ગુનાહ પાસપોર્ટ કા થા, દર-બદર રાશનકાર્ડ હો ગયે…લોકડાઉન પછી શરૂ થયેલા પરપ્રાંતીય મજૂરોની વતન ભણી હિજરત પછી વહેતું થયેલું આ વિધાન પરિસ્થિતિ વિશે ઘણું બધું કહી જાય છે.
કેમ સર્જાઇ આ પરિસ્થિતિ? વાંચો, અહીં…
(કેતન ત્રિવેદી)
———————————————————–
યે શહેરોં કા સન્નાટા બતા રહા હૈ
ઇન્સાનોનેં કુદરત કો નારાજ બહુત કિયા હૈ
પ્રસિદ્ધ ગીતકાર ગુલઝારના નામે આ શેર આજકાલ સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે. કોરોના એ માનવીની ભૂખની પેદાશ છે કે કુદરતની નારાજગીની એ તો ખબર નથી, પણ ચોવીસે કલાક સતત દોડતા, હાંફતા અને માનવજાતના વિકાસના મિથ્યાભિમાનના પ્રતીક એવા આપણા શહેરોમાં સન્નાટો જરૂર છવાઇ ગયો છે. મુંબઇ, દિલ્હી, કોલકાતા, ચેન્નઇ કે આપણું અમદાવાદ, કોઇપણ શહેરમાં આજકાલ સૂમસામ પડેલી સડક પર ફિલ્મ શોલેનો એ જ ડાયલોગ સંભળાય છેઃ ઇતના સન્નાટા ક્યું હૈ?
ના, આ સન્નાટો ફક્ત બહાર જ છે એવું નથી. એક એવો જ સન્નાટો આપણી ભીતરમાં પણ છવાયેલો છે. આ શહેરોમાં વસતા તમામેતમામ લોકોની ભીતર. ડરનો સન્નાટો. કશુંક થવાનો સન્નાટો. આ સન્નાટો ન તો વર્તમાન પેઢીએ એમના જીવનકાળમાં જોયો છે, ન તો કદાચ બીજી વાર જોશે. સદીઓમાં એકાદ વખત જ જોવા મળે એવી આ મહામારીએ જાણે દેશ અને દુનિયાને અંદરથી હચમચાવી મૂકી છે. થરથરાવી દીધી છે. કંપાવી દીધી છે.
આવી જ કંપારી છૂટે છે, હાઇવે પર ઉમટેલાં ગરીબ-મજદૂર વર્ગના ટોળાં જોઇને. એમાં પણ સન્નાટો છે, ટોળાંનો સન્નાટો. કોઇ બસમાં, કોઇ ટ્રકમાં, કોઇ શબવાહિની મળી તો શબવાહિનીમાં તો કોઇ ચાલતાં નીકળેલાં ટોળાં. ગુજરાતના સુરત જેવા શહેરમાંથી ગામડે જવા નીકળેલાં ટોળાં હોય કે દિલ્હીથી બિહાર-ઉત્તર પ્રદેશમાં વતનની વાટ પકડતા પરપ્રાંતીય મજૂરોના ટોળાં, છેવટે એ શું દર્શાવે છે? એવી કઇ મજબૂરી આવી પડી કે જે શહેરમાં સપનાં લઇને આવ્યા હતા એ જ શહેર એમને અચાનક પારકું લાગવા માંડયું? એવું તે ક્યું કારણ હતું કે સરકાર, સ્થાનિક પ્રશાસન, પોલીસ, સેવાભાવી સંગઠનના કાર્યકર્તાઓ આ બધાના સમજાવવા-ધમકાવવા છતાં આ લોકો કોઈનું ય માન્યા વગર રસ્તે રઝળતા થઇ ગયા?
ના, આ ફક્ત લોકડાઉનની વહીવટી નિષ્ફળતા તો નથી જ. અહીં ફક્ત ઇરાદાપૂર્વક લખ્યું છે. એનો મતલબ એમ છે કે લોકડાઉનની વહીવટી નિષ્ફળતા તો છે જ, પણ એ સિવાય પણ કેટલાંક કારણો છે આ પરિસ્થિતિ સર્જાવાના.
પ્રસિધ્ધ ફ્રેન્ચ મનોવૈજ્ઞાનિક ગુસ્તાવે લી બોન કહે છે કે, માણસ ટોળાંમાં ભળે ત્યારે પોતાનું વ્યક્તિત્વ અને સામાજિક જવાબદારી ભૂલીને મન ફાવે એમ વર્તવા ટેવાયેલું હોય છે. ટોળાનું આ પહેલું લક્ષણ છે કે એક વ્યક્તિ કરે એમ બીજો કરે. બીજો કરે એમ ત્રીજો કરે અને પછી લાઇન લાગે. આ કિસ્સામાં પણ એક પરિવાર જવા નીકળ્યો એટલે બીજો અને ત્રીજો અને પછી લાઇનો લાગી. આમ પણ, ડરના સમયમાં માણસમાત્ર સલામતી ગોતે છે. આ લોકોને એમના વતનમાં સલામતી દેખાય છે. ના, એમને મરવાની બીક નથી એવું નથી, પણ મરવું પડે તો આ અજાણ્યા લોકોની વચ્ચે, અજાણ્યા શહેરમાં એમને મરવું નથી. મરવું જ પડે તો એમને વતનમાં, પોતાના લોકોની વચ્ચે મરવામાં વાંધો નથી.
એવું નથી કે, એમને કોરોનાની પડી નથી. પડી જ છે, પણ કોરોના કરતાં એમને બે ટાઇમની રોટીની વધારે પડી છે. સરકાર અને પોલીસ એમને સમજાવે છે, પણ એમનો ભરોસો આ સરકાર અને આ સિસ્ટમ પરથી ઉઠી ગયો છે. અત્યાર સુધીમાં સરકારે આપેલા વચનો પાળ્યા નથી એટલે આ વખતે પણ સરકાર રોજી-રોટી જળવાઇ રહેશે એવું વચન આપે છે એમ છતાંય એમને ભરોસો પડતો નથી. તમે (સરકાર) નથી એમને કામ આપી શકતાં, નથી રોટી આપી શકતા તો પછી એ તમારું માનીને અહીં રોકાય શું કામ? સેવાભાવી સંસ્થાઓ વધીવધીને દસ-પંદર દિવસ ખવડાવશે, પછી એમની ય મર્યાદા આવશે. એમને નરેન્દ્ર મોદી પર વ્યક્તિગત ભરોસો હોય તો પણ આ સિસ્ટમ પર તો નથી જ. અને માણસ જ્યારે અંદરથી ડરેલો હોય ત્યારે એને કોઇના પર ભરોસો પડતો નથી. એ માત્ર કોઇની પાસેથી આશ્વાસન શોધે છે અને એ આશ્વાસન આ લોકોને ફક્ત એમનું વતન, એમનો પરિવાર જ આપી શકે છે.
બીજું આજકાલ સરકારથી માંડીને પ્રશાસન, તબીબો, સમાજસેવી સંસ્થાઓ, સેલીબ્રીટીઓ બધા જ સોશિયલ ડિસ્ટન્સિંગ… સોશિયલ ડિસ્ટન્સિંગ મંડી પડયા છે. એ ખોટું કહે છે એવું નથી, પણ અલ્યા, હકીકત એ છે કે ભારત જેવા દેશમાં સોશિયલ ડિસ્ટન્સિંગ તમે ધારો છો એટલું સહેલું અને શક્ય નથી. વસતિની ઘનતા તો જૂઓ. બાલ્કનીમાં નીકળે તો ય અથડાય એટલા નાના ઘરોમાં કરોડો લોકો રહે છે. પશ્ચિમની પ્રજા તો ટેવાયેલી છે એકાંકી અને એકલસૂડા બનીને જીવવા માટે. આપણે નહીં. આપણે કમ્યુનિટી લાઇફમાં જીવવા ટેવાયેલા છીએ. અરે, આપણે ત્યાં ગૃહિણીઓ બહાર ખરીદી કરવા નીકળે તો ય સાથે નીકળે છે અને પડોશમાં રસોઇ પણ એકબીજાની સાથે થાય છે. જીવનના નાના-મોટા તમામ પ્રસંગો પડોશીઓ અને સ્વજનોની સાથે હળી-મળીને ઉજવવા ટેવાયેલી પ્રજા છીએ આપણે. વળી, ડરના આ માહોલમાં જ્યારે પરિવાર અને મિત્રોની સૌથી વધારે જરૂર હોય તે સમયે તમે એમને એકલા રહેવાનું કહો એ કેમ ગળે ઉતરે? અંધારામાં નીકળેલો માણસ પણ સીટી વગાડીને કે ગીત ગાઈને અવાજનો સહારો શોધતો હોય છે. આ તો કોરોના નામનું ભૂત સામે દેખાય છે. સરકાર કહે છે કે તમને કોરોનાના લક્ષણો દેખાય તો તમે ક્વોરન્ટાઇમાં રહો. અલાયદા રૂમમાં રહો. આ દેશની માઇબાપ સરકારને ખબર નથી કે દેશની કેટલા ભાગની વસતિ પાસે કાં તો રહેવા માટે છાપરૂં નથી અને કાં તો એક રૂમ-રસોડાની ઘોલકીમાં આખો પરિવાર રહે છે? ક્વોરન્ટાઇન ક્યાંથી કરે? કોરોનાથી બચવાની વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનની ગાઈડલાઈન કદાચ આ લોકોને ધ્યાનમાં રાખીને બનાવાઇ જ નથી.
ચેન્નઇસ્થિત મહિલા મનોવૈજ્ઞાનિક સુજાતા કુમાર સાચું જ કહે છે કે, અત્યારે પ્રત્યેક માણસ ડરેલો છે. જે રીતે અત્યારે શહેરમાંથી ગામડા તરફ રિવર્સ-માઇગ્રેશન થઇ રહયું છે એ આ ડરનું જ પરિણામ છે. ડર માણસની વિચારશક્તિને હણી નાખે છે. જનતા કરફ્યૂનું જ ઉદાહરણ લ્યો. વડા પ્રધાને સાંજે પાંચ વાગ્યે થાળી વગાડવાનું કીધું એટલે ડરના કારણે આખો દિવસ ઘરમાં બેસીને કંટાળેલો માણસ પાંચના ટકોરે થાળી વગાડવા શેરીઓમાં નીકળી પડયો. કદાચ એ આખા દિવસના ફ્રસ્ટ્રેશનનું પરિણામ હતું. કોના માટે, ક્યા કારણથી થાળી વગાડવાનું વડા પ્રધાને કીધું છે એ કોઇને યાદ ન રહયું. બસ, વડા પ્રધાને કીધું છે એટલે વગાડવાની છે. આમ કરીને ખરેખર તો બધા અંદર પેસી ગયેલા ડરને ભગાડવા માગતા હતા. ગુજરાતમાં તો કહેવાતા ભણેલા-ગણેલા લોકો ય થાળી વગાડવા રસ્તા પર નીકળી પડયા હતા અને મજાની વાત એ છે કે એ જ વર્ગ આજે વતન જઇ રહેલા પરપ્રાંતીયોના ટોળાંને જોઇને એમ માને છે કે એમનામાં સમજણ નથી!!
ના, સવાલ ફક્ત સમજણનો જ નથી. સવાલ મજબૂરીનો પણ છે, સવાલ ડરનો પણ છે અને સવાલ સિસ્ટમ પરથી ડગી ગયેલા વિશ્વાસનો પણ છે. આપણું તંત્ર જ એવું છે કે, દરેક ડિઝાસ્ટર વખતે નવેસરથી જાગે છે અને બે-ચાર મહિના પછી આફતના આફ્ટરશોક્સ બંધ થાય પછી નવેસરથી સૂઇ જાય છે. દેશના 130 કરોડ લોકો સુધી સાચી માહિતી-સાચી જાણકારી પહોંચે એવી અસરકારક કમ્યુનિકેશન સિસ્ટમ આપણે ત્યાં છે? સરકાર અને વહીવટીતંત્ર પાસે સોશિયલ મિડીયાનું નવું રમકડું આવ્યું છે એના આધારે એમણે માની લીધું કે, એક મેસેજ મોકલી દીધો એટલે બધાએ વાંચી લીધો, સમજી લીધો અને પાલન કરી લીધું. લાખો માઇગ્રન્ટ્સ જે રીતે ભીડની પરવા કર્યા વિના નીકળી પડ્યા એ બધાને મેસેજ પહોંચ્યા નહોતા? પહોંચ્યા હતા, પણ એમને એ મેસેજ કરતાં વધારે વિશ્વાસ વતન અને સ્વજનો પર હતો. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન, સરકાર, સમાજસેવી સંગઠનો, મિડીયા, સોશિયલ મિડીયા આ બધુ હોવા છતાં આ વર્ગ હજુ એમની પહોંચની બહાર છે. એમનો અવાજ આ વર્ગ સુધી પહોંચતો નથી અને આ વર્ગનો પોતાનો કોઇ અવાજ નથી.
એટલે જ, લોકડાઉનમાં લાખો માઇગ્રન્ટ્સ જ્યારે રસ્તા પર રઝળતા હતા ત્યારે મોદી સરકારના મંત્રી રામાયણ સિરિયલ જોતા હોય એવી તસવીર ટ્વિટર પર શેર કરીને ફરજ બજાવ્યાનો સંતોષ માનતા હતા! અંદર કરૂણાની કથા ચાલતી હતી, બહાર કરૂણતાની.