શંકરસિંહ બાપુએ પવારનો સાથ છોડયોઃ હવે શું કરશે?

રાજ્યસભાની ચૂંટણી, રથયાત્રા અને કોરોનાના સમાચારોની ભીડમાં ગુજરાતના રાજકારણમાં શંકરસિંહ વાઘેલાના નેશનલિસ્ટ કોંગ્રેસ પાર્ટીમાંથી રાજીનામું આપવાના સમાચાર દબાઇ ગયા છે એટલે રાજકીય વર્તુળોમાં એની બહુ ચર્ચા પણ થઇ નથી. અન્યથા, એક સમયે ગુજરાતના રાજકારણને ટનાટન જેવો ટનાટન શબ્દ બક્ષનાર બાપુ બોલે અને વમળો ન સર્જાય એવું બને નહીં.

બાપુનું આ રાજીનામું કેવાક વમળો સર્જી શકે છે એ અત્યારથી કહેવું મુશ્કેલ છે, પણ એમના આ રાજીનામાની ઘટનાને સાવ જ નજરઅંદાજ કરી શકાય એમ નથી એટલું તો ચોક્કસ. ગુજરાતમાં ભાજપનો પાયો નાખનાર શંકરસિંહ વાઘેલાએ 1996 માં ભાજપ સાથે છેડો ફાડયા પછી અનેક રાજકીય વેશપલટા કર્યા છે. ભાજપથી છૂટા પડયા પછી રાષ્ટ્રીય જનતા પાર્ટી-રાજપા પક્ષની રચના કરી અને ટનાટન સરકાર પણ બનાવી. રાજપાને પાછળથી કોંગ્રેસમાં ભેળવીને 2002 ની ગુજરાતના ઇતિહાસની સૌથી વઘુ ગવાયેલી વિધાનસભાની ચૂંટણીમાં પણ પ્રદેશ પ્રમુખ તરીકે કોંગ્રેસનું નેતૃત્વ કર્યું. કોંગ્રેસમાં રહીને પણ પોતાનું શક્તિ દળ અલગથી બનાવ્યું અને એ રીતે પોતાની રાજકીય તાકાતની ધાર કાઢતા રહેવાનો પ્રયત્ન કરતા રહયા.

રાજપાની ટૂંકાગાળાની સરકારના મુખ્યમંત્રી તો બન્યા જ, કોંગ્રેસમાં રહીને કેન્દ્રમાં મંત્રીપદે અને ગુજરાત વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા તરીકે પણ રહયા. 2017 ની વિધાનસભાની ચૂંટણી પહેલા જ (અહેમદ પટેલની બહુ ગાજેલી રાજ્યસભાની ચૂંટણી વખતે) કોંગ્રેસથી છેડો ફાડીને પોતાની નવી રાજકીય ધરી બનાવી, પણ ચૂંટણીમાં ન ફાવ્યા. 2019 ની શરૂઆતમાં બાપુ શરદ પવારની નેશનલિસ્ટ પાર્ટીમાં જોડાયા ત્યારે બધાને એવું હતું કે, બાપુ હવે આ પક્ષને ગુજરાતમાં જમાવશે, પણ દોઢ જ વર્ષમાં બાપુએ શરદ પવારને ટાટા બાય બાય કરી દીધું છે.

એનસીપી છોડ્યાની સત્તાવાર જાહેરાત કર્યા પછી શંકરસિંહ વાઘેલા ચિત્રલેખા.કોમ સાથેની વાતચીતમાં કહે છે, હમણાં તો લોકોની વચ્ચે જઇને કામ કરીશું. લોકોનો મત જાણીશું અને એ પછી લોકો જે કહે એ પ્રમાણે આગળ વધીશું. ટૂંકમાં, લોકોની વચ્ચે જવાની વાત કહીને બાપુએ સાફ કરી દીધું છે કે એ મેદાન છોડીને જઇ રહયા નથી. એમનો પ્રજાશક્તિ નામનો આ નવો મોરચો હજુ પણ મેદાનમાં રહેવાનો છે જ.

અમુક રાજકીય નિરિક્ષકો માને છે કે બાપુનું રાજકારણ સમાપ્ત થઇ ચૂક્યું છે. બાપુ હવે આ બધું કરીને રાજકારણમાં ટકી રહેવા હવાતિયાં મારે છે. આટલા બધા પક્ષ બદલ્યા પછી બાપુ માટે હવે રાજકારણમાં કોઇ જગ્યા નથી વગેરે વગેરે. પરંતુ શંકરસિંહ વાઘેલાને ઓળખવા માટે એમના રાજકારણને નજીકથી સમજવું પડે. જે વાત સામાન્ય માણસને સમજાય એ વાત બાપુ જેવા જમાનાના ખાધેલ રાજકારણીને ન સમજાય એ વાતમાં માલ નહીં. આટલા બધા પક્ષ બદલ્યા પછી ય આજે બાપુ શું કરશે એના પર ભાજપ અને કોંગ્રેસની નજર હોય છે એ વાત પૂરવાર કરે છે કે, બાપુ જે કાંઇ કરે છે કે પછી કરશે એમાં ભાજપ કે કોંગ્રેસને રાજકીય નફા-નુકસાન હોવાનું જ.

 

એ વાત કબૂલ કે, શંકરસિંહ વાઘેલા જે લોકપ્રિયતા ભાજપમાં હતા ત્યારે કે ભાજપ છોડયું ત્યારે ભોગવતા હતા એટલી આજે નથી ભોગવતા. બાપુની જે માસ અપીલ પહેલા હતી એવી આજે નથી, આમ છતાં ભાજપ કે કોંગ્રેસનો કોઇ નેતા પક્ષના બેનર વિના એકલા હાથે જે ન કરી શકે એ બધું બાપુ એકલા હાથે કરી શકે છે. એક જ ઉદાહરણ કાફી છેઃ લોકડાઉન-કોરોનાના આ સમયગાળામાં અનેક લોકોને હોસ્પિટલમાં દાખલ થવામાં, 104 નંબર પર ફોન કરીને સારવાર મેળવવામાં કે બીજી સરકારી મદદ મેળવવામાં અનેક પ્રકારની મુશ્કેલી પડી હોવાની બાબતો સામે આવી.

લોકો ટ્વિટર અને ફેસબુક જેવા માધ્યમો પર ખુલ્લેઆમ પોતાની હાલાકી મૂકતા અને આમ છતાં સરકારી અધિકારીઓના પેટનું પાણી ય નહોતું હલતું. આવા સંજાગોમાં બાપુએ ટ્વિટર પર લોકોની ફરિયાદ સાંભળીને ખુદ હોસ્પિટલોમાં કે સંબંધિત તંત્ર-અધિકારીને ફોન કરીને મદદ કરવાનું ચાલુ કર્યું. એમના ટ્વિટર હેન્ડલ પર ફરિયાદોનો ધોધ વછૂટ્યો. બાપુ રાતોરાત ટ્વિટર છવાઇ ગયા. જે કામ ભાજપ કે કોંગ્રેસના નેતાઓએ કરવાની જરૂર હતી એ કામ એમણે શરૂ કર્યું. માન્યું કે એમાં રાજકારણ હોય તો પણ, એ કરતાં અને રમતાં બાપુને આવડયું, ભાજપ-કોંગ્રેસના નેતાઓને નહીં.

સવાલ એ છે કે બાપુ હવે શું કરશે? દેખીતી રીતે જ ત્રીજા મોરચાના દોઢ નિષ્ફળ (એક રાજપા વખતે અને બીજો અડધો 2017 ની વિધાનસભા ચૂંટણી વખતે) પ્રયોગ બાપુ પોતે જ કરી ચૂક્યા છે. કેટલાક લોકો કહે છે કે બાપુ એમના દીકરા મહેન્દ્રસિંહને હવે ભાજપમાં પુનઃ સેટ કરવા માગે છે, પણ આવી જ વાત બાપુએ 2017 માં કોંગ્રેસ છોડી ત્યારે પણ કહેવાતી હતી. એ કોંગ્રેસમાં હતા ત્યારે પણ મહેન્દ્રસિંહ કોંગ્રેસમાં ધારાસભ્ય તો હતા જ એટલે ફક્ત એટલા માટે બાપુ ફરીથી આખેઆખો ત્રીજો મોરચો ખોલે એ વાત હજુ અનેકને ગળે ઉતરતી નથી. બાપુ પર એ ક્યારેક ભાજપની બી ટીમ હોવાના આક્ષેપો પણ થયા કરે છે. જો કે, પોતે આ જીવનમાં ક્યારેય ભાજપમાં નહીં જોડાય એવું બાપુ ડંકાની ચોટ પર કહી ચૂક્યા છે.

હકીકત એ છે કે આ સંજોગોમાં બાપુ કઇ રાજકીય ગણતરીઓ માંડી રહયા છે એ કહી શકાય એમ નથી. શંકરસિંહ વાઘેલા આગામી સમયમાં શું કરે છે કે શું કરી શકે છે એ તો સમય જ બતાવશે, પણ એ જે કાંઇ કરશે એના પર બધાની નજર ચોક્કસ હશે. અને બાપુ, એ અર્થમાં બાહોશ રાજકારણી પૂરવાર થયા છે. આટલાં વર્ષો પછી પણ, રાજકીય કારકિર્દીના આ પડાવે પણ ન્યૂઝમા રહેતા એમને આવડે છે.

(કેતન ત્રિવેદી)

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]