કાંદિવલીનું ‘પરિવર્તન પુસ્તકાલય’ કઈ રીતે બની ગયું ‘પુસ્તકોનું મંદિર’?

જીવનમાં સકારાત્મક બદલાવ લાવવા માટે અથવા જીવનમાં આવેલા બદલાવને સકારાત્મક દિશા આપવા માટે સૌથી જરૂરી છે આપણાં બ્રેઈનને એ માટે ટ્રેઈન કરવું. કોણ આપી શકે આવી ટ્રેનિંગ? આ માટે સૌથી શ્રેષ્ઠ કોઈ ટ્રેઈનર/શિક્ષક હોય તો એ છે પુસ્તકો. દુનિયાના કોઈ પણ ક્ષેત્રમાં સફળ થયેલા મોટા ભાગનાં લોકોનું પુસ્તકો માટે આવું જ માનવું છે. પુસ્તકાલયમાં જે ઊર્જા સંગ્રહિત હોય છે એ ઊર્જા જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે. તો ચાલો, આજે આપણે લટાર મારીએ આવું જ પરિવર્તન લાવવાનાં ધ્યેય સાથે કાર્યરત વૈવિધ્યસભર પુસ્તકોનાં ભંડાર ધરાવતા “પરિવર્તન પુસ્તકાલય” માં… 

પુસ્તકો વાંચવાના શું ફાયદા થાય છે?

વાંચનના ફાયદા ગણવા એ આમ તો બહુ નિમ્ન કોટિનો વિચાર ગણાય, કેમ કે પુસ્તકોનું વાંચન કરવું એને તો આપણી સંસ્કૃતિમાં સરસ્વતીની આરાધના ગણાય છે. પણ આજનાં સંદર્ભમાં કેટલાંક દુન્યવી ફાયદા ગણાવવા હોય તો કહી શકાય કે પુસ્તકો તમને એકલા નથી પડવા દેતા. તેઓ એક સુજ્ઞ મિત્રની ગરજ સારે છે. પુસ્તકોનાં વાંચનથી વ્યક્તિની માનસિક ક્ષિતિજ વિસ્તરે છે, બૌધ્ધિક વિકાસ થાય છે. વાંચનથી શબ્દભંડોળ વધે છે, ભાષા સુધરે છે, કલ્પનાશક્તિ વિકસે છે, વ્યક્તિ વધુ સંવેદનશીલ બને છે, મગજની નિર્ણય લેવાની ક્ષમતામાં વૃધ્ધિ થાય છે. જે કોઈ પણ વિષયમાં રુચિ હોય એ વિષય વિષેની જિજ્ઞાસા સંતોષવાની ક્ષમતા પુસ્તકોમાં છે. પુસ્તકોનું વાંચન વ્યક્તિત્વનું ઘડતર કરીને તેનો વિકાસ કરવામાં બહુમૂલ્ય ફાળો પ્રદાન કરે છે, જેને પરિણામે એક સુસંસ્કૃત અને સંવેદનશીલ સમાજનું નિર્માણ શક્ય બને છે.

પુસ્તકથી જીવન પરિવર્તનનો માર્ગ :

જે જૂની પેઢી હજી વાંચન કરે છે એમની ભૂખ સંતોષવા અને નવી પેઢીને વાંચન તરફ વાળવાના એક  માત્ર ધ્યેયથી કાંદિવલીનું ‘પરિવર્તન પુસ્તકાલય’ વર્ષોથી કાર્યરત છે. આ પુસ્તકાલય સાથે લગભગ ૧૩ વર્ષથી સંકળાયેલા અહીંનાં લાયબ્રેરીયન અપેક્ષાબેન દેસાઇ કહે છે કે “લાયબ્રેરીમાં વિવિધ વિષયો ઉપર સાત હજારથી વધુ પુસ્તકો ઉપલબ્ધ છે, જેમને વાંચવાનો લહાવો વાચક પોતાની રુચિ પ્રમાણે લઈ શકે છે. આ પુસ્તકાલયની ખાસિયત એ છે કે આબાલવૃધ્ધ બધા જ માટે એમની રુચિ પ્રમાણે અહીં પુસ્તક મળી રહે છે. જો કોઈ પુસ્તક ન પણ હોય તો એ પુસ્તક વાચકની ડિમાંડ મુજબ મંગાવી આપવામાં આવે છે, નવા પુસ્તકોનો સતત ઉમેરો થતો જ રહે છે.’ પુસ્તકાલયમાં નવલિકા-નવલકથાઓ, આરોગ્ય, જ્યોતિષ, પ્રવાસ, વાર્તાઓ,કવિતાઓ,ધાર્મિક, આધ્યાત્મિક, ઐતિહાસિક, બિઝનેસ અને ફાયનાન્સ, એન્સાઈક્લોપીડિયા, બાળવાર્તાઓ, વગેરે વિવિધ વિષયોનાં પુસ્તકો છે. શબ્દકોષની ખાણ ગણાય એવું દુર્લભ ભગવદ્ ગોમંડલ પણ પુસ્તકાલયમાં છે. જૂની અને નવી બંને પેઢીના લેખકોના પુસ્તકો ગુજરાતી અને ઈંગ્લિશ ભાષામાં ઉપલબ્ધ છે. દિનકર જોષી, ઝવેરચંદ મેઘાણી, ગુણવંત શાહ, ચંદ્રકાંત બક્ષી, સુરેશ દલાલ, હરિન્દ્ર દવે, ર. વ. દેસાઈ, પન્નાલાલ પટેલ, સૌરભ શાહ, અશ્વિની ભટ્ટ, હરકિશન મહેતા, હરીન્દ્ર દવે, વર્ષા અડાલજા, કાજલ ઓઝા-વૈદ્ય, શરદ ઠાકર, મહેશ યાજ્ઞિક, નિમિત્ત ઓઝા, વોરેન બફેટ, અમીષ ત્રિપાઠી, ચેતન ભગત અને બીજા ઘણા બધા અહીં તમને અક્ષરદેહે મળે છે. ઓશો-રજનીશના પુસ્તકોનો અલગ ખજાનો છે તેમ જ બાળકો માટેના ખાસ વિભાગમાં ઢગલાબંધ પુસ્તકો પણ છે. આ સિવાય વિવિધ લોકપ્રિય મેગેઝિન્સ પણ અહીં ઉપલબ્ધ છે. લાયબ્રેરીની સંચાલન ટીમના એક અન્ય સભ્ય પૂર્ણાબેન મોદી એક રિટાયર્ડ શિક્ષક છે. તેઓ કહે છે કે, ‘પુસ્તકાલય એ તો જ્ઞાનનું મંદિર છે અને પુસ્તક પરમ મિત્ર છે. જીવનની કોઈ પણ વિષમ પરિસ્થિતિઓમાં હંમેશા મારુ દુ:ખ પુસ્તકોએ જ વહેંચ્યું છે. માણસની જેમ પુસ્તક કોઈ દિવસ પોતાની નારાજગી વ્યક્ત ન કરે કે ક્રોધ ન કરે, પરંતુ તમને વાંચનનો આનંદ અને માર્ગદર્શન જ આપે છે.’ ગુજરાતીના શિક્ષિકા રહી ચુકેલા પૂર્ણાબેન પુસ્તકો વિશે દરેક વાચકને બહુ ભાવપૂર્વક માહિતી આપે છે.

પરિવર્તન પુસ્તકાલયની સંચાલક ટીમનાં સભ્યોઃ (ડાબેથી જમણે) અપેક્ષા દેસાઈ, જયના શર્મા, ઉર્વી ખિમસ્યા અને પૂર્ણા મોદી

તમારે શા માટે પરિવર્તન પુસ્તકાલયની મુલાકાત લેવી જોઈએ ?  

અહીંની મેમ્બરશીપ ફી બહુ જ નજીવી છે. આ પુસ્તકાલય સર્ક્યૂલેટિંગ સ્વરૂપે હોવાથી પુસ્તકો ઘરે લઈ જવાના હોય છે. એક સાથે બે પુસ્તકો અને બે મેગેઝિન અપાય છે. અહી લાયબ્રેરીયન્સની ટીમ બહુ ઉત્સાહી છે. તેઓ તમને જોઈતા પુસ્તકો શોધવામાં, તમારા રસનો વિષય જાણીને તમને કયું પુસ્તક ગમશે એ પણ સૂચન કરે છે. વાચકોની વાંચન ભૂખને સંતોષવાનું કામ આ ટીમ કરે છે. ટીમના બીજા એક સભ્ય જયના શર્મા કહે છે કે, ‘અહીં વાચકો આવીને બહુ ખુશ થાય છે કેમ કે, તેઓને પોતાના રસના પુસ્તકોનું મળે છે. તે કહે છે કે પરિવર્તન પુસ્તકાલયમાં આવીને લોકો વાંચે, વાંચનને કારણે એમની વિચારશક્તિ ખીલે, જે તેમના જીવનમાં સુપરિવર્તન લાવી શકે, તો એનાથી વિશેષ બીજું શું જોઈએ?’

મોબાઈલથી બાળકોને દુર કરવા હોય તો

અહીં બાળકોને વાંચતાં કરવા, વાંચનમાં એમનુ રસવર્ધન કરવા માટે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. આવા કાર્યક્રમમાં બાળકો પોતાને ગમતા પુસ્તકો અથવા પોતે વાંચેલા પુસ્તકો વિષે પોતાના વિચારો શેર કરી શકે છે. બાળકો-વિધાર્થીઓએ લખેલા પુસ્તકોનાં વિમોચનનો પણ કાર્યક્રમ અહીં યોજવામાં આવે છે એમ જણાવતા સંચાલન ટીમની સભ્ય ઉર્વી ખિમસ્યા કહે છે કે, ‘નાના મોટા દરેક માટે પુસ્તકો જ્ઞાનનો ખજાનો છે. પુસ્તકના સ્પર્શની અનુભૂતિ જ અલગ હોય છે. આજનાં બાળકોને મોબાઈલ ફોન છોડીને પુસ્તકો તરફ વાળવા માટે પુસ્તકાલય જેવુ બીજું કોઈ માધ્યમ નથી. પરિવર્તન પુસ્તકાલય આ દિશામાં ઘણા વર્ષોથી કાર્યરત  હોવાથી તેને સતત નવા સભ્યો પણ મળતા રહે છે.’

પરિવર્તન પુસ્તકાલય કયાં છે?:

પરિવર્તન પુસ્તકાલય કાંદિવલી એજ્યુકેશન સોસાયટી સંચાલિત ગુજરાતી ભાષા ભવનના નેજા હેઠળ કાર્યરત છે. આ ભાષા ભવનના અધ્યક્ષ સુવિખ્યાત સાહિત્યકાર-ચિંતક ડો. દિનકર જોષી છે. કાંદિવલીમાં અગાઉ જ્યાં દેવજી ભીમજી સ્કૂલ હતી, એ જગ્યાએ હવે કે.ઈ.એસ. પેરામેડિકલ સેન્ટર છે, જે દેવજી ભીમજી લેન, ઑફ મથુરાદાસ રોડ, લક્ષ્મી-નારાયણ મંદિરની સામેની ગલી, સહયોગ બેકરીની પાછળ, કાંદિવલી (વેસ્ટ) ખાતે છે. જોકે તે સપ્તાહમાં માત્ર ત્રણ દિવસ ખુલ્લું રહે છે. (શનિવાર અને રવિવાર સવારે ૧૦.૩૦ થી ૧૨.૩૦ અને બુધવારે સાંજે ૪ થી ૬). પુસ્તક મહત્તમ પંદર દિવસ માટે અપાય છે.અહી આવતા દરેક વાચક પણ આ પુસ્તકાલયને પોતીકું ગણે છે અને સારો સહયોગ આપે છે.

વિવિધ વાચક સભ્યો શું કહે છે?

સાચા આનંદનો માર્ગ પુસ્તકમાંથી મળે છેઃ સોનલ કાંટાવાળા

યુવા વાચક સભ્ય સોનલ કાંટાવાલા કહે છે, ‘તાજેતરમાં થયેલા એક સ્ટડી પ્રમાણે આજે એક વ્યક્તિનો સરેરાશ સ્ક્રીન ટાઈમ દિવસના ૩.૧૫ કલાક છે, એટલે કે એક વ્યક્તિ તેટલો સમય સરેરાશ ટીવી અને મોબાઈલનાં ઉપયોગમાં વાપરે છે. આ સમય મોટે ભાગે અર્થહિન પ્રવૃત્તિમાં વ્યતિત થાય છે, જેને કારણે આજે કોઈ વ્યક્તિ બે મિનિટથી વધુ એક વિષય પર ધ્યાન કેન્દ્રિત નથી કરી શકતી. આના માઠા પરિણામો ઘણા છે, જેમાં વિચારશક્તિ અને ધીરજનો અભાવ અને દિશાહીનતાને મુખ્ય ગણી શકાય. સ્ક્રીન ટાઈમનો આ અતિરેક શારીરિક અને માનસિક બંને માટે ઘાતક છે. આ પરિસ્થિતિ બદલવી હશે તો સ્ક્રીન ટાઈમના વળગણને છોડી પુસ્તકો પાસે જવું પડશે. ઘણા લોકોની એવી સમજ હોય છે કે મોબાઈલ પરથી પણ શીખી શકાય છે. હા,પરંતુ મારો અનુભવ કહે છે કે વિષયને ઊંડાણથી સમજવા માટે પુસ્તક જ જોઈએ. આથી જો તમે મોબાઈલ, ટીવી અને ઓટીટી વગેરેના આક્રમણમાંથી મુક્ત થઈને જીવનનો નિર્મળ આનંદ પ્રાપ્ત કરવા માંગતા હો, જીવનને એક નિશ્ચિત દિશામાં દોરી જવા માંગતા હો તો એવું કરવાની શરૂઆત કરવા માટે પુસ્તકો ઉત્તમ મિત્ર અને માર્ગદર્શક છે.’

સ્મિતાબેન ચિતલિયા

પરિવર્તન પુસ્તકાલય સાથે ૧૬-૧૭ વર્ષથી જોડાયેલા વરિષ્ઠ મહિલા વાચક સ્મિતાબેન ચિતલિયા કહે છે કે, ‘આ પુસ્તકાલય માં જે પણ પુસ્તક જોઈએ એ મળી રહે છે. પુસ્તક ન પણ હોય તો પુસ્તકાલયનો સ્ટાફ પુસ્તક શોધી રાખે અથવા નવું મંગાવી લે અને પછી સામેથી ફોન કરીને બોલાવીને એ પુસ્તક આપે છે.’

કિશનભાઈ વસા

એક દાયકા કરતા વધુ સમયથી પુસ્તકાલય સાથે સંકળાયેલા સિનીયર સિટીઝન સભ્ય કિશનભાઈ વસા કહે છે કે, ‘ગુજરાતી પરિવારના બાળકો ગુજરાતી ભાષા વાંચતા શીખે એ માટે આ પુસ્તકાલય ખૂબ ઉપયોગી છે. ખાસ ફાયદો તો એ છે કે આ પુસ્તકાલય ગુજરાતી વિસ્તારમાં આવેલું છે. ઘરમાં આવતા છાપા ઉપરાંત પુસ્તકો પણ વાંચવા જોઈએ, દરેક સભ્ય પોતાની ઈચ્છા પ્રમાણે વાંચન કરીને પોતાનું શબ્દભંડોળ અને જ્ઞાનમાં વૃધ્ધિ કરી શકે છે.’

દિવ્યમ સંઘવી

એક બાળવાચક સભ્ય દિવ્યમ હાર્દિક સંઘવી બહુ ઉત્સાહથી કહે છે કે, ‘મને અહીં આવવું બહુ ગમે છે. બહુ અલગ-અલગ ટાઈપ્સની બુકસ હોય છે એટલે મને વાંચવાની વેરાયટી મળે છે. બુક્સની સીરિઝ જેમ કે હેરી પોટર વાંચવાની ગમે છે. મને બુક્સ વાંચવી બહુ ગમે છે કેમ કે બુક્સ સાથે મને જ્યાં પણ જવું હોય ત્યાં  જઈ શકું છું. મને જંગલમાં અથવા સ્પેસમા, જ્યાં મન ફાવે ત્યાં બુક્સ મને લઈ જાય છે. બુક્સ વાંચવાથી હું ઈંગ્લિશ અને ગુજરાતીમાં મારી જાતે સ્ટોરીઝ પણ લખી શકું છું. હું કોમિક બુક વાંચું તો હું હેપ્પી થઈ જાઉં અને હોરર બુક વાંચું તો મને કયારેક ડર પણ લાગે છે.’ મજાની વાત એ છે કે દિવ્યમના જન્મદિવસે તેના પિતા હાર્દિક સંઘવીએ દિવ્યમના સાત મિત્રોને આ પુસ્તકાલયની મેમ્બરશીપ ગિફટ આપી હતી.