આ જિજ્ઞા ક્રિકેટ રમતી નથી, જીવે છે! 

  • કેતન ત્રિવેદી (અમદાવાદ)

બાળપણથી જ એક સપનું સેવ્યું હોય, એ સપનાંને સાકાર કરવા માટે અથાગ પુરુષાર્થ કર્યો હોય અને પછી એ સપનું સાકાર થાય તો એક જબરદસ્ત સક્સેસ સ્ટોરી બને ને?

બને, બને, પણ ક્યારેય ન સાકાર થયેલાં સપનાંની પણ એક સ્ટોરી હોય અને એ પણ એટલી જ રસપ્રદ અને પ્રેરણાદાયી હોય એવું સાંભળ્યું છે? તો સાંભળો… 

—————————————————————————–

આ અમદાવાદમાં રહેતી એક મધ્યમવર્ગીય પરિવારની યુવતીની સ્ટોરી છે. બાળપણથી જ ક્રિકેટની રમત પાછળ પાગલ એવી અને ક્રિકેટ માટે જ જીવતી એવી યુવતીની વાત છે એમાં. આવતીકાલે ક્રિકેટર બનવાનાં સપનાં જોતાં અનેક ગરીબ પરિવારના બાળકો માટે આશાનું એક કિરણ બનેલી યુવતીની અને એમના માટે પોતાનો સમય-શક્તિ-નાણાં આપીને એમને તાલીમ આપતી એકેડમી ચલાવતી યુવતીની વાત છે એમાં.

વાત છે અમદાવાદની ભૂતપૂર્વ મહિલા ક્રિકેટર જિજ્ઞા ગજ્જરની. મહિલા ક્રિકેટ મેચો જોનારા કે એની સાથે સંકળાયેલા લોકો માટે આ નામ અજાણ્યું નથી. એક સમયે ગુજરાત વેસ્ટ ઝોનની ટીમમાં રમીને છેક નેશનલ ટીમમાં સિલેક્શનના દરવાજા ખટખટાવી ચૂકેલી જિજ્ઞા ગજ્જર અત્યારે સેન્ટ્રલ બોર્ડ ઓફ ક્રિકેટ-અમદાવાદની હેડ કોચ છે એ એની પ્રોફેશનલ ઓળખ છે, પણ એની સામાજિક ઓળખ છે ગરીબ અને ઝૂંપડપટ્ટીના બાળકોને વિનામૂલ્યે ક્રિકેટની તાલીમ આપતી ક્રિકેટર તરીકેની.

અત્યાર સુધીમાં એ લગભગ સાંઇઠ કરતાં વધારે બાળકોને ક્રિકેટ રમતાં શીખવાડી ચૂકી છે અને એમાંથી અમુક તો દિલીપ ટ્રોફી સુધી પણ પહોંચ્યા છે. મ્યુનિસિપલ સ્કૂલમાં ભણતાં અત્યંત ગરીબ પરિવારના બાળકોને તમે અમદાવાદના સાબરમતી-ચાંદખેડા વિસ્તારમાં આવેલા ખુલ્લા ગ્રાઉન્ડમાં ઉત્સાહ અને ઉમંગથી બોલિંગ-બેટીંગ-વિકેટકિપીંગની પ્રેક્ટીસ કરતાં જૂઓ તો સમજી જવાનું કે એ જિજ્ઞા ગજ્જરની ‘જેન ક્રિક હીરોઝ એકેડમી’ ના વિદ્યાર્થીઓ છે!

કોણ છે આ મહિલા ક્રિકેટર જિજ્ઞા ગજ્જર?

અમદાવાદના સાબરમતી ડી-કેબિન તરીકે ઓળખાતા વિસ્તારમાં રહેતા નીતાબહેન અને નટુભાઇ ગજ્જરની આ દીકરી જિજ્ઞાને આમ તો ક્રિકેટનું ભૂત નાનપણમાં રેડિયો પર ક્રિકેટની કમેન્ટરી સાંભળતી ત્યારથી જ વળગેલું. એની મમ્મીને ય ક્રિકેટનો શોખ એટલે ઘરમાં રેડિયો પર કમેન્ટરી ચાલુ જ હોય. મમ્મીનો શોખ તો કમેન્ટરી સાંભળવા પૂરતો જ રહ્યો, પણ આ બહેનનો શોખ પહોંચ્યો મેદાનમાં જઇને બોલિંગ કરવા સુધી! સોસાયટીના છોકરાઓ સાથે રમીને અડોશપડોશના ઘરની બારીઓના કાચ ય તોડ્યા. એકવાર તો મમ્મીએ ગુસ્સે થઇને બેટ ચૂલામાં સળગાવી દીધું, પણ એનાથી જિજ્ઞાના દિલમાં ક્રિકેટર બનવાની આગ વધારે ભભૂકી.

નેવુંના દાયકાની વાત છે આ. મહિલા ક્રિકેટ શું હોય એની ય કોઇને ખબર નહોતી ત્યારે આ છોકરીને મોટા થઇને ક્રિકેટર થવાનો ચસકો લાગેલો, પણ છોકરીઓને ક્રિકેટની તાલીમ આપતી એકેડમી કે કોચ ક્યાંથી શોધવા? સ્કૂલમાં તો એવી સગવડ નહોતી જ, પણ અમદાવાદની એચ.કે. આર્ટસ કોલેજમાં એડમિશન લીધું તો ત્યાં પણ છોકરીઓ માટે કોઇ સગવડ નહોતી.

એક તરફ પરિવારમાંથી ભણવા ઉપર ધ્યાન આપવાનો સતત આગ્રહ અને બીજી બાજુ ક્રિકેટની પેશન.. પણ જિજ્ઞાએ હાર ન માની. કોલેજની નાટ્યપ્રવૃત્તિઓમાં પણ રસ લીધો, નાટકોમાં ય કામ કર્યું અને ધીમે ધીમે કોલેજ સત્તાવાળાઓ સમક્ષ છોકરીઓની ક્રિકેટ ટીમ બનાવવાની રજૂઆત કરી. શરૂઆતમાં તો કોઇએ દાદ ન આપી, પણ જિજ્ઞા કહે છે, ‘હું તો અમારા પ્રિન્સિપાલની પાછળ પડી ગઇ હતી. મારે કોઇપણ હિસાબે ક્રિકેટ રમવું જ હતું એટલે સાહેબે થાકીને પછી એચ.કે. કોમર્સ કોલેજની ક્રિકેટ પ્રેક્ટીસમાં ભાગ લેવાની મંજૂરી આપી.’

અમદાવાદના જાણીતા ક્રિકેટ કોચ ગૌતમ શાહ એના સૌ પ્રથમ કોચ બન્યા. જિજ્ઞાના જ પ્રયત્નોથી યુનિવર્સિટીની ઇન્ટર કોલેજ ક્રિકેટ સ્પર્ધામાં એની કોલેજને રમવાની એન્ટ્રી મળી.

કપિલ દેવ એનો મોસ્ટ ફેવરીટ ક્રિકેટર. કપિલની બોલિંગ કરવાની સ્ટાઇલને વારંવાર જોયા કરે. ઓબ્ઝર્વ કરે અને એકલવ્યની માફક એમાંથી શીખવાનો પ્રયત્ન કરે. આમ કરતાં કરતાં એ અમદાવાદ ડિસ્ટ્રીક્ટ મહિલા ક્રિકેટ ટીમમાંથી રમવા સુધી પહોંચી. એ સમયગાળામાં જ, વર્ષ 2006માં, મહિલા ક્રિકેટનું સંચાલન બીસીસીઆઇ પાસે આવ્યું એટલે જિજ્ઞાને ગુજરાત ક્રિકેટ એસોસિએશનના અનિલ પટેલ અને ચેતન માંકડ જેવા કોચ પાસે તાલીમ લેવાની તક મળી. એનાથી એની રમત ય નીખરી અને ટી-20ની ફર્સ્ટ ક્લાસ કક્ષાની મેચો રમવા સુધી એ પહોંચી ગઇ.

એ કહે છે, ‘મારું સપનું હતું કે એક દિવસ હું નેશનલ ટીમમાંથી રમું. મારે ભારતની ટીમની ટી-શર્ટ પહેરીને મેદાનમાં ઉતરવું હતું. કપિલ દેવ ફેંકે એવી બોલિંગ મેદાનમાં જઇને ફેંકવી હતી… મારી ફેવરીટ ઝુલન ગોસ્વામી સાથે રમવું હતું…’

કમનસીબે એનું આ સપનું તો સાકાર ન થયું. મહિલા ક્રિકેટની રાષ્ટ્રીય ટીમ સુધી પહોંચવા રણજી ટ્રોફીની સમકક્ષ ગણાતી રાણી ઝાંસી સ્પર્ધાની સિલેક્શન પ્રોસેસ સુધી એ પહોંચી, પણ એ સિલેક્શન આપવા ગઇ એ સ્પર્ધાનું પરિણામ ક્યારેય આવ્યું જ નહીં. એ દરમ્યાન, વર્ષ 2008માં એના લગ્ન થયાં એટલે પ્રાથમિકતાઓ ય બદલાઇ.

એનો જીવ જ ક્રિકેટનો એટલે ક્રિકેટ સાવ છૂટી જાય એવું તો શક્ય નહોતું, પણ લગ્ન પછી ઓછું થઇ ગયું. થોડોક સમય પછી મોકળાશ મળી એટલે 2014માં બેંગલુરૂ જઇને એ-લેવલનો કોચિંગ કોર્સ કર્યો અને અમદાવાદ ડિસ્ટ્રીક્ટ એસોસિએશન સાથે કોચ તરીકે જોડાઇ. આજે પણ એ હેડ કોચ તરીકે કાર્યરત છે.

તો પછી આ ગરીબ બાળકોને મફતમાં તાલીમ આપવાનું ને એ બધું વળી શું છે?

જિજ્ઞા કહે છે, ‘થોડાક સમય પહેલાં મને અમદાવાદની એક સ્વૈચ્છિક સંસ્થાએ મ્યુનિસિપલ સ્કૂલમાં સાંજના સમયે ફ્રી ભણાવવા આવવાની ઓફર કરી. આ સંસ્થાના વોલન્ટીયર્સ આ રીતે સ્લમ વિસ્તારોમાં આવેલી મ્યુનિસિપલ સ્કૂલોમાં જઇને ભણાવે છે. મેં હા તો પાડી દીધી, પણ પછી વિચાર આવ્યો કે હું પોતે જ સરખું ભણી નથી એટલે મને ભણાવતા તો આવડશે નહીં. એના બદલે હું એમને ક્રિકેટ રમતાં જ કેમ ન શીખવાડું?’

બસ, ત્યારથી શરૂ થઇ એની આ ક્રિકેટ-સેવા. થોડોક સમય મ્યુનિસિપલ સ્કૂલના બાળકોને શીખવાડ્યા પછી પોતાની એકેડમી શરૂ કરી. અઢી-ત્રણ હજાર રૂપિયાના ભાડેથી મેદાન લીધું. એના પતિના મિત્રોએ ભેગા થઇને બાળકોને રમવા શૂઝ આપ્યા. મહિને પંદર-વીસ હજારનો ખર્ચ હતો એટલે શનિ-રવિના દિવસોમાં પતિ સાથે બહાર જમવા જવાનું કે ફિલ્મ જોવા જવાનું બંધ કરીને એ બચત આ કામમાં વાપરી.

આ પ્રકારનાં કામોમાં પડે એ બધી તકલીફો ય પડી. સ્લમમાં રહેતાં આ બાળકોને સાદી સ્લીપર પહેરવાનાં ય ફાંફા હતા એમાં આ રમવાના શૂઝ કેમ ટકે? છોકરા-છોકરીઓ ભેગા રમે કે છોકરીઓ ટી-શર્ટ પહેરીને પ્રેક્ટીસ કરે એમાં ય વાંધા-વચકા આવ્યા. છૂત-અછૂત જેવા સામાજિક પ્રશ્નો ય આવ્યા.

જો કે એની સામે જે પ્રેમ અને રિસપોન્સ મળતો ગયો એ ઘણો પ્રોત્સાહક હતો. સોશિયલ મિડીયામાં એની પોસ્ટ્સ વાંચીને છેક આંધ્રપ્રદેશથી એન. મનોહર નામનો યુવક ટ્વિટર પર મેસેજ લખે કે, ‘મારા માતા-પિતાની આર્થિક સ્થિતિ સારી નથી પણ મારે ક્રિકેટ શીખવું છે તો તમે શીખવાડશો?’ આવા મેસેજિસ એનો ઉત્સાહ વધારતા ગયા.

આ બધાની સાથે પ્રેક્ટીસ માટે બેટ-બોલ-સ્ટમ્પ્સ સહિત મોંઘીદાટ કીટ ય લાવવાની હતી. અમિત અરોરા જેવા સ્પોર્ટસના વેપારીએ જિજ્ઞાને પૈસા સગવડતા થાય ત્યારે ચૂકવવાની છૂટ આપીને કીટ ખરીદવામાં મદદ કરી. અમક મિત્રો મદદ કરતા રહ્યા છે એટલે વાંધો આવતો નથી. વર્ષ 2016થી એ આ રીતે મફત કોચિંગ આપતી રહી છે. એ તો ઠીક, અમુક છોકરાઓને આર્થિક મદદ કરીને પ્રાઇવેટ ક્રિકેટ લીગ સુધી ય પહોંચાડ્યા છે! ન્યૂઝ ચેનલોમાં ક્રિકેટ એક્સપર્ટ તરીકે સમીક્ષા કરતી ય જોવા મળે છે. એની આ સામાજિક નિસબતને બિરદાવીને ગુજરાત નારીરત્ન અને ખેલરત્ન જેવા સમ્માન પણ એને મળ્યાં છે.

જિજ્ઞા કહે છે, ‘હા, મને હજુય ક્યારેક અફસોસ થાય છે કે હું નેશનલમાં ન રમી શકી. મારું એ સપનું સાકાર ન થયું, પણ હું જેમને શીખવાડું છું એમાંથી જો કોઇક ત્યાં સુધી પહોંચશે તો મને આનંદ થશે.’

અલબત્ત, એ કોઇને ખોટાં સપનાં નથી દેખાડતી. આ દેશમાં ક્રિકેટની રમતમાં રાષ્ટ્રીય ટીમમાં પહોંચવું કેટલું કપરું છે એ હકીકત જિજ્ઞા જાણે છે અને એટલે જ એ તાલીમ આપતી વખતે બાળકોના મનમાં ખોટાં સપનાં રોપ્યા વિના ફક્ત રમવા પર, રમતમાં વધારે ધ્યાન આપવા પર જ ફોકસ કરે છે. રમતગમતના કારણે એમનામાં જે શિસ્ત આવશે, એકાગ્રતા વધશે અને એમનામાં જીવન જીવવાનો, મુશ્કેલીઓ સામે લડવાનો જે આત્મવિશ્વાસ કેળવાશે એ પણ ફાયદો જ છે ને?

પોતે ભારત માટે રમી ન શકી એનો રંજ છે એને, પણ આ રંજના બોજ નીચે દબાઇને એ બેઠી ન રહી. બલ્કે, ક્રિકેટને જ જીવન બનાવી દીધું! આજે એ ક્રિકેટ રમતી જ નથી, એ ક્રિકેટ જીવે છે. સપનું સાકાર ન થાય તો પણ એ સપનું જીવી શકાય છે એ વાત આ જિજ્ઞાએ સાબિત કરી દીધી છે.

(તસવીરોઃ પ્રજ્ઞેશ વ્યાસ) 

જિજ્ઞા ગજ્જરની વિડીયો સ્ટોરી જોવા કરો ક્લિકઃ