કોરોનાના કહેર વચ્ચે હા ના કરતા છેવટે જગન્નાથ પુરીની ઐતિહાસિક રથયાત્રા યોજાઈ ગઈ. સુપ્રીમ કોર્ટે મૂકેલી શરતો સાથે રથયાત્રા યોજાઈ એમાં એક મુસ્લિમનું નામ ચર્ચામાં આવ્યું છે. સુપ્રીમ કોર્ટને રથયાત્રાની પરવાનગી આપવા માટે અને નિર્ણયની ફેરવિચારણા માટે આમ તો અનેક લોકોએ અરજી કરી હતી પરંતુ સૌથી વધારે ચર્ચા જગન્નાથના મુસલમાન ભક્ત આફતાબ હુસૈનની થઈ રહી છે.
આફતાબ હુસૈને સુપ્રીમ કોર્ટમાં બે પીટિશન દાખલ કરી હતી અને સર્વોચ્ચ અદાલતને સદીઓ જૂની પરંપરા બંધ ન કરવા માટે વિનંતી કરી હતી. આફતાબ હુસૈનનો ધર્મ તો મુસ્લિમ છે પણ તે ભગવાન જગન્નાથમાં ઊંડી આસ્થા ધરાવે છે. એક મુસ્લિમ યુવક ભગવાન જગન્નાથની રથયાત્રા યોજવા માટે સુપ્રીમ સુધી પહોંચે આવી ઘટના તો માત્ર ભારત જેવા દેશમાં જ જોવા મળી શકે છે.
આફતાબ હુસૈન 19 વર્ષના છે અને નયાગઢની ઑટોનોમસ કૉલેજમાં ઇકોનૉમિક્સમાં ગ્રેજ્યુએશન કરે છે. એમના માતા રશીદા બેગમ, પિતા ઇમદાદ હુસૈન અને નાના ભાઈ અનમોલ સાથે તેઓ ઇટામાટી નામના ગામમાં રહે છે. આફતાબ હુસૈનના નાના(તેમની માતાના પિતા) મુલતાબ ખાન રામાયણ અને અન્ય હિંદુ ધર્મગ્રંથોના જાણકાર હતા અને તેની ચર્ચા કરતા હતા. એમણે એમના નાના મુલતાબ ખાને એક મંદિરની પ્રતિષ્ઠા પણ કરાવી હતી.
આફતાબના ઘરમાં ભગવાન જગન્નાથ, બલભદ્ર અને દેવી સુભદ્રાની પૂજા પણ થાય છે. આફતાબ જગન્નાથ સંસ્કૃતિ સાથે સંબંધિત અનેક પુસ્તકોનો અભ્યાસ કરી ચૂક્યા છે. ઈસ્લામમાં આમ તો મૂર્તિ પૂજા નથી થતી પણ જેના દિલમાં જ કાબા અને કાશી હોય તે તેમના નિયમો જાતે જ નક્કી કરે છે.
આફતાબ કહે છે કે હું મુસલમાન હોવા પહેલા હું એક ઉડિયા (ઓડિશા રાજ્યનો) છું હિંદુ દેવતાઓની પૂજાને લઈને એમને કે એમના પરિવારને મુસ્લિમ સમુદાય તરફથી કદી કોઈ વિરોધ નથી વેઠવો પડ્યો. ભગવાન જગન્નાથ ઓડિશાના ગણ દેવતા છે એટલા માટે તેમને જગન્નાથની પૂજા કરવામાં કંઈ છોછ નથી અનુભવતો. આફતાબ કદી જગન્નાથ મંદિર નથી ગયો કારણ કે તેમના ધર્મમાં તેની મંજૂરી નથી. તેથી તે તેમના ઘરે જ હંમેશા જગન્નાથની પૂજા કરે છે.