નવી શિક્ષણ નીતિ-2020: રામાયણમાંથી બોધપાઠ લઈએ…

(ડો. ઈન્દુ રાવ)

ભારત સરકારે નવી શિક્ષણ નીતિ (NEP)-2020ની હાલમાં જાહેરાત કરી છે. પહેલી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 1968માં અને ત્યારબાદ 1986માં ઘડવામાં આવી હતી. 1992માં એમાં સુધારો કરવામાં આવ્યો હતો. તેથી ઘણા લાંબા સમયગાળા પછી ભારતને નવી શિક્ષણ નીતિ પ્રાપ્ત થઈ છે જે બદલાઈ રહેલા સમયને અનુકૂળ બનશે.

મારાં મતાનુસાર, NEP-2020 રામરાજ્યનો સંકલ્પ કરે છે (સૌને માટે શાંતિ અને સમૃદ્ધિ), એટલે કે આ નીતિને જે રીતે ઘડવામાં આવી છે એ જ રીતે એનો અમલ કરી શકાશે. એનાથી શિક્ષણના માધ્યમથી ભાવિ પેઢીઓને સજ્જ કરીને દેશમાં સમૃદ્ધિ અને શાંતિ સ્થાપી શકાશે. NEP-2020 નીતિ ભારતીય શિક્ષણમાં એક એવી પ્રબળ ઈચ્છાશક્તિ દર્શાવે છે કે તે બહુ-વિષયક, આંતરરાષ્ટ્રીય સ્તરનું, સંશોધનલક્ષી હશે અને ઉદ્યોગક્ષેત્ર તથા નાગરિકોને ભાવિ પડકારોને પહોંચી વળવા માટે સજ્જ કરશે. ખરેખર આ સમયનો તકાદો છે.

તેમ છતાં, નીતિના અમલીકરણ માટે આપણને યોગ્ય લોકો તથા કાબેલ-સક્ષમ નેતાઓની જરૂર પડશે! સાથોસાથ, આપણે કૈકેયી અને મંથરા જેવી વ્યક્તિઓથી સાવચેત રહેવું પડશે. કહેવાનો મતલબ એ કે આપણે એવા લોકોથી સંભાળવાનું રહેશે જેઓ પોતાના અંગત સ્વાર્થ માટે કાબેલ અને સક્ષમ શિક્ષણશાસ્ત્રીઓને શિક્ષણ પદ્ધતિમાંથી હટાવી દેવાનું ષડયંત્ર ઘડતા હોય છે.

એ નોંધવું જરૂરી છે કે શ્રી રામ રામરાજ્ય આપવા માટે સક્ષમ અને કુશળ નેતા હતા, પરંતુ અમુકનાં અંગત સ્વાર્થને કારણે એમને 14 વર્ષ સુધી વનવાસ ભોગવવો પડ્યો હતો. રાજા દશરથ મહાન રાજા હોવા છતાં એમના પુત્ર રામને વનમાં જતા રોકી શક્યા નહોતા, કારણ કે તેમણે રાણી કૈકેયી પાસેથી કોઈક મદદ લીધી હતી તેથી પોતે એમનાં ઋણ હેઠળ હતા. એવી જ રીતે, દશરથ જેવા કેટલાક નેતાઓ સક્ષમ શિક્ષણશાસ્ત્રીઓના સમર્થનમાં પગલું ભરી શકતા નથી, કારણ કે એમણે ષડયંત્રખોરો પાસેથી કોઈક મદદ લીધી હોય છે તેથી તેઓ એ ભરપાઈ કરવાના ઋણ હેઠળ હોય છે. એવી સ્થિતિમાં, તેઓ પોતાના અંગત કારણોસર કદાચ સક્ષમ લોકોને ગુમાવી દેશે જેઓ દેશનું તથા સમાજનું ભલું કરી શકતા હોય છે.

કમનસીબે, કુશળ અને બહુવિધ વિષયોનું જ્ઞાન ધરાવતા, ઉદ્યોગલક્ષી તથા આંતરરાષ્ટ્રીય સ્તરની યુનિવર્સિટીઓના સંશોધનમાં નિષ્ણાત શિક્ષણશાસ્ત્રીઓ ભાગ્યે જ મળે છે. આપણને તો મોટે ભાગે એવા જ આગેવાનો મળે છે જેમણે માત્ર ભણાવ્યા સિવાય બીજું કંઈ જ કર્યું ન હોય. (એવા લોકોને થિયરી, અભ્યાસક્રમને સમજતા આવડતું હોતું નથી અને સમજાવતા આવડતું નથી. એવા લોકોને ભણાવવાની રીત અને પદ્ધતિ વચ્ચે સંકલન જાળવતા આવડતું નથી).

તેથી પ્રગતિ કરવા માટે આપણે એવી શિક્ષણ પદ્ધતિ લાવવાની જરૂર છે જેથી આવા સક્ષમ લોકોને કામ કરવાનો યોગ્ય અવકાશ મળી રહે. આપણે નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં આ જ હાંસલ કરવા ઈચ્છીએ છીએ. વધુમાં, જો આવા કુશળ લોકો શિક્ષણ પદ્ધતિમાં સામેલ થાય તો આપણે એમને સત્તા તથા નિર્ણય લેવાની છૂટ આપવી જોઈએ જેથી એમનો પ્રભાવ વધી શકે. સાથોસાથ, આપણે એવા લોકોથી ચેતવું જોઈએ અને એમનાથી છૂટકારો મેળવવો જોઈએ જેઓ પોતાની અસલામતી અને બિનકુશળતાને કારણે આવા સક્ષમ શિક્ષણશાસ્ત્રીઓ અને આગેવાનોને હાંસિયામાં ધકેલી દેવાનું ષડયંત્ર ઘડતા હોય છે.

જો આમ થશે તો જ નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિનો અમલ સાચી દિશામાં રહેશે અને ભારતીય શિક્ષણવિદ્દોનં રામરાજ્ય સ્થાપિત થઈ શકશે, જે દૂરદ્રષ્ટિ નવી નીતિમાં રાખવામાં આવી છે.

(લેખિકા વેલ્લોર, તામિલનાડુની વેલ્લોર ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજીની એકેડેમિક સ્ટાફ કોલેજનાં પ્રોફેસર અને ડાયરેક્ટર છે)