10 માંથી 10 માર્કઃ માર્કેટ માટે પોઝિટિવ
નાણાપ્રધાન નિર્મલા સીતારમણે બજેટમાં નાણાકીય શિસ્ત, કલ્યાણલક્ષી અને વિકાસતરફી દરખાસ્તો જાહેર કરીને નાણાકીય વર્ષ 2025 માટેની “વિનિંગ ફોર્મ્યુલા” રજૂ કરી છે. ભારત હજી પણ ગરીબ દેશ છે અને કોઈ વિકાસશીલ દેશ તેની અસમાનતાઓ પ્રતિ ધ્યાન આપ્યા વિના અને મજબૂત સામાજિક સલામતી વ્યવસ્થા વિના વિકસિત બન્યો નથી. નાણાપ્રધાને જાહેર કરેલાં લોકકલ્યાણનાં પગલાં આવકાર્ય છે. નાણાકીય ખાધ 5.1 ટકા સુધી ઘટાડવાનો અને નવા નાણાકીય વર્ષ માટે ઋણ લેવાના નક્કી કરાયેલા નીચા લક્ષ્યાંકો પણ આવકારદાયક છે, કેમ કે એને પગલે ખાનગી ક્ષેત્રને વધુ સંસાધનો ઉપલબ્ધ થશે.
ફુલ માર્કસ
હું આ વચગાળાના બજેટને 10/10 માર્ક્સ આપું છું. આમાં આર્થિક નીતિઓ ચાલુ રાખવાનું સુનિશ્ચિત કરાયું છે. હાર્ડ તેમજ સોફ્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર વધુ ખર્ચ કરીને ક્ષમતા નિર્માણ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે, જેના પગલે સતત રોજગારી ઊભી થઈ રહી છે. બજેટમાં ગરીબો, ખેડૂતો, મહિલાઓ અને યુવાનો માટે પૂરતા પ્રમાણમાં જોગવાઈ કરવામાં આવી છે, જે એકંદરે આર્થિક વૃદ્ધિ માટે સારો સંકેત આપે છે અને તેના લીધે આપણે અનિશ્ચિતતાઓથી ભરેલા વિશ્વમાં સારી સ્થિતિમાં રહીએ છીએ. રાજકોષીય કન્સોલિડેશન સતત કેન્દ્રસ્થાને રહ્યું છે. નાણાંકીય વર્ષ 2024-25 માટે રાજકોષીય ખાધ ઘટીને 5.1% રહેવાનો અંદાજ મુકાયો છે, જે અપેક્ષા કરતા વધુ સારી છે અને સરકાર વર્ષ 2025-26 સુધીમાં 4.5% કરતાં ઓછી રાખવાના લક્ષ્ય અંગે પ્રતિબદ્ધતા દર્શાવે છે.
પીએસયુ સસ્તામાં ન વેચવાનો વ્યુહ
૨૦૨૪ના વચગાળાના કેન્દ્રીય બજેટમાં ડિસ્ઈન્વેસ્ટમેન્ટનો નીચો લક્ષ્યાંક રખાયો છે. ડિસ્ઈન્વેસ્ટમેન્ટનો લક્ષ્યાંક રૂ.50,000 કરોડનો નક્કી કરવામાં આવ્યો છે તે સૂચવે છે કે સરકારે તેના વ્યૂહમાં ફેરફાર કર્યો છે. એવું લાગે છે કે સરકાર જાહેર સાહસોનું સસ્તામાં વેચાણ કરવા માગતી નથી. બલકે યોગ્ય કિંમતે વેચાણ કરવા માગે છે. આપણે તાજેતરના ભૂતકાળમાં જોયું છે કે ડિસ્ઈવેસ્ટમેન્ટની સાથે સાથે સરકાર જાહેર સાહસોની કામગીરી મજબૂત કરવા માગે છે. સરકાર ઈચ્છે કે સસ્તામાં વેચાણ કરવાને બદલે વાજબી સમય ગાળામાં પબ્લિક સેક્ટર યુનિટ્સના ડિસ્ઈન્વેસ્ટમેન્ટની પ્રક્રિયામાં શ્રેષ્ઠ કિંમત પ્રાપ્ત થઈ શકે છે.
અગાઉની સરકારો ડિસ્ઈવેસ્ટમેન્ટ લક્ષ્યાંક માટે બજેટમાં સંસાધનોની દૃશ્યતાના અભાવે “ગોઠવણો” કરતી હતી, જ્યારે વર્તમાન સરકારના અંદાજો વધુ વાસ્તવિક છે.
નાણાકીય ખાધ (ફિસ્કલ ડેફિસિટ) જીડીપીના 5.1 ટકા સુધી સીમિત રાખવાના પગલા સહિત જો બજેટ રોકાણકારતરફી છે તો શા માટે બજારો ફ્લેટ છે? સરકાર એક દસકાની તેની સિદ્ધિઓ વિશે બધાને જણાવી રહી છે અને મોટા ભાગની ઘોષણાઓ પૂરી કરવામાં આવી છે. એ ઉપરાંત વ્યાજદરમાં ઘટાડો કરવા અંગે કશો ફોડ પાડવામાં આવ્યો નથી એટલે વિદેશી રોકાણકારો દૂર રહ્યા છે.
કેપિટલ ખર્ચમાં વૃધ્ધિ
કેપિટલ ખર્ચ 16.9% વધીને રૂ. 11.11 લાખ કરોડની વિક્રમી ઊંચી સપાટીએ પહોંચ્યો છે, જે જીડીપીના 3.4% જેટલો છે અને 26 વર્ષમાં સૌથી વધુ છે અને તેમાં રસ્તાઓ, પરિવહન અને રેલવે પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. આ છેલ્લા પાંચ વર્ષના સમયગાળામાં 27%નો કમ્પાઉન્ડિંગ ગ્રોથ સૂચવે છે. ખર્ચની ગુણવત્તામાં પણ સુધારો થયો છે. મૂડી ખર્ચ હવે કુલ ખર્ચના 23.3% જેટલો છે જે 30 વર્ષમાં સૌથી વધુ છે. એકંદરે, આ બજારો માટે સકારાત્મક બજેટ છે, જેમાં વૃદ્ધિ, સમજદારી અને પારદર્શિતા પર સતત ધ્યાન આપવામાં આવ્યું છે.
આશિષકુમાર ચૌહાણ,
(નેશનલ સ્ટોક એક્સચેન્જ, એમડી અને સીઈઓ)