સાચી સંપત્તિ માણસને નમ્ર બનાવે છે

ફક્ત પૈસો આછકલાઈ લાવે છે,

સાચી સંપત્તિ માણસને નમ્ર બનાવે છે

આરતીનો જન્મ અને ઉછેર વડોદરામાં સાધન-સંપન્ન પરિવારમાં થયો હતો. એણે શ્રીમંત પરિવારનાં સંતાનો ભણતાં હોય એવી પ્રતિષ્ઠિત અંગ્રેજી માધ્યમ શાળામાં શિક્ષણ મેળવ્યું હતું. સમૃદ્ધિ હોવા છતાં આરતીના ઘરમાં સાદગી અને નમ્રતાનું વાતાવરણ હતું. તેને કારમાં શાળાએ લઈ જવાને બદલે સાઇકલ આપવામાં આવી હતી. તેના મિત્રો રજાઓ વિદેશમાં ગાળતા, જ્યારે તેના કુટુંબે નક્કી કર્યું હતું કે તેઓ પહેલાં આખું ભારત ફરી લેશે અને પછી વિદેશ જશે. આથી તેઓ વૅકેશનમાં ભારતનાં અલગ અલગ સ્થળોએ પ્રવાસે જતા. તેનાં માતાપિતાએ પણ તેને સમજાવ્યું હતું, આપણે દર વર્ષે ચોક્કસપણે વિદેશ જઈ શકીએ છીએ, પરંતુ ભારતભ્રમણ કરીશું તો આપણી પોતાની સંસ્કૃતિને વધુ સારી રીતે સમજી શકશું અને તેના પ્રત્યે આદરની ભાવના નિર્માણ થશે. આપણો સાંસ્કૃતિક વારસો અને વૈવિધ્ય દુનિયામાં અજોડ છે.

આટલું સમજાવ્યું હોવા છતાં આરતી પોતાના સહાધ્યાયીઓ સાથે સરખામણી કરતી. તેને પણ કારમાં સ્કૂલે જવું, વિદેશમાં વૅકેશન માણવું, શાનદાર બર્થડે પાર્ટીઓ કરવી, વગેરે બધાની ઈચ્છા થતી. કાળક્રમે તેનામાં એક પ્રકારે લઘુતાગ્રંથિ જન્મી.

ઘરમાં ભણતર માટે પ્રોત્સાહક વાતાવરણ હોવાને લીધે આરતીએ સ્નાતક પરીક્ષા પાસ કરી અને મૅનેજમેન્ટનું શિક્ષણ લીધું. પછીથી અનુસ્નાતક અભ્યાસ માટે એ વિદેશની વિદ્યાપીઠમાં ગઈ. પાછા આવ્યા બાદ મુંબઈમાં જગવિખ્યાત બહુરાષ્ટ્રીય કંપનીમાં તેને ઉંચા પગારે કામ પણ મળી ગયું. જો કે, આ તબક્કે તેની લઘુતાગ્રંથિ તેના વ્યવહારમાં દેખાવા લાગી. એણે વૈભવી જીવન જીવવાનું શરૂ કર્યું અને ઑફિસની નજીક ઉચ્ચભ્રૂ વિસ્તારમાં ઘર ભાડે રાખ્યું. સાથે જ મોટી કાર ખરીદી અને શૉફર રાખ્યો. એણે મોંઘી હોટેલોમાં જમવા જવાનો જાણે ક્રમ બનાવી લીધો અને કપડાંની ખરીદી હંમેશાં ડિઝાઇનરો પાસેથી જ કરવાનું રાખ્યું. રજા મળે ત્યારે એ વડોદરા જતી અને ક્યારેક બિઝનેસ ક્લાસમાં પ્રવાસ કરતી.

આ આરતી અમારી પાસે કન્સલ્ટેશન માટે આવી ત્યારે અમે જોયું કે એમ તો એણે ચાદર પ્રમાણે સોડ તાણી હતી, પરંતુ જો નકામા ખર્ચ ઓછા કરી દે તો ઘણી બચત અને રોકાણ કરી શકે છે. તેની ઉંમર એ વખતે 29-30ની હશે. એ સમયે સંપત્તિસર્જન માટે તેની પાસે પુષ્કળ અવકાશ હતો. અમે તેની ખર્ચાળ રહેણીકરણી તરફ ધ્યાન દોર્યું તો એણે કબૂલ્યું કે પોતાના હાથમાં પૈસા આવવા લાગ્યા ત્યારે એણે શાળાના સમયે મિત્રોની સરખામણીમાંથી જન્મેલી ભાવનાને કારણે રોકટોક વગર ખર્ચ કરવાનું શરૂ કર્યું. એણે એક દિવસ મને કહ્યું, મારા પરિવારે શ્રીમંતાઈ હોવા છતાં બાળપણમાં મને જેનાથી વંચિત રાખી એ બધું જ ભૌતિક સુખ ભોગવી લેવાની મારી ઈચ્છા છે.

વાતવાતમાં જાણવા મળ્યું કે આરતીએ ઑફિસમાં કેટલાક સહયોગીઓને નાણાં ઉછીનાં આપ્યાં હતાં અને એ પાછાં લેવા તરફ ક્યારેય ધ્યાન આપ્યું નહતું. પોતે પૈસેટકે સુખી છે એવું બધાને બતાવવાની તેની માનસિકતા હતી. એણે આ રીતે પોતાનો અહમ્ સંતોષ્યો હતો. આ જ માનસિકતાને લીધે તેના જીવનમાં સંપત્તિસર્જન થઈ શકતું ન હતું.

ઉંચા પગારને કારણે તેનામાં ગુમાન આવી ગયું હતું. અમારાં સંપર્કમાં આવ્યા બાદ એણે પોતાના જીવનમાં પરિવર્તન આણ્યું અને હવે એણે ઘણી બચત અને રોકાણ કરી લીધાં છે.

આરતીના ઉદાહરણ પરથી જોઈ શકાય છે કે મનમાં સુષુપ્ત રહેલી લાગણીઓ કઈ રીતે મનુષ્યના વર્તનમાં ડોકાય છે અને નાણાકીય જીવનમાં કઈ રીતે ગરબડ સર્જે છે. સંપત્તિને પચાવી લેવાનું ખરેખર અઘરું હોય છે. આથી તેના વિશેની યોગ્ય સમજ વિકસે એ આવશ્યક છે.

અહીં ધનવાન અને કુલીન એ બન્ને શબ્દો વચ્ચેનો તફાવત યાદ આવે છે. અંગ્રેજીમાં ઉક્તિ છે – “Money talks, wealth whispers.” અર્થાત્ ફક્ત પૈસો આછકલાઈ લાવે છે, સાચી સંપત્તિ માણસને નમ્ર બનાવે છે.

(લેખક દેશના જાણીતા ફાઈનાન્સિયલ પ્લાનર છે. ફાઈનાન્સિયલ પ્લાનિંગ સંબંધિત વિષયો એમણે ઘણા લેખો-પુસ્તકો લખ્યા છે. આર્થિક આયોજન અને રોકાણ સંબંધિત સેમિનારોમાં એ વક્તા તરીકે જોવા-સાંભળવા મળે છે. ‘યોગિક વેલ્થ’ નામનું એમનું પુસ્તક ખૂબ લોકપ્રિય બન્યું છે. યોગના અભ્યાસી અને શિસ્તબધ્ધ જીવનશૈલી ધરાવતા લેખકના અનુભવનો નીચોડ આ લખાણોમાં દેખાઇ આવે છે.)

(આપનાં મંતવ્યો અને સવાલો જણાવો gmashruwala@gmail.com)