસ્કોથી સ્વદેશ પરત ફરવું પડ્યું હતું.


બાઈકિંગ ક્વીન્સ મંગળવારે દિલ્હીમાં કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઈરાનીને મળ્યાં હતાં. એમની સાથે ભાજપના સંસદસભ્ય સી.આર. પાટીલ, ધારાસભ્યો શ્રીમતી સંગીતા પાટીલ, વિવેક પટેલ, કાંતિભાઈ બલર, કિરણ ઘોઘારી પણ હતાં અને દિલ્હીથી સાથે સુરત આવ્યાં હતાં. એ તમામે બાઈકિંગ ક્વીન્સનાં ઉમળકાભેર સ્વાગતમાં સામેલ થઈ એમને અભિનંદન આપ્યાં હતાં.


સી.આર. પાટીલે જણાવ્યું હતું કે, બાઈકિંગ ક્વીન્સે ભારત, ગુજરાત અને સુરતનું ગૌરવ વધાર્યું છે.


બાઈકિંગ ક્વીન્સનાં આ અનોખા સાહસ સાથે ‘ચિત્રલેખા’ મેગેઝિન મિડિયા પાર્ટનર તરીકે જોડાયું હતું એમની આ અનોખી સફરનાં પ્રત્યેક તબક્કાની લેટેસ્ટ માહિતી પ્રિન્ટ તેમજ ડિજિટલ ‘ચિત્રલેખા’ આપતું રહ્યું છે.