ચોમાસું જામશે, પણ પાણીની સમસ્યા દૂર થશે ખરી?

વાયુ વાવાઝોડાને કારણે એક અઠવાડિયું વરસાદી માહોલ રહ્યો. વચ્ચે થોડો બ્રેક પડ્યો છે અને હવે આ અઠવાડિયાથી ફરી રાબેતા મુજબનું ચોમાસું બેસી જશે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કાંઠે પહોંચેલો વરસાદ ઉત્તર ગુજરાતને પણ ભીંજવશે, પણ પાણીની સમસ્યા દૂર થશે ખરી? પાણીની સમસ્યા કામયી ધોરણે હલ કરવા માટેના વિચારો કોઈને આવ્યા છે ખરા અને તે માટે પ્રયાસો થઈ રહ્યા છે ખરા? થઈ રહ્યા છે તો યોગ્ય દિશાના થઈ રહ્યા છે, કે પછી નર્મદાની નહેરમાંથી પાઇપ લાઇન નાખીને પાણી પહોંચાડી દીધું એટલે હાઉં!

ઘણી વાર એવું ચિત્ર ઉપસે છે કે સમગ્ર ગુજરાતની પીવાના પાણીની સમસ્યા માત્ર નર્મદા યોજનાથી જ ઉકેલાવાની છે. સમગ્ર સૌરાષ્ટ્રમાં સિંચાઇ માટે પણ 115 ડેમ ભરવાના છે, તે પણ નર્મદા યોજનાથી. ઉત્તર ગુજરાતમાં સુજલામ સુફલામ યોજના – તો કે, એ પણ નર્મદા યોજના આધારિત. નર્મદા યોજના ગુજરાતની જીવાદોરી ખરી, પણ સમગ્ર રાજ્યનો પાણીનો આધાર માત્ર એક જ યોજના પર રાખીને બેસી રહેવાય ખરું?

નર્મદા યોજના પૂર્ણ થઈ ગઈ છે અને સરદાર સરોવર બંધના દરવાજા પણ ગયા ચોમાસા પહેલાં દેવાઈ ગયા. પણ ગયું ચોમાસું નબળું રહ્યું હતું. 2017માં સરેરાશ 35 ઇંચ વરસાદ પડ્યો હતો, પણ 2018માં તે ઘટીને 25 ઇંચની આસપાસ રહ્યો. આ પણ સરેરાશ એટલે દક્ષિણ ગુજરાતમાં વધારે પડ્યો, જ્યારે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં ઓછો. છેલ્લા 30 વર્ષના સરેરાશ વરસાદના આધારે ગુજરાતમાં 31 ઇંચ વરસાદ વરસે તો 100 ટકા ચોમાસુ કહેવાય. આ વખતે સારું ચોમાસું રહેશે એવી આશા રાખીએ અને આશા રાખીએ આ વખતે મધ્ય પ્રદેશમાં પણ સારું ચોમાસું થાય. મધ્ય પ્રદેશમાં સારો વરસાદ આવે ત્યારે જ સરદાર સરોવર બંધ છલકાશે.

દરવાજા બંધ થયા તે પછી સરદાર સરોવર બંધ છલકાયો નથી. આ વખતે છલકાશે તો તેનું કેટલુંક પાણી મુખ્ય નહેર મારફતે સૌરાષ્ટ્રના અડધો ડઝન જેટલા ડેમ સુધી પાઇપલાઇન પહોંચી છે ત્યાં પહોંચશે, પણ ખેતરેખેતરે પહોંચવાનું નથી. હજી પણ સૌથી છેવાડીને, ખેતર સુધી પહોંચતી નહેર બની નથી. 13000 ખેડૂત મંડળીઓ બનાવીને, નાની પાઇપ મારફતે ખેતર સુધી પાણી પહોંચાડવાની યોજના છે. યોજના સારી છે. ખેડૂત મંડળી મારફત જ અને પાઇપ મારફત જ પાણી પહોંચે અને ખેડૂતો પાણીના થોડા પૈસા પણ ભરે તે જરૂરી છે, પણ કામ તો પૂરું કરો. કામ મંદ ગતિએ ચાલી રહ્યું છે.

સરદાર સરોવર બંધ જેવા જંગી બંધો બાંધી દીધા પછી બેસી રહેવાથી ચાલવાનું નથી. વસતિ દર વર્ષે વધી રહી છે. શહેરીકરણ વધી રહ્યું છે અને શહેરમાં માણસ પાણીનો બહુ બગાડ કરે છે. એક અંદાજ પ્રમાણે વસતિ જે ઝડપે વધે છે તેના કરતાં 1.7 ટકા ગણી ઝડપે પાણીની જરૂરિયાત વધે છે. ભારતમાં તેનું પ્રમાણ સૌથી વધારે છે, કેમ કે અહીં ઝડપથી વસતિ વધી રહી છે. દુનિયામાં પાણીની માંગ વધી, તેમાં 64 ટકા માત્ર એશિયામાં જ વધી છે. સ્વાભાવિક છે કે તેમાં ભારત અને ચીન બે મુખ્ય પાણી વાપરનારા દેશો બન્યા છે.

તેના કારણે જોખમ પણ એવું જ ઊભું થયું છે કે એશિયાના વિકસિત દેશોમાં 2030 સુધીમાં 40 ટકા વિસ્તારોમાં પાણીની અછત હશે. આ 40 ટકા વિસ્તારમાં સૌરાષ્ટ્ર-કચ્છ અને ઉત્તર ગુજરાતને તમે ગણી જ લો. મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં હજીય સ્થિતિ સારી છે, પણ આગળ જતાં ત્યાં પણ વિચાર કરવો પડશે.

કુલ જળસ્રોતમાંથી 70 ટકા હજીય ખેતીમાં વપરાય છે. ગુજરાતમાં 10 ટકા જેટલો ઉપયોગ ઉદ્યોગ માટે પણ થઈ રહ્યો છે. નર્મદાનું ઘણું બધું જળ ઉદ્યોગોને જવા લાગ્યું છે તે પણ એક મોટો વિવાદનો મુદ્દો છે.

પાણીની આ સમસ્યાને ધ્યાનમાં રાખીને જ આ વખતે મોદી સરકારે જળ મંત્રાલયની સ્થાપના કરી છે, પણ સવાલ એ છે કે મંત્રાલય કરશે શું? ગુજરાતને તેનાથી શું ફાયદો થશે? હાલમાં જ ગુજરાતના નાણા પ્રધાન નીતિન પટેલ કેન્દ્ર સરકારને મળી આવ્યા અને બજેટમાં કેટલીક માગણીઓ કરી આવ્યા. જળસ્રોતની બાબતમાં ગુજરાત સરકારે શું માગ્યું છે? સરકારે નળથી જળ યોજના માટે વધારે ગ્રાન્ટ માગી છે અને સિંચાઇ યોજના માટે પણ ગ્રાન્ટ માગી છે.

આશા રાખીએ કેન્દ્રમાંથી વધારાની સહાય મળે, પણ ગુજરાત સરકારે શું કશું આયોજન કર્યું છે ખરું કે 50 વર્ષ પછી ગુજરાતને પાણીની કેટલી જરૂર પડશે? અલગ જળ મંત્રાલયમાંથી વધારે ફંડ મળે અને તેની યોજનાનો સૌથી વધુ લાભ મળે તે માટે કોઈ આગોતરી તૈયારીઓ કરી છે ખરી? સરદાર સરોવર પર હાલ પૂરતો આધાર છે તે ઠીક છે. ટૂંકા ગાળા માટે તેનાથી થોડી સમસ્યા હલ થશે. 115 ડેમો બેથી ચાર વર્ષમાં ભરાવા લાગશે ત્યારે થોડી રાહત લાગશે. પરંતુ તે પછી શું? એક દાયકા પહેલાં ઉપરાઉપરી ત્રણ દુકાળ પડ્યા ત્યારે ગુજરાતમાં સૌ કોઈ ચેકડેમ બનાવવા, બંધારા બનાવવા, તળાવ ઊંડા કરવામાં લાગી ગયા હતા. હવે શું થઈ રહ્યું છે? શું સારા વર્ષોમાં પણ ચેકડેમ અને બંધારા બનાવવાનું અને તળાવો ઊંડા કરવાનું અને નવા તળાવો બાંધવાનું વિચારવું ના જોઈએ? અમદાવાદમાં વસ્રાપુર તળાવનો વિકાસ થઈ તેની વાહવાહ થઈ હતી. આજે તેની હાલત કેવી છે? તમે અમદાવાદ ફરવા આવો ત્યારે અચૂક ત્યાં જઈને જોઈ આવજો…

ભાજપ સરકારે મોર ક્રોપ, પર ડ્રોપ – દરેક ટિપે વધુ ઉત્પાદન એવું સારું સૂત્ર પણ આપ્યું હતું. ડ્રીપ ઇરિગેશનની પદ્ધતિઓથી ખેતીમાં વપરાતા પાણીમાં 12 ટકા જેટલી બચત થાય છે. પણ ભાજપની સરકાર સૂત્રોમાં માહેર છે, તેના અમલમાં કંગાળ છે.

 

ચીને સિંચાઇમાં વપરાતા પાણીમાં બચત કરવામાં વધારે સારી સફળતા મેળવી છે. ભારત કરતાં ચીનના ખેડૂતો સરેરાશ 28 ટકા ઓછું પાણી વાપરે છે. યોજનાના યોગ્ય અમલીકરણથી જ આવું શક્ય બને. પણ ગુજરાતમાં ડ્રીપ ઇરિગેશનની યોજના લાગુ પડી બાદમાં સૌને સમજાયું કે આખી યોજના ડ્રીપ ઇરિગેશન સિસ્ટમ ગોઠવી આપતી કંપનીઓના ફાયદા માટે બની છે. ગ્રીન હાઉસ બનાવવાની યોજનામાં પણ ખેડૂતો નહિ, કંપનીઓ કમાઇ. ગયા વર્ષે સોલર માટેની યોજના જાહેર થઈ, તે પણ કંપનીઓને ફાયદો થાય તેવી રીતે જાહેર થઈ હતી. ગ્રીડ સાથે સોલર પેનલને જોડી આપવાનું કામ કરનારી કંપનીઓ ફાવશે, જેમને લાઇટનું કનેક્શન નથી તેવા ખેડૂતને કશો ફાયદો નથી.

સોલર ઉર્જાને સિંચાઇ સાથે જોડવાની જરૂર હતી. સોલર ઉર્જાથી પમ્પ પણ ચાલે અને ખરાબ પાણી હોય તેનું શુદ્ધિકરણ પણ થાય. કર્ણાટકમાં બંને બાબતોને એક સાથે જોડીને યોજના બની છે. ગુજરાતે કચ્છ-સૌરાષ્ટ્રમાં ખારા પાણી હોય ત્યાં આવી યોજના મૂકવી જોઈએ. સૂર્યઉર્જાથી પાણી પણ શુદ્ધ થાય અને તેનાથી જ પમ્પ પણ ચાલે.

આ વખતે માત્ર ગુજરાત નહિ, સમગ્ર દેશમાં પાણીની કટોકટી દેખાવા લાગી છે. આ વખતે ચોમાસુ લંબાયું છે. તેના કારણે દક્ષિણ ભારતમાં, ચેન્નઇ જેવા મહાનગરોમાં પાણીની રાડ બોલી ગઈ છે. રાજકોટમાં વર્ષો પહેલાં ટ્રેનથી પાણી પહોંચાડવું પડ્યું હતું, તે રીતે ચેન્નઇને વેલ્લોરથી ટ્રેનમાં પાણી મોકલવું પડ્યું છે. અમદાવાદના તળાવોની બુરી હાલત થઈ છે, તે રીતે જ ચેન્નઇના સૌથી મોટા તળાવની બુરી હાલ થઈ છે. તેની સેટેલાઇટ તસવીરો તમે નેટ પર જોશો તમને સ્થિતિ સમજાઈ જશે.

સ્ટેટ ઑફ ધ વર્લ્ડ વૉટર 2019ના અહેવાલ અનુસાર માનવજાતના ઇતિહાસમાં ભારત આજે જળસ્ત્રોતની સૌથી મોટી કટોકટીમાંથી પસાર થઈ રહ્યુ છે. 60 કરોડ લોકો દેશમાં અત્યારે એવા છે, જેમના માટે ઉનાળાના છેલ્લા બે મહિના પીવાનું પાણી ક્યાંથી લાવવું તે સમસ્યા થઈ જાય છે. વૉટરએઇડના સંસ્થાના આ અહેવાલમાં ચિંતા વ્યક્ત થઈ છે કે વર્ષમાં અમુક મહિના પાણીની અછત અનુભવતા દેશમાં ભારત સૌથી ટોચ પર છે અને સ્થિતિ વકરી શકે છે. ભારતમાં માથાદીઠ પાણીનો રોજનો વપરાશ 3000 લીટરનો છે. ભારતમાં ગરમી વધારે પડે છે, શહેરો વધી રહ્યા છે અને ભૂગર્ભમાંથી પાણી ખેંચીને સિંચાઇ પણ વધી રહી છે તેથી પાણીની જરૂરિયાત હજીય વધવાની છે. દુનિયામાં અત્યારે સૌથી વધુ પાણી વેડફે છે અમેરિકનો – રોજના માથાદીઠ સરેરાશ 7800 લીટર.

ભારત માટે ચિંતાનું કારણ વધારે એટલા માટે છે વધુ ને વધુ પાણી આપણે ભૂગર્ભમાંથી ખેંચી રહ્યા છીએ. આ અહેવાલ અનુસાર વિશ્વના ભૂગર્ભ જળના વપરાશમાંથી 24 ટકા એકલું ભારત વાપરે છે. અમેરિકા અને ચીન બંને કરતાં ભારત વધારે પાણી જમીનમાંથી ખેંચે છે. ચીન અને અમેરિકામાં બંધો બાંધીને વધારે પાણીની વ્યવસ્થા થઈ છે. ભારતે વધારેમાં વધારે વરસાદી પાણીના સંગ્રહનું વિચારવું પડશે. 2001થી 2010ના એક દાયકામાં ભારતનું ભૂગર્ભ જળ નીચે જવાનું પ્રમાણ વધીને 23 ટકા થઈ ગયું છે. ઉત્તર ગુજરાતના લોકો આ વાત સમજી શકશે કે કઈ રીતે બોર વધારે ને વધારે ઊંડા કરવા પડી રહ્યા છે. પણ તે ઉકેલ નથી, કટોકટી તરફની આગેકૂચ છે. વરસાદી પાણીના સંગ્રહ માટે ગુજરાતે દેશમાં સૌથી વધુ વિચારવું પડશે.

પાણીના અભાવે ખેતી ઉપરાંત ઉદ્યોગોની કામગીરી પણ અસર થઈ શકે છે. ગુજરાતે હવે આગળ વધારે ઝડપથી પ્રગતિ કરવી હશે તો જળસ્ત્રોત પૂરતા પ્રમાણમાં જોશે. માત્ર પ્રગતિ માટે જ નહિ, પીવાના પાણીની સમસ્યા પણ ટૂંક સમયમાં આવી પહોંચશે એમ લાગે છે. ચેન્નઇ જેવા આધુનિક નગરોમાં વિકટ સ્થિતિ થઈ છે તેવી સ્થિતિ અમદાવાદ, વડોદરા, મહેસાણા, રાજકોટ વગેરેમાં થઈ શકે છે. રાજકોટમાં જોકે કાયમ કાયમ થીગડાં જ મારવામાં આવ્યા છે. ગયા વર્ષે જ ભારે કટોકટી હતી, પણ માથે ચૂંટણી હતી એટલે આજી-1 સુધી તાબડતોબ પાણીની પાઇપલાઇન પહોંચાડી દેવાઈ હતી. પણ હવે આગળ શું? એક બે પાઇપલાઇન અને ભાડભૂત જેવી એક બે બંધ યોજનાઓધથી આગળ વધીને, વરસાદી પાણીનો સંગ્રહ રાજ્યમાં ગામે ગામ થાય તે માટે વિચારવું રહ્યું. આ વર્ષ તો જાણે ગયું, કેમ કે આ અઠવાડિયે ગુજરાતમાં ચોમાસુ બેસી જશે – આશા રાખીએ કે સારું જશે – પણ પાણી બધું વહી જશે અને વેડફાઇ જશે અને આવતા ઉનાળે હતા ત્યાંના ત્યાં…