88 ઉંમરે જ્યોર્જ ફર્નાન્ડિઝનું નિધન થયું. ભૂતપૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની જેમ ફર્નાન્ડિઝ પણ લાંબો સમય સુધી પથારીવશ રહ્યાં. વાજપેયીની સરકારમાં જ તેઓ સંરક્ષણ પ્રધાન હતા. તેમની વિચારસરણી પ્રમાણે તેમને ભાજપ સાથે ફાવે નહિ, પણ ગઠબંધનનું રાજકારણ 1977માં શરૂ થયું હતું ત્યારથી કજોડા બનતા રહ્યા હતા. એવું જ કજોડું જ્યોર્જ ફર્નાન્ડિઝ અને ભાજપ વચ્ચેના જોડાણ દ્વારા બન્યું હતું.
ઇન્દિરા ગાંધીને હટાવવા માટે તૈયાર થયેલા જનતા મોરચામાં પણ તેઓ અગત્યના નેતા હતા. સીત્તેરના એ દાયકામાં સમાજવાદી નેતા તરીકે જ્યોર્જ ફર્નાન્ડિઝ પ્રખ્યાત થયા હતા. જનતા મોરચાની સરકાર મોરારજી દેસાઈની આગેવાનીમાં બની તેમાં પણ તેઓ પ્રધાન તરીકે રહ્યા હતા. ગુજરાત સાથે તે સિવાય પણ જ્યોર્જ ફર્નાન્ડિઝનો નાતો રહ્યો છે. વડોદરા ડાયનેમાઇટ કેસ તરીકે તે કિસ્સો જાણીતો છે. કટોકટી વખતે સીબીઆઈ ઇન્દિરાના વિરોધી નેતાઓને પકડી પકડીને તેમની સામે કેસો ફટકારી રહી હતી. ફર્નાન્ડિઝ સામે આરોપ મૂકાયો હતો કે તેમણે રેલવેના પાટા ઉથલાવી નાખવા માટે ડાયનેમાઇટનો ઉપયોગ કર્યો હતો. વીરેન શાહ, જી. જી. પરીખ, પ્રભુદાસ પટવારી વગેરે સહિતના લોકો સામે વડોદરામાં રેલવેની સંપત્તિને નુકસાન કરવાના આરોપસર દિલ્હીમાં ખટલો ચલાવાયો હતો.
જનતા મોરચાનો પ્રયોગ લાંબો ચાલ્યો નહિ. જનતા દળ વિખેરાવા લાગ્યું હતું. જ્યોર્જ ફર્નાન્ડિઝે પણ સમતા પાર્ટી નામે પોતાનો અલગ ચોકો સ્થાપ્યો હતો.1930માં મેંગલોર તરીકે ઓળખાતા અને હવે મેંગાલુરુ તરીકે ઓળખાતા શહેરમાં તેમનો જન્મ થયો હતો. તેમનો પરિવાર તેમને પાદરી બનાવવા માગતો હતો, પણ જ્યોર્જનું નસીબ તેમને રાજકારણ તરફ લઈ આવ્યું. જોકે તેઓ સીધા રાજકારણમાં નહોતા આવ્યા પણ તેમણે ટ્રેડ યુનિયન મૂવમેન્ટમાં ઝંપલાવ્યું હતું. રેલવે ટ્રેડ યુનિયનના નેતા તરીકે તેઓ શક્તિશાળી બન્યા હતા અને ઘણા ટ્રેડ યુનિયન નેતાઓની જેમ તેઓ પણ ચૂંટણીઓ લડવા લાગ્યા હતા. મુંબઈમાં તેમના રેલવે ટ્રેડ યુનિયનનો ભારે પ્રભાવ હતો અને તેના કારણે જ મુંબઈમાં 1967માં કોંગ્રેસના દિગ્ગજ ઉમેદવાર એસ. કે. પાટીલ સામે લોકસભાની ચૂંટણી જીતી ગયા હતા.
મુંબઈમાં ટેક્સટાઇલ મીલોની સૌથી લાંબી અને નુકસાનકારક હડતાળો માટે દત્તા સામંતને યાદ કરાય છે, તેમ જ્યોર્જ ફર્નાન્ડિઝે 1974માં પાડેલી રેલ કર્મચારીઓની હડતાળનો પણ દાખલો અપાતો રહે છે. દેશભરમાં તેમણે રેલવેના પૈડાં થંભાવી દીધા હતા.
અનેક નેતાઓની સાથે જ્યોર્જ ફર્નાન્ડિઝને પણ કટોકટી વખતે જેલમાં નાખી દેવામાં આવ્યા હતા. જોકે તેઓ ઝૂકવા તૈયાર નહોતા. 1977માં ચૂંટણી આવી ત્યારે તેમણે જેલમાંથી ચૂંટણી લડવાનું નક્કી કર્યું હતું. બિહારના મુઝફ્ફરપુરમાં તેઓ ઊભા રહ્યા હતા અને જીતી ગયા હતા. તેઓ જન્મ્યા દક્ષિણમાં, યુનિયનના નેતા તરીકે પશ્ચિમમાં મોટા થયા અને ત્યારબાદ ઉત્તર ભારતના રાજકારણમાં પ્રભાવી નેતા તરીકે સક્રીય રહ્યા.
મારફાટ નેતાની વ્યાખ્યા જ્યોર્જ ફર્નાન્ડિઝને બરાબર બંધબેસતી આવે છે. મોરારજીભાઈ દેસાઈએ તેમને પ્રધાન બનાવ્યા તે પછી તેમણે સ્વદેશી ઝુંબેશ ઉપાડી હતી. તેમણે ભારતમાંથી કોકા કોલા અને આઇબીએમ જેવી વિદેશી કંપનીઓને ઉચાળા ભરાવ્યા હતા. બે દાયકા સુધી ભારતમાં વિદેશી ઠંડા પીણાં નહોતાં મળતા અને તેના કારણે દેશી થમ્પ્સ અપ જામી ગઈ હતી. જોકે આખરે નરસિંહ રાવના જમાનામાં ઉદારીકરણ આવ્યું અને વેપારી પ્રતિબંધો હટવા લાગ્યા તે પછી ફરીથી થમ્પ્સ અપ ખરીદીને કોકા કોલા કંપની દેશમાં પરત ફરી.
વાજપેયીએ પોખરણના રણમાં ભારતનું બીજું અણુ પરિક્ષણ કર્યું ત્યારે સંરક્ષણ પ્રધાન તરીકે જ્યોર્જ ફર્નાન્ડિઝ જ હતા. કારગીલ યુદ્ધ વખતે પણ તેઓ જ સંરક્ષણ પ્રધાન રહ્યા હતા. તે રીતે પ્રધાન તરીકે તેમની કામગીરી હંમેશા ઘટનામય રહી છે.
એ જ રીતે તેમનું અંગત જીવન છેલ્લા દાયકાઓમાં ઘટનામય રહ્યું. સમતા પાર્ટીમાં તેમની સાથે નેતા તરીકે મહત્ત્વનું સ્થાન ધરાવતા જયા જેટલી અને તેમના સંબંધો હંમેશા ચર્ચામાં રહ્યા. 2004માં વાજપેયી સરકાર હારી ગઈ તે પછી સત્તાનું વાજિકરણ જતા રહેતા વાજપેયી અને ફર્નાન્ડિઝ જેવા વયોવૃદ્ધ નેતાઓની ઉંમર અચાનક દેખાવા લાગી હતી. તેઓ બીમાર અને અશક્ત થવા લાગ્યા, પણ તેમનો રાજકીય વારસો સશક્ત હતો. તેથી તેમના નામના રાજકીય વારસા માટે સ્પર્ધા થતી રહી હતી. વાજપેયીનું કુટુંબ નહોતું, પણ જ્યોર્જ ફર્નાન્ડિઝનું કુટુંબ હતો, જેનો સીધો સંઘર્ષ જયા જેટલી સાથે થયો હતો.
સત્તા જતી રહી પછી ફર્નાન્ડિઝના નામ પર દાઘ પણ લાગ્યો હતો. તેઓ સંરક્ષણ પ્રધાન હતા અને કારગીલ યુદ્ધ ખેલાયું. ભારતીય સૈનિકો શહિદ થયા હતા. તેમના માટે ખરીદાયેલા કોફિનમાં મોટું કૌભાંડ થયાના આક્ષેપો થયા હતા. કોફિનગેટ તરીકે ઓળખાતા તે કૌભાંડમાં બાદમાં તપાસ પંચો કશું શોધી શકી નહિ, પરંતુ તેમની કારકિર્દીને દાધ લાગી ગયો હતો. તહેલકાના સ્ટિંગ ઑપરેશનને કારણે તેમના અંતિમ દિવસો કુખ્યાતીના રહ્યા. સાથે જ કૌટુંબિક ઝઘડાના પણ રહ્યા. તેમનો કબજો જયા જેટલી પાસે હતો, પણ કુટુંબીઓને તે મંજૂર નહોતું.
જીવનના અંતિમ તબક્કે પાર્કિસન્સ ડિસિઝ અને અલ્ઝાઇમરના કારણે જ્યોર્ઝ ફર્નાન્ડિઝ પોતાના માટે નિર્ણયો લઈ શકે તેવી સ્થિતિમાં પણ નહોતા. જીવનભર રાજકીય હરિફોને હંફાવનારા ફર્નાન્ડિઝ છેલ્લા દિવસોમાં પરવશ હતા. પ્રધાન તરીકે તેઓ કૃષ્ણ મેનન માર્ગ પર આવેલા બંગલામાં રહેતા હતા. તેઓ યુનિયન નેતા તરીકે હંમેશા ખુલ્લા દરવાજે સૌને મળવા ટેવાયેલા હતા. તે જ રીતે તેમણે પ્રધાન બન્યા પછીય પોતાના બંગલે કદી ચોકિદારો બેસાડ્યા નહોતા. એક પ્રધાનના બંગલાના દરવાજા સદાય ખુલ્લા પડ્યા હોય તેના કિસ્સા તે જમાનામાં ચર્ચાયા કરતા હતા.
તેમનું રાજકીય જીવન ધમધમતું હતું ત્યારે તેમના પત્ની લૈલા કબીર તેમનાથી દૂર હતા. તેમના ભાઈઓ સાથે પણ ફર્નાન્ડિઝનો ખાસ કોઈ સંપર્ક નહોતો. ફક્કડ ગીરધારીની જેમ જ્યોર્જ ફર્નાન્ડિઝ રહેતા હતા અને જયા જેટલી તેમના રાજકીય સાથી ઉપરાંત અંગત મિત્ર પણ બની રહ્યા હતા. પરંતુ તેમની બીમારી પછી તેમના પત્ની લૈલા કબીર અને તેમના ભાઈઓ સામસામે આવી ગયા હતા. જયા જેટલીને દૂર કરવાની કોશિશ થઈ હતી. લૈલા અને તેમના પુત્ર સીને કોર્ટનો આશરો લીધો હતો. તેઓ ફર્નાન્ડિઝને દિલ્હીમાં પંચશીલ માર્ગ પર આવેલા પોતાના મકાનમાં લઈ ગયા હતા. માતા-પુત્રનો આક્ષેપ હતો કે જ્યોર્જના ભાઈઓ જયા જેટલી સાથે મળી ગયા હતા. તે લોકો સંપત્તિ ઉપરાંત ફર્નાન્ડિઝનો રાજકીય વારસો પણ હડપવા માગતા હતા એવો આક્ષેપ તેમણે કર્યો હતો.
સામા પક્ષે એવો આરોપ કર્યો હતો કે સંપત્તિ કબજે કરવાની દાનત તો માતા-પુત્રની છે, કેમ કે વર્ષો સુધી ફર્નાન્ડિઝની પરવા ના કરનારા માતા-પુત્ર હવે અશક્ત થયેલા ફર્નાન્ડિઝને માત્ર સંપત્તિ ખાતર પોતાની સાથે રાખવા માગતા હતા. ફર્નાન્ડિઝના માઇકલ નામના ભાઈ તેમની સાથે યુનિયન પ્રવૃત્તિમાં સંકળાયેલા હતા. ફર્નાન્ડિઝની શી હાલત છે તે જાણવા તેમને મળવું પણ મુશ્કેલ હતું. આખરે જયા જેટલી અને માઇકલે કોર્ટમાં ફરિયાદ કરી હતી. કોર્ટે હુકમ કર્યો હતો કે ફર્નાન્ડિઝના જૂના મિત્રો અને સાથીઓને મળવા દેવા.
દિલ્હી હાઇ કોર્ટના હુકમ પછી માઇકલ અને સાથીઓ પંશચીલ માર્ગ પરના મકાને ફર્નાન્ડિઝને તેમના જન્મદિને મળવા ગયા હતા. જોકે ફર્નાન્ડિઝ કોઈને ઓળખી શકે તેવી સ્થિતિમાં નહોતા. માઇકલે તેમની સાથે કોંકણીમાં વાત કરવાની કોશિશ કરી હતી. કર્ણાટકમાં રહેતા હોવા છતાં તેમની માતૃભાષા કોંકણી હતી. આ ઉપરાંત કર્ણાટકમાં શિક્ષણ લીધું હોવાથી ભાઈઓ બચપણમાં કન્નડમાં પણ વાતો કરતા. માઇકલે કન્નડમાં પણ વાતો કરી. કોંકણી અને કન્નડ શબ્દો સાંભળીને તેમની આંખોમાં થોડી હલચલ દેખાઈ હતી એમ તેમના સાથીઓએ કહ્યું હતું. ફર્નાન્ડિઝ મુંબઈમાં આવ્યા અને યુનિયનના નેતા બન્યા તે પછી મરાઠી, હિન્દી અને અંગ્રેજી શીખ્યા હતા, પણ તેમનું બાળપણ તો કોંકણી અને કન્નડમાં વીત્યું હતું. તેથી એ શબ્દો તેમને સ્પર્શ્યા હતા તેમ ડૉક્ટરોનું કહેવું હતું.
જોકે આંખોમાં થોડી ચમક સિવાય હવે કોઈ પ્રતિક્રીયા આપવાની શક્તિ તેમનામાં નહોતી. ઇન્દિરા ગાંધીને હંફાવનારા બીમારી સામે હારી ગયા હતા. જીવનભર જાતે પોતાનો માર્ગ કાઢનારા નેતા છેલ્લા દિવસોમાં ખુદના નિર્ણયો લઈ શકે તેમ નહોતા.
તેઓ નાનપણથી જ બળવાખોર હતા. કુટુંબમાં સૌથી મોટા હતા એટલે પિતાને હતું કે પાદરી બને. તોફાની જ્યોર્જને તેમાં કશો રસ નહોતો ત્યારે પિતાએ તેમને ઘરેથી કાઢી મૂક્યા. માતા તેમને બચાવવા કોશિશ કરતા હતા, પણ પિતા વધારે કડક સ્વભાવના હતા. કિશોર જ્યોર્જ મેંગાલુરુની શેરીઓમાં સૂઈ જતા અને ઉડિપી હોટેલમાં કામ કરનારા સાથે દોસ્તી કરીને તેમની સાથે જમી લેતા. જોકે માલિકો બહુ ઓછો પગાર આપે છે તેવું જાણીને તેમણે કારિગરોને ઉશ્કર્યા હતા. માલિકોને ખબર પડી તે પછી જ્યોર્જને કોઈ ઉડિપી હોટેલમાં પ્રવેશ મળતો નહોતો. જ્યોર્જ સાથે દોસ્તી ના રાખવા માટે માલિકોએ કામદારોને ધમકાવ્યા હતા. જ્યોર્જ હવે ટ્રેનમાં વગર ટિકિટે ટ્રેનમાં બેસીને મુંબઈ જતા રહ્યા.
મુંબઈમાં પણ તેઓ ઉડિપી હોટેલમાં કામ કરનારા મેંગ્લોરના કારિગરો સાથે રહેતા હતા અને કોઈક રીતે ગુજરાન ચલાવતા હતા. ધીમે ધીમે તેઓ મરાઠી અને હિન્દી શીખ્યા. ઝૂંપડપટ્ટીમાં રહેતા મીલ કામદારો અને બીજા કામદારો સાથે તેમનો પરિચય વધતો રહ્યો અને ધીમે ધીમે તેઓ ટ્રેડ યુનિયનના નેતાઓની નજરે ચડ્યા. તે વખતે મુંબઈના મીલ કામદાર સંઘમાં ડિમેલોનું નામ હતું. તેમની નજર જ્યોર્જ ફર્નાન્ડિઝ પર પડી અને ત્યાંથી શરૂ થયેલી સફર આખરે તેમને બિહાર અને દિલ્હી સુધી લઈ ગઈ હતી.
જ્યોર્જ ફર્નાન્ડિઝની રાજકીય કારકિર્દી ભારતીય રાજકારણની ઘણી તાસીરમાંની એક તાસીર દેખાડે છે. એક નોંધપાત્ર વાત એ પણ છે કે દક્ષિણના ખ્રિસ્તી નેતા મુંબઈમાં મોટા થયા, એસ. કે. પાટીલને હરાવ્યા પછી બિહારમાં વધુ મજબૂત બન્યા. આઠ વાર લોકસભાની ચૂંટણી જીત્યા. 1984માં વળી તેમણે પોતાના વતન કર્ણાટકમાંથી ચૂંટણી લડી પણ ત્યારે હાર થઈ હતી. છેલ્લે તેઓ રાજ્યસભાના સભ્ય બન્યા હતા. વતનમાં ચૂંટણી ના જીત્યાનો અફસોસ તેમને રહ્યો હતો. જોકે જીવનના આખરી દિવસોમાં તેમનો સંતોષ શું હતો અને અફસોસ શું હતો તે કાયમ અજાણ્યું રહી જશે, કેમ કે સંપત્તિ અંગેની કાનૂની લડાઈ પરથી પણ સૌનું ધ્યાન હટવા લાગ્યું તે પછી ભાગ્યે જ કોઈ તેમને મળવા જતું હતું કે યાદ કરતું હતું.