ભારતીય જનતા પક્ષને આવી નાની નાની ચાલકીઓ બહુ આવડે છે. છેલ્લા છ વર્ષનો સૌથી નીચેનો જીડીપી વિકાસ દર આવ્યો. માત્ર પાંચ ટકા જ વિકાસ દર આવશે તેની સરકારને જાણ હોય. તેથી બરાબર એ જ દિવસે નાણાં પ્રધાને પણ મોટી જાહેરાત કરી દીધી. તેમણે જાહેરાત કરી દીધી કે જુદી જુદી બેન્કોને એક સાથે જોડીને ચાર મર્જર કરવામાં આવશે. આ પણ મોટી જાહેરાત હતી. બેન્કોની મર્જર થાય તેમાં કેટલાક ફાયદા પણ છે. તેથી આ નિર્ણયને મોટા ભાગે આવકાર પણ મળવાનો હતો તેની ભાજપ સરકારને ખબર હતી. બીજી બાજુ વિકાસ દર ગયા વર્ષના આઠ ટકાથી ઘટીને પાંચ ટકા નીચે આવી જાય તેનો ભારે ઉહાપોહ થવાનો. વેપારઉદ્યોગ તો છેલ્લા કેટલાય સમયથી રાડ પાડી ગયા છે કે ધંધા પડી ભાંગ્યા છે. બૂમરાણ ના પડે તે માટે બેન્કોના મર્જરની પેઇન કિલર આપવામાં આવી છે.
પેઇન કિલર થોડો સમય દુખાવાને દબાવી છે. તે દર્દનો ઇલાજ કરતી નથી. ભાજપ આવી ચાલાકી કરવામાં માહેર છે. વાતને આડે પાડે ચડાવી દેવાનું તેના લોહીમાં છે. પણ આવી ચાલાકી ક્યાં સુધી ચાલશે? તમે ભૂલો છો, આવી ચાલાકી યુગો સુધી ચાલી શકે છે. ભારતમાં ચાલી જ છે. ગરીબો એટલા માટે ગરીબ છે કે તેમને ગયા ભવના કર્મથી ગરીબ ઘરમાં જન્મ મળ્યો છે. હવે અમીરોની સેવા કરો અને સદકર્મ કરો. કર્મનું ફળ આવતા ભવે મળશે અને આવતા ભવે સુખી થશો. આ ચાલાકી યુગોથી ચાલતી રહી છે.
હવે જોવાનું એ છે કે આર્થિક મોરચે મળેલી તદ્દન નિષ્ફળતાને ભાજપ ક્યાં સુધી ઢાંકીને રાખી શકે છે. એ વાત પણ યાદ રાખવા જેવી છે કે આર્થિક મોરચાની સાથે બીજા મોરચા પણ એટલા જ અગત્યના છે. લોકો યુગો સુધી કર્મના ગરીબી અને શોષણ કરી લેવાના હોય તો રાષ્ટ્રીય સુરક્ષાના નામે આર્થિક મંદી પણ બે-પાંચ ચૂંટણી સુધી સહન કરી શકે છે. વિપક્ષ અહીં માર ખાઈ રહ્યો છે અને તેના કારણે જ ભાજપની ચાલાકી અત્યારે તો ચાલી રહી છે. કોંગ્રેસને પણ આવી ચાલાકી ફળી હતી. આઝાદી પહેલાંથી મજબૂત સંગઠન અને દેશને આઝાદ કર્યા પછી દોડતો કરવાની ખેવના સાથે વારંવાર તેને સત્તા મળી હતી. લોકો કહેતા હતા કે અત્યારે ભલે ગરીબી અને અભાવ હોય, દેશનું ભવિષ્ય ઉજળું છે. પણ સત્તા કોંગ્રેસને જ આપવી જેથી મક્કમ ગતિએ દેશ આગળ વધતો રહે.
પ્રથમ બે દાયકા બાદ દેશ ખોડંગાવા લાગ્યો હતો, પણ પ્રજા તોય શાસન તો કોંગ્રેસ જ કરી શકે, વિપક્ષો માત્ર વિરોધ કરી શકે એમ માનતી રહી છે. કોંગ્રેસને પણ એમ હતું કે વિપક્ષની શાસનની અણઆવડત તેને પાંચ વર્ષ પછી સત્તામાંથી આપોઆપ દૂર કરશે. આપણે કશું કરવાની જરૂર નથી. સત્તા ગુમાવ્યા પછીના પોણા પાંચ વર્ષ કોંગ્રેસના નેતાઓ, રાહ જોવા સિવાય, ખાસ કશું કરતા નહોતા. પણ એકન એક ચાલાકી લાંબી ચાલતી નથી. કોંગ્રેસના જ કેટલાક નેતાઓને લાગ્યું કે આ નહિ ચાલે. તેથી છુટ્ટા પડીને પ્રાદેશિક પક્ષો બનાવ્યા અને કોંગ્રેસ હારતી રહી.
આપડે આડી વાતે ચડી ગયા. ભાજપ માટે ગુજરાત લેબોરેટરી છે. ગુજરાતમાં આ બધા પ્રયોગો થતા રહ્યા છે. બનાસકાંઠામાં પૂર આવે અને કોંગ્રેસી ધારાસભ્યો હોર્સટ્રેડિંગથી બચવા બહાર હોય તો જાહેર કરી દેવાનું કે પૂર આવ્યું છે તે પણ નેતા દેખાતા નથી. અરે, બનાસકાંઠામાં પૂર આવ્યું હોય તો ત્યાં કામગીરી કરવાની જવાબદારી સરકારની છે. આઘાતની વાત એ હતી કે આવો હાડોહાડ ભ્રમ ફેલાવાયો હતો અને પ્રજાએ સ્વીકાર્યો પણ હતો.
ફરી આડી વાતે ચડી ગયા. મૂળ વાત એ છે કે જીડીપીનો નીચો દર અને બેન્કોનું મર્જર બંને એકબીજા સાથે જોડાયેલી બાબતો નથી. બેન્કોનું મર્જર કરવાની વાત સારી છે. તેની પ્રક્રિયા ઘણા સમયથી ચાલતી હતી. પ્રથમ એસબીઆઈ સાથે સ્ટેટ બેન્કોનું મર્જર થયું હતું. તે પ્રક્રિયા થોડી લાંબી ચાલી હતી. ત્યાર બાદ બેન્ક ઑફ બરોડા સાથે બે બેન્કો દેના બેન્ક અને વિજયા બેન્કને ભેળવી દેવામાં આવી હતી. તેથી હવે ઝડપ કરવી જરૂરી હતી. એક એક મર્જર કરવાના બદલે એક સાથે મર્જરની જાહેરાત કરવાની જરૂર હતી. તેથી જ એક સાથે ચાર મોટા મર્જર જાહેર કરીને જાહેર ક્ષેત્રની બેન્કોની સંખ્યા 27માંથી 12 કરવામાં આવી છે. ભવિષ્યમાં હજી એક કે બે મર્જર કરીને એશિયા કે દુનિયાની સૌથી મોટી બેન્કોમાંની એક બેન્ક બની શકે છે.
બેન્કિંગના કામકાજમાં ટેક્નોલૉજી એટલે કે આઈટીનો સૌથી મોટો ફાયદો થયો છે. શાખામાં ભીડ કર્યા વિના લોકોને બેન્કિંગ સેવા આપી શકાય છે. તે દિશામાં હજી વધારે કાર્યદક્ષતા લાવવાની રહેશે. અત્યારે તો રોજગારીની સમસ્યા વિકરાળ છે એટલે સરકારે સ્પષ્ટતા કરવી પડે છે કે બેન્કોના મર્જરથી કોઈની છટણી નહિ થાય. ઉલટાનો ભેગી થયેલી બેન્કોમાં જે બેન્કના પગારો સૌથી ઓછા હશે, તેના કર્મચારીના પગારો વધી જવાના છે. ટૂંકા ગાળે ઉલટાનો બેન્કોનો ખર્ચ વધશે. પણ લાંબા ગાળે ખર્ચ ઘટાડવા પ્રયાસો થઈ શકે. નજીક નજીક આવેલી શાખાઓ બંધ કરીને અન્યત્ર શાખાઓ ખોલાશે. તે ફેરફારો પણ પ્રારંભમાં ખર્ચાળ રહે, પણ નવા કર્મચારીઓની ભરતી કર્યા વિના વધુ બ્રાન્ચ ખોલી શકાશે. તેના કરતાંય બેન્કોએ પોતે પહેલ કરીને લોકોને વધારેમાં વધારે ડિજીટલ પેમેન્ટ તરફ વાળવા જોઈએ. સરકારને એ કામ કરતાં આવડતું નથી. નોટબંધી કરીને સરકારે માહોલ બગાડી નાખ્યો. લોકોને પોતાની બેન્કમાંથી જ પોતાના પૈસા મળતા નહોતા, એટલે હવે લોકો વધારે રોકડ રકમ ઘરમાં સાચવીને રાખવા લાગ્યા છે. આ સરકારનો ભરોસો નહિ!
ગ્રાહક સેવા અને ગ્રાહક અધિકારના યુગમાં ઘણીવાર બેન્કો નાના નાના ચાર્જ લે છે તેનો વિરોધ થાય છે. મને લાગે છે કે બેન્કોને નાના નાના ચાર્જ લેવાની છૂટ આપવી જોઈએ, પણ સેવા બરાબર આપે તે માટેની કાળજી લેવી જોઈએ. દાખલા તરીકે ચેક, પાસબૂક, સ્ટેટમેન્ટ પ્રિન્ટિંગ વગેરે માટે એક કે બે રૂપિયા જેવો ચાર્જ લેવો જોઈએ. એટીએમ ઘરની સાવ નજીક હોવાથી લોકો પાંચસો અને હજાર રૂપિયાનો ઉપાડ કરતા રહે છે. થોડી ગણતરી રાખીને ત્રણથી પાંચ હજાર ઉપાડવામાં આવે તો એક ધક્કે આખા અઠવાડિયાનું કામ થઈ જાય. એટીએમ પણ ઓછા થવા લાગ્યા છે. ઓછા થવા પણ જોઈએ, કેમ કે ભારતમાં તે બહુ ખર્ચાળ છે. ત્યાં બે પાળીના ચોકિદાર રાખવા પડે છે. વિદેશની જેમ તેને રેઢા મૂકી શકાતા નથી. એટીએમના બદલે ડિજીટલ પેમેન્ટ સિક્યોર બને તે માટેના હજી વધારે પગલાં લેવા જરૂરી છે. હજીય ઓનલાઇન ફ્રોડ થવાની બીક રહે છે. બીક થોડી ઓછી થાય અને નાના નાના ટ્રાન્ઝેક્શન પકડીને વેરા અધિકારીઓ હેરાનગતિ નહિ કરે તેની ખાતરી સરકારે આપવી પડે. ગ્રાહક સામેથી તે દિશામાં વળશે તો બેન્કિંગ હજીય વધારે સસ્તુ અને સુલભ બનશે, તેનો ફાયદો ગ્રાહક, બેન્ક, સરકાર અને અર્થતંત્ર ચારેયને થશે.
અને હા, આ બધી બાબતોમાં એક નવું જોખમ ઊભું થયું છે. નાણાં પ્રધાને કહ્યું કે એક રિસ્ક ઓફિસરની નિમણૂક થશે. તેની નિમણૂક બહારથી પણ થઈ શકે. ખાનગી કંપનીઓ નિષ્ણાતને રાખે તે રીતે આવા ઓફિસર રખાશે. આ ઓફિસર જ લોન આપવી કે ના આપવી તેનો વીટો ધરાવશે. આ બાબત જોખમી સાબિત થઈ શકે? બેન્કો બહારથી નિષ્ણાતોની ભરતી કરશે, પણ ભરતી થનારા લોકો કોણ હશે? ઓન પેપર, ડિગ્રીઓ પ્રમાણે અને કોર્પોરેટ સેક્ટરમાં અનુભવ પર માણસ લાયક લાગશે, પણ તેની પાછળ લાગવગ કોની હશે? કયા જૂથ અને પક્ષના ટેકેદારો નિષ્ણાતો રૂપે બેન્કિંગમાં ઘૂસી જશે? લોન આપવાનો વીટો તેમના હાથમાં હશે… તો પછી કોંગ્રેસ સરકારની જેમ પ્રધાનોએ બેન્કોને ફોન કરવાની પણ જરૂર નહિ પડે, પોતાનો માણસ જ બેન્કમાં બેઠો હશે એટલે…