24 ફેબ્રુઆરી, 2019નો દિવસ ભારતના કિસાનોનાં કલ્યાણ માટે સુવર્ણ અક્ષરોમાં લખાઈ જશે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ઉત્તર પ્રદેશના ગોરખપુરમાં ‘પ્રધાનમંત્રી કિસાન સમ્માન નીધિ’ (PM-KISAN) યોજનાનો શુભારંભ કરાવીને લઘુ વર્ગના કિસાનો અને એમના પરિવારજનોની સુખાકારીની મહત્ત્વની વ્યવસ્થા કરી આપી છે.
કેન્દ્ર સરકાર પ્રેરિત આ આ કેશ-ટ્રાન્સફર યોજનાથી દેશભરમાં 12 કરોડ જેટલા નાના કિસાનોને આર્થિક લાભ થશે. આ યોજના અંતર્ગત દેશભરના કિસાનોને દર વર્ષે ત્રણ હપ્તામાં રૂ. 2000 એમ, કુલ રૂ. 6000ની રકમ આપવામાં આવશે.
આ ઐતિહાસિક યોજના કિસાન-કલ્યાણ પ્રત્યે પીએમ મોદી અને એમની સરકારની પ્રતિબદ્ધતા અને સમર્પણનું પ્રતીક છે. કિસાનોને આર્થિક લાભ આપતી આ અત્યાર સુધીની સૌથી મોટી યોજના છે.
આ રકમ જે કિસાનો પાસે પાંચ એકર અથવા એનાથી ઓછી જમીન છે એમને મળશે.
રવિવારે જ પહેલા હપ્તામાં આશરે એક કરોડ કિસાનોને બે-બે હજાર રૂપિયા (કુલ રૂ. 2,021 કરોડ) ચૂકવવામાં આવ્યા હતા. વડા પ્રધાનને આ યોજનાના કેટલાક લાભાર્થી કિસાનોને સર્ટિફિકેટ આપ્યા હતા.
આ યોજનાની જાહેરાત વચગાળાના કેન્દ્રીય બજેટમાં કરવામાં આવી હતી. આ યોજના માટે પાત્ર કિસાનોના નામોની યાદી રાજ્ય સરકારોએ કેન્દ્ર સરકારને સુપરત કરવાની રહેશે.
આ યોજના અંતર્ગત દર વર્ષે લગભગ 75,000 કરોડ રૂપિયા કિસાનોનાં ખાતામાં સીધા જમા થશે.
આ યોજના પાછળ સરકારનો હેતુ નાના કિસાનોને ખેતીવાડી માટેની એમની જરૂરિયાતો પૂરી કરવામાં મદદરૂપ થવાનો અને એમને શાહુકારો (મની લેન્ડર્સ)ના સકંજામાંથી મુક્ત કરાવવાનો છે.
વડા પ્રધાન મોદીએ આ પ્રસંગે કેટલાક કિસાનોને કિસાન ક્રેડિટ કાર્ડ પણ ઈસ્યૂ કર્યા હતા. આ ક્રેડિટ કાર્ડ મારફત કિસાન કોઈ પણ પ્રકારની બેન્ક ગેરન્ટી વિના રૂ. 1,60,000 સુધીની લોન મેળવી શકશે.