હાલમાં મેં ગૌર ગોપાલદાસને સાંભળ્યા. એમનાં અમુક પ્રવચનો અતિ સુંદર છે. એક વક્તવ્યમાં એમણે સુખ અને
ઉપયોગિતા મૂલ્ય વિશે વાત કરી છે. જે વસ્તુનું ઉપયોગિતા મૂલ્ય હોય એ વસ્તુ સુખ આપી શકે નહીં એ બાબતે એમણે ચર્ચા કરી હતી. એમણે કહ્યું હતું કે ઉપયોગિતા મૂલ્ય અને સુખ એ બન્નેની ભેળસેળ કરવી જોઈએ નહીં.
સૌથી પહેલાં એમણે શ્રોતાઓને પ્રશ્ન પૂછ્યો, “તમારામાંથી કેટલા લોકો માને છે કે પૈસાથી સુખ મળતું નથી?” મોટાભાગના લોકોએ હાથ ઉંચો કર્યો. એમનો બીજો સવાલ હતો, “તમારામાંથી કેટલા લોકો વધુ પૈસા પ્રાપ્ત કરવા માગે છે?” બીજા પ્રશ્નના જવાબમાં બધાએ હાથ ઉંચા કર્યા.
આપણને બધાને ખબર છે કે પૈસાથી સુખ મળતું નથી, છતાં આપણે વધુ પૈસા મેળવવા ઈચ્છીએ છીએ. આનું કારણ એ છે કે પૈસાથી ખરીદાતી વસ્તુઓ સુખ આપશે એવી આપણી ગેરસમજ છે. પૈસાથી ખરીદાતી વસ્તુઓની સાથે ઉપયોગિતા મૂલ્ય સંકળાયેલું છે. મર્સિડીઝ કારનું ઉપયોગિતા મૂલ્ય છે. એ આપણને એકથી બીજી જગ્યાએ સહેલાઈથી અને સુવિધાપૂર્વક લઈ જશે, પરંતુ એનાથી સુખની પ્રાપ્તિ નહીં થાય. આ જ રીતે, ઉપયોગિતા મૂલ્ય ધરાવતી મોટાભાગની વસ્તુઓ સુખ આપે એવું જરૂરી નથી. આથી જ ગૌર ગોપાલદાસે કહ્યું કે સુખને ઉપયોગિતા મૂલ્ય સાથે સાંકળવું જોઈએ નહીં.
આવી જ એક સરસ મજાની ચર્ચામાં સદગુરુએ આપણે મનુષ્યો શું નથી એના વિશે વાત કરી છે. એમનું કહેવું છે કે રાત્રે સૂવા જતાં પહેલાં આપણે એ વિચાર કરવો જોઈએ કે આપણે શું નથી. દા.ત. આપણે જે ઘરમાં રહીએ છીએ એ ઘર આપણે નથી, જે પથારીમાં સૂઈએ છીએ એ પથારી આપણે નથી અને જે કપડાં પહેરીએ છીએ એ પણ આપણે નથી.

ગૌર ગોપાલદાસ અને સદગુરુએ કહેલી વાતનું તાત્પર્ય સમજીએ તો કહી શકાય કે આપણે એવી કોઈ વસ્તુ નથી, જેનું કોઈ ઉપયોગિતા મૂલ્ય હોય. ઘર, પથારી, વસ્ત્રો, વાસણો, કાર, ફર્નિચર, વગેરે બધી વસ્તુઓનું ઉપયોગિતા મૂલ્ય છે અને આપણને એ બધાની જરૂર પણ છે, પરંતુ એનાથી સુખ મળતું નથી. સુખ બાહ્ય કોઈ વસ્તુથી નહીં, પણ અંદરથી ઊપજે છે.
યોગિક વેલ્થમાં પણ અંદરથી ઉત્પન્ન થતા સુખની વાત કહેવાઈ છે. આપણા બધામાં આત્મા વસેલો છે. શાંત આત્મા જ સુખ અપાવી શકે છે. એ રીતે મળતું સુખ કાયમી હોય છે અને આપણને પ્રસન્નતા અર્પે છે.
ઉપયોગિતા મૂલ્ય ધરાવતી વસ્તુઓ સુખ અપાવશે એવું માની લેવાથી આપણામાં એક અતૃપ્તિ પેદા થાય છે. તેને લીધે આપણે ઉપયોગિતા મૂલ્ય ધરાવતી વધુ ને વધુ વસ્તુઓ મેળવવાની અવિરત કોશિશ કરતાં રહીશું.
સદગુરુએ જે કહ્યું છે એ પ્રયોગ રોજની પ્રાર્થનામાં કરવા જેવો છે. અધ્યયન કરતાં રહેવાથી આપણને સમજાઈ જશે કે આપણે કંઈ ઉપયોગિતા મૂલ્ય ધરાવતી વસ્તુઓ નથી.

બ્રહ્માકુમારી શિવાની દીદીએ પણ એમના એક પ્રવચનમાં સરસ ઉદાહરણ આપ્યું હતું: “જો બીએમડબ્લ્યુ કારથી તમને સુખ મળતું હોય તો ચોક્કસ એની ખરીદી કરો. પછી જ્યારે પણ તમને અસુખ લાગે ત્યારે એ કારના દરવાજા ખોલો, અંદર બેસી જાઓ અને સુખ મેળવી લો.” શું આવું શક્ય છે? બસ, આ એક ઉદાહરણ પરથી ઘણો મોટો બોધ મળી જાય છે.
યોગિક વેલ્થમાં આપણે દર સપ્તાહે આ એક જ વસ્તુની ચર્ચા અલગ અલગ સ્વરૂપે કરીએ છીએ. વિષય એક જ છે, પણ એનાં ઉદાહરણ અલગ અલગ છે. આપણા સાધુસંતો અને વડવાઓ પણ આ વાતો કહી ગયા છે.
નવું વર્ષ આપ સૌને સુખી રાખે એવી પ્રાર્થના. ગૌર ગોપાલદાસ, સદગુરુ અને શિવાની દીદીએ કહેલી વાતો પ્રમાણે મહાવરો કરતાં રહો અને શક્ય હોય તો કોઈ ધર્મગ્રંથ કે શાસ્ત્ર વાંચવાનું રાખો.
(લેખક દેશના જાણીતા ફાઈનાન્સિયલ પ્લાનર છે. ફાઈનાન્સિયલ પ્લાનિંગ સંબંધિત વિષયો એમણે ઘણા લેખો-પુસ્તકો લખ્યા છે. આર્થિક આયોજન અને રોકાણ સંબંધિત સેમિનારોમાં એ વક્તા તરીકે જોવા-સાંભળવા મળે છે. ‘યોગિક વેલ્થ’ નામનું એમનું પુસ્તક ખૂબ લોકપ્રિય બન્યું છે. યોગના અભ્યાસી અને શિસ્તબધ્ધ જીવનશૈલી ધરાવતા લેખકના અનુભવનો નીચોડ આ લખાણોમાં દેખાઇ આવે છે.)
(આપનાં મંતવ્યો અને સવાલો જણાવો gmashruwala@gmail.com)


