રૂપિયો ક્યાંથી આવશે અને ક્યાં જશે તેનો હિસાબ દર વખતે બજેટ પછી રજૂ થતો હોય છે. આખી દુનિયા રૂપિયા પર ચાલે છે એવો અફસોસ કર્યા પછી આપણેય ખિસ્સામાં કેટલા ખણખણીયા છે તે જોઈ લેવું પડે છે. રોકડ વિના રંકને પણ ચાલતું નથી અને રાજાને પણ ચાલતું નથી. લખપતિ શેઠિયો હોય, તે ચમડી તોડી નાખે, પણ દમડી છોડે નહિ અને સાધુ પણ ભાગ્યે જ જડે, જેને ફૂટી કોડીની પણ પડી ના હોય.
સબ સે બડા રૂપૈયા એવું ગીત સાંભળ્યું છે તે કંઈ ખોટું નથી, કેમ કે હિસાબકિતાબ વિના કોઈને ચાલતું નથી. પણ હિસાબ કરવાનું સહેલું પડે તે માટે પ્રાચીન સમયથી ચલણ વિશે સત્તાધીશો વિચારતા રહ્યા હતા. મારા નામના તો સિક્કા ચાલે છે એવું બડાઈ મારવા માટે આપણે કહેતા હોઈએ છીએ તેની પાછળ ઇતિહાસ છે. ચલણનો અને રાજાનો અને સિક્કાનો ઇતિહાસ. નવો રાજા આવે એટલે પોતાના નામના સિક્કા પડાવે અને ચલણમાં મૂકવામાં આવે. નાના રાજાની ત્રેવડ ના હોય એટલે મહારાજા અને સમ્રાટોના સિક્કા ચાલે. તુઘલકે રાજધાની બદલવાનો તુક્કો લગાવેલો તે રીતે સિક્કા બદલવાનો તુક્કો પણ લગાવેલો. તાંબાના સિક્કાસનું ચલણ લાવવાનું નક્કી કર્યું ત્યારે થયું એવું કે લુહારોએ બીજું કામ પડતું મૂકીને તાંબા કિસ્સા બનાવવાનું ચાલુ કરી દીધેલું. નકલી ચલણ એટલું બધું વધી પડ્યું કે તુઘલકનું રાજ્ય બરબાદ થઈ ગયું હતું.
તેનું કારણ એ કે ચલણનું એક મૂલ્ય હોય છે અને ચલણનો સિક્કો તૈયાર કરવા માટે ખર્ચ થાય તે ઓછો હોય તો લોકો નકલી સિક્કા બનાવવાનો જ ધંધો કરે. ચલણ તૈયાર કરવાનો ખર્ચ તેના મૂલ્ય કરતાં વધારે હોવો જોઈએ. અથવા હાલના સમયમાં છે તે રીતે નોટો છાપવાની પદ્ધતિ એટલી અઘરી હોવી જોઈએ કે નકલી નોટો છાપી શકાય નહિ. તેમ છતાંય નકલી નોટો થોડી ઘણી છપાતી રહે છે.
આના પરથી જ રૂપિયાનું ‘મૂલ્ય’ બહુ અગત્યનું બની રહે છે. રૂપિયાનું મૂલ્ય સત્તાવાર અને બિનસત્તાવાર એમ બંને રીતે હોય છે. બિનસત્તાવાર મૂલ્ય એટલે આપણે સૌ જે રીતે રૂપિયા, નાણા, ધન, સંપત્તિને જોતા હોઈએ છીએ તે, અને સત્તાવાર મૂલ્ય એટલે રૂપિયા બરાબર કેટલા પૈસા. આ તો બહુ સહેલું છે એમ તમને લાગશે – એક રૂપિયાના એક સો પૈસા. બરાબર છે, એક રૂપિયો એટલે એકસો પૈસા થાય. તે પછી એકસો રૂપિયા, હજાર, લાખ, કરોડ એવી રીતે ગણતરી ચાલે, પણ એક રૂપિયાનું મૂલ્ય આ રીતે નિર્ધારિત થયું તે સત્તાવાર રીતે થયેલું હોય છે. સાચી વાત એ છે કે રૂપિયાનું મૂલ્ય પ્રથમથી જ એકસો પૈસા નથી. આના શબ્દ હમણાં સુધી આપણે સાંભળતા આવ્યા છીએ. ચાર આના અને આઠ આઠા આપણે બોલતા હતા અને તેના સિક્કા પણ હતા. પાવલી એટલે કે 25 પૈસાનો સિક્કો ચાર આના અને 50 પૈસાનો સિક્કો આઠ આના.
પરંતુ પાઈ, દમડી, ફૂટી કોડી આવા શબ્દો આપણે વધારે કહેવતોમાં સાંભળ્યા છે અને તેનું અસલી મૂલ્ય શું તે હવે કદાચ થોડી જૂની પેઢીના લોકોને પણ ના ખબર હોય તેવું બને. કોડી તો ખરી, પણ ફૂટી કોડી એટલે શું? એક કોડીના ત્રણ ભાગ ત્યારે ફૂટી કોડી બને! ત્રણ ફૂટ કોડી એટલે એક કોડી મૂલ્ય. આનાનો હિસાબ વધારે સહેલો હતો. રૂપિયામાં સોળ આના હતા. સોળ આના સચ – એ કહેવત યાદ છેને!
એક આનાના પણ ભાગ પડતા હતા. ચાર પૈસા ભેગા ત્યારે એક આનો થતો હતો. એટલે ગણી લો હિસાબ મળી જશે. ચાર આના એટલે પાવલી=25 પૈસા. ચાર પાવલી ભેગી થાય એટલે 100 પૈસાનો રૂપિયો થઈ જાય. જોકે સત્તાવાર રીતે એક રૂપિયાને 100 પૈસામાં ગણવાની શરૂઆત બ્રિટિશરો ગયા તે પછી થઈ હતી, તેની વાત આગળ કરીશું.
પૈસાનો પણ ભાગ પડે – એક પૈસામાં ત્રણ પાઈ આવે. એટલે જ કહેવત પડી હતી કે પાઈ પાઈએ ભેગી કરીને પૈસો બચાવ્યો હોય, તે ગુમાવ્યાનું દુખ થાય. દોઢ પાઈનો એક ધેલા થતો હતો, પણ તે બહુ પ્રચલિત નથી. એક ધેલાની બે દમડી થાય તે દમડી શબ્દ વળી કહેવતમાં પ્રચલિત હતો. દમડીના પણ ભાગ પડે – એક દમડીની 10 કોડી આવે અને છેલ્લે આવે એક કોડીની ત્રણ ફૂટી કોડી. હવે ખ્યાલ આવ્યો શા માટે જૂની પેઢીના લોકો કહેતા હતા કે રૂપિયો ગાડાના પૈડા જેવડો હતો?
પાઈ પાઈ ભેગી કરવાની વાત જવા દો, બહુ જૂના સમયે એક એક ફૂટી કોડી ભેગી કરીને માંડ માંડ રૂપિયો ભેગો થતો હતો. રજવાડાના સમયમાં આખો રૂપિયો પગાર હોય તે બહુ મોટી વાત કહેવાતી હતી. રૂપિયાનો હિસાબ નીચેની રીતે સમજો એટલે વધારે સ્પષ્ટ થઈ જશે.
1 રૂપિયો= 16 આના 16 આના= 64 પૈસા 64 પૈસા= 128 ધેલા 128 ધેલા= 192 પાઈ 192 પાઈ= 265 દમડી 265 દમડી= 2650 કોડી 2650 કોડી= 7950 ફૂટી કોડી |
સરળ હિસાબ માટે (ઓછી પ્રચલિત ધેલાને બાદ કરીને)
3 ફૂડી કોડી= 1 કોડી 3 કોડી= 1 દમડી 3 દમડી= 1 પાઈ 3 પાઈ= 1 પૈસો 4 પૈસા= 1 આનો 16 આના= 1 રૂપિયો |
1540ની આસપાસ શેરશાહ સૂરીએ સિક્કા પડાવ્યા તે રૂપું (ચાંદી)માંથી બનેલા હતા એટલે તેનું નામ રૂપિયા પડ્યું. 11.453 ગ્રામનો એક સિક્કો બનતો હતો. તુઘલકે તાંબામાંથી સિક્કા બનાવેલા તેને દામ તરીકે ઓળખવામાં આવતા હતા અને તેના પરથી દમડી શબ્દ આવ્યો હતો. સોનાના સિક્કાને મોહર કહેવાતા હતા. સોનામહોર એક પ્રકારનો સિક્કો હતો. ત્યાંથી આજે આપણે રૂપિયાની નોટ સુધી પહોંચ્યા છીએ. વચ્ચે ઉપર ગણાવ્યા તે પ્રમાણે 16 આનાનો રૂપિયો ગણાતો હતો. તેનું વજન 11.66 ગ્રામનું હતું.
ભારતે શૂન્યની અને દશમાંશની શોધ કરેલી પણ ચલણમાં તેનો ઉપયોગ અમેરિકાએ શરૂ કર્યો હતો. અમેરિકાએ પાયાના ચલણને સો હિસ્સામાં ગણાવાનો એટલે કે ડૉલરના 100 સૅન્ટનો હિસાબ નક્કી કર્યો હતો. અમેરિકાએ 1792થી આ પદ્ધતિ અપનાવી હતી. યુરોપના બીજા દેશોએ પણ આ સહેલી રીત અપનાવી લીધી હતી. પણ બ્રિટનમાં જૂની પદ્ધતિ ચાલતી રહી. તેથી ભારતમાં પણ આના પદ્ધતિ ચાલતી રહી. આઝાદી પછી છેક ભારતે પણ રૂપિયાનું મૂલ્ય (64 પૈસાને બદલે) 100 પૈસા કરવાનું નક્કી કર્યું. પરંતુ મૂલ્ય ફેરવવાનું કામ એટલું સહેલું હોતું નથી. તુઘલકે તાંબાના સિક્કા નક્કી કર્યા અને બધા લોકો સિક્કા બનાવવા લાગ્યા તેના કારણે ભારે અરાજક સ્થિતિ પેદા થઈ હતી. તે જ રીતે રાતોરાત એક રૂપિયાના 100 પૈસા કરી નખાય તો ચાર આના અને આઠ આનાની ગણતરી મુશ્કેલ બને. તેથી ધીમ ધીમે આયોજનપૂર્વક રૂપિયો બરાબર 100 પૈસા દાખલ થયા હતા.
1955માં પ્રથમ તો સંસદમાં સિક્કા બહાર પાડવા અંગેના કાયદામાં સુધારો કર્યો. દશમાંશ પદ્ધતિ અપનાવાનું નક્કી કરાયું અને સૌથી નાની મુદ્રા પાઈની જગ્યાએ પૈસોને બનાવવામાં આવી. ત્રણ પાઈનો એક પૈસા થાય તે હિસાબ ભૂલી જવાનો અને હવે એક પૈસાથી શરૂઆત થાય. 100 પૈસાનો રૂપિયો થાય. હવે એક પૈસો (નયું-નયા પૈસા પરથી), બે પૈસો, ત્રણ પૈસા (તિનિયું), 25 પૈસા (પાવલી), 50 પૈસાના સિક્કા તૈયાર થયા. પરંતુ ચાર અને આઠ આનાનો હિસાબ બેસાડવો મુશ્કેલ પડત હતો. કહેવાય ચાર આના, પણ તેનું મૂલ્ય 16 પૈસાના બદલે 25 પૈસાનું હોય. ટપાલ ટિકિટ, રેલવે ટિકિટ આના-રૂપિયામાં હતી તેમાં ફેરફાર કરવો પડે તેમ હતો. ખેતી માટે આનાવારી નક્કી થતી હતી, મહેસૂલનો દર પણ આનાવારી પ્રમાણે હતો તે બધામાં ફેરફારો કરવા પડે તેમ હતા.
આરબીઆઈએ ગણતરી સરળ બને તે માટે ચાર્ટ તૈયાર કરી આપ્યો હતો. તે દેશભરમાં પોસ્ટ ઓફિસમાં લગાવવામાં આવ્યો હતો. કાયદામાં સુધારા પછી 1957માં નવા સિક્કા બહાર પડ્યા. તેના પર ‘નયે પૈસે’ એવું ખાસ લખવું પડ્યું હતું. નયા પૈસા મેળવવા માટે દિલ્હીની જનરલ પોસ્ટ ઓફિસ આગળ 10,000 લોકોની લાઈન લાગી ગઈ હતી. પોલીસનો બંદોબસ્ત ગોઠવવો પડ્યો હતો. કોલકાતામાં લોકો નયે પૈસે સ્વીકારવા તૈયાર નહોતા એટલે વિરોધમાં ઉતરી આવ્યા હતા અને પોસ્ટ ઓફિસને જ સળગાવી દીધી હતી.
નોટબંધી યાદ આવી ગઈ? શાસકોના તુઘલઘી તુક્કા હંમેશા પ્રજાને પરેશાન કરતાં હોય છે અને લાઈનમાં લગાડી દેતા હોય છે. જોકે અહીં પ્રજાને નુકસાન નહોતું થઈ રહ્યું. આમ જુઓ તો ફાયદો થઈ રહ્યો હતો, કેમ કે રૂપિયાના 64ના બદલે 100 પૈસા થઈ રહ્યા હતા. બીજી બાજુ ચાર આનાનું પરબિડિયું મળતું હતું તે હવે પાવલીમાં મળતું હતું, એટલે લોકોને મોંઘું લાગ્યું હતું. 16 પૈસાને બદલે 25 પૈસા દેવા પડતા હતા.
સમગ્ર સ્થિતિને થાળે પડતા અને લોકોને નવા પૈસાની આદત પડતા દાયકો લાગી ગયો હતો. તે પછી 1963-64માં સૌને આદત પડી ગઈ હશે એમ સમજીને સરકારે સિક્કા પરથી નયે પૈસે શબ્દ હટાવી દીધો હતો. હવે નવો પૈસો જ અસલી પૈસો બન્યો હતો, પણ પૈસાની મોહમાયામાં કંઈ ફરક પડ્યો નથી. આજેય રૂપિયો-પૈસો આપણને પરેશાન કરતો રહે છે. રૂપિયો ગાડાના પૈડા જેવો હતો તે એક નયા જેટલો થઈ ગયો છે એમ આપણને લાગે છે. રૂપિયામાં હવે પાણીનું પાઉચ પણ મળતું નથી. કપ ચાના પણ 10 રૂપિયા થઈ ગયા છે. 100ની નોટ ફટ કરતીકને ઊડી જાય છે. લખપતિ મધ્યમ વર્ગની હરોળમાં આવી ગયા છે, કેમ કે સરકાર 5 ટ્રિલિયનની (તેમાં એક પર કેટલાં મીંડા આવે તેની નેતાઓને પણ ખબર નથી) વાતો કરે છે, ત્યારે અબજપતિની યાદીઓ બહાર પડ્યા કરે છે. ચાલો ભઈ, પડતી મૂકો પંચાત, પાઈની પેદાશ નહિ ને ઘડીની નવરાશ નહિ… કમાણી માટે કામે લાગો!