GalleryCulture સ્વાતંત્ર્ય દિનની પૂર્વ સંધ્યાએ માણો… લાલ કિલ્લાના નવલાં આકર્ષણો: રેડ ફોર્ટ સેન્ટર, જયહિંદ સાઉન્ડ-લાઈટ શો August 14, 2023 સમગ્ર ભારત દેશ અને તમામ ભારતવાસીઓ 15 ઓગસ્ટ, મંગળવારે દેશનો 77મો સ્વાતંત્ર્ય દિવસ ઉજવશે. કેન્દ્ર સરકારના ઉપક્રમે ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ અંતર્ગત દેશભરમાં વિવિધ પ્રકારે ઉજવણી કરવામાં આવી રહી છે. સ્વતંત્ર ભારતના સાર્વભૌમત્વ અને સત્તાનું પ્રતીક બની રહ્યો છે નવી દિલ્હીનો લાલ કિલ્લો. દિલ્હીમાં કોઇ ફરવા આવે અને લાલ કિલ્લાની મુલાકાતે ન જાય એવું બને જ નહીં. આ ઐતિહાસિક લાલ કિલ્લા ખાતે પર્યટકો અને મુલાકાતીઓ માટે વિઝિટર સેન્ટર અને સાઉન્ડ એન્ડ લાઈટ શો નવાં આકર્ષણો બન્યાં છે. રેડ ફોર્ટ સેન્ટરનું ઉદઘાટન 2022ના જુલાઈમાં કરવામાં આવ્યું હતું જ્યારે આ વર્ષના જાન્યુઆરીમાં કેન્દ્રિય ગૃહ પ્રધાન અમિત શાહે સાઉન્ડ એન્ડ લાઈટ શોનું ઉદઘાટન કર્યું હતું. લાલ કિલ્લાની જાળવણીનું કામ 2018ની સાલથી ઉદ્યોગ જૂથ દાલમિયા ભારતને સોંપવામાં આવ્યું છે. દાલમિયા ભારત જૂથના નવીદિલ્હીસ્થિત કમ્યુનિકેશન વિભાગનાં ડેપ્યુટી જનરલ મેનેજર પૂજા ભારદ્વાજે ‘ચિત્રલેખા’ને જણાવ્યું કે, , ‘અમારા માટે આ બિઝનેસ નથી. લાલ કિલ્લામાં જે કાંઇ પ્રકલ્પો ગ્રુપ દ્વારા હાથ ધરાયા છે એ ગ્રુપના સભ્યતા ફાઉન્ડેશનની સીએસઆર પ્રવૃત્તિનો ભાગ છે.’ આ પ્રકલ્પો એટલે રેડ ફોર્ટ સેન્ટર અને સાઉન્ડ એન્ડ લાઇટ શો. સેન્ટરમાં અતિઆધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને એને શક્ય એટલું ઇન્ટએક્ટીવ બનાવવામાં આવ્યું છે, જેથી આપણા જૂના-પુરાણા મ્યુઝીયમ જેવો કંટાળો ન આવે. પહેલા માળે જે પ્રદર્શની છે એ સફર, જિંદગી, તારીખ અને હમ એક હૈ એમ જૂદા જૂદા વિભાગમાં વહેંચી નખાયેલ છે. ડિસેમ્બર, 2022થી અહીં માતૃભૂમિ નામે એક નવો શો ઉમેરાયો છે. પ્રોજેક્શન મેપિંગની મદદથી આ શો મુલાકાતીઓને પ્રાચીન હરપ્પનકાળથી શરૂ કરીને વેદિક યુગ, મૌર્ય-ચૌલા અને ગુપ્તા વંશના ભારતની ઝલક દર્શાવે છે. જયહિંદ સાઉન્ડ એન્ડ લાઇટ શોમાં સત્તરમી સદીથી લઇને અત્યાર સુધીના ભારતના ઇતિહાસનું કલાત્મક ચિત્રણ રજૂ કરાયું છે. પ્રોજેક્શન મેપિંગ, ફિલ્મ્સ, સાઉન્ડ ઇફેક્ટ, સ્ટેજ પર કલાકારોનું જીવંત પરફોર્મન્સ, નૃત્ય અને પપેટ્રી જેવા કલાના વિવિધ માધ્યમોનું યોગ્ય સંયોજન અદભુત રીતે કરવામાં આવ્યું છે. આ શોનું સૌથી મોટું આકર્ષણ એ છે કે એની કોમેન્ટરી માટે અવાજ અમિતાભ બચ્ચને આપ્યો છે. વિખ્યાત નૃત્યાંગના અને કોરિયોગ્રાફર મૈત્રેયી પહારીએ ડિરેક્ટ કરેલા આ શોમાં વક્ત એટલે કે સમયની ભૂમિકામાં બચ્ચનસા’બ દર્શકોને નોબતખાના, દીવાન-એ-આમ, દીવાન-એ-ખાસમાં ખેંચી જાય છે. કથક નૃત્ય તમને એ જમાનાની ઉજવણીમાં ખેંચી જાય છે, તો એ પછી સ્ટેજ પર તમારી સામે દીવાન-એ-ખાસ જીવંત થાય છે. વાયોલિનવાદક શરદચંદ્ર શ્રીવાસ્તવનું સંગીત, પપેટિયર દાદી પુદુમજી સહિત સાંઇઠ કલાકારો એક કલાકના આ શોથી મુલાકાતીઓને મંત્રમુગ્ધ કરી દે છે. લાલ કિલ્લાની એન્ટ્રી ફી ચૂકવ્યા પછી આ સેન્ટર કે શો જોવા માટે મુલાકાતીઓએ અલગથી ફી ચૂકવવી પડે છે. આની આવકમાંથી અમુક રકમ એએસઆઇને ચૂકવવામાં આવે છે, જ્યારે બાકીની રકમ એની જાળવણી-સંભાળ પાછળ ખર્ચવામાં આવે છે.