ચૂંટણીની આડે ચાર મહિના અને સંસદના વર્તમાન સત્રની સમાપ્તિના એક દિવસ પહેલાં અચાનક એક તીર છૂટ્યું. અનામતના ભાથામાંથી દેશભરમાં તીરોનો મારો ચાલુ કરાયો હતો. તે પછી હવે મનુવાદીઓને ગમે તેવા શબ્દમાં કહીએ તો બ્રહ્માસ્ત્ર છોડવામાં આવ્યું. બિનઅનામત વર્ગને પણ અનામત આપવા માટે બંધારણમાં સુધારો કરવાનું નક્કી કરાયું. વિપક્ષ હબક ખાઈ ગયો અને વધારે કશું વિચારવાની તક મળે તે પહેલાં સમર્થન આપવા માટે મજબૂર થઈ ગયો. સોમવારે જાહેરાત થઈ કે બંધારણમાં 124મા સુધારાનો ખરડો આવી રહ્યો છે ત્યારથી જ ભારે ચર્ચા, ઓકે શાસ્ત્રાર્થ શબ્દ રાખો, શાસ્ત્રાર્થ શબ્દની ટેવ પાડો, કેમ કે ભવિષ્યમાં તે માટેનો બંધારણીય સુધારો પણ આવી શકે છે. એની વે, આ રીતે વાત કરીશું તો વાત આડા પાડે ચડી જશે, શાસ્ત્રાર્થનો ઇરાદો જ વાતને આડા પાડે ચડાવવાનો હોય છે એમ કહીશું તો વળી ચર્ચા ઓર એક અવળા પાટે ચડી જશે.
તેના બદલે ટૂંકો અને સીધો રસ્તો અપનાવીએ. ચર્ચા લાંબી ના થાય, પણ બિનઅનામત વર્ગની જ્ઞાતિઓને અનામત આપવા માટેનો માર્ગ મોકળો કરાયો છે તેના સંદર્ભો શું છે, તેના સૂચિતાર્થો શું છે અને શાસ્ત્રાર્થને અનુરૂપ શબ્દોની કેવી માયાજાળ ગૂંથાઈ છે અને ઑલરેડી પ્રજા તેમાં ફસાઈ ગઈ છે એટલી વાત બૂલેટ પોઈન્ટ પ્રમાણે કરીએ.
- આ ‘આર્થિક’ અનામત નથી, આ ‘જ્ઞાતિ’ અનામત છે. આર્થિક શબ્દ આગળ રાખીને શબ્દની માયાજાળ રચવામાં આવી છે. ‘આર્થિક રીતે નબળા બિનઅનામત જ્ઞાતિજૂથ માટેની અનામત’ છે એમ કહેવાય છે. હવે શબ્દોનો ક્રમ બદલો અને જુઓ – ‘બિનઅનામત જ્ઞાતિજૂથ માટેની અનામત, આર્થિક માપદંડ (ક્રિમી લેયર) સાથે’.
- આર્થિક માપદંડ, ક્રિમી લેયરની વ્યવસ્થા ઓબીસી જ્ઞાતિજૂથ માટે પણ છે. ઓબીસી જ્ઞાતિજૂથમાં 8 લાખની વાર્ષિક આવક મર્યાદા છે, અહીં પણ બિનઅનામત જ્ઞાતિજૂથ માટે 8 લાખની આવક મર્યાદા નક્કી કરાઈ છે.
- બંધારણની કલમ 15 અને કલમ 16માં અનુચ્છેદ (6) ઉમેરવામાં આવ્યા છે. તેમાં એવું લખાયું છે કે સરકાર અન્ય કલમોનો ભંગ કરીને પણ ‘અનુચ્છેદ (4) અને (5)માં જણાવેલા વર્ગના નાગરિકો સિવાયના નાગરિકો’માંથી જેઓ આર્થિક રીતે નબળા છે તેમના માટે વિશેષ તકની વ્યવસ્થા કરી શકે.
- બંધારણની કલમ 15માં શિક્ષણની વિશેષ તક માટેની અને કલમ 16માં રોજગાર માટેની વિશેષ તકની વાત હતી. તેથી શિક્ષણ અને જાહેર નોકરીઓમાં વિશેષ તક એટલે કે અનામત આપીને ‘સકારાત્મક ભેદભાવ’ કરી શકાતો હતો. પરંતુ તેઓ સકારાત્મક ભેદભાવ માત્ર બાળકો, મહિલા, ‘સામાજિક અને શૈક્ષણિક રીતે નબળા’ નાગરિકોના વર્ગ માટે હતો.
- કલમમાં હવે ‘આર્થિક રીતે નબળા’ શબ્દ ઉમેરાયો છે, પણ તેની સાથે જ શબ્દની માયાજાળના હિસ્સારૂપે અનુચ્છેદ (4) અને (5)માં વર્ણવાયેલા નાગરિકો સિવાયના નાગરિકો માટે એવો શબ્દ જોડાયો છે. તેનો અર્થ એ કે અનુચ્છેદ (4) અને (5)માં વર્ણવાયેલા નાગરિકોમાંના ‘આર્થિક નબળા’ નાગરિકોને ગણતરીમાં લેવાના નથી.
- ઉપરના મુદ્દાની સમજણઃ સમજણ 1 – સામાજિક અને શૈક્ષણિક વર્ગ રીતે નબળા વર્ગમાંથી જે આર્થિક રીતે પણ નબળા હોય તેને આ વ્યાખ્યા લાગુ પડે નહિ. સમજણ 2 – વધારે ચોખ્ખી સમજણ એ છે કે ગરીબોના ભાગલા પાડવામાં આવ્યા છે. દલિત ગરીબ જુદો, આદિવાસી ગરીબ જુદો, ઓબીસી ગરીબ જુદો અને બિનઅનામત જ્ઞાતિનો ગરીબ જુદો. આ છેલ્લા ગરીબને અનામત મળશે.
- ગરીબની વ્યાખ્યા બહુ અદભૂત છે. આઠ લાખનો આંકડો જરાક ચકરાવે ચડશે અને તે પણ શાસ્ત્રાર્થની પરંપરા પ્રમાણે શબ્દોની માયાજાળની રચનાના ભાગરૂપે છે. સમજાય તેવી ભાષામાં કહો કે મહિને 66,666 રૂપિયાની આવક ધરાવતું બિનઅનામત જ્ઞાતિનું કુટુંબ ગરીબ ગણાશે. 999 ચોરસ ફૂટનો ફ્લેટ શહેરમાં સારા વિસ્તારમાં હોય તેની કિંમત 99 લાખ રૂપિયા હોઈ શકે છે, પણ તે કુટુંબ ગરીબ ગણાશે. 99 વારના પ્લોટમાં શહેરમાં સારા વિસ્તારમાં બંગલો હોય તેની કિંમત કદાચ સવા કરોડ પણ હોય, પણ તે કુટુંબ ગરીબ ગણાશે.
- આ વર્ષે દેશના 6 કરોડ લોકોએ ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઈલ કર્યું છે. વર્તમાનમાં વર્ષે અઢી લાખથી વધારે આવક ધરાવનારી વ્યક્તિએ ઇન્કમ ટેક્સ ભરવો પડે. તેનો અર્થ એ થયો કે ઇન્કમ ટેક્સ ભરનારા બધા જ ગરીબ થયા.
- આ 6 કરોડ લોકોમાં મહદ અંશે બિનઅનામત જ્ઞાતિ જૂના નાગરિકો હોવાના. તેનો અર્થ એ થયો કે ઇન્કમ ટેક્સ ન ભરનારા બિનઅનામત વર્ગના ખરેખર ગરીબ એવા નાગરિકે પોતાના જ ઇન્કમ ટેક્સ ભરનારા જ્ઞાતિબંધુ સામે સ્પર્ધામાં ઊભા રહેવાનું છે. તો ગરીબને ફાયદો કેવી રીતે થયો?
- ઇન્કમ ટેક્સ ભરનારા મહદ અંશે બિનઅનામત જ્ઞાતિ જૂથના હશે, તે જ રીતે આ જૂથમાં ખરેખર ગરીબ કુટુંબોની સંખ્યા પણ ઘણી હશે. (કેટલી હશે તેનો અંદાજ 2011ની વસતિ ગણતરીમાં કદાચ આવ્યો છે, પણ તેના આંકડાં જાહેર થતા નથી.) આ જૂથમાં મહિને 16,000 કે 26,000 કમાનારા કુટુંબો પણ ઘણા હશે, પણ તેમના સંતાને 66,000ની આવક ધરાવતા કુટુંબના સંતાન સાથે સ્પર્ધા કરવાની રહેશે. 16,000ની આવક ધરાવનારું કુટુંબ પોતાના બે સંતાનો માટે ટ્યુશનની વ્યવસ્થા કરી શકશે? 66,000ની આવક ધરાવનારા સારી શાળામાં એડમિશન ઉપરાંત ટ્યુશનની વ્યવસ્થા પણ કરી શકે. અર્થાત ખરેખર ગરીબ એવા કુટુંબના સંતાનના બદલે 66,000ની આવક ધરાવનારા કુટુંબના સંતાનોને લાભ અપાવવા માટેની આ યોજના છે.
- ઉપરના મુદ્દાની સરળ સમજણઃ નરેન્દ્ર મોદી જેમને નિયો મિડલક્લાસ કહે છે, તેવા મધ્યમ વર્ગના પોતાના મતદારોને ખુશ કરવા માટેની યોજના છે, ગરીબોને ફાયદો થાય તે માટેની વ્યવસ્થા નથી.
- કુલ રોજગારમાં સરકારી નોકરીઓનું પ્રમાણ માત્ર 4 ટકા છે. સરકારી કામગીરીનું ખાનગીકરણ કરીને સરકારી નોકરીઓ ઓછી કરવામાં આવી રહી છે. વાસ્તવિક અર્થમાં દલિત, આદિવાસી અને ઓબીસીને મળતી સરકારી નોકરીઓની સંખ્યા અને તક ઓછી થઈ રહી છે ત્યારે ખરેખર કેટલી નોકરીઓ બિનઅનામત જ્ઞાતિ જૂથના લોકોને મળશે?
- ઉપરના મુદ્દાની ના ગમે તેવી સમજણઃ નોકરીઓનું ખાનગીકરણ કરીને અનામત વર્ગના લોકો માટે નોકરીઓ ઓછી થઈ જાય તેવી ગોઠવણ થઈ રહી છે. ખાનગી ક્ષેત્રમાં જ ખરી નોકરીઓ છે અને ત્યાં કોઈ અનામત નથી. બીજું એક ટીકા થઈ રહી છે તે તદ્દન અસ્થાને નથી. બધાને જ અનામત આપો અને અનામત મુદ્દે એટલો હોબાળો કરે કે શાસ્ત્રાર્થને ચોક્કસ દિશામાં વાળી શકાય. શાસ્ત્રાર્થ આગળ એવી દિશામાં લઈ જવાનો કે ભઈ, આટલો બધો વિવાદ છે તો હવે બંધ કરો આ અનામત. અર્થાત આ ચાલ અનામત આપવા માટે નથી, પણ ઝપડથી અનામત બંધ કરાવવા માટે છે.
- સૌથી ચોંકાવનારો સૂચિતાર્થ એ છે કે જે દિવસે બિનઅનામત જૂથની જ્ઞાતિઓ માટે અનામત માટે કાયદો બનશે (હજી કાયદો બન્યો નથી. કાયદો બનાવવા માટે આધાર લેવા બંધારણીય સુધારો કરાયો છે.) તે દિવસે આખો દેશ ‘પછાત’ અથવા ‘નબળા’ જ્ઞાતિજૂથો ધરાવતો દેશ બની જશે.
- 130 કરોડથી વધુની વસતિ ધરાવતો, ભવ્ય સાંસ્કૃત્તિક વારસો ધરાવતો, પ્રાચીન કાળમાં દુનિયાનો સૌથી સમૃદ્ધ, હાલમાં પણ દુનિયામાં છઠ્ઠા નંબરની જીડીપી ધરાવતો દેશ આખેઆખો પછાત અને નબળો બની જશે. એક પણ વર્ગ એવો નહિ રહે જે પછાત કે નબળો ના હોય.
- સાત દાયકા પહેલાં આઝાદી મળી ત્યારે સક્ષમ અને સબળા વર્ગને અનામતની જરૂર નહોતી અને માત્ર અક્ષમ અને નબળા વર્ગ માટે વ્યવસ્થા કરવી જરૂરી લાગી હતી. સાત દાયકા પછી આપણું સામુહિક પતન થયું અને બધા જ વર્ગ અક્ષમ અને નબળા બની ગયા. સકારાત્મક પ્રયાસોથી નબળાને સબળા બનાવવાના બદલે આપણે સાત દાયકામાં એવી લોકશાહી ચલાવી કે સબળા પણ આજે નબળા થઈ ગયા અને તેમને અનામત આપવાની જરૂર પડી.
- શિક્ષણ સંસ્થાઓ અને સરકારી નોકરીઓમાં અનામત પ્રતિનિધિત્વ આપવા માટે હતી. પ્રજા તંત્રમાં સરકારી તંત્ર એ સત્તાનું પ્રતીક છે. તેમાં સમાજના બધા વર્ગની હાજરી હોવી જોઈએ. રાજાશાહીમાં માત્ર બે જ વર્ગની હાજરી રહેતી. તેથી પ્રતિનિધિત્વ માટે અનામતની વિચારણા થઈ હતી, આર્થિક ફાયદા માટે કે રોજગારી માટે નહિ. તો શું બિનઅનામત જ્ઞાતિઓનું પ્રતિનિધિત્વ સરકારી નોકરીઓમાં ઓછું છે?
- કોનું કેટલું પ્રતિનિધિત્વ છે, તેના આંકડાં સત્તાવાર રીતે, સરખામણી સાથે જાહેર થતા નથી. કદાચ તે આંકડાંમાં એવી હકીકતો હશે જે દર્શાવતી હશે કે સ્થિતિમાં થોડો જ ફેરફાર થયો છે.
- આપણો મૂળબૂત ઇરાદો હતો અને હોવો જોઈએ કે ગુણવત્તાને મહત્ત્વ આપીએ. તંદુરસ્ત સ્પર્ધા થાય. તંદુરસ્ત સ્પર્ધા કરવા માટે અનામત અપાઈ હતી. 70 કિલો વજન ધરાવતા કુસ્તીબાજ સાથે બહુ તો 65 કિલો વજન ધરાવતા કુસ્તીબાજને કુસ્તી કરવાનું કહેવાય, 35 કિલોનું વજન ધરાવનાર પાસે કુસ્તી ના કરાવાય. 16,000ની આવક ધરાવનારને 66,000 સામે મૂકાયો છે તે યાદ રાખજો.
- ગુણવત્તા અને સ્પર્ધા માટે 100 ટકા મોકળાશ રાખવાની હોય, આદર્શની રીતે. વાસ્તવિકતાની રીતે બધા સ્પર્ધા કરી શકે તેમ નહોતા તેથી 50 ટકા માટે મોકળાશ ઓછી કરાય અને મર્યાદા બાંધવામાં આવી. અર્થાત 50 ટકા જગ્યાઓ માટે ગુણવત્તામાં બાંધછોડ કરીને સ્પર્ધા મર્યાદિત કરાઈ, પણ બાકીની 50 ટકા જગ્યા સંપૂર્ણપણે ગુણવત્તા અને સ્પર્ધા માટે ખાલી રાખવાની હોય.
- ઘણા બધા લોકો શાસ્ત્રાર્થની પરંપરા પ્રમાણે શબ્દોની માયાજાળ રચીને એવું બોલે છે કે 49 ટકા જગ્યા અનામત જ્ઞાતિઓ માટે હતી તે યથાવત રખાઈ છે, જ્યારે બિનઅનામત જ્ઞાતિઓ માટે 51 ટકા જગ્યા હતી, તેમાંથી ગરીબો માટે ફક્ત 10 ટકા અનામત રાખવાની વાત છે. આ બંને વાત ખોટી છે. 51 ટકા જગ્યાઓ બિનઅનામત જ્ઞાતિઓ માટે ‘અનામત’ નથી. 51 ટકા જગ્યાઓ ‘સૌ’ માટે, અંગ્રેજીમાં ‘ફોર ઑલ’, છે. 51 ટકામાં બધાની સ્પર્ધા, જ્યારે 49માં મર્યાદિત જ્ઞાતિઓની સ્પર્ધા – ચોક્કસ વ્યાખ્યા પ્રમાણે નબળા જૂથની ગણાયેલી જ્ઞાતિઓના નાગરિકો વચ્ચે સ્પર્ધા. ગરીબો માટે અનામત અપાઈ છે તે બીજી વાત પણ ખોટી. 66,000 રૂપિયાની આવક ધરાવનારા મધ્યમ વર્ગ સહિતના મોટા ભાગના બિનઅનામત જ્ઞાતિજૂથના નાગરિકો માટે અનામત રાખવાની વાત છે.
- આ પગલું ચૂંટણીલક્ષી છે. પણ તેમાં માત્ર ભાજપની ટીકા કરવાનો અર્થ નથી. બધા જ પક્ષો આજ સુધી ચૂંટણીલક્ષી નિર્ણયો જ લેતા આવ્યા છે. ઓબીસીને અનામત આપવા માટે વી. પી. સિંહે મંડલ પંચની ભલામણોને રમતી મૂકી તે પણ ચૂંટણીલક્ષી જ હતું. આ જ મંડલ પંચનો અમલ કોંગ્રેસે કર્યો નહોતો. કોંગ્રેસ પણ મૂળભૂત રીતે બિનઅનામત જૂથની જ્ઞાતિઓના નેતાઓની બનેલી પાર્ટી રહી છે. કોંગ્રેસે મુસ્લિમ, દલિત અને આદિવાસીઓનો વૉટબેન્ક તરીકે ઉપયોગ કર્યો હતો. મંડલ પંચ પછી ઓબીસી વર્ગના પ્રાદેશિક પક્ષો ઊભા થયા હતા. હવે વારો ભાજપનો છે. ભાજપે સજ્જડ રીતે બિનઅનામત જ્ઞાતિઓનું વૉટબેન્ક ઊભી કરીને પોતાને પક્ષે કરી લીધી છે.
- અનામત કાયમી નહોતી રાખવાની અને કાયમી રાખવાની પણ નથી. ધીમે ધીમે બધા વર્ગો સક્ષમ અને સમાન થતા જાય તે પછી સમયાંતરે તેમાં ઘટાડો કરતા જવાનો આદર્શ છે. વરવી વાસ્તવિકતા એ છે કે સાત દાયકા પછી એક પણ જૂથ સબળું કે સક્ષમ નથી થયું, ઉલટાનું ઑલરેડી સબળું જૂથ હતું તે પણ સાત દાયકે નબળું થઈ ગયું છે તેમ કહીને તે જૂથ માટે પણ અનામત આપવી પડી છે.
- અને આ સિવાય, આ વાંચ્યા પછી તમારા મનમાં પણ સૂઝેલા મુદ્દા, શાસ્ત્રાર્થ તરીકે કે બૂલેટ પોઈન્ટ તરીકે, ઉમેરો…