મુંબઈ ગણેશોત્સવઃ ચાલીસંસ્કૃતિ દર્શાવતા સેટમાં ગણપતિબાપાની પધરામણી…

ગણપતિબાપા મોરયા… મુંબઈનો ગણેશોત્સવ શ્રદ્ધાળુઓની શ્રદ્ધાની સાથે ગણપતિબાપાની મૂર્તિઓ અને મંડપના સાજ-શણગારમાં વિવિધતા માટે પણ પ્રખ્યાત છે. દર વર્ષે, દરેક સાર્વજનિક ગણેશ મંડળમાં કે રહેણાંક સોસાયટીઓના ગણપતિ ઉત્સવમાં કે વ્યક્તિગત ભક્તોને ત્યાં ભગવાન ગણપતિની મૂર્તિના કદ અને મંડપ-મંદિરના સેટમાં વિવિધ પ્રકારના થીમ-ડેકોરેશન જોવા મળે. આ માટે પ્રશંસા કરવી પડે કલાકારો અને કળાના પ્રેમીઓના દિમાગની. મુંબઈના પરેલ ઉપનગરમાં આવેલી એક રહેણાંક ચાલીના મકાનના બે યુવાનબંધુએ દર વર્ષની માફક આ વખતે પણ એમના ઘરમાં ગણપતિની મૂર્તિની સ્થાપના કરી છે. આ વખતે એમણે ડેકોરેશન માટે ચાલીના મકાનનો જ સેટ બનાવ્યો છે અને એમાં બાપાની ભવ્ય મૂર્તિને બેસાડી છે. ઉલ્લેખનીય છે કે જૂના મુંબઈની ઓળખ રહેવાસી ચાલવાળા મકાનો માટે જાણીતી છે. દસ બાય દસ ફૂટની અસંખ્ય ઓરડીઓવાળી ચાલી બે-ત્રણ માળના મકાન હોય જેમાં ગણપતિબાપાની મૂર્તિની સ્થાપના કરીને શ્રદ્ધાળુઓ ગણેશોત્સવ પૂરા ઉત્સાહથી ઉજવે. પરાગ સાવંત અને એમના ભાઈએ એમના ઘરમાં સ્થાપિત કરેલી ગણપતિબાપાની મૂર્તિ માટે ચાલીસંસ્કૃતિનો સેટ બનાવ્યો છે. પરાગ સાવંત પોતે એક આર્ટિસ્ટ છે અને જે.જે. સ્કૂલ ઓફ આર્ટના વિદ્યાર્થી છે. એમણે જ આ ચાલસંસ્કૃતિ ડેકોરેશન તૈયાર કર્યું છે. જુઓ તો ખરા, બાપાનો કેવો ઠસ્સો છે… (તસવીરોઃ દીપક ધુરી)

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]