નવી દિલ્હીઃ છત્તીસગઢના બસ્તરમાં સુરક્ષા દળોએ પાંચ માઓવાદીઓને ઠાર કર્યા હતા. આ અથડામણમાં બે જવાન પણ ઘાયલ થયા હતા. સુરક્ષા દળો અને માઓવાદીઓની વચ્ચે અથડામણ બસ્તર જિલ્લાના અબૂઝમાડનાં જંગલોમાં થઈ હતી. આ વિસ્તાર છત્તીસગઢના બસ્તર સંભાગના કાંકેર-નારાયણપુર જિલ્લાની સરહદની બાજુમાં છે.
આ અથડામણ સ્થળે સુરક્ષા કર્મચારીઓએ પાંચ હથિયાર અને વિસ્ફોટક જપ્ત કર્યા છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે માઓવાદી હુમલામાં બે DRG જવાન પણ ઘાયલ થયા છે. આ ઘાયલ જવાનોને રાયપુર લઈ જવામાં આવ્યા હતા. બસ્તર રેન્જના પોલીસ અધિકારી પી. સુંદરરાજે જણાવ્યું હતું કે જંગલોમાં અથડામણ જારી છે અને થોડી-થોડી વારે ગોળીબાર થતો રહે છે.
કાંકેરના સરહદી જંગલો અને અબૂઝમાડના ઉત્તરમાં માઓવાદીઓની હાજરી વિશે ખાસ સૂચના મળ્યા પછી જિલ્લા રિઝર્વ ગાર્ડ, વિશેષ કાર્ય બળ અને સીમા સુરક્ષા દળના સુરક્ષા કર્મચારીઓની એક સંયુક્ત ટીમ માઓવાદીવિરોધી ઝુંબેશ પર નીકળી હતી.
છત્તીસગઢમાં સુરક્ષા દળોની કામગીરી વિશે ગૃહ મંત્રી અમિત શાહે કહ્યું હતું કે છત્તીસગઢમાં સુરક્ષા દળોના ઓપરેશનમાં નક્સલીઓ માર્યા ગયા છે. આ ઓપરેશનને સફળ બનાવનારા તમામ સુરક્ષા કર્મચારીઓને શાબાસી આપું છું અને જે વીર પોલીસ જવાનો ઘાયલ થયા છે, તેઓ ઝડપથી સ્વસ્થ થવાની કામના કરું છું.
અમિત શાહે કહ્યું હતું કે નક્સલવાદ વિકાસ, શાંતિ અને યુવાનોના ઉજ્જ્વળ ભવિષ્યનો સૌથી મોટો દુશ્મન છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીજીના નેતૃત્વમાં અમે દેશને નક્સલવાદના દંશથી મુક્ત કરવા માટેનો સંકલ્પ કર્યો છે.