આપણે બધા વર્તમાનમાં જીવીએ છીએ કે ભવિષ્યમાં? આપણે વર્તમાનમાં શ્વાસ તો લઈ રહ્યા છીએ, પરંતુ આપણું મન
હંમેશાં ભૂતકાળ કે ભવિષ્યના વિચારમાં ખોવાયેલું રહે છે. માત્ર તમે નહીં, હું પણ આવું જ કરું છું. હકીકતમાં, આવા વિરોધાભાસી વર્તનને લીધે સમસ્યાઓ સર્જાય છે. જે દિવસે આપણા શ્વસન અને વિચારો બન્ને વર્તમાનકાળમાં હશે ત્યારે આપણું જીવન સુમેળભર્યું, પ્રસન્નતાપૂર્ણ તથા શાંતિપૂર્ણ બનશે.
આપણું મન અને વિચારો જ્યારે ભવિષ્યમાં પરોવાયેલાં હોય ત્યારે તેને અપેક્ષાઓ કહેવાય. તેમાંથી ઈચ્છાઓ સર્જાય છે અને ઈચ્છાઓ પૂરી થાય તો કંઈક સિદ્ધ કર્યાની લાગણી થાય છે. જોકે, એમાં પૂરેપૂરી શક્યતા છે કે એ સિદ્ધિને લીધે મળનારું સુખ હંગામી હશે અને વળી પાછી ભવિષ્ય તરફ દોટ મૂકવામાં આવશે. જો ઈચ્છાઓ પૂરી નહીં થાય તો નિરાશા આવશે અને તેને પગલે ડિપ્રેશન સુધીની નોબત આવી શકે.
બીજી બાજુ, જો આપણે ભૂતકાળના વિચારોમાં વ્યસ્ત રહીએ તો વર્તમાન અને ભૂતકાળની તુલના થવા માંડે છે. તેને લીધે કાં તો સારું લાગી શકે છે અથવા ઉદાસી આવી શકે છે. અહીં દરેક જગ્યાએ મેં ‘આપણે’ શબ્દ વાપર્યો છે, કારણ કે હું પણ એમાં આવી જાઉં છું.

આપણે વર્તમાનમાં જ શ્વસન કરીએ અને મન તથા વિચારો વર્તમાનના જ હોય એવી સ્થિતિ પ્રાપ્ત કરવાનું અશક્ય નથી. જોકે, એના માટે ઘણી જહેમત ઉઠાવવી પડે છે. આપણે તેના માટે મનને કેળવવાની જરૂર હોય છે અને એમાં યોગ્ય ગુરુ કે માર્ગદર્શકની પણ જરૂર પડે છે અને એમાં ઘણો સમય લાગી જાય છે.
કોઈ ગુરુ મળી જાય ત્યારે એમના પ્રત્યે પૂર્ણ સમર્પણભાવ કેળવી લેવો. તેઓ જે કહે એ કરતાં જવું. એમનામાં સંપૂર્ણ વિશ્વાસ રાખવો. અહીં ખાસ કહેવાનું કે વિશ્વાસ હંમેશાં પૂરેપૂરો હોય છે, અધૂરો નહીં. તમે કોઈના પર પૂરેપૂરો વિશ્વાસ મૂકો અથવા તો જરાય વિશ્વાસ ન હોય. “હું એમના પર ક્યારેક વિશ્વાસ મૂકું છું અને ક્યારેક નહીં” એવું કહેવામાં આવે ત્યારે જાણે એવું કહેવામાં આવતું હોય છે કે “હું કોઈને ક્યારેક પ્રેમ કરું છું અને ક્યારેક કરતો નથી.” વાસ્તવમાં પ્રેમ અને વિશ્વાસ એ બન્ને વસ્તુ બિનશરતી હોય છે.
યોગિક વેલ્થ કહે છે કે આપણે વર્તમાન સ્થિતિનો બિનશરતી અને નિર્ભેળ આનંદ લેવો જોઈએ. એવું ત્યારે જ બને જ્યારે આપણે વર્તમાનમાં જીવતા હોઈએ. જો આપણા વર્તમાન જીવનમાં સુમેળ નહીં હોય તો સમસ્યા સર્જાશે અને એ સ્થિતિ દુઃખમાં પરિણમશે. સંપત્તિ અને ભૌતિક સુખ હોવા છતાં દુઃખમાં જીવવું એનો કોઈ અર્થ નથી.

આપણે આ લેખ દ્વારા એવું જરાય કહેવા માગતા નથી કે કોઈએ ભવિષ્ય માટે આયોજન કરવું જોઈએ નહીં કે ભવિષ્ય માટે કોઈ જોગવાઈ કરવી જોઈએ નહીં. ભવિષ્ય માટેનું આયોજન અને જોગવાઈ એ બન્ને આપણા અધિકાર અને જવાબદારી કહેવાય. એ કર્યા બાદ પણ કોઈ પણ ઈચ્છા કે અપેક્ષા વગર જીવવું અને બધું ઈશ્વર પર છોડી દેવું. એને યોગિક વેલ્થ કહી શકાય. આપણા માટે સારું શું છે અને યોગ્ય શું છે એની ખબર ભગવાનને હોય છે, આપણને ક્યારેય એની ખબર પડી શકતી નથી.
વર્તમાનમાં શ્વાસ લો, વર્તમાનમાં વિચારો અને મનને વર્તમાનમાં સ્થિર કરો અને બીજું બધું ભગવાન પર છોડી દો.
(લેખક દેશના જાણીતા ફાઈનાન્સિયલ પ્લાનર છે. ફાઈનાન્સિયલ પ્લાનિંગ સંબંધિત વિષયો એમણે ઘણા લેખો-પુસ્તકો લખ્યા છે. આર્થિક આયોજન અને રોકાણ સંબંધિત સેમિનારોમાં એ વક્તા તરીકે જોવા-સાંભળવા મળે છે. ‘યોગિક વેલ્થ’ નામનું એમનું પુસ્તક ખૂબ લોકપ્રિય બન્યું છે. યોગના અભ્યાસી અને શિસ્તબધ્ધ જીવનશૈલી ધરાવતા લેખકના અનુભવનો નીચોડ આ લખાણોમાં દેખાઇ આવે છે.)
(આપનાં મંતવ્યો અને સવાલો જણાવો gmashruwala@gmail.com)


