ભારતના યુદ્ધના ઇતિહાસમાં ભારતના વિંગ કમાન્ડર અભિનંદન વર્તમાનને બે જ દિવસમાં પરત સોંપી દેવાયો તે એક નાનકડી, પણ મહત્ત્વની ઘટના તરીકે યાદ રહેશે. પરંતુ દુનિયાના યુદ્ધના ઇતિહાસમાં ભારતે 1972માં 93,000 પાકિસ્તાની યુદ્ધ કેદી જવાનોને સોંપી દીધા તે યાદગાર ઘટના છે. ભારતે પાકિસ્તાની સૈનિકોને આઠ મહિના સુધી સાચવ્યા હતા. સારી રીતે સાચવ્યા હતા અને પછી શિમલા કરાર થયો તે અંતર્ગત તેમને પાકિસ્તાન પરત મોકલી દેવાયા હતા. ભારતે દુનિયાને એક નમૂનો પૂરો પાડ્યો હતો કે કઈ રીતે દુશ્મન દેશના સૈનિકોને પણ સારી રીતે સાચવી શકાય છે.
આટલી મોટી સંખ્યામાં યુદ્ધકેદીઓને સાચવી રાખવા મોંઘા પડે. લાંબા સમય સુધી તેમને રાખી શકાય નહિ અને આખરે તેમને સોંપી દેવા પડે. તે વાત સાચી પણ પાકિસ્તાનને લાંબો સમય સુધી દબાણમાં રાખવા માટે કેદીઓને રાખી શકાયા હોત. પરંતુ આખરે આઠ મહિના પછી તેમને છોડી દેવાયા હતા. તેની પાછળની કેટલીક ઘટનાઓ રસપ્રદ છે અને શશાંક બેનરજીએ પોતાના સંસ્મરણોમાં તેના વિશે લખ્યું હતું.
શશાંક બેનરજી લંડન ખાતે ભારતીય રાજદૂત કચેરીમાં કામ કરતા હતા. ભુટ્ટો શેખ મુજીબુર રહેમાનને છોડી દેશે કે કેમ તે જાણવાનું અગત્યનું કામ તેમના માથે આવ્યું હતું. તેમણે રસપ્રદ વર્ણન કર્યું છે કઈ રીતે ભુટ્ટોની એક જૂની પ્રેમિકાનો ઉપયોગ કરીને ભુટ્ટોનું મન જાણવામાં આવ્યું હતું. શેખ મુજીબુર રહેમાનને છોડી દેવામાં આવે તે જરૂરી હતું, કેમ કે તેમને બાંગલાદેશનો હવાલો સોંપી ત્યાં સ્થિતિ થાળે પાડવી જરૂરી હતી. પાકિસ્તાને જો શેખને ફાંસી આપી દીધી હોત તો કદાચ બાંગલાદેશમાં સ્થિતિ થાળે પાડવામાં સમય લાગ્યો હોત અને ભારતને ત્યાં સુધી ચિંતા રહી હોત.
16 ડિસેમ્બર 1971ના રોજ પાકિસ્તાન ઘૂંટણીયે પડી ગયું. બાંગલાદેશમાં પાકિસ્તાની સેનાએ ભારતની સેના સામે શરણાગતિ સ્વીકારી લીધી. ભારતે પાકિસ્તાનના ટુકડા કરી નાખ્યા અને એક નવા દેશનો જન્મ થયો હતો. જોકે બાંગલાદેશમાં કોને સત્તા સોંપવી તે અગત્યનું હતું. બાંગલાદેશમાં મુક્તિ બાહિની નામે સંગઠન ઊભું થયું હતું અને સ્વતંત્રતા માટેનું આંદોલન ચલાવ્યું હતું. તે વખતે મુજીબર રહેમાન બાંગલાદેશમાં લોકપ્રિય નેતા હતા. પરંતુ તેઓ પાકિસ્તાનની કેદમાં હતા. તેમની સામે કેસ ચાલ્યો હતો અને દેશદ્રોહ સહિતના ગુનામાં તેમને ફાંસીની સજા પણ સંભળાવી દેવાઈ હતી.
પાકિસ્તાનમાં પણ ઝડપથી બનાવો બની રહ્યા હતા. પાકિસ્તાની સેનાની હાર પછી લશ્કરી શાસક જનરલ યાહ્યા ખાન માટે સત્તા પર રહેવું મુશ્કેલ હતું. તેમણે મજબૂરી સાથે હારની જવાબદારી સ્વીકારીને સત્તાનો પણ ત્યાર કરવો પડે તેમ હતો. તેમણે જાહેરાત કરી કે પોતે રાજીનામું આપે છે અને માર્શલ લૉ એડમિનિસ્ટ્રેટર તરીકે ઝુલ્ફીકાર અલી ભુટ્ટોને જવાબદારી સોંપી રહ્યા છે. તે વખતે ભુટ્ટો ન્યૂ યોર્કમાં હતા. સંયુક્ત રાષ્ટ્રસંઘની સલામતી સમિતિની બેઠકમાં હાજરી આપવા માટે તેઓ ગયા હતા. તેમને તરત વતન પાછા ફરવા માટે જણાવાયું હતું.
શશાંક બેનરજીના જણાવ્યા અનુસાર ઇન્દિરા ગાંધીને ચિંતા એ હતી કે પાકિસ્તાન મુજીબરની ફાંસીની સજાનો અમલ ઝડપથી કરી દેશે. ભુટ્ટોના મનમાં શું ચાલતું હશે તે જાણવું જરૂરી બન્યું હતું. તે વખતે રૉના વડા તરીકે રામ નાથ કાઓ કામ કરતા હતા અને ઇન્દિરા ગાંધીના વિશ્વાસુ ગણાતા હતા. ભુટ્ટોના મનની વાત જાણવા માટે રૉના અધિકારીઓને તથા વિદેશ મંત્રાલયના અધિકારીઓનો કામ સોંપાયું હતું.
ભુટ્ટો ન્યૂ યોર્કથી પાકિસ્તાન પરત ફરતા પહેલાં વૉશિંગ્ટનમાં પ્રમુખ નિક્સનને પણ મળવાના હતા. ત્યાંથી તેમની ફ્લાઇટ પાકિસ્તાન પહોંચે તે પહેલાં લંડનમાં રિફ્યુઅલ માટે રોકાવાની હતી. પાકિસ્તાન પહોંચે તે પહેલાં અમેરિકા કે લંડનમાં જ તેમની સાથે કોઈની મુલાકાત થાય તો ભારતને જાણવા મળે કે તેમના મનમાં શું ચાલી રહ્યું છે. એવા સોર્સ શોધવા પડે જેને ભુટ્ટો સાથે વાત કરવાની તક મળે અને ભારતને માહિતી મળે.
ભારતના હાથમાં યુદ્ધ કેદી તરીકે આવેલા પાકિસ્તાની અધિકારીમાં એક મહત્ત્વના અધિકારી પણ હતા. તેમનું નામ હતું મુઝફ્ફર હુસૈન. તેમના પત્નીનું નામ હતું લૈલા હુસૈન, જેમના એક જમાનામાં ભુટ્ટો સાથે બહુ નીકટના સંબંધો હતા. લૈલા હુસૈન તે વખતે લંડનમાં હતા, જ્યારે હુસૈન દિલ્હીમાં યુદ્ધ કેદી તરીકે હતા. મુઝફ્ફર હુસૈન પૂર્વ પાકિસ્તાની સરકારના મુખ્ય સચિવ હતા અને 16 ડિસેમ્બરે પાકિસ્તાને શરણાગતિ સ્વીકારી ત્યારે તેમને પણ યુદ્ધ કેદી તરીકે પકડી લેવાયા હતા. તેમના પત્ની લૈલા લંડનમાં હતા અને ત્યાં જ અટવાઈ ગયા હતા. મુઝફ્ફર હુસૈનને ડી. પી. ધરના ઘરે વીઆઇપી મહેમાન તરીકે રાખવામાં આવ્યા. લૈલા સાથે લંડનમાં તેઓ સંદેશ વ્યવહાર કરી શકે તેવી સુવિધા રાજદ્વારીઓએ કરી આપી. શશાંક ત્યારે લંડનમાં હતા તેથી સંદેશ વ્યવહારમાં વચ્ચે કડી તરીકે તેઓ કામ કરતા હતા. તેથી લૈલા સાથે તેમનો પરિચય થઈ ગયો હતો.
લૈલા અને ભુટ્ટોના સંબંધો અજાણ્યા નહોતા, તેથી ઇન્દિરા ગાંધી સાથે ઊચ્ચ સલાહકારોની બેઠકમાં એવો નિર્ણય લેવાયો હતો કે લૈલાનો ઉપયોગ કરવો જોઈએ. ભુટ્ટો લંડનમાં થોડી વાર રોકાઇ ત્યારે લૈલાને ત્યાં મોકલી દેવા જોઈએ. ધર સાથે પણ શશાંકને સારો પરિચય હતો એથી શશાંક હવે લૈલાને સાધે અને ભુટ્ટો સાથે તેમને વાત કરવા મોકલી આપે તેવું નક્કી કરાયું હતું.
ડી. પી. ધરે શશાંકને વિગતો જણાવી અને કહ્યું કે લૈલાને મળીને માહિતી આપો કે તમારા મિત્ર ભુટ્ટો હવે પાકિસ્તાનમાં ચીફ માર્શલ લૉ એડમિનિસ્ટ્રેટર બનવાના છે. લૈલાને એવું સમજાવાનું કામ શશાંકનું હતું કે ભુટ્ટોને મળે અને તેમને વિનંતી કરે કે પોતાના પતિ દિલ્હીમાં યુદ્ધ કેદી તરીકે છે તેમને મુક્ત કરાવે. લૈલા એ પણ જાણતા હતા કે પોતાના ભુટ્ટો સાથેના સંબંધોની જાણ શશાંકને છે. લૈલા ભુટ્ટોને મળે અને તેમની શું વાતચીત થાય છે તેની જાણ તેઓ વળતા શશાંકને કરશે તેવી આશા ભારતીય અધિકારીઓને હતી.
એ રીતે લંડનમાં હિર્થો એરપોર્ટ પર ભુટ્ટો અને લૈલા બે જૂના મિત્રો મળ્યા. જૂની દોસ્તી તેમણે પોતાની રીતે વાગોળી હશે. સાથે જ લૈલાએ કહ્યું કે તેમના પતિ મુઝફ્ફર દિલ્હીમાં યુદ્ધ કેદી છે, તેમના માટે કશુંક કરો. ભુટ્ટો પણ ચાલાક હતા. તેઓ સમજી ગયા હતા કે લૈલા ભારતીય અધિકારીઓ સાથે સંપર્કમાં છે અને તેમના માટે કોઈ મેસેજ લેવા જ આવ્યા છે. ચાલાક ભુટ્ટોએ લૈલાને જણાવી દીધું કે તું કોના માટે સંદેશ લેવા આવી છે તેની મને ખબર જ છે. તું એક કામ કરજે. ઇન્દિરા ગાંધીને મેસેજ મોકલજે કે હું મુજીબર રહેમાનને છોડી દઈશ. બદલામાં મારું કામ કરવાનું રહેશે. તે કામ શું છે તેનો મેસેજ હું મારી રીતે બીજી ચેનલ મારફત ઇન્દિરા ગાંધીને મોકલી આપીશ.
લૈલાએ આવીને સમગ્ર વાતચીત શશાંક બેનરજીને જણાવી અને તરત જ તે મેસેજ દિલ્હી મોકલી દેવાયો હતો. ભુટ્ટો તરફથી આ સંદેશ મળ્યા પછી થોડી રાહત ભારતીય છાવણીમાં થઈ હતી. સાથે જ ઇસ્લામાબાદમાં ભારતીય રાજદૂતાલય પણ પોતાની રીતે કામ કરી રહ્યું હતું. તેમને પણ લાગતું હતું કે મુજીબર રહેમાનને છોડી મૂકવામાં આવશે.
રાજકીય સૂત્રો દ્વારા પણ ઇન્દિરા ગાંધીને અન્ય જરૂરી માહિતીઓ પણ મળી રહી હતી. હવે સ્પષ્ટ થયું હતું કે ભુટ્ટો પાકિસ્તાની યુદ્ધ કેદીઓને પરત મેળવવા માગતા હતા. જોકે જાહેરમાં આવી સોદાબાજી કરવાની નહોતી તેમ શશાંક બેરનજીનું માનવું છે. તેથી પ્રથમ ભુટ્ટો શેખ મુજીબરને તાત્કાલિક મુક્ત કરે અને બાદમાં ભારત અને પાકિસ્તાન વાટાઘાટો દ્વારા કેદીઓને છોડી મૂકશે તેમ નક્કી થયું હોવાનું મનાય છે. શેખ મુજીબરને આખરે 8 જાન્યુઆરી, 1972ના રોજ મુક્ત કરાયા. બે દિવસ પછી 10 જાન્યુઆરીએ તેઓ બાંગલાદેશના વડાપ્રધાન તરીકે નિમાયા.
આઠ મહિના બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે શિમલા કરાર થયા અને 2 ઑગસ્ટ 1972ના રોજ 93,000 પાકિસ્તાની કેદીઓને ભારતે મુક્ત કર્યા હતા. તે વખતે જો ભારતે વધારે કડક વલણ લીધું હોત અને 93,000 પાકિસ્તાનીઓના બદલામાં કાશ્મીરના મુદ્દે પાકિસ્તાનના હાથ બાંધી લીતા હોત તો… તો શું… આવી ચર્ચાઓ હંમેશા ઐતિહાસિક ઘટનાના વર્ષો અને દાયકાઓ બાદ પણ ચાલતી રહે છે. પરંતુ ઇતિહાસમાં જો અને તોને સ્થાન હોતું નથી, કેમ કે વર્તમાન સમયની વાસ્તવિકતા વધારે અગત્યની ભૂમિકા ભજવતી હોય છે.