‘ગિફ્ટ’માં શરાબઃ નવી છૂટ-નવા પ્રશ્નો?  

ગુજરાતમાં દારુબંધી હોવી જોઇએ કે નહીં? ગુજરાતની સ્થાપનાથી લઇને આજલગી આ સવાલ રાજ્યમાં કાયમ એક મધપૂડાની માફક ઝળૂંબતો રહ્યો છે. કોઇપણ સરકાર કે કોઇપણ રાજકીય પક્ષે આજસુધી આ મધપૂડાને છંછેડવાની હિંમત કરી નહોતી, પણ છેવટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકારે પૂર્ણતઃ નહીં તો આંશિક રીતે, આ મધપૂડા પર કાંકરી ફેંકીને એને છંછેડવાની હિંમત કરી છે.

જ્યારથી રાજ્ય સરકારે ગાંધીનગરસ્થિત ગિફ્ટ સિટીમાં શરાબની વેચાણ-સેવનની છૂટ આપવાની જાહેરાત કરી છે ત્યારથી મધમાખીઓ ગણગણે એમ ગુજરાતમાં ગણગણાટ શરૂ થઇ ચૂક્યો છે. ગિફ્ટ સિટીમાં કામ કરનારાઓને કે મુલાકાતીઓને કઇ શરતોને આધિન, કઇ મર્યાદામાં આ છૂટ અપાશે એની વિગતો હજુ આવવાની બાકી છે, પણ દારુબંધીના મુદ્દે ગુજરાત અત્યારથી જ બે ભાગમાં વહેંચાઇ ચૂક્યું છે. યાદ રહે, દારુબંધી હટાવવાના મુદ્દે ગુજરાતમાં બે અંતિમ મત પ્રવર્તે છેઃ કાં તો હટાવી દો, કાં તો રાખો. ત્રીજા કે મધ્યમ મતનું અહીં વજૂદ જ નથી.

અફકોર્સ, દારુબંધી હટાવવાના મુદ્દે એની તરફેણમાં અને વિરુધ્ધમાં એમ બન્ને બાજુની દલીલો થઇ શકે. દારુબંધીનો વિરોધ કરનારાઓની દલીલ છે કે, આમ પણ ગુજરાતમાં દારુ ખાનગીમાં ખૂબ પીવાય છે. પીનારાઓને આસાનીથી મળી રહે છે તો પછી નકામું એને વળગી રહેવાનો શું મતલબ છે? દારુબંધીના કારણે વિદેશી પ્રવાસીઓ આવતા નથી, વિદેશી કંપનીઓ અહીં બિઝનેસ કરવા નથી આવતી અને સરવાળે દારુબંધીના કારણે રાજ્ય સરકાર વરસે દહાડે કરોડો રૂપિયાની આવક ગુમાવે છે. ગિફ્ટ સિટીમાં આ છૂટ આપવાનું જે મુખ્ય કારણ અપાય છે એ પણ આ જ છે.

એની સામે દારુબંધીનું સમર્થન કરનારાઓની દલીલ પણ નકારવા જેવી નથી. શરાબ એ સામાજિક દૂષણ તો છે જ, પણ અન્ય રાજ્યોની માફક જાહેરમાં છૂટ આપવામાં આવે તો કાયદો-વ્યવસ્થા અને મહિલાઓની સલામતીના પ્રશ્નો સર્જાય. જેને ખાનગીમાં પીવો હોય એ છો પીવે, પણ પીધેલ વ્યક્તિ પોલીસથી બચવા બહાર ન નીકળે એટલે જાહેર સલામતી ન જોખમાય. ગુજરાતમાં મહિલાઓ અડધી રાત્રે પણ ખુલ્લેઆમ એકલી ફરી શકે છે એ સ્થિતિ દારુબંધી હટાવવાથી બગડી શકે છે. ગાંધીના ગુજરાતમાં દારુને છૂટ એ નૈતિક મૂલ્યોની દ્રષ્ટિએ કોઇપણ સંજોગોમાં વ્યાજબી નથી વગેરે વગેરે.

આ પરિસ્થિતિમાં ગિફ્ટ સિટીમાં મર્યાદિત છૂટ આપવાથી વાસ્તવિક રીતે નવા પ્રશ્નો પણ સર્જાઇ શકે છે. આવતીકાલે ગિફ્ટ સિટીની જેમ જ વિદેશી કંપનીઓ કે મુલાકાતીઓનું કારણ આગળ ધરીને ધોલેરા સર, સ્ટેચ્યુ ઓફ યુનિટી, સુરતના ડાયમંડ બુર્સ કે પછી અન્ય ઔદ્યોગિક વસાહતોમાં પણ દારુ વેચવાની અને પીવાની છૂટ આપવાની માગણી થઇ શકે છે. વિદેશીઓને આકર્ષવા પ્રવાસનો સ્થળોમાં પણ આ માગણી પ્રબળ બની શકે છે. સરકાર કેટલાને આ છૂટ આપશે?

બીજું, દારુબંધી હોવા છતાં ગુજરાતમાં ખાનગીમાં બેફામ દારુ પીવાય છે એ ઊઘાડું સત્ય છે. એનાથી ય મોટું ઓપન સિક્રેટ એ છે કે, પોલીસતંત્રમાં દારુબંધીના કારણે ભ્રષ્ટાચાર ફૂલ્યોફાલ્યો છે. બુટલેગરો દ્વારા પોલીસને અઢળક રૂપિયાના હપ્તા અપાતા હોવાનું ખુલ્લેઆમ ચર્ચાય છે. હવે, આવી સ્થિતિમાં ગિફ્ટ સિટી કે બીજે ક્યાંય મર્યાદિત છૂટ આપ્યા પછી ય એનો બેફામ દૂરુપયોગ નહીં જ થાય એવી ખાતરી આપી શકાય એમ છે?  જવાબ તમે જાણો જ છો.

ગિફ્ટ સિટીમાં છૂટ આપવાનો નિર્ણય અપવાદ હોઇ શકે કે એની પાછળ સરકારની બીજી ગણતરીઓ હોઇ શકે છે, પણ રાજકીય રીતે ગુજરાતમાં, ભાજપ કે કોંગ્રેસ, બધી સરકારો-રાજકીય પક્ષો-આગેવાનો દારુબંધીની તરફેણમાં જ રહ્યા છે. હા, અપવાદરૂપે એકમાત્ર શંકરસિંહ વાઘેલાએ ભૂતકાળમાં દારુબંધી હટાવવાની ખુલ્લેઆમ તરફેણ કરી છે. બાપુ આમે ય એમના આગવા અંદાજમાં તડ ને ફડ કરવા જાણીતા છે.

મૂળભૂત રીતે આ પ્રશ્ન બદલાતાં જતા સામાજિક-નૈતિક મૂલ્યો અને નવી પેઢીની વિચારસરણીનો છે, આર્થિક વિકાસ કે સમૃધ્ધિનો નહીં. દારુબંધીના કારણે સરકાર આવક ગુમાવે છે કે વિકાસ અટકે છે એ વાતમાં માલ નથી. આવું જ હોત તો ગુજરાત છ દાયકામાં વેપાર-ઉદ્યોગ ક્ષેત્રે આટલું સમૃધ્ધ બન્યું જ ન હોત, પણ સમૃધ્ધ ગુજરાતમાં ઊછરેલી નવી પેઢીને હવે શરાબનો છોછ નથી. ખાનગીમાં પીને દારુબંધીનો દંભ કદાચ એને પસંદ ય નથી.

રહી વાત ગાંધી વિચારધારા કે આદર્શોની તો, આ વિચારધારાનો પ્રભાવ ધરાવતી સંસ્થાઓ-પ્રવૃત્તિઓ સમાજમાં ઘણા વર્ષોથી ક્ષીણ થતી આવી છે. શું એનો અર્થ એવો કાઢી શકાય કે, ગુજરાત ગાંધી વિચારધારાના પ્રભાવથી અળગુ થઇ રહ્યું છે? દારુબંધી હોવી જોઇએ કે નહીં એના કરતાં ય મોટો પ્રશ્ન આ હોઇ શકે છે.

(લેખક ચિત્રલેખા.કોમના એડિટર છે.)