હજી ભાજપના પૂર્ણકાલીન પ્રમુખ તેઓ બન્યા નથી, પણ કાર્યકારી પ્રમુખ બન્યા છે. પરંતુ એવું મનાય છે કે કોઈ વિશેષ અવરોધ નહિ આવે તો તેઓ જ છ મહિના પછી કાર્યકારી પ્રમુખમાંથી પૂર્ણકાલીન રાષ્ટ્રીય અધ્યક્ષ બનશે. ભાજપની કારોબારીની બેઠક મળી ત્યારબાદ સોમવારે સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે જાહેરાત કરી કે પક્ષના કાર્યકારી પ્રમુખ તરીકે જે. પી. નડ્ડાની પસંદગી કરવામાં આવી છે. છ મહિના માટે તેમને કાર્યકારી પ્રમુખ બનાવાયા છે, કેમ કે પ્રમુખ અમિત શાહ સરકારમાં ગૃહ પ્રધાન તરીકે જોડાયા છે અને પાંચેક મહિના પછી ત્રણ અગત્યના રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીઓ આવી રહી છે. મહારાષ્ટ્ર, ઝારખંડ અને હરિયાણા ત્રણેયમાં ભાજપની સરકાર ફરી બને તે માટે અમિત શાહની પ્રમુખ તરીકે સેવામાં લેવામાં આવશે તેમ નક્કી લાગતું હતું. પરંતુ એક વ્યક્તિ એક હોદ્દાનો સિદ્ધાંત પક્ષમાં હોવાથી કેવો રસ્તો કાઢવામાં આવશે તે જોવાનું હતું.
ભાજપમાં થોડા સમય માટે અમુક નેતાને પ્રમુખ બનાવાયા હોય તેવું બન્યું છે. 2009ની ચૂંટણી પહેલાં એલ. કે. અડવાણી વચ્ચેથી વધુ એકવાર પ્રમુખ બન્યા હતા. નરેન્દ્ર મોદીનું નામ પક્ષના વડાપ્રધાન પદના દાવેદાર તરીકે નક્કી થયું ત્યારે 2013માં રાજનાથ સિંહે પણ વધુ એકવાર થોડી મુદત માટે પ્રમુખપદ સંભાળ્યું હતું. સિદ્ધાંત અને પક્ષનું બંધારણ બરાબર છે, પણ આ પ્રકારની વ્યવસ્થા સંજોગો પ્રમાણે કરવી પડતી હોય છે. અમિત શાહ સરકારમાં જોડાશે તેવા અણસાર મળવા લાગ્યા હતા, ત્યારથી જ કેટલાક લોકોના નામ ભાજપના પ્રમુખ તરીકે લેવાના લાગ્યા હતા. તેમાં જે. પી. નડ્ડાનું નામ સૌથી આગળ હતું. નડ્ડાનું વતનનું રાજ્ય હિમાચલ પ્રદેશ છે, પણ તેમની કારકિર્દીની શરૂઆત બિહારમાંથી થઈ હતી.
ભાજપના ઘણા નેતાઓ નાના પદેથી આગળ આવ્યા છે, તેમાં વધુ એક નામ તેમનું પણ ઉમેરાશે. નડ્ડાએ પણ વિદ્યાર્થી નેતા તરીકે શરૂઆત કરી હતી અને બાદમાં 31 વર્ષે ભાજપ યુવા મોરચાના પ્રમુખ બન્યા હતા. હિમાચલ પ્રદેશમાં તેઓ બે મુદત માટે પ્રધાન પણ રહી ચૂક્યા છે. નીતિન ગડકરી પ્રમુખ બન્યા ત્યારે તેમણે નડ્ડાને મહામંત્રી બનાવ્યા હતા. હિમાચલ પ્રદેશમાં મુખ્ય પ્રધાનપદના તેઓ દાવેદાર હતા, પણ ધુમલની પસંદગી થઈ તેથી તેઓ રાષ્ટ્રીય રાજકારણ તરફ આગળ વધ્યા હતા. સંગઠનમાં મહામંત્રી તરીકે તેમની સારી કામગીરી પછી 2014માં જ તેઓ પ્રમુખ બનશે તેમ લાગતું હતું. મોદી સાથે સારી રીતે કામ કરી શકાય તે માટે રાજનાથ સિંહને પ્રમુખ બનાવાયા હતા. પરંતુ 2014માં ભાજપને સત્તા મળી તે પછી રાજનાથ સિંહે સરકારમાં જવાનું પસંદ કર્યું હતું. તે વખતે રાજનાથ સિંહના અનુગામી તરીકે નડ્ડા આવશે તેમ લાગતું હતું, પણ તેની જગ્યાએ અમિત શાહની પસંદગી થઈ હતી.
અમિત શાહની પસંદગી બે કારણસર થઈ હતી. 2014માં યુપીએ-2ની અલોકપ્રિયતાને કારણે સરકાર બની તેથી રાજનાથ સિંહને નંબર ટુનું સ્થાન સરકારમાં મળ્યું. બીજું ઉત્તર પ્રદેશમાં 71 બેઠકો ભાજપને મળી તેનો જશ અમિત શાહને મળ્યો હતો. તેથી હવે ઉત્તર પ્રદેશ રાજ્ય અને બીજા રાજ્યોમાં પણ ભાજપને સત્તા પર લાવવા માટે તેમને પ્રમુખ તરીકે પસંદ કરાયા હતા. હિમાચલમાં પ્રધાન તરીકેનો અનુભવ લીધા ઉપરાંત મોદી-1માં પણ નડ્ડાએ પ્રધાન તરીકેનો અનુભવ લીધો. આ વખતે તેઓ પ્રધાન ના બન્યા ત્યારે જ અણસાર આવ્યો હતો કે તેમને સંગઠનમાં મહત્ત્વની જવાબદારી સોંપાશે. કેન્દ્રમાં પ્રધાન બનવા સાથે તેમને ભાજપ સંસદીય સમિતિમાં તથા પક્ષની કેન્દ્રીય ચૂંટણી સમિતિમાં પણ સ્થાન મળ્યું હતું. કેન્દ્રીય ચૂંટણી સમિતિ જ જુદાં જુદાં રાજ્યોમાં ચૂંટણી વખતે ઉમેદવારની પસંદગીથી માંડીને અગત્યના નિર્ણયો લેતી હોય છે. તે રીતે તેઓ સરકારમાં ઉપરાંત સંગઠનમાં પણ કામ કરતા રહ્યા હતા.
2019ની ચૂંટણીમાં અમિત શાહ સમગ્ર દેશમાં અને વિશેષ કરીને પશ્ચિમ બંગાળ અને ઓડિશામાં સક્રિય હતા, ત્યારે જે. પી. નડ્ડા ઉત્તર પ્રદેશ પર ધ્યાન આપી રહ્યા હતા. એસપી-બીએસપીના ગઠબંધન છતાં યુપીમાં ભાજપ સ્થિતિ સંભાળી શક્યો એટલે વધુ એકવાર નડ્ડાનું નામ મજબૂત થયું. તેમના પિતા પટણા યુનિવર્સિટીમાં વાઇસ ચાન્સેલર હતા એટલે પ્રારંભિક ભણતર તેમનું બિહારમાં જ થયું હતું. આરએસએસની શાખાઓમાં ઘડાવા સાથે યુવાનવયે તેમણે પટણા યુનિવર્સિટીમાં વિદ્યાર્થી નેતા તરીકે શુભ શરૂઆત કરી દીધી હતી. 1977માં એબીવીપીમાં સારી કામગીરી પછી તેમને યુવા મોરચામાં સ્થાન મળ્યું અને તેના અધ્યક્ષ પણ બન્યા.
તેની આગળની રાજકીય કારકિર્દી માટે જોકે તેમણે વતન હિમાચલ ભણી નજર માંડી હતી. ઉચ્ચ અભ્યાસ માટે તેઓ હિમાચલ યુનિવર્સિટીમાં ગયા હતા. આજે હિમાચલ યુનિ.માં જ તેમના પત્ની મલ્લિકા નડ્ડા પ્રોફેસર તરીકે કામ કરે છે. કાનૂનની ડિગ્રી લેવા સાથે તેઓ અહીં પણ એબીવીપીમાં સક્રિય રહ્યા હતા. હિમાચલ પ્રદેશ યુનિવર્સિટીમાં પ્રથમવાર 1984માં એબીવીપીને સફળતા મળી અને તેમને એબીવીપીના પ્રમુખ બનાવાયા હતા. રાષ્ટ્રીય કક્ષાએ એબીવીપીમાં 1986થી 1989 સુધી મહામંત્રી પણ રહ્યા. 1991માં ભાજપ યુવા મોરચાના પ્રમુખ પણ બન્યા. 1993માં તેઓ પ્રથમવાર બિલાસપુરમાંથી ચૂંટણી લડ્યા અને ધારાસભ્ય બન્યા. તેમના નસીબજોગે તે વખતે ભાજપવિરોધી હવામાન ઊભું થયું હતું અને મોટા ભાગના મહત્ત્વના નેતાઓ હારી ગયા હતા. તેના કારણે પ્રથમવાર ધારાસભ્ય બનવા સાથે જ તેમને વિપક્ષના નેતા બનવાની તક પણ મળી ગઈ હતી. 1998માં ફરી જીત્યા અને પ્રેમ કુમાર ધુમલની સરકારમાં તેમને આરોગ્ય મંત્રાલય મળ્યું. વચ્ચે 2003માં એક વાર હારી ગયા, પણ 2008ની ચૂંટણીમાં ફરી જીત્યા અને ફરી ધુમલની સરકારમાં પ્રધાન બન્યા.
જોકે હવે તેમની મહત્ત્વાકાંક્ષાઓ વધી હતી અને ધુમલ સાથે ઘર્ષણ વધી રહ્યું હતું. જૂથબંધી રોકવા માટે નીતિન ગડકરી તેમને 2010માં મહામંત્રી તરીકે દિલ્હી લઈ આવ્યા અને ત્યારથી તેમનું રાષ્ટ્રીય કક્ષાએ સંગઠનમાં કદ વધવા લાગ્યું. દિલ્હીમાં રહીને પણ હિમાચલના રાજકારણમાં તેમની દખલ ચાલતી રહી હતી. 2014માં ધુમલના પુત્ર અનુરાગ ઠાકર પણ સાંસદ તરીકે જીતીને આવ્યા હતા. તેઓ ત્રીજી વાર સાંસદ બનીને આવ્યા હતા એટલે હિમાચલમાંથી તેમનું પ્રતિનિધિત્વ હશે તેવી ધારણા હતી. પરંતુ મોદી અને શાહ સાથે સારા સંબંધો કેળવી ચૂકેલા નડ્ડાએ અનુરાગ ઠાકુરને પ્રધાન થવા દીધા નહોતા. તેના બદલે હિમાચલમાંથી રાજ્યસભામાં સભ્ય બનેલા નડ્ડાને જ મોદી સરકારમાં આરોગ્ય પ્રધાન બનાવાયા હતા.
2017ની ચૂંટણીમાં હિમાચલમાં ભારે ખેલ થયો. ભાજપ જીતી ગયો, પણ પ્રેમ કુમાર ધુમલ પોતે સુજનપુરમાંથી ચૂંટણી હારી ગયા. એવું કહેવાય છે કે નડ્ડાએ જ મોદી અને શાહ પરની વગનો ઉપયોગ કરીને તેમને આ બેઠક પરથી ઊભા રખાવ્યા હતા. ધુમલને ફરી એકવાર મુખ્યપ્રધાન બનાવાશે તેની જાહેરાત પણ કરાઈ હતી, આમ છતાં ધુમલ હારી ગયા.
જોકે ધુમલ હારી જાય અને પોતે મુખ્ય પ્રધાન બની શકે તેવું નડ્ડાનું સપનું પૂરું થયું નહિ, કેમ કે કોંગ્રેસના હારી ગયેલા વીરભદ્રસિંહ સામે ભાજપ કોઈ રાજપૂતને મુખ્યપ્રધાન બનાવવા માગતા હતા. નડ્ડાએ ફરી પોતાની વગ દેખાડી અને તેમની પસંદગીના જયરામ ઠાકુરને સીએમની ખુરશી મળી. એ રીતે હિમાચલમાં હજીય તેમની વગ ચાલે છે અને ઉત્તર પ્રદેશના પ્રભારી તરીકે પણ તેમનું મહત્ત્વ છે. તેના કારણે આખરે તેમને પ્રમુખ તરીકે પસંદ કરાશે તેમાં નવાઈ લાગવી જોઈએ નહિ. આ વખતે જોકે તેઓ અનુરાગ ઠાકુરને કેન્દ્રમાં પ્રધાન બનતા રોકી શક્યા નથી. હિમાચલમાં બેલેન્સ કરવા માટે આખરે અનુરાગ ઠાકુરને પ્રધાન બનાવાયા, પણ નડ્ડા હવે વધુ શક્તિશાળી તરીકે સંગઠનમાં આગળ વધી રહ્યા છે.