‘અભિનંદન’ને પાત્ર ઘટનાઓ, સેનાનો જય, રાજદ્વારી નીતિનો વિજય

ભારતે પાકિસ્તાનની હદમાં ઘૂસીને એર સ્ટ્રાઇક કરી તે પછી પાકિસ્તાન આડુંઅવળું કશુંક કરવાની કોશિશ કરશે તે અપેક્ષિત હતું. પાકિસ્તાની એર ફોર્સનું પેકેજ રાજૌરી વિસ્તારમાં ઘૂસ્યું હતું. પેકેજ એટલે એકથી વધારે વિમાનોનું જૂથ હુમલો કરવા નીકળે તે. આગામી થોડા દિવસો આવા શબ્દો નાગરિકોને સાંભળવા મળશે. પાકિસ્તાની પ્રજા સમક્ષ દેખાડો કરવા માટે પણ પાકિસ્તાની સેનાએ કશુંક છમકલું કરવું પડે તેમ હતું. સાથે જ ભારતીય સુરક્ષા દળો કેટલા તૈયાર છે તેની ચકાસણી કરવાનો પણ હેતુ હતો. પરંતુ ભારતીય એર ફોર્સના મીગ બાયસન, મિરાજ 2000 વગેરે વિમાનો તરત જ સ્ક્રેબલ્ડ થયા હતા. આકાશમાં ડોગ ફાઇટ થઈ. આપણા મીગ વિમાને પાકિસ્તાનના એફ-16 વિમાનને તોડી પાડ્યું.

આ ઘટના અગત્યની હતી, કેમ કે જૂના મીગ સામે અમેરિકાનું એફ-16 વિમાન વધારે મજબૂત ગણાય, પણ લડાઈમાં સાધનોની સાથે લડનારા સૈનિકનો જુસ્સો અગત્યનો છે. વર્તમાન સ્થિતિમાં ભારતીય જવાનોનો જુસ્સો વધારે છે, કેમ કે ભારત જે લડત આપી રહ્યું છે તે નૈતિક લડત પણ છે. આતંકવાદ સામેની લડાઈ છે. પાકિસ્તાન જે કરી રહ્યું છે તે અન્યને વિનાકારણ હેરાન કરવાની વૃત્તિનું પરિણામ છે અને તેથી અનૈતિક પણ છે. પાકિસ્તાની જવાનોમાં કદાચ થોડું ધાર્મિક ઝનૂન હશે, પણ એવા ઝનૂનમાં નૈતિક તાકાત ના હોય.

પણ અગત્યની વાત એ છે કે યુદ્ધ જેવી સ્થિતિમાં નીતિ અને અનીતિ બહુ અગત્યના રહેતા નથી, અગત્યનો હોય છે વ્યૂહ. તેથી જ એર ફોર્સે પાકિસ્તાની વિમાનો આવશે ત્યારે તેનો સામનો કેવી રીતે કરવો તેનો વ્યૂહ તૈયાર રાખ્યો હતો. વિંગ કમાન્ડર અભિનંદને સૌથી બહાદુરી સાથેની કામગીરી બજાવી અને પોતાના મીગ બાયસન વિમાનથી એફ-16 વિમાનને તોડી પાડ્યું. જોકે મીગ વિમાન પણ તૂટી પડ્યું હતું એટલે અભિનંદને પોતાની સીટ નીચે રહેલી સ્વીચને દબાવીને વિમાનમાંથી ઇજેક્ટ કર્યું. વિમાન તૂટી પડવાનું હોય ત્યારે આ રીતે સલામત ઇજેક્ટ કરી શકાય છે. સીટ બહુ જોરથી હવામાં ઉપર ઉછળે છે, જેથી વિમાનથી દૂર જતું રહેવાય. બાદમાં પેરાશૂટ ખોલીને પાઇલટ જમીન પર ઉતરી શકે.

વિંગ કમાન્ડર અભિનંદન સલામત રીતે જમીન પર ઉતરી શક્યા હતા, પરંતુ ત્યાં સુધીમાં તેમનું વિસ્તાર પાકિસ્તાની વિમાનનો પીછો કરતાં પાકિસ્તાનના કબજાના કાશ્મીર (પીઓકે) સુધી પહોંચી ગયું હતું. તેથી પીઓકેમાં તેઓ ઉતર્યા ત્યારે નજીકના ગામના લોકોએ તેમના પર હુમલો પણ કર્યો હતો. બાદમાં પાકિસ્તાની પોલીસ તેમને સત્તાવાળાઓ સમક્ષ લઈ ગઈ હતી.

હવે કદાચ દબાણ ભારત પર આવશે અને પોતાના પાઇલટને પાછો લાવવા માટે વાતચીત કરવી પડશે. અહીં જ ભારતની બદલાયેલી રાજદ્વારી નીતિ વધારે પ્રબળ રીતે પ્રગટ થઈ. ભારતે જરાય ખચકાટ વિના જણાવ્યું કે પાકિસ્તાને ચૂપચાપ અમારા પાઇલટને પરત કરવાનો રહેશે. કોઈ વાતચીત થશે નહિ, કોઈ શરતો રહેશે નહિ, કોઈ રાહત આપવાની નથી. પાઇલટને પરત કરો અને મૂળ વાત કરો કે પાકિસ્તાન તેની ભૂમિ પર રહેલા ત્રાસવાદીઓને ક્યારે પકડશે અને અમને સોંપશે.

આ ઉપરાંત અગત્યની વાત એ રહી કે અમેરિકાને પણ ભારતે સ્પષ્ટ સંદેશ આપ્યો કે તમારે માત્ર પાકિસ્તાનને જ કહેવાનું રહેશે. અમારી સામે કોઈ શરત કે કોઈ કન્શેસનની વાત જ ના કરશો, કેમ કે તમે આપેલા એફ-16 વિમાનો અને તમે આપેલા એમરામ (AMRAAM) મિસાઇલનો ગેરકાયદે ઉપયોગ ભારત સામે થયો છે. ભારતીય સેનાની ત્રણેય પાંખના અફસરોએ શુક્રવારે સાંજે પત્રકાર પરિષદ કરીને જે માહિતી આપી તે આ સંદર્ભમાં જ હતી. એમરામનો તૂટેલો ટુકડો ભારતીય પત્રકારો મારફત દુનિયા અને અમેરિકાને દેખાડાયો છે.

અમેરિકા વર્ષોથી પાકિસ્તાનને પોષતું આવ્યું છે. પાકિસ્તાનને અબજોની સહાય અને શસ્ત્રો આપતું આવ્યું છે. ભારતના વિરોધ છતાં અમેરિકા પાકિસ્તાનને શસ્ત્રો આપે છે. ભારતના વિરોધ પછી અમેરિકાએ એવી શરતો રાખેલી કે પાકિસ્તાન તે શસ્ત્રોનો ઉપયોગ ભારત સામે નહિ કરે. પાકિસ્તાન માત્ર સ્વરક્ષણ માટે જ તેનો ઉપયોગ કરી શકે તેવી શરતો હતી. તે શરતોનો ભંગ કરીને એફ-16 વિમાનો અને એમરામ મિસાઇલનો ઉપયોગ થયો. તેથી અમેરિકા પાસે પણ બીજો કોઈ વિકલ્પ નહોતો.

ડોનાલ્ડ ટ્રમ્પે ફોન કરીને ઇમરાન ખાને જણાવી દીધું હશે કે ભારતીય પાઇલટ અભિનંદનને ભારત પરત મોકલી આપો, બાકીની વાતો પછી. ડોનાલ્ડ ટ્રમ્પ અને ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગ ઉન વચ્ચે વિયેટનામમાં મુલાકાત થઈ હતી. તે વખતે ડોનાલ્ડ ટ્રમ્પે એવું કહેલું કે આજે ભારત અને પાકિસ્તાનની બાબતમાં ‘આકર્ષક સમાચાર’ આવશે. થોડી વાર બાદ ઇમરાન ખાને જાહેરાત કરી કે ‘શાંતિના પગલાં’ તરીકે ભારતીય પાઇટલને પરત મોકલી દેવાશે.

ભારતમાં આ સમાચારથી સ્વાભાવિક રીતે જ ખુશી ફેલાઈ હતી. કારગીલ વખતે એક ભારતીય પાઇલટ નચિકેત પણ પાકિસ્તાની હદમાં પડ્યા હતા અને પકડાયા હતા. તેમને પરત લાવવા માટે ખાસ્સી માથાકૂટ કરવી પડી હતી. તેની જગ્યાએ એક જ દિવસમાં અભિનંદનને પરત આપી દેવાની પાકિસ્તાનને ફરજ પડી તે ભારતીય મક્કમતાનું પ્રદર્શન હતું. તેથી જ ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીમાં વિજ્ઞાનીઓને શાંતિસ્વરૂપ ભટનાગર એવોર્ડ આપવાના એક સમારંભમાં કહ્યું કે તમે વિજ્ઞાનીઓ પાઇલટ પ્રોજેક્ટ કરતા હો છો. તે પછી આગળ કાર્યવાહી થતી હોય છે. એવો જ એક ‘પાઇલટ પ્રોજેક્ટ અભી અભી પુરા હુઆ હૈ’ એમ તેમણે કહ્યું.

સમગ્ર ઘટનાક્રમનો સાર એ છે કે ભારત આ વખતે મક્કમતા સાથે પોતાના હેતુને વળગી રહ્યું છે. એક પાઇલટ પકડાઇ જાય અને તેમને છોડાવવા માટે મૂળ નીતિ અને વ્યૂહમાં પરિવર્તન કરીને પાકિસ્તાન સાથે વાતચીત કરવાની કે કોઈને મધ્યસ્થી કરવાનું કહેવાની ઢીલી નીતિ નહોતી અપનાવાઈ. સેના પણ સમજતી હોય છે કે યુદ્ધ પ્રકારની સ્થિતિમાં થોડું નુકસાન સહન પણ કરવું પડે, પણ લોકલાગણીના દબાણમાં આવીને સરકાર ઘણી વાર મૂળ વ્યૂહને ભૂલીને તત્કાલિન સ્થિતિ પ્રમાણે નાના મોટા નિર્ણયો લઈ લેતી હતી. તેના કારણે વળી વાત આડા પાડે ચડી જતી હતી. કારગીલી વખતે ભારત પાસે પૂરતા કારણો હતા તેમ છતાં સરહદ પાર કરીને હવાઈ હુમલા કરવામાં આવ્યા નહોતા. તેન કારણે પાકિસ્તાન અને દુનિયામાં એવી છાપ પડી હતી કે ભારત શક્ય હોય ત્યાં સુધી ઘર્ષણ ટાળવા માગે છે.

 

ગાંધીજીએ ઘણી વાર કહ્યું હતું કે અહિંસાનો અર્થ કાયરતા નથી. સામર્થ્યવાન જ ક્ષમા આપી શકે. ભારતે પોતાની મક્કમતા વધારે મજબૂતી સાથે બતાવવાની જરૂર હતી, જે કોઈક કારણસર થતું નહોતું. નરેન્દ્ર મોદીએ રાજકીય ઇચ્છાશક્તિ દાખવીને તે મક્કમતા દાખવી અને તેના કારણે સેનાનું મનોબળ સ્વાભાવિક છે કે વધુ મક્કમ બન્યું છે. સેના આ પ્રકારની કડક કાર્યવાહી માટે અગાઉ પણ ભલામણ કરતી આવી હતી, પણ આ પ્રકારના નિર્ણયો યોગ્ય રીતે જ રાજકીય નેતાગીરી લેવાની હોય છે. પરંતુ સેનાના વ્યૂહ અને રાજકીય ઇચ્છાશક્તિનો સંગમ થતો નહોતો. આ વખતે સેનાના વ્યૂહ સાથે રાજકીય નિર્ણયો પણ અડગ રહ્યા છે તેના કારણે અત્યાર સુધીની ઘટનાઓ ‘અભિનંદન’ને પાત્ર બની છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]