ટાઈમને ભારતમાંથી ભાવિ નેતા દેખાતા નથી કે ખરેખર છે નહીં?

વિદેશી મેગેઝીન પોતાની રીતે યાદી તૈયાર કરે તેમાં ભારતીયો હરખાઈ શાના જાય તેવી ફિલોસોફિકલ ચર્ચાનો કોઈ અર્થ નથી. એટલે આપણે કરવાના પણ નથી. પણ આદત સે મજબૂર એટલે થોડી ચિંતનાત્મક વાતો આવવાની જ. જેમ કે સોશ્યલ મીડિયામાં જૂઠ ફેલાવવાનું કેટલું સહેલું હોય છે તેના ઉદાહરણો રોજેરોજ મળે છે. બધા જ ‘વાદીઓ’ જમણી બાજુના, ડાબી બાજુના અને કેટલાક વાર મધ્યમ બાજુના વાદીઓ પણ જૂઠ ફેલાવી દે છે. ટાઈમ મેગેઝીનની યાદી આવે ત્યારે પણ એવું થતું હોય છે. આ વખતે પણ થયું.

ટાઈમે જાહેર કરેલી Time 100 મોસ્ટ ઇન્ફ્લુએન્શિયલ યાદીમાં નરેન્દ્ર મોદીનું નામ નથી અને લો બોલો, ઈમરાન ખાનનું નામ છે. સોશ્યલ મીડિયામાં મીની વાવાઝોડું આવી ગયું. અનિયંત્રિત રીતે માહિતી ફેલાવા દેવામાં આવે ત્યારે અસત્ય અને અર્ધસત્ય ફેલાતું જ રહેવાનું. પત્રકારત્વ એટલા માટે જ અગત્યનો વ્યવસાય છે, મિશન છે. તે ગાળણી લઈને બેઠો હોય છે અને કોઈ પણ માહિતી ગાળીને પછી જ આપે છે. સોશ્યલ મીડિયાની જેમ અર્ધસત્ય ફેલાવી દેતો નથી.

પાકિસ્તાનના વડા પ્રધાન ઈમરાન ખાનનું નામ છે અને ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું નામ નથી તેવા મેસેજ લાગતાવળગતાએ ભરપુર ફોરવર્ડ કર્યા. આમ પણ પાકિસ્તાન ફેવરિટ સબ્જેક્ટ છે આજકાલ. ટીવી જોઈ લેજો, ગમે તેમ કરીને પાકિસ્તાનનો મુદ્દો લાવવાનો તે લાવવાનો. ઉપરથી સાહેબશ્રીઓની સૂચના હોય તેના કારણે દલાલ જેવા બની ગયેલા તંત્રીઓ અને એન્કરો યેનકેનપ્રકારણે પાકિસ્તાન શબ્દનો ઉપયોગ થાય તેવા સબ્જેક્ટ શોધી લાવે છે. તેમાં બદનામ થાય છે અસલી પત્રકારો, જે આજેય પોતાનો ધર્મ નિભાવીને નિરક્ષીરવિવેકથી પ્રજાના હિતમાં માહિતી ગાળીને, શુદ્ધ કરીને વાચકોને પીવરાવે છે.

એટલા માટે કે યાદીમાં નામ આવે ત્યારે ખુશ થવા જેવું હોતું નથી અને ના આવે ત્યારે નિરાશ થવા જેવું હોતું નથી. આ બાબત થોડી સબ્જેક્ટિવ પણ છે અને તેમાં થોડું માર્કેટિંગ પણ હોય છે. બીજું દરેક યાદી તૈયાર કરવી વખતે તેની થીમ નક્કી થતી હોય છે અને તે પ્રમાણે કોઈનું નામ આવી જાય, કોઈનું રહી જાય. મુખ્ય યાદી કરતાં આ વખતે મેગેઝીને ટાઇમ નેક્સ્ટ 100 એવી યાદી પણ તૈયાર કરી તેના બહાને થોડી ચર્ચા આપણે કરવી જોઈએ. મહારાષ્ટ્રનું કોકડું ગૂંચવાયેલું છે અને તમે જાણો છો કે સરકાર રચાશ કે કેમ, કેવી રચાશે અને કેટલી ચાલશે તેની ચર્ચા છે. મહારાષ્ટ્રની ચૂંટણી વખતે શિવસેનાએ કૌટુંબિક વારસદાર આદિત્ય ઠાકરેનું નામ ચલાવ્યું હતું. ભાવી સીએમ તરીકે તેમને પ્રોજેક્ટ કરાયા અને પરિણામો પછી ભાજપ સાથેનો મામલો વિફર્યો તે પછી પણ આદિત્ય ઠાકરેના પોસ્ટર ભાવી સીએમ તરીકે લગાવાયા હતા. એ પોસ્ટરો ધીમે ધીમે ગાયબ થયા અને ઉદ્ધવ ઠાકરે માટે પોસ્ટરો લાગ્યા. હવે કદાચ તે પોસ્ટરો પણ થોડા દિવસ ભંડકિયામાં મૂકી દેવાશે.


કહેવાનો ભાવ એ છે કે ભારતના રાજકીય પક્ષો અને રાજકીય કાર્યકરો પોતાના ભાવી તરીકે જે નેતાઓને આગળ કરે છે, તેની કોઈ ગણતરી ટાઈમ મેગેઝીને કરી નથી. ટાઈમ મેગેઝીને ભવિષ્યમાં નેતા તરીકે આગળ આવી શકે તેવા લીડર્સની યાદી આપી તેમાં એક પણ ભારતીય યુવા નેતાનું નામ નથી. આદિત્ય ઠાકરેને તો મુદ્દલ નથી, પણ એકવાર મુખ્ય પ્રધાન રહી ચૂકેલા અને માયાવતી સાથે સમાધાન કરીને ચર્ચામાં આવેલા અખિલેશ યાદવનું નામ પણ નથી. બિહારમાં લાલુ પ્રસાદે હવે તેજસ્વીને કમાન સોંપી દીધી છે, તેમનું નામ પણ યાદીમાં નથી. તેના બદલે નાના દેશ કોસ્ટારિકામાં પ્રમુખ બનેલા 29 વર્ષના કાર્લોસ એલ્વરેડોનું નામ છે. પરિવહન, ઉર્જા, કચરાનો નિકાલ અને ભૂમિના ઉપયોગમાં ક્રાંતિકારી ફેરફારો કરીને ક્લાઇમેટ ચેન્જ માટે કામ કરવાનો નિર્ધાર તેમણે કર્યો છે. આપણે અમેરિકામાં તુલસી ગબ્બાર્ડ અને કમલા હેરિસના નામ પ્રમુખપદના દાવેદારોની યાદીમાં ચાલે છે એટલે ખુશ થઈએ છીએ. તેમના નામમાં હિન્દુ કનેક્શન જો છે. પણ મેગેઝીન પ્રમાણે ડેમોક્રેટિક પાર્ટીની આફ્રિકન અમેરિકન 33 વર્ષની લૉરેન અંડરવૂડ આશાસ્પદ છે. તે સૌથી નાની ઉંમરે કોંગ્રેસમાં જીતનારી અશ્વેત યુવતી બની છે. હોંગ કોંગમાં ચીન સામે બાથ ભીડવાની હિંમત કરનારા 28 વર્ષના યુવાન એડવર્ડ લૂઇંગનું નામ પણ યાદીમાં છે.


આ યાદીમાં એક રસપ્રદ નામ છે વર્ષિની પ્રકાશ. ભારતીય નામ છે, પણ ભારતીય અમેરિકન છે. બોસ્ટનમાં જન્મેલી વર્ષિની ક્લાઇમેટ ચેન્જ માટે કામ કરી રહી છે અને તે માટે સનરાઈઝ મૂવમેન્ટની સહસ્થાપક બની છે. તેણે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું છે કે તેના દાદી ચેન્નઇમાં રહે છે અને 2004માં સૂનામી આવી ત્યારે તે હચમચી ગઈ હતી. દાદી પાસેથી સૂનામીનો વિનાશ સાંભળીને સ્કૂલમાં ભણતી વર્ષિની વિચારમાં પડી ગઈ હતી. તેના માતાપિતા બંને અમેરિકામાં રહે છે અને તેનો જન્મ પણ અમેરિકામાં જ થયો છે. તેથી તે લીડર બનશે તો ભારતીય મૂળની વધુ એક વ્યક્તિ અમેરિકાના જાહેરજીવનમાં પ્રભાવશાળી બનશે.

પણ અહીં ભારતનું શું – સવાલ એ છે. ભારતમાં આટલા બધા રાજકીય પક્ષો, આટલા બધા રાજ્યો અને તેમાં આટલી મોટી સંખ્યામાં યુવાનો જીતતા રહે છે, પણ તેમાંથી એકેય આશાસ્પદ નથી. ટાઈમની દૃષ્ટિએ નથી અને કદાચ આપણી દૃષ્ટિએ પણ નથી. આદિત્ય ઠાકરે એટલે કોંગ્રેસના વંશવાદની ઠેકડી ઉડાવનારા શિવસેનાના સ્થાપક નેતાની ત્રીજી પેઢી. ઉદ્ધવ ઠાકરેના પુત્ર હોવાનો ફાયદો તેમને છે, પણ આગળ તેમણે ખુદને સાબિત કરવા પડે. અખિલેશ યાદવ અને તેજસ્વીને યાદ કર્યા, તેમનું પોતાનું જ ભાવી થોડું ધૂંધળું દેખાય છે. આંધ્ર પ્રદેશમાં ભારે બહુમતી સાથે એક નેતા પુત્ર વાય.એસ. જગમોહન રેડ્ડી મુખ્ય પ્રધાન બન્યા છે, પણ તેમણે આવીને જે રીતે બદલાનું રાજકારણ શરૂ કર્યું છે તેના કારણે રાજ્યનું અને તેમનું પોતાનું ભાવી બહુ ઉજળું દેખાતું નથી. આંધ્રની નવી રાજધાની અમરાવતી બનાવવાનું કામ ચાલી રહ્યું છે. તેમાં ભ્રષ્ટાચારની વાતો કરીને કામ અટકાવી દીધું છે. અટકી પડેલા કામને કારણે અબજો રૂપિયાનો ધુંબો રાજ્યને લાગશે એ વક્રતા છે જ, પણ અસલી વક્રતા એ છે કે જેમના પિતા વાયએસઆર અબજો રૂપિયાના ભ્રષ્ટાચારમાં ખરડાયેલા હતા તેનો દીકરો ભ્રષ્ટાચારની વાત કરી રહ્યો છે. વાયએસઆર કોંગ્રેસના શક્તિશાળી નેતા હતા અને તેમણે અબજો રૂપિયા એકઠા કર્યા હતા, જેના જોરે તેનો દીકરો આજે રાજકારણ કરી રહ્યો છે. તેની પાસેથી તો આપણે પણ આશા ના રાખીએ, ત્યારે અમેરિકન મેગેઝીન ક્યાંથી રાખે.

જયલલિતાને કોઈ વારસ નહોતો એટલે તેની સખી શશીકલા અને તેનો ભત્રીજો વારસો લેવા નીકળી પડ્યા હતા. આવા વારસદાર શું ઉકાળવાના? સામી બાજુએ કરુણાનિધિના અવસાન પછી તેમના બે પુત્રો વચ્ચે સંઘર્ષ હતો. તેમાંથી સ્ટાલિન અત્યારે આગળ નીકળ્યા છે અને ડીએમકે પક્ષનું સૂકાન સંભાળ્યું છે. તામિલનાડુમાં બે ફિલ્મસ્ટાર નેતા બનવા થનગની રહ્યા છે. મદારી કરે તેના ખેલ કરીને લોકપ્રિય બનેલા રજનીકાંત અને કમલ હાસન પર તમિલનાડુના તેમના ફેન લોકોને આશા હશે, મતદારોએ કશી આશા રાખવા જેવી નથી.

હરિયાણામાં ભાજપે ચૌટાલા પુત્રના શરણે જવું પડ્યું છે. દુષ્યંત ચૌટાલાએ નાની ઉંમરે દાદાના રાજકારણને કોરાણે રાખીને જમાવટ કરી. તેમણે સત્તામાં આવતા પહેલાં પહેલું કામ કર્યું પોતાના ભ્રષ્ટાચારમાં, સરકારી નોકરીઓમાં ભરતીમાં સંડોવાયેલા પિતાને જેલમાંથી બહાર કાઢવાનું. ભાજપની કેન્દ્ર સરકારે હસતા મોઢે રાતોરાત તેમના પિતા અજય ચૌટાલને પેરોલ અપાવી દીધા. આ પ્રકારની નેતાગીરી પણ સ્વાભાવિક છે કે દેશનું ભાવી માંડી શકાય નહિ.
મમતા બેનરજી હમણાં ચૂપ થઈ ગયા છે, કેમ કે તેમના જ રાજ્યમાં તેમની કફોડી સ્થિતિ ભાજપે કરી દીધી છે. પણ બેનરજી સૌને બેનકાબ કરવાની વાત કરે છે, પણ મૂળ તો પોતે પણ ગમે ત્યારે બેનકાબ થવાના છે. તેઓ પોતાના ભત્રીજાને રાજકીય વારસા માટે તૈયાર કરી રહ્યા છે.

કર્ણાટકમાં દેવે ગોવડાના પુત્ર કુમારસ્વામીને બગાસુ ખાતા પતાસું મળ્યું – કોંગ્રેસે મુખ્ય પ્રધાન બનાવી દીધા, પણ સરકાર ચલાવતા આવડ્યું નહિ. એટલું જ નહિ, રાજ્યમાં સરકાર હોવા છતાં લોકસભાની ચૂંટણીમાં દેવે ગોવડાના બે પૌત્રો – તેમાં એક દીકરો કુમારસ્વામીનો પણ ખરો – ચૂંટણી હારી ગયા.

મહારાષ્ટ્રમાં ગોપીનાથ મૂંડેની દીકરી પંકજા મૂંડેને ભાવી મુખ્યપ્રધાન બનવાનો થનગનાટ હતો. તેમને પિતરાઈએ હરાવી દીધી. ગુજરાતમાં શંકરસિંહ વાઘેલાએ પોતાની સાથે પુત્ર મહેન્દ્રસિંહની રાજકીય કારકીર્દિ પણ રોળી નાખી. રાદડીયાની ગેરહાજરીમાં હવે તેમના પુત્રે જાતે મહેનત કરવાની રહેશે. અશોક ભટ્ટના પુત્ર ભૂષણ ભટ્ટ પક્ષ માટે મહેતન કરે છે, પણ તેમણે પોતાના માટે નવી બેઠક શોધવી પડે. કેશુભાઈના પુત્ર અને જમાઈ ક્યાંય દેખાતા નથી. આનંદીબહેન પછી તેમના વારસદારોને ટિકિટ પણ મળી નથી. રાજસ્થાનમાં વસુંધરા રાજેના પુત્ર કે રાજનાથ સિંહના પુત્ર આગળ શું કરશે તેની રાહ જોવાની રહી.

આ જ કમનસીબી છે કે ભારતમાં ભાવી નેતાની વાત કરીએ ત્યારે માત્ર નેતાપુત્ર-પુત્રીઓની જ વાત કરવી પડે છે. કર્ણાટકમાં અને લડાખમાંથી ભાજપના બે યુવા સાંસદો બન્યા. તે થોડા મીડિયામાં ચમક્યા પણ તેમનું ભાવી શું તે નક્કી નથી, કેમ કે તેમના ગોડફાધર હશે, પણ ફાધર રાજકારણમાં નથી. કોંગ્રેસમાં પણ રાજસ્થાન અને મધ્ય પ્રદેશમાં પાઇલટ અને સિંધિયા જેવા યુવા નેતાઓને આગળ કરાયા હતા. તે બંનેના પિતા રાજકારણમાં હતા એટલે વારસો હતો અને સારી કામગીરી કરી, પણ આખરે મુખ્ય પ્રધાન તો જૂના જોગીઓ જ બન્યા. અને રાહુલ ગાંધીની જ વાત કરો. કોંગ્રેસના ભાવીનો આધાર જેમના પર ગણાતો હતો, તેઓ પોતે જ અમેઠીમાંથી હારી ગયા. કેરળના વાયનાડમાં જીત્યા છે, પણ હવે જો મહારાષ્ટ્રમાં શિવસેના સાથે જોડાણ થાય તો મુસ્લિમ મતદારોની નારાજગીથી આ બેઠક પણ જોખમમાં આવે.


મહારાષ્ટ્રની વાત વર્તમાન છે એટલે ત્યાંની વાત કરીને લેખ પૂરો કરીએ. મહારાષ્ટ્રમાં ભાજપે ફડણવીસ તરીકે નવા અને પ્રમાણમાં યુવાન નેતાને મુખ્ય પ્રધાન બનાવ્યા હતા. પણ બદલાતા રાજકારણે તેમનું ભાવી જ ડામાડોળ થયું છે. તેની સામે કોણ નવા નેતા તરીકે આવશે? એ પણ નક્કી થઈ શકતું નથી. શરદ પવાર જૂના જોગી છે, પણ તેમના ઘરમાં ય વારસાનો ઝઘડો છે. તેઓ ભત્રીજા અજિત પવારે આગળ કરે કે દીકરી સુપ્રીયા સુલેને તેની વિમાસણ છે. તેમણે પણ ત્રીજી પેઢી તરીકે વધુ એક ભત્રીજાને અને ભત્રીજાના દીકરાને પણ આગળ કર્યા છે, પણ એકેયમાં વારસો સંભાળવાની ક્ષમતા અત્યારે દેખાતી નથી. આ ઉંમરે પણ દોડભાગ પવાર કરી રહ્યા છે અને તેમના વારસદારો રાજ જોઈને બેઠા છે કે ક્યારે સત્તાનો વારસો મળશે.


આવી રાજકીય પરિસ્થિતિમાં ભારતમાં કોઈ યુવા નેતા આશા જગાવે તેવું દેખાતું નથી. અરવિંદ કેજરીવાલ યુવાન નહિ, પણ નવા નેતા હતા. તેમણે જેટલી જલદી આશા જગાવી એટલી જ ઝડપથી નિરાશા પણ જગાવી. તેમનું રાજકારણ પીઢ રાજકીય પક્ષો જેવું જ ખંધુ છે. તેના કારણે આમ તો આપણે રાજી થઈ શકીએ કે ભાજપના જૂઠને આપનું જૂઠ જ પરણી શકે તેમ છે. પણ આપણે મતદારો તરીકે શા માટે જૂઠને અને ખંધાપણાને પરણીએ? શા માટે નવી નેતાગીરી ઊભી ના કરીએ? વિચારો, વિચારો, માત્ર જે તે પક્ષના ટેકેદારો તરીકે નહિ, પણ ભારતના ભાગ્ય નિર્ધારક તરીકે, માત્ર મતદારો તરીકે અને તમારા સંતાનો ભાવી ખાતર શુદ્ધ દાનતથી વિચારો, વિચારો.