નેવી ડેઃ આદિત્ય ઠાકરેએ ‘સી હેરિઅર જેટ સ્મારક’નું ઉદઘાટન કર્યું…

4 ડિસેમ્બર, શુક્રવારે ભારતીય નૌકાદળ દિવસ (નેવી ડે)ની ઉજવણીના ભાગસ્વરૂપે મુંબઈમાં મહારાષ્ટ્રના પર્યાવરણ અને ટૂરિઝમ ખાતાના પ્રધાન આદિત્ય ઠાકરેએ બાન્દ્રા બેન્ડસ્ટેન્ડ જંક્શન વિસ્તારમાં ભારતીય નૌકાદળના જેટ વિમાન ‘સી હેરિઅર સ્મારક’નું ઉદઘાટન કર્યું હતું.

વિમાનની પ્રતિકૃતિને એવી રીતે મૂકવામાં આવી છે કે જેથી એનું મુખ અરબી સમુદ્ર તરફ રહે.

એ પ્રસંગે ફ્લેગ ઓફિસર કમાન્ડિંગ (મહારાષ્ટ્ર એરિયા) રીયર એડમિરલ વી. શ્રીનિવાસ તથા અન્ય અધિકારીઓ મુંબઈનાં મેયર કિશોરીતાઈ પેડણેકર પણ ઉપસ્થિત રહ્યા હતા. આ સ્મારક સ્થાનિક કોંગ્રેસી નગરસેવક આસીફ ઝકરીયાના પ્રયાસોથી તૈયાર કરવામાં આવ્યું છે.

સી હેરિઅર યુદ્ધવિમાનને ભારતીય નૌકાદળના આઈએનએસ વિરાટ યુદ્ધજહાજ પરથી ઓપરેટ કરવામાં આવતું હતું. 1983માં સી હેરિઅર વિમાનને નૌકાદળમાં સામેલ કરવામાં આવ્યું હતું. તે શોર્ટ ટેક-ઓફ્ફ અને વર્ટિકલ રીતે લેન્ડિંગ અને ટેક-ઓફ્ફ કરવા માટે સક્ષમ હતું.

આસીફ ઝકરીયાએ એમના ટ્વિટર પર લખ્યું છે કે આ સ્મારક ભારતીય નૌકાદળે મુંબઈને ભેટ આપ્યું છે, જે સશસ્ત્ર દળોના જવાનોએ દેશને આપેલી નિઃસ્વાર્થભાવની સેવાની આપણને કાયમ યાદ અપાવતું રહેશે.