થોડા મહિના પહેલાં અટલ બિહારી વાજપેયીને દિલ્હીની પ્રસિદ્ધ એઇમ્સ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. વડાપ્રધાન સહિતના નેતાઓ તેમની ખબર પૂછવા માટે પહોંચ્યા હતા. જોકે થોડી સારવાર પછી તેમને ફરીથી ઘરે જવા રજા આપી દેવાઈ હતી, તેથી દોડભાગ અને હોસ્પિટલમાં થોડો સમય મચેલી હચચલ તરત શાંત પણ થઈ ગઈ હતી. ચેન્નાઇમાં એટલી ઝડપથી હલચલ શાંત નહિ થાય, કેમ કે આ દક્ષિણ ભારત છે અને અહીં નેતાના અનુયાયીઓ અત્યંત લાગણીશીલ બનીને નેતા માટે પોતાની વફાદારીનું પ્રદર્શન કરે છે.વાત થઈ રહી છે તામિલનાડુના દિગ્ગજ નેતા એમ. કે. કરુણાનીધિની. 94 વર્ષના થયેલા કરુણાનીધિને બ્લડ પ્રેશરની તકલીફને કારણે દવાખાને લઈ જવાયા. તેની ખબર મળતા જ લોકો મધરાતે પણ એકઠા થવા લાગ્યા હતા. ટોળું એટલું મોટું થઈ ગયું હતું કે પોલીસને બોલાવવી પડી હતી અને ઠેર ઠેર બંદોબસ્ત ગોઠવી દેવો પડ્યો હતો. તેમના પુત્ર એમ. કે. સ્ટાલીને વારંવાર શાંતિ માટે અપીલ કરવી પડી છે. તેમણે ફરી અપીલ કરી છે કે વોટ્સઅપ ફરતા કોઈ પણ મેસેજને માનવો નહિ. કોઈ અફવાને માનશો નહિ અને તબિયત વિશે સત્તાવાર રીતે જાહેરાત કરવામાં આવશે તેના પર જ આધાર રાખવો.
કરુણાનીધિ પણ લાંબો સમયથી ઉંમરને કારણે વધારે હરફર કરી શકતા નથી. તેમના ઘરે જ સારવાર મળતી રહે તેવી વ્યવસ્થા પણ કરી રાખવામાં આવી છે. ચેન્નઇના ગોપાલપુરમમાં તેમના નિવાસસ્થાને સાંજથી જ કાર્યકરો એકઠા થવા લાગ્યા હતા. તબિયત થોડી વધારે બગડી હોવાથી ડોક્ટરોને બોલાવી લેવાયા હતા. જોકે મધરાતે એવું લાગ્યું કે તબિયત વધારે લથડી છે એટલે સવા વાગ્યે અલવરપેટની હોસ્પિટલ ખાતે કરુણાનીધિને લઈ જવાયા હતા.
કલાઇંગર એટલે કે કલાકાર એવા નામે જાણીતા કરુણાનીધિ હવે ચૂંટણી લડે કે સત્તા સંભાળે તેવી સ્થિતિમાં નથી, પણ તામિલનાડુની ચૂંટણીમાં તેમના નામના સિક્કા પડે છે. તેથી તેઓ પથારીવશ હોય તો પણ તામિલનાડુનું રાજકારણ તેમની ગણતરી કર્યા વિના આગળ વધી શકે નહિ.ભારતના રાજકારણમાં અને ખાસ કરીને દક્ષિણ ભારતના રાજકારણમાં નેતા જીવિત હોય ત્યાં સુધી કોણ વારસદાર તેનો નિર્ણય કરવો મુશ્કેલ હોય છે. જયલલિતા તેના છેલ્લા દિવસોમાં બહુ બિમાર હતા ત્યારે શશીકલાએ તેમનો કબજો છોડ્યો નહોતો. સતત તેમની સાથે રહીને પરદા પાછળથી સત્તા ચલાવતા રહ્યા હતા. શશીકલાની તમન્ના જયલલિતાના વારસદાર થવાની હતી, પણ જયલલિતાના અવસાન સાથે જ સ્થિતિ બદલાઈ ગઈ હતી. શશીકલાને ફેંકી દેવામાં આવી અને પક્ષના બીજા બે જૂથો વચ્ચે જયલલિતાના વારસા માટે લડાઈ ચાલી રહી છે. કેન્દ્ર સરકારના દબાણના કારણે અત્યારે બંને જૂથો સંપીને ચાલી રહ્યા છે. હાલમાં જ અવિશ્વાસની દરખાસ્ત આવી ત્યારે જયલલિતાના પક્ષ એઆઇએડીએમકે પોતાના 37 સાંસદોના મત એનડીએ સરકારને આપ્યા હતા એટલે આંકડો બહુ તંદુરસ્ત 325નો લાગ્યો હતો. તેમાંથી 37 બાદ કરો તો શું થાય તે વિચારો?
તામિલનાડુની 39 બેઠકોમાંથી 37 બેઠકો માત્ર જયલલિતાના પક્ષ પાસે છે. એક બેઠક ભાજપને પણ મળી ગઈ હતી. એક અન્ય પક્ષની હતી તે પણ એનડીએ સાથે જ છે.
તેનો અર્થ એ થયો કે 2019માં જયલલિતાની ગેરહાજરીમાં યુપી પછી આ બેઠકોની સંખ્યામાં કેટલું મોટું ગાબડું પડશે? સામે એ સવાલ પણ ઊભો જ છે કે કરુણાનીધિની ગેરહાજરી જો થઈ જાય તો શું થાય.
જોકે માત્ર તેના કારણે જ કરુણાનીધિને હોસ્પિટલમાં દાખલ કર્યા અને સમગ્ર રાજ્યમાં તંગદિલી વ્યાપી ગઈ એવું નથી. જયલલિતાને હોસ્પિટલમાં લઈ જવાયા ત્યારે પણ હોસ્પિટલ, જયલલિતાના નિવાસસ્થાને અને અન્યત્ર જાહેરસ્થળે પોલીસે સતત પહેરો રાખવો પડ્યો હતો. લોકો પોતાના નેતા માટે લાગણીના ઉભરામાં આવીને જાન આપી દે આજેય દક્ષિણ ભારતમાં નવાઈ લાગે નહિ. જોકે તામિલનાડુ સિવાયના ત્રણ રાજ્યોમાં સ્થિતિ થોડી સુધરવા લાગી છે. થોડી આધુનિકતાની હવા ચાલી છે, પણ તામિલનાડુ હજીય જૂની ઘરેડમાંથી બહાર નીકળી શક્યું નથી.પણ જયલલિતા પછી કરુણાનીધિની ગેરહાજરી થાય તે પછી તામિલનાડુમાં તદ્દન નવી પેઢીના રાજકારણીઓ રહેશે. આ બે નેતાઓના વારસો કોણ સંભાળે છે તેની ચર્ચા વચ્ચે બે ફિલ્મસ્ટારોમાંથી કોણ સફળતા મેળવશે તેની પણ ચર્ચા થશે. કેમ કે રજનીકાંતે જાહેરાત કરી દીધી છે પોતાના રાજકીય પક્ષની. કમલ હાસન પણ પોતાની રાજકીય મહત્તાવાકાંક્ષા જાહેર કરી ચૂક્યા છે. આ બે સ્ટારલોકો કઈ દિશાનું રાજકારણ અપનાવે છે તે અડધુંપડધું સ્પષ્ટ થયું છે. રજનીકાંત ભાજપ તરફ ઢળી રહ્યા છે, જ્યારે કમલ હાસન મૂળ દ્રવિડ રાજકારણ તરફ ઢળી રહ્યા છે. જોકે રજનીકાંતની છેલ્લી ફિલ્મમાં ગોરા અને કાળાના ભેદને એવી રીતે દર્શાવાયો છે કે કાળા એટલે વધારે સારા, જ્યારે ગોરા એટલે ધોળા બદમાશ. તેનો અર્થ એ કે તે પણ તામિલનાડુની મૂળભૂત લાગણીઓને, ઉત્તર ભારતના વર્ચસ્વને, આર્યત્વના પ્રભુત્વને પડકાર આપવાની પ્રજાની લાગણીને અવગણી શકશે નહિ.બીજી બાજુ અલવરપેટની કાવેરી હોસ્પિટલની આસપાસ કાર્યકરોનો જમાવડો થવા લાગ્યો હતો. કાર્યકરોની આંખમાં આંસુઓની ધારાઓ વહેતી જોઈને આપણને નવાઈ લાગી શકે છે, પણ તામિલનાડુમાં રાજકીય નેતાઓ જ આવી રીતને ઉત્તેજન આપે છે. શાંતિ જાળવવાની અપીલ કરતા રહેશે, પણ ટોળાં ભેગાં થતા રહે તેની કોશિશ પણ કરતાં રહેશે. આમ જોકે ટોળાં ભેગા કરવાની જરૂર નથી, આપોઆપ ભેગાં થઈ જાય છે, પણ તેને વિખેરી નાખવાની કોશિશ નહિ થાય.
આ પણ એક જાતનું શક્તિ પ્રદર્શન છે. જયલલિતાની ગેરહાજરીમાં ફરી એકવાર ડીએમકે પોતાની તાકાત દર્શાવવા માગે છે. વારસો એમ. કે. સ્ટાલીનને મળશે કે અઝાગીરીને મળશે તે પછીની વાત છે. ત્રીજી પત્નીની દિકરી કનીમોડી અને કલાનીધિ અને દયાનીધિ મારન-ભત્રીજાઓ પણ રાજકીય વારસાનો ટુકડો લેવા મથશે, પણ અત્યારે કાર્યકરોને સચેત કરી દેવાની તક મળી છે. તે તકનો લાભ લેવામાં આવશે. કરુણાનીધિ હોસ્પિટલમાં હશે ત્યાં સુધી તેની આસપાસ, તેમના નિવાસસ્થાનની આસપાસ, પક્ષના કાર્યાલયની આસપાસ, રાજ્યમાં ઠેરઠેર જાહેર સ્થળે કાર્યકરોએ એકઠા થશે.