(જેમ અશ્વપાલક અશ્વ આદિ પશુઓ માટે જવ તથા દૂધ આદિ પદાર્થોનો નિત્ય સંચય કરે છે, જેમ ગૃહસ્થજનોએ ઐશ્વર્યની વૃદ્ધિ કરીને સર્વને સુખી કરે. ધનના અભિમાનમાં કોઈની સાથે કદી ઈર્ષ્યા ન કરે. અન્યોની ઉન્નતિ સાંભળીને/જોઈને સદા આનંદ માણે.)
યજુર્વેદના સ્કંદ 11ની 75મી સંહિતાનો અર્થ અમુક અંશે ભગવદ્ ગીતાના અધ્યાય 16ના 12મા શ્લોક જેવો છે. બારમા શ્લોકનો ભાવાર્થ આપણે અગાઉના લેખમાં જોયો એ આ પ્રમાણે છેઃ
“સેંકડો ઇચ્છાઓથી બંધાયેલા અને કામ તથા ક્રોધથી દોરવાતા લોકો અનુચિત માર્ગે ધનનો સંગ્રહ કરવાનો પ્રયાસ કરે છે. આ બધું ઇન્દ્રિયોના ઉપભોગ માટે કરવામાં આવે છે.”
પોતાની સંપત્તિની તુલના અન્યોની મિલકત સાથે કરવાથી ઈર્ષ્યા, ઘમંડ, વગેરે લાગણીઓ પેદા થાય છે. કોઈની પણ સાથે સરખામણી કરવી એ હાથે કરીને દુખી થવાનું કામ છે. પોતાની સંપત્તિનો ક્યારેય ઘમંડ કરવો નહીં અને અન્યોની સંપત્તિ જોઈને ક્યારેય ઈર્ષ્યા કરવી નહીં. તેનું કારણ એ છે કે આ બન્ને લાગણીઓ નુકસાનકારક છે. તેનાથી આપણે પોતાની સંપત્તિનો ક્યારેય આનંદ માણી શકતા નથી. બીજાઓની પ્રગતિની વાતો સાંભળીને અને પ્રગતિ જોઈને આનંદ થવો જોઈએ. આમ કહેવું સહેલું છે; કરવું અઘરું છે, પરંતુ જો સુખી થવું હોય તો એ કરવું જરૂરી છે. યજુર્વેદના ઉપરોક્ત શ્લોકમાં આ જ વાત કહેવામાં આવી છે.
જો આપણને મર્સીડિઝ ચલાવવાનું ગમતું હોય તો તે ખરીદીને પછી જ ચલાવવી. વળી, એ ખરીદી પણ ઉછીનાં નાણાંથી નહીં, પોતાનાં નાણાંથી થયેલી હોવી જોઈએ. એ ખરીદી કર્યા પછી પણ જો માણસ બીજાના મોડેલ સાથે સરખામણી કરે તો એનાથી ઈર્ષ્યા અથવા ઘમંડ આવશે, જે હાનિકારક છે.
પૈસાની વાત આવે ત્યારે આપણું મગજ બહેર મારી જાય છે. સ્વામી વિવેકાનંદે આપણા મગજને દારૂ પીધેલા, વીંછીએ કરડેલા અને અહંકારનો રાક્ષસ ધરાવતા વાનર સાથે સરખાવ્યું છે. તેમણે એમ પણ કહ્યું છે કે એવા વાનરને કાબૂમાં રાખવાનું સહેલું છે, પણ આપણા મગજને નહીં.
અન્યોની સંપત્તિ સાથે પોતાની સંપત્તિની તુલના કરવાને બદલે સંપત્તિની અન્યો સાથે વહેંચણી કરવાનો આનંદ અનેરો હોય છે. તેનાથી માનસિક શાંતિ અને અંતરની પ્રસન્નતા પણ મળે છે. જોકે, વહેંચણી કરી તેનો ઘમંડ પણ કરવો જોઈએ નહીં, કારણકે જરાક અમથો ઘમંડ પણ મનની શાંતિ હણી લે છે.
બાઇબલમાં સરસ મજાની એક વાત કહેલી છેઃ “ગરીબ માણસને કંઈક આપનાર વ્યક્તિ ખરેખર તો ઈશ્વરને કંઈક આપે છે અને ભગવાન તેનો મોંબદલો આપે છે.” સામાજિક કાર્ય માટે કંઈક આપીએ ત્યારે આપણે ખરેખર તો ભગવાન વતી એમ કરી રહ્યા હોઈએ છીએ. આ રીતે જોઈએ તો આપણો ઘમંડ નિરર્થક છે. આપણે ભગવાન વતી આ કામ કરી રહ્યા હોવાથી આપણું ધ્યાન ભગવાન જ રાખે છે.
આપણાં શાસ્ત્રોમાં સાચે જ કહેવાયું છે કે સજ્જને સંપત્તિપ્રાપ્ત કરીને તેનો ઉપયોગ મનુષ્યજાતિના અને વિશ્વના કલ્યાણ અર્થે કરવો જોઈએ. જો સારા માણસો સંપત્તિ ભેગી નહીં કરે તો દુષ્ટો એ પ્રાપ્ત કરશે અને સમાજના વિધ્વંસ માટે તેનો દુરુપયોગ કરશે.
ઉપરોક્ત બધી વાતનો સારાંશ એટલો જ છે કે સંપત્તિનો સદુપયોગ સમાજના ભલા માટે કરીએ અને અન્યોની ઈર્ષ્યા ન કરીએ તો સંપત્તિ અખૂટ આનંદ આપે છે.
(લેખક દેશના જાણીતા ફાઈનાન્સિયલ પ્લાનર છે. ફાઈનાન્સિયલ પ્લાનિંગ સંબંધિત વિષયો એમણે ઘણા લેખો-પુસ્તકો લખ્યા છે. આર્થિક આયોજન અને રોકાણ સંબંધિત સેમિનારોમાં એ વક્તા તરીકે જોવા-સાંભળવા મળે છે. ‘યોગિક વેલ્થ’ નામનું એમનું પુસ્તક ખૂબ લોકપ્રિય બન્યું છે. યોગના અભ્યાસી અને શિસ્તબધ્ધ જીવનશૈલી ધરાવતા લેખકના અનુભવનો નીચોડ આ લખાણોમાં દેખાઇ આવે છે.)
(આપનાં મંતવ્યો અને સવાલો જણાવો gmashruwala@gmail.com)
