નોટ આઉટ @ 90: ચંપાબેન પાઠક

પાનેલી ગ્રામપંચાયત સંચાલિત માતૃબાલ કલ્યાણકેન્દ્રમાં અત્યાર સુધી બાર-પંદર હજાર બાળકોની ડિલિવરીમાં જેમણે ટ્રેઈન્ડ-આયા તરીકે અગત્યનો ભાગ ભજવ્યો તેવા ભગવાનના માણસ, ચંપાબેન માધવજી પાઠકની વાત સાંભળીએ તેમની  પાસેથી.

એમની સાથેની વાતચીતનો એક્સ-રે :

રાજકોટ જીલ્લાના ગોંડલ તાલુકાના રાણસિકી ગામમાં જન્મ. પાંચ ભાઈ અને ત્રણ બહેનનું મધ્યમવર્ગી કુટુંબ. તેઓ ચાર ચોપડી ભણ્યાં અને 14 વર્ષે તેમના લગ્ન થયા. તેમણે જીવનમાં ઘણી તડકી-છાંયડી જોઈ છે. લગ્નનાં ત્રણ વર્ષમાં પતિએ  માનસિક સ્વસ્થતા ગુમાવી. પરિવારમાં કોઈ ટેકો કરે તેવું ન હોવાથી ઘરના ભરણપોષણ માટે વાંકાનેરમાં નર્સિંગનો કોર્સ કરી ટ્રેઈન્ડ-આયા તરીકે કામ શરૂ કર્યું. આટલી બધી ડિલિવરીના અનુભવ પછી તેમનામાં એટલી તો આવડત આવી ગઈ હતી કે બેજીવવાળી મહિલાના પેટ ઉપર હાથ મૂકે અને કહી દે કે દીકરો હશે કે દીકરી!

તેમનું પહેલું સંતાન, બહેરું-મૂંગું! તે દીકરાને બહેરા-મૂંગાની શાળામાં ભણાવ્યો તથા સિલાઈનું કામ કરતા શીખવ્યું અને પગભર કર્યો. મોટા દીકરાના લગ્ન મૂંગી-આંધળી છોકરી સાથે કરાવ્યા જેથી એ બે જણ પોતાનું ગાડું ગબડાવી શકે! બીજું સંતાન (દીકરો) માનસિક અસ્વસ્થ! તો વળી ત્રીજું સંતાન(દીકરો) એકદમ તંદુરસ્ત! હાલ ચંપાબેન દીકરા સાથે ઉપલેટામાં રહે છે.

નિવૃત્તિની પ્રવૃત્તિ :

સવારે 6:00 વાગે ઊઠે. ચા-પાણી પી અને છાપુ હાથમાં લે. કલાક છાપુ વાંચે અને પછી નાહી-ધોઈ અને ભગવાનનું નામ લે. સેવા-પૂજા કર્યા પછી વળી પાછું છાપુ હાથમાં લે અને  અક્ષરે-અક્ષર વાંચી જાય! આસપાસના પ્રદેશમાં અને દેશમાં-વિદેશમાં થતા બધા સમાચારની એમને ખબર હોય! મોરબીની હોનારત અને ચુંટણીના સમાચાર પણ એમની પાસેથી મળે! જમીને આરામ કરે. થાળીમાં પીરસેલું બધું જ ખાય, બે રોટલી- દાળ-ભાત-શાક… દાંત થોડા જ છે એટલે ધીમે ધીમે ખવાય છે. બપોરે આરામ કરી સાંજે મંદિરે જાય અને આવીને થોડું ઘણું ટીવી જુએ.

શોખના વિષયો :

વાંચવાનું બહુ ગમે. આ ઉંમરે પણ  હજુ ચશ્મા નથી પહેરતાં! આખું છાપુ વાંચી જાય! ભજન-કીર્તન ગાય. ભજન સાંભળવા પણ ગમે. કોઈ ગોઠવી આપે તો  ટીવીમાં દર્શન કરવા અને કથા સાંભળવી વધારે ગમે.

ઉંમર સાથે કેવી રીતે કદમ મિલાવો છો?:

આ ઉંમરે ભાગ્યે જ દવા લે! ક્યારેક માથું દુ:ખે, ક્યારેક પગ દુ:ખે, પણ બીજી કોઈ મોટી તકલીફ નથી. હવે  સંભળાય છે ઓછું અને યાદદાસ્ત પણ ઓછી થઈ ગઈ છે એટલે ક્યારેક મનમાં અને મનમાં મૂંઝાય! પાસે બેસીને કોઈ વાત સાંભળે એટલે રાજી-રાજી થઈ જાય!

યાદગાર પ્રસંગ:

એમનું તો કામ જ એવું હતું કે વાર-તહેવાર જોવાય જ નહીં! વરસતા વરસાદમાં પણ કોઈ બોલાવવા આવે તો જવું પડે. ક્યારેક જોડિયા બાળકો હોય, ક્યારેક ખામીવાળા બાળકો હોય, બહુ તકલીફ જેવું લાગે તો મોટા શહેરમાં કોઈ ડોક્ટરને રિફર કરી દે. એકવાર મૃત (મરેલા) બાળકની  ડિલિવરી પણ કરાવી છે. ક્યારેક કોઈ નજીકના ડુંગરમાંથી બોલાવવા આવે તો ક્યારેક નેસડામાંથી રબારી બોલાવવા આવે! મોટેભાગે તો ગાડું, ગાડી કે કંઈક વાહન લઈને જ આવે પણ કોઈવાર પાંચ કિલોમીટર ચાલીને પણ જવું પડે! ગુરુ ગોવિંદસિંહ યુનિવર્સિટીના કુલપતિ મહેન્દ્રભાઈ પલાડીયા તેમને માનથી “મધર ટેરેસા” કહેતા!

નવી ટેકનોલોજી કેટલી વાપરો છો ?:

નવી ટેકનોલોજીનો એકદમ મર્યાદિત ઉપયોગ કરે છે. ટીવી જુએ અને ફોન કરે તેથી વધારે કંઈ નહીં. નવી ટેકનોલોજીના ઉપયોગ-ગેરઉપયોગ  માટે એકદમ તટસ્થ છે.

શું ફેર લાગે છે “ત્યાર”માં અને “અત્યાર”માં?

પહેલાના જમાનામાં માનવતા ઘણી હતી. આટલાં વર્ષો કામ કર્યું, પણ તેમની સાથે કોઈએ હજુ સુધી મોટા અવાજે કે ઉદ્ધતાઈથી વાત કરી નથી. જે માણસ મળ્યાં છે એ સારા જ મળ્યાં છે! માણસો પહેલા પણ સારાં હતાં અને અત્યારે પણ સારાં જ છે!

આજની પેઢી સાથે સંકળાયેલા છો? 

તેઓ બધાંને મળે! પાનેલી ગામની વસ્તી ઓછી પણ તેઓને  સૌ ઓળખે! તેઓ આજુબાજુનાં ગામોમાં પણ મદદ કરવા જતાં એટલે ડોક્ટરો પણ તેમને ઓળખે. અને ગામનાં યુવાનો અને બાળકો પણ ઓળખે. હાલ ઉપલેટા ગામમાં બહુ લોકો ઓળખે નહીં.

સંદેશો :

નીતિથી ચાલવું. સેવા કરવી. કામથી કામ રાખવું. સૌને પોત-પોતાની રીતે કામ કરવા દેવું. એક ભજન ગાઈ પોતાનો સંદેશો વ્યક્ત કર્યો!

રામ રાખે તેમ રહીએ, ઓધાજી, રામ રાખે તેમ રહીએ!                                                                કોઈ’દી અભિમાન ન કરીએ, ઓધાજી, રામ રાખે તેમ રહીએ!