Birthday Special: ગુજરાતી પરિવારની આ વહુરાણી છે OTTની ક્વિન

મુંબઈ: બોલિવૂડની સુંદર અભિનેત્રી શેફાલી શાહને આજે કોઈ પરિચયની જરૂર નથી. તેણે પોતાના અભિનયના દમ પર બોલિવૂડમાં પોતાની એક અલગ ઓળખ બનાવી છે. મહારાષ્ટ્રના મુંબઈમાં 22 મે 1973ના રોજ જન્મેલી શેફાલી આજે પોતાનો જન્મદિવસ મનાવી રહી છે. આજે અભિનેત્રીના જન્મદિવસ પર તેના જીવન સાથે જોડાયેલી કેટલીક રસપ્રદ વાતો વિશે જાણીએ.

શેફાલી શાહ તેના માતા-પિતાનું પ્રિય સંતાન છે. બંનેએ તેને ખૂબ જ પ્રેમ અને લાડથી ઉછેરી છે. શેફાલી નાનપણથી અભિનય કરવા માંગતી હતી અને પછી તેણે આ ક્ષેત્રને પોતાનું કાર્યક્ષેત્ર બનાવ્યું.

અભિનેત્રીએ ફિલ્મ ‘રંગીલા’થી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર હિટ રહી હતી અને આ ફિલ્મમાં તે ઉર્મિલા માતોંડકર અને આમિર ખાન સાથે જોવા મળી હતી.

શેફાલી શાહે ઘણી ફિલ્મોમાં કામ કર્યું, પરંતુ તેને OTT પર જે સફળતા મળી તે ફિલ્મોમાં નહોતી મળી. તે ફિલ્મોમાં અક્ષય કુમારની માતાના રોલમાં પણ જોવા મળી છે. ફિલ્મોમાં તેમની ભૂમિકાઓ માટે તેમને ઘણા પુરસ્કારો પણ મળ્યા, પરંતુ અભિનયની ભૂખ તેમને OTT તરફ ખેંચી ગઈ.

શેફાલી શાહને OTTની ક્વીન માનવામાં આવે છે. તેણે ઘણા હિટ શોમાં કામ કર્યું છે. અભિનેત્રીના શો ‘દિલ્હી ક્રાઈમ’એ OTTના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. શોની બીજી સિઝનને આંતરરાષ્ટ્રીય એમી નોમિનેશન મળ્યું. શેફાલી ‘દિલ્હી ક્રાઈમ’માં પોલીસ ઓફિસર વર્તિકા ચતુર્વેદીના રોલમાં જોવા મળી હતી.

શેફાલી શાહના અંગત જીવન વિશે વાત કરીએ તો શેફાલી શાહ તેના પતિ ફિલ્મ નિર્દેશક વિપુલ શાહ સાથે સુખી જીવન જીવી રહી છે. વિપુલ શાહે તેને ઘણો સાથ આપ્યો છે.વિપુલ શાહ મૂળ ગુજરાતી છે. તેમણે કરિયરની શરૂઆત ગુજરાતી નાટકથી કરી હતી. અભિનેત્રીના આ બીજા લગ્ન છે. શેફાલીના પહેલા લગ્ન હર્ષ છાયા સાથે થયા હતા.

(તમામ તસવીર: શેફાલી શાહ ઈન્સ્ટાગ્રામ)