યેતિના મામલામાં સેના તો શું ભલભલા પડ્યાં છે!

હિમાલયમાં ઉનાળો ધીમા પગલે દાખલ થયો છે અને બરફ ઘણી ખીણમાં ઓગળી રહ્યો છે. ભારતીય સેના બહુ દુર્ગમ એવા વિસ્તારોમાં ઉનાળામાં પોતાની ટુકડીઓને મોકલે છે. શિયાળામાં જ્યાં પહોંચવું અશક્ય હોય ત્યાં ઉનાળામાં એક આંટો મારવામાં આવે છે. સરહદની ચકાસણી પણ થઈ જાય અને સૈનિકોનું એક્પિડિશન પણ થઈ જાય. દુર્ગમ હિમાલયની પહાડીઓમાં ભરઉનાળે પણ ફરવું આસાન નથી તેનો અનુભવ સૈનિકોને થાય છે. તેની તસવીરો આપણને પણ અણસાર આપે છે કે કેવી તકલીફો વચ્ચે આપણાં સૈનિકો કામ કરે છે.જોકે હાલમાં જ એક સાહસયાત્રા પછી ભારતીય સેનાની એક ટુકડીએ કેટલાક ફોટા મૂક્યાં. તે ફોટા મજાકનું કારણ બન્યાં છે. ફોટા છે યેતિના પગલાંના. જોકે પહેલી નજરે જ ખ્યાલ આવી જાય છે કે એક જ પગના પગલાં પડેલાં છે. બીજો પગની છાપ ક્યાં દેખાતી નથી. ઉપરથી કોઈ પથ્થર ગબડ્યો હોય અને ગગડતો અને બરફમાં છાપ પાડતો નીચે જતો રહ્યો હોય તેવું પણ લાગે. બીજા કેટલાંક નાના પગલાંની છાપ પણ દેખાય છે, પણ તે સહજ રીતે એવું માની શકાય કે હિમાયલમાં થતાં બ્રાઉન રીંછના હોઈ શકે છે. રીંછના પગલાં જ છે એમ મોટા ભાગના લોકોએ કહ્યું.
સોશ્યલ મીડિયામાં યેતિના પગલાં જોયાની તસવીરોની ભારે મજાક પણ ઉડાવાઈ. બીજી બાજુ આવી તસવીરોને ગંભીરતાથી લેનારો પણ એક વર્ગ છે. આ નવરો વર્ગ એવો હોય છે, જેને દરેક બાબતમાં રહસ્ય દેખાતું હોય છે. તેમને સનસનાટી, અગોચર,અજાણ વિશ્વમાં બહુ રસ પડે. હિમાલયમાં યેતિની વાતો આવી જ અગોચર, અજાણ અને
અજાયબ પ્રકારની છે. આજકાલની નહીં, પણ એકાદ સદીથી યેતિની વાતો થતી આવે છે.

બ્રિટિશ પર્વતારોહકો હિમાલયમાં ફરતાં થયાં તે પછી તેમને યેતિનું અચરજ એટલું ગમી ગયું કે તેની વાતો વતનમાં જઈને કહેવા લાગ્યા હતા. તેમાંથી જ જન્મ્યા છે યેતિના ગપગોળા.મજાની વાત એ છે કે ગપગોળા ફેલાવવામાં માત્ર બ્રિટિશરો કે યુરોપિયનોનો હાથ નથી. તેઓ કદાચ નિમિત્ત બન્યાં કે યેતિના ગપગોળા અને દંતકથા હિમાલયના
પહાડોમાંથી બહાર નીકળીને વિશ્વમાં ફેલાઈ જાય. હકીકતમાં યેતિની દંતકથા હિમાલયમાં મનુષ્યના પગલાં પડ્યાં ત્યારથી જ કદાચ શરૂ થઈ છે. અર્થાત સદીઓ પહેલાંથી. ખાસ કરીને વધારે ઊંચાઈ પર રહેવા ટેવાયેલા શેરપાઓમાં યેતિની એકથી વધુ દંતકથાઓ અને લોકકથાઓ પ્રચલિત છે. તેઓ યેતિની વાતો બાળકોને કહેતાં રહેતાં. આગળ જતાં બ્રિટિશરોના કાને પડતી થઈ અને તેમના કાન પણ સરવા થયાં.જોકે યેતિના ગપગોળા કેમ આટલા ચાલે છે તેનું ઊંડાણભર્યું સંશોધન કરનારા કેટલાક માને છે એક બ્રિટિશ એક્સિપિડિશન પછી ભારત બહાર યેતિની વાત ફેલાઈ હતી. વાત 1921ની છે. બ્રિટિશ રાજકારણી ચાર્લ્સ હૉવાર્ડ-બ્યુરીની આગેવાનીમાં બ્રિટિશ ટુકડી માઉન્ટ એવરેસ્ટ સર કરવા માટે આવી હતી. ટુકડીનેકે ટલાક વિશાળ કદના પગલાંની છાપ જોઈ એટલે શેરપાઓને પૂછ્યું. શેરપાઓએ રાબેતા મુજબ દંતકથા પ્રમાણે જણાવ્યું કે આ ‘મેતો-કાંગમી’ના પગની છાપ છે.મેતો-કાંગમી એટલે ‘મનુષ્ય-રીંછ જેવો હિમમાનવ’.આ ટુકડી બ્રિટન પરત ફરીને પોતાના સાહસોની આપવડાઈ કરવા માટે પત્રકારોને બોલાવતી રહેતી હતી. આ પર્વતારોહક ટુકડીના સભ્યોના ઘણાં ઇન્ટરવ્યૂ
પત્રકારોએ કર્યાં, પણ તેમાંના એક હેન્રી ન્યૂમેને ગરબડ કરી નાખી. ‘મેતોકાંગમી’ એટલે ‘ગંદુંગોબરું પ્રાણી’ એવું તે સમજ્યો. તેને લાગ્યું કે આ અર્થ બંધબેસતો નથી એથી જાતે જ અર્થ સુધારીને ‘ઘૃણાસ્પદ પ્રાણી’ એવું કરી
નાખ્યું.

વાચકોને અને સાહસિકોને પણ મજા પડી ગઈ કે પહાડોમાં કોઈ દૈત્યાકારણ પ્રાણી રહેતું હોય અને ત્યાં ફરવા જવું એટલે સાહસ કરવું. તેમાંથી હિમાલયના હિમમાનવ યેતિની દંતકથા વિદેશમાં પણ ફેલાવા લાગી. 1950ના દાયકા સુધીમાં યુરોપિયનોને તેમાં ભારે રસ પડવા લાગ્યો હતો. ઘણા પર્વતારોહકો ખાસ હિમમાનવને શોધી કાઢવા માટે સાહસયાત્રાએ આવી ચડતાં હતાં. અમેરિકાના ફિલ્મસ્ટાર જેમ્સ સ્ટુવર્ટ પણ હિમાલય પહોંચ્યાં. તેમણે દાવો કર્યો કે
યેતિની આંગળી મળી છે. 2011માં આંગળીના નમૂનાનો ડીએનએ ટેસ્ટ થયો ત્યારે ખ્યાલ આવ્યો કે તે આંગળી યેતિની નહિ, મનુષ્યની હતી.આ રીતે બરફમાં મોટા પંજાની છાપ, યેતિ જેવું કશુંક દેખાતું હોય તેની ઝાંખી
તસવીરો અને અમે યેતિને જોયેલો એવું શ્વાસભેર કહેનારા પર્વતારોહકોની સંખ્યા અને ગપગોળા વધતાં જ રહ્યાં છે. પેલી આંગળીને જેમ યેતિના હાડકાં મળ્યાં, તેના વાળના અવશેષો મળી આવ્યાંના દાવા પણ થયાં. આ દાવાને ખોટા પાડવા તપાસ કરીને જાહેર થતું રહ્યું છે કે રીંછ અને વાનરો જેવા પ્રાણીઓના આ હાડકાં છે. આમ છતાં દંતકથા બંધ જ થતી નથી.

મૂળ તો શેરપાઓની લોકકથા અને બાળવાર્તાઓમાંથી તેની શરૂઆત થયેલી. નેપાળના શેરપા સમુદાયમાં યેતિની ડઝન જેટલી જુદી જુદી લોકકથાઓ છે. ચેતીને ચાલવા જેવા આ વિશાળકાય પ્રાણીથી દૂર રહેવું અને તેના પર નજર પણ ના નાખવી એવું બાળકોને નાનપણથી વાર્તા સંભળાવીને કહેવાય છે. એક દંતકથામાં કહેવાયું છેકે સૂરજ મધ્યાહ્ને ચડતો જાય તેમ તેમ યેતિની કાયા વિશાળ થતી જાય. તેના પર નજર પડી જાય તો શરીરની તાકાત જતી રહે અને આપણે બેભાન થઈ જઈએ. હિમાયલના બરફમાં રીંછ થાય છે. તે બહુ મોટા કદના હોય છે અને વાનરની જેમ તે
પણ બે પગે ટટ્ટાર થઈ શકે છે. પર્વતો પર ઓક્સિજન ઓછું હોય ત્યારે મગજ પણ ઓછું કામ કરે અને ચારે બાજુ ચમકતી સફેદીમાં મોટા ભાગે આ ભાલુને જોઈ લીધાને કારણે યેતિ જોઈ લીધાંની ભ્રમણા થતી હોય છે. જોકે શેરપાઓની કથામાં યેતિને વિશાળ કદનો વાનરમાનવ અથવા હિમમાનવ માનવામાં આવે છે.

વાનરો નકલ કરે તેવી માન્યતા પ્રમાણેની એક લોકકથા પણ શેરપાઓમાં પ્રચલિત છે. યેતિઓ આવીને હુમલા કરતાં

કાલ્પનિક ચિત્ર

હતાં તેથી તેમનો નાશ કરવા માટે ઉપાય અજમાવવાનું નક્કી થયું. યેતિનું ટોળું જોઈ શકે તે રીતે શેરપાઓએ પહેલાં ખૂબ દારૂ પીધો અને પછી અંદરોઅંદર લડવાનો દેખાવ કર્યો. બાદમાં દારૂ મૂકીને જતાં રહ્યાં એટલે યેતિઓએતે ખૂબ પીધો. પીધા પછી શેરપાની નકલ કરીને અંદરોઅંદર લડવા લાગ્યાં. આ લડાઈ સાચી હતી એટલે લડી મર્યા.થોડા યેતિ તેમાંથી બચ્યાં. તેમને છેતરાયાનો ખ્યાલ આવ્યો. તેથી તેઓ શેરપાઓના ગામોથી દૂર ઊંચા પર્વતો પર રહેવા જતાં રહ્યાં. ત્યાંથી હવે વેર વાળવા માટે હુમલા કરે છે એમ કથામાં કહેવાયું છે. યેતિને આ વાર્તામાં ખતરનાક દુશ્મન તરીકે ચીતરવામાં આવ્યો છે. તેનું કારણ કદાચ એ છે કે પહાડી રીંછ માણસ પર હુમલો કરી દે છે. બાળકો અને કિશોરો તેનાથી સાવધાન રહે તે માટેની આ વાર્તાઓ હશે. એક વાર્તામાં એવું કહેવાયું છે કે યેતિએ ગામની એક યુવતી પર બળાત્કાર કર્યો હતો. બાદમાં કન્યાની તબિયત લથડી, તેથી યેતિ સામેબદલો લેવો જરૂરી છે એવું ગામ લોકોએ નક્કી કર્યું.

જંગલો, પહાડો, દુર્ગમ સ્થાનોમાં વસવાટ કરનારા સમાજોમાં આ પ્રકારની પ્રાણીકથાઓ પ્રચલિત હોય છે. પ્રાણીઓમાં તેના લક્ષણ પ્રમાણે વર્ણનો હોય છે. સુંદરવનમાં વાઘ મનુષ્યો પર હુમલા કરે છે. તેમાંથી બચાવનારી દેવીનું નામ વનબીબી છે. વનબીબીએ દક્ષિણરાય નામના સુંદરવનના રાક્ષસને હરાવ્યો હતો.દક્ષિણરાય વાઘનું સ્વરૂપ લઈને વેર લેવા હુમલા કરે છે તેવી કથાઓ ત્યાં પ્રચલિત છે. ગુજરાતના ગીરમાં સિંહ સાથે મનુષ્યના સંબંધો સારા રહ્યા છે
એટલે અહીં સિંહ સાથે દોસ્તીની કથાઓ પ્રચલિત છે. પ્રાણીકથાઓમાં મનુષ્ય અને પશુઓ વચ્ચેના નાતાની અને સહઅસ્તિત્ત્વની વાતોને પણ વણી લેવામાં આવી છે.

તેના પરથી સમજી શકાય છે કે રીંછના હુમલાથી પરેશાન શેરપાઓના વડવાઓ આવી દંતકથાઓ ઘડતાં રહ્યાં. પણ હજીય તે શા માટે પ્રચલિત થયા કરે છે? હવે કદાચ એટલા માટે કે યેતિની દંતકથા રોજીરોટી આપનારી અને પ્રવાસીઓને આકર્ષનારી બાબત બની ગઈ છે. માત્ર નેપાળ અને ભારત જ નહીં, હિમાલયના પશ્ચિમના છેડે છેક તાજિકિસ્તાન અને કિર્ગિસ્તાન સુધી યેતિની વાતો ફેલાઈ છે. પર્યટકો અહીં કોઈ ગામમાં પહોંચે એટલે તરત સ્થાનિક લોકો પૂછે યેતિ જોવા આવ્યા છો?અમારા ગામનો ફલાણાંએ એકવાર તે જોયેલો છે. ગામથી પણ હજી દૂર એક ખીણમાં જોયો હતો એવી વાતો કહીને પર્યટકોને લલચાવવામાં આવે છે. તેઓ ગામમાં રોકાઈ જાય.બીજા દિવસે પેલો યેતિને જોનારો ગાઈડ તરીકે સાથે જાય. ગામમાંથી એક બે જણ રક્ષક તરીકે પણ આવે અને તે રીતે દૂરની યેતિની ખીણ સુધીની યાત્રા થાય.મોટા ભાગે તો નિરાશ થઈને પાછા જ આવવાનું થાય. આમ છતાં આ સમગ્ર પ્રવાસ એટલો રોમાંચક લાગતો હોય છે કે પ્રવાસીઓ આવ્યાં જ કરે છે. અને યેતિના ગપગોળા ચાલ્યાં જ કરે છે…