નોટઆઉટ@80: ગોવિન્દીનીબેન શાહ

માહિતી વિસ્ફોટના આ યુગમાં યુવાનો પાસે માહિતી લખલૂટ છે. અખૂટ  શક્તિ છે. નવું કરવાની તમન્ના છે, પરંતુ તેમની શક્તિનો યોગ્ય દોરી-સંચાર થાય છે?  તેમને યોગ્ય દિશા મળે છે? કે પછી પોતાની મર્યાદાનું જ્ઞાન છે તેમને?

તો પછી કેમ બાળપણથી જ નિરાશા-ડિપ્રેશનનો શિકાર બનનાર બાળકો અને વિદ્યાર્થીઓની સંખ્યા નિરંતર વધી રહી છે ? કેમ અસંખ્ય યુવાનો પોતાની જાતને સંભાળવામાં  ઊણાં ઊતરી રહ્યાં છે? મશીન સાથે રહીને આજની પેઢી જાણે મશીન બની ગઈ છે અને માણસ સાથે રહેવાનું ભૂલી રહી છે. આવા સમયમાં શું વડીલોની (૭૫ થી ૧૦૦ વર્ષ) પેઢી તેમના અનુભવ અને ડહાપણથી યુવાનો સાથે સંવાદ સાધી શકે ?

આજે પણ નવી પેઢી પાસેથી જરૂરી ઘણું બધું શીખી પોતાની જાતને સમૃદ્ધ  બનાવતાં અનેક વડીલો  છે. કોઈપણ જાતની ઘરેડમાં સપડાયા વગર એટલે કે ઘરડા થયાં વગર તેઓ સતત વૃદ્ધિ પામી વૃદ્ધ થયાં છે. સ્ફૂર્તિના ફુવારા જેવા અસંખ્ય સક્રિય વડીલોને શબ્દદેહે મળવાનો આ નવો ઉપક્રમ વાચકોને ગમશે એવી આશા છે…

————————————————————————

ગોવિન્દીનીબેન શાહ, અમદાવાદની વિવિધ કોલેજોમાં (GLS, H K Arts, University CN વિદ્યાલય) અધ્યાપક તરીકે સેવા આપી નિવૃત્તિમાં સાહિત્ય, આધ્યાત્મ અને સંગીત તથા યુવાનો સાથે સતત સંકળાયેલાં છે.

હુલામણું નામ ગીની બહેન. પિતાની છત્રછાયા બે વર્ષની બાળવયે જ ગુમાવી. સશક્ત માતા સાથે મોટાં થયાં.  શાળાસ્તરે સ્કોલરશિપ મેળવી ૧૮ વર્ષે અમેરિકા ભણવા ગયાં. અભ્યાસ અધૂરો મૂકી લગ્ન કરી લીધાં! પછી કટકે કટકે આજીવન અભ્યાસ કરવાનો લહાવો લીધો! જીવનના અનુભવો સાથે અભ્યાસ પૂરક બની રહેતાં વધુ અર્થપૂર્ણ રહ્યો. સતત નવું જાણવાની ઈચ્છાને લીધે યુવાનો સાથે તેમને કાયમ સંપર્ક અને સંવાદ રહ્યા.

એમની સાથેની વાતચીતનો એક્સ-રેઃ

નિવૃત્તિની પ્રવૃત્તિ

સાહિત્ય, આધ્યાત્મ અને સંગીત. ૩૦ વર્ષ અંગ્રેજી સાહિત્ય સાથે જીવ્યા પછી ભાષાંતરની પ્રવૃત્તિ શરુ કરી. લેખો અને વાર્તાઓ બાદ સાહિત્ય અકાદમીનો  શ્રી લાભશંકરનાં નાટકોનો ગુજરાતીમાંથી અંગ્રેજીમાં અનુવાદનો પ્રોજેક્ટ પાર પડ્યો. બીજી પ્રવૃત્તિ આધ્યાત્મ. વૈદિક સંસ્કૃતિની સમજ માર્યાદિત હતી. ચિન્મય મિશનના વર્ગો ભર્યા. સ્વામિની શુભાજીના માર્ગદર્શન નીચે સમજ કેળવી. ઋષિકેશમાં સ્વામી પૂ. દયાનંદજીના જ્ઞાનયજ્ઞ ૭-૮ વર્ષ ભર્યા.  વિપાસના કરી. “આધ્યાત્મનો અનસ્ત સૂર્ય : શ્રી યોગેશ્વર” નો અંગ્રેજીમાં અનુવાદ કર્યો.  સંગીતનો નાનપણથી શોખ. નિવૃત્તિમાં સમયની છૂટને કારણે સંગીતનો અહલાદક આનંદ મેળવ્યો. થોડો સમય Crochet જેવું ભારતકામ પણ કર્યું.

ઉમર સાથે કેવી રીતે કદમ મિલાવો છો ?

આના ત્રણ સોપાન છે :

A. માન-સમ્માનથી મોટી ઉમર ગુજારવી હોય તો સૌથી પહેલાં આર્થિક સ્વનિર્ભરતા જરૂરી છે.

B.  માનસિક તૈયારી: અપેક્ષાઓ ઓછી કરો, જીવનસાથી પાસેથી, પોતાની જાત પાસેથી, મિત્રો-સગાસંબંધી-સમાજ પાસેથી! આપણી ક્ષમતાઓ ક્ષીણ થતી જાય છે તે સ્વીકારો.

C. શારીરિક તૈયારી: જેની સાથે રહો છો તેને મદદરૂપ થાવ. મનદુઃખ, ઘર્ષણ, અસંતોષ ટાળો.

કોઈ મોટી બીમારી?

હા, કેન્સર! તેને  કારણે કેટલીક પ્રવૃત્તિઓ સંકેલી લીધી. કેન્સરના બે હુમલાએ નવી દિશા ખોલી આપી. કેન્સરનો સહજ સ્વીકાર કરી બીજા દર્દીઓને મદદરૂપ થવા “કરુણા કેર” સંસ્થામાં સેવા આપી. કેન્સરને  શ્રદ્ધા સાથે શારીરિક અને માનસિક બંને સ્તરે જીતવું જરૂરી છે.

નવી ટેકનોલોજી કેટલી વાપરો છો ?

વાંચન-લેખન માટે Kindle નો ભરપૂર ઉપયોગ કરે છે. કોઈ પણ પુસ્તક પળ ભરમાં હાજર થઈ જાય છે. કિમતમાં પણ ઘણો ફાયદો થાય છે. ઘરમાં પુસ્તકોનો ખડકલો થતો નથી, છતાં હાથમાં પુસ્તક લેવાનો મોહ ઘટતો નથી! તે ફીલિંગ જ કંઈક અલગ છે!

આજના યુવાનોનું વાંચન ઘટતું જાય છે એ ચિંતાનો પ્રશ્ન છે. Animation ના અતિરેકથી બાળકોની કલ્પનાશક્તિ વિકસતી નથી. ‘એક બિલાડી જડી, તેણે પહેરી સાડી’ ગાતી વખતે આપણને જાડી બિલાડી સાડી પહેરતી હોય તેવી કલ્પના કરવાની કેવી મજા આવતી! હવે સ્ક્રીન પર બતાવી દેવાથી બાળકની કલ્પનાશક્તિ મરી પરવારે છે. તેમનું જીવન શુષ્ક બની રહ્યું છે. અજાણપણે તેમનામાં આત્મવિશ્વાસ અને Social Skills ઘટી રહ્યાં છે.

નવી ટેકનોલોજીના ફાયદા / ગેરફાયદા / ભયસ્થાનો?

માણસ મશીન બની ગયો છે! સંબંધોમાંથી લાગણીઓ અને હૂંફ ગાયબ છે. યુવાનો અને વડીલો વચ્ચેનો વિચારવિનિમય ઘટી ગયો છે. બંને પેઢી વચ્ચે એક સેતુ હોવો સમાજ માટે જરૂરી છે. તેઓએ એકબીજાના પૂરક બનીને આગળ વધવું જોઈએ. યુવાનો ગમે તેટલું જ્ઞાન મેળવે પણ સારા માણસ ન બને તો? યુવાનોને આ નીતિમત્તા કોણ શીખવશે?

શું ફેર પડ્યો લાગે છે “ત્યાર”માં અને “અત્યાર”માં?

જૂની પેઢીની સ્થિતિ કૂવામાંના દેડકા જેવી હતી. વિકલ્પોનો પ્રકોપ ઓછો હતો. મર્યાદા હતી, પણ દિશાવિહીનતા નહીં. પ્રશ્નો ઓછા હતા અને જીવન સરળ, સભર અને સંતુષ્ટ. સંબંધોમાં  આત્મીયતા, હૂંફ, પ્રેમ, વડીલો માટે આદર, ગુરુઓ માટે સમ્માન હતાં. જૂની પેઢી શ્રધ્ધામાંથી અંધશ્રધ્ધામાં સરી પડી. આજની પેઢી શ્રધ્ધામાંથી અશ્રધ્ધામાં જતી રહી છે. ત્રણે પઢીઓએ આત્મનિરીક્ષણ કરવાની જરૂર છે. પોતાની જવાબદારી જાણવી અને અપનાવવી જરૂરી  છે. સ્વતંત્રતા અને સ્વચ્છંદતા વચ્ચે બહુ પાતળી ભેદરેખા છે. ગાંધીજીએ આ વાત વર્ષો પહેલાં (૧૯૦૯ માં) કહી હતી, જે આજે પણ એટલી જ સાચી છે!

આજની પેઢી સાથે સંકળાયેલાં છો?

એ કહે છેઃ વાંચન, લેખન અને  સાહિત્યને કારણે યુવાનોના ટચમાં છું. વિદ્યાર્થીઓ અને નવોદિત લેખકો-કવિઓ તેમની કૃતિઓ મારા Feedback માટે મોકલી આપે છે.

આજના યુવાનો પારદર્શક છે. તેમણે વડીલોનો દંભ જોયો છે. એટલે આજની પેઢી વડીલોનાં સલાહ-સૂચન નહીં સ્વીકારે તે વડીલોએ સ્વીકારવું પડશે!! યુવાનો માટે બાહ્યજગતના વિકાસની સાથે સાથે આંતરજગતનો વિકાસ જરૂરી છે. બાળકો અને યુવાનો પર દબાવ વધી રહ્યો છે. વાંક કોઈનો નથી- સિસ્ટમનો વાંક છે.

(દર્શા કીકાણી)