અમદાવાદ: ચોમાસાની આ ઋતુમાં વરસાદનો વધુ એક રાઉન્ડ શરુ થઇ ગયો છે. ગુજરાતના અનેક વિસ્તારો પર પાણીથી ભરચક વાદળો વરસી રહ્યાં છે. સોના કરતાંય મોંઘુ આકાશમાંથી પડતુ પાણી ખેડૂત સહિત સૌ માટે અનેક આશાઓ જન્માવે છે. પણ શહેરી વિસ્તારોમાં અવનવી સમસ્યાઓ શરુ થઇ જાય છે. શહેરના એકદમ નવા વિસ્તારો તેમજ પોશ વિસ્તારને અડીને જ આવેલા વિસ્તારોની સમસ્યાઓ ચોમાસામાં દેખાઇ જાય છે. આયોજન વગર કરેલા કામોના કારણે ઠેર ઠેર પાણી ભરાવાના તેમજ કાદવ કીચડ પ્રજા વેઠી રહી છે. અમદાવાદ શહેરનો ગોતા વિસ્તાર જે એકદમ એસ.જી.હાઇવેને અડીને આવેલો છે. આ વિસ્તારમાં એક ઔદ્યોગિક વિસ્તાર પણ આવેલો છે. ગોતા ઔદ્યોગિક વિસ્તારનો અમુક ભાગ ખાડા, કાદવ-કીચડથી ખદબદી રહ્યો છે. આ જ વિસ્તારમાં ચાંદલોડિયાથી શાયોના સિટીને જોડતો અંડરપાસ ઘણાં લાંબા સમયથી તૈયાર થઇ રહ્યો છે. સમગ્ર તંત્રની ઉદાસીનતાને કારણે આ વિસ્તારના રહીશો, ઉદ્યોગધંધા સાથે જોડાયેલા લોકો પારાવાર મુશ્કેલીઓ વેઠી રહ્યાં છે. નાની-મોટી ઇન્ડસ્ટ્રીઝ સાથે જોડાયેલા તેમજ અન્ય વ્યવસાય પર નભતાં હજારો લોકો આ વિસ્તારમાં વસે છે. પાણીના નિકાલનો અભાવ અને તૂટેલાં રસ્તાઓથી આ વિસ્તાર બેહાલી અનુભવી રહ્યો છે.
તસવીર-અહેવાલઃ પ્રજ્ઞેશ વ્યાસ