નકામો સાબિત થયો છે પક્ષાંતર વિરોધી કાયદો

પ્રજાના પ્રતિનિધિ તરીકે એક નેતા જીતે છે ત્યારે તેની પ્રથમ જવાબદારી પ્રજા માટેની જ હોવી જોઈએ. વફાદારી પણ પ્રજા અને મતદારો સાથેની હોવી જોઈએ. પરંતુ જીત્યા પછી નેતાઓ વધારે વફાદારી પોતાના સ્વાર્થ માટે દાખવે છે. પક્ષ સાથેની વફાદારી તેના કરતાંય વધારે હોય છે. પોતાની પસંદ પ્રમાણે નહિ, પણ રાજકીય પક્ષની પસંદગી પ્રમાણે નેતાએ ચાલવું પડે છે. લોકશાહીમાં આ કેટલું યોગ્ય તે વિચારવા જેવું છે. રાજકીય પક્ષને માન્યતા મળે છે અને સત્તા મળે છે તે રાજકીય પક્ષના નામે મળે છે. ગૃહમાં હાજર સભ્યોમાંથી બહુમતીની પસંદગીના નેતાને સત્તા મળતી નથી.

લોકશાહી પ્રથાની ઘણી ખામીઓમાં આ પણ એક ખામી છે. પ્રજા પાસે બીજો વિકલ્પ પણ નથી. રાજાશાહી અને તાનાશાહી અને સામ્યવાદશાહી ના જોતી હોય તો ખામી સાથેની લોકશાહી સ્વીકારવી રહી. વધારે ઉદાર થઈને એવું વિચારી શકાય કે ઘરમાં પણ સૌને મર્યાદિત સ્વાયત્તતા હોય છે. સૌ ફાવે તેમ ના રહી શકે. ઘરના વડીલ કે વાલી નક્કી કરે તેમ થાય. તેમાંય કચવાટ થતો હોય છે, ત્યારે રાજકારણમાં કચવાટ, કંકાસ, કકળાટ અને કાળાધોળા ના થાય તો જ નવાઈ.

રાજકીય પક્ષના ચિહ્ન પર જીતીને આવ્યા પછી ધારાસભ્યો અને સાંસદસભ્યો પાટલીઓ બદલી નાખતા હતા. સરકારો અસ્થિર બનતી હતી. ધમકીઓને કારણે જમ્બો કદનું પ્રધાનમંડળ બનાવવું પડતું હતું. પક્ષના મોવડીઓને લાગ્યું કે આ સ્થિતિમાં તેમના માટે કરવું મુશ્કેલ છે ત્યારે આખરે એકમત થઈને પક્ષાંતર વિરોધી કાયદો વધારે મજબૂત બનાવ્યો, પ્રધાનમંડળની સંખ્યા 15 ટકાથી વધારે ના હોય તેવો નિયમ પણ કર્યો.

હવે જોવાનું એ રહે છે કે પક્ષપલટાનો કાયદો હોવા છતાં તેની ઐસીતૈસી કરીને ધારાસભ્યો અને સાંસદસભ્યોની ખરીદી થાય છે તેનાથી પક્ષના મોવડીઓ ક્યારે કંટાળે છે. અત્યારે સત્તામાં બેઠેલા ભાજપના મોવડીઓ તો રાજીના રેડ છે, કેમ કે વિપક્ષી જૂથમાં ધનાધન તોડફોડ થઈ રહી છે. આંધ્રના રાજ્યસભાના ચાર સભ્યો આવી ગયા, ગોવામાં દસ ધારાસભ્યો આવી ગયા, કર્ણાટકમાં 15 આવવાની તૈયારીમાં છે અને તે પછી મધ્ય પ્રદેશનો વારો છે. દરમિયાન મહારાષ્ટ્રમાં વિપક્ષના કોંગ્રેસના નેતા પોતે જ ભાજપમાં જોડાઈ ગયા તેવી એકલદોકલ ઘટનાઓ તો રોજે રોજ ચાલ્યા કરે છે. ગુજરાતમાં બે કોંગ્રેસીઓ પણ જોડાવાની તૈયારીમાં જ છે.

પ્રથમ વાત એ કે ચૂંટાયેલો પ્રતિનિધિ પોતે પણ મુક્ત હોવો જોઈએ. ધારાસભ્ય અને સાંસદ પોતાના પક્ષનો ગુલામ બનીને રહે તે કંઈ વાજબી વાત નથી. અભિપ્રાય વ્યક્ત કરવાથી માંડીને પક્ષની નીતિ, પક્ષના કાર્યક્રમોનો વિરોધ કરવાની મોકળાશ ચૂંટાયેલા પ્રતિનિધિઓને હોવી જોઈએ. આજે છે નહિ. આજે સરકાર નક્કી કરે કે પ્રચારમાં ફાયદો થાય તેવી રીતે ઘરે ઘરે નળની યોજના લાવવી. કોઈ સભ્યને લાગે કે પ્રથમ ગામેગામ તળાવો બનાવવા જોઈએ, ભૂતળને રિચાર્જ કરવા જોઈએ, લોકોને જળસંગ્રહ માટે ટાંકા બનાવવા પ્રોત્સાહન આપવું જોઈએ અને નળ નાખવાનું કામ સ્થાનિક પંચાયતો પર છોડી દેવું જોઈએ. પરંતુ કોઈ ચૂંટાયેલો પ્રતિનિધિ આવું બોલી શકશે નહિ.

બીજી બાજુ મોકળાશના નામે ચૂંટાયેલા પ્રતિનિધિઓ મોવડીઓને બ્લેકમેઇલ કર્યા કરે, પ્રધાન નહિ બનાવો તો પક્ષ છોડીને સામા પક્ષે જતો રહિશ તેવી દાદાગીરી કરે તે વધારે ચિંતાજનક છે. આખરે સંતુલન જાળવવાની વાત છે. સભ્યો પાસે મોકળાશ હોય, પણ તેમણે જે વફાદારીના સોગંદ લીધા હોય તે પાળ્યા સિવાય છુટકો ના હોવો જોઈએ. જે પક્ષના નામે, કાર્યક્રમને આધારે જીત્યા હોય તે પક્ષને છોડીને તરત જ પેટાચૂંટણીમાં ફરીથી જીતીને, સામા પક્ષની સરકારમાં પ્રધાન બની જવાની વાત ચલાવી લેવાય નહિ. ગુજરાતમાં કોંગ્રેસના બે નેતાઓ રાતોરાત ભાજપમાં જઈને પ્રધાન બની ગયા. નિયમોની છટકબારીનો લાભ લેવાની અને પ્રજાનો તથા પોતાના પક્ષનો દ્રોહ કરવાની વાત આ છે.

તેથી જ પક્ષાંતર ધારા પર નવેસરથી વિચાર કરવો જરૂરી છે, પણ હાલમાં તે થાય તેમ લાગતું નથી. ભાજપે નીતિ અપનાવી છે કે વિપક્ષને માત્ર નામનો રહેવા દેવો. મજબૂત નેતા જે પક્ષમાંથી મળતા હોય ત્યાંથી લઈ લેવા. ચૂંટણીઓ થયા કરશે, પણ વિપક્ષ એટલો નબળો હશે કે સત્તા જવાની ચિંતા રહેશે નહિ. વિપક્ષમાં ચૂંટણી લડે તેવા નેતાઓ વધશે, પણ જીતી શકે તેવા નેતાઓ વધશે નહિ. ગુજરાત 26માંથી 26, રાજસ્થાન 25માંથી 25, મધ્યપ્રદેશ 29માંથી 28, દિલ્હી 7માંથી 7 આ આંકડાં ખુશ થવા જેવા નથી.

કર્ણાટકમાં શું થશે તેની આગલી મુદત મંગળવારે પડી છે. મંગળવાર સુધી સ્ટેટસ કો જાળવવા સુપ્રીમ કોર્ટે કહ્યું છે. મંગળવારે કાનૂની ગૂંચ વધે છે કે ઘટે છે તેની ખબર પડશે. માત્ર રાજીનામા સ્વીકારવાની વાત નથી, હવે આ ધારાસભ્યોને સ્પીકર ગેરલાયક ઠરાવવા માગે છે તેનો મામલો પણ ઉમેરાશે. શક્યતા એવી છે કે કાનૂની લડાઈ ચાલ્યા કરશે અને આ તરફ કર્ણાટકની સરકાર પડી જશે.

ધારાસભ્ય રાજીનામું આપી શકે કે કેમ અને આપે ત્યારે તેની પાછળનો હેતુ અને ઇરાદો અને અસર શું હતી તે વિચારવું જરૂરી છે કે કેમ? આ સવાલ અગત્યનો થયો છે. ધારાસભ્યને રાજીનામું આપવું હોય તો આપવાનો દોને ભઇ, શું વાંધો છે… વાત એટલી સરળ નથી. ધારાસભ્યનુ રાજીનામું સ્વૈચ્છિક અને વ્યક્તિગત કારણસરનું હોવું જોઈએ અને તેના કારણે તેના પોતાના પક્ષની કે હરિફ પક્ષની સ્થિતિમાં ફરક પડવો જોઈએ નહિ. પક્ષાંતર ધારા પાછળનો શુભ હેતુ આ જ છે. ઘણીવાર સ્વૈચ્છિક અને વ્યક્તિગત કારણસર રાજીનામું આપવું જરૂરી બન્યું હોય ત્યારે પણ સત્તાપલટો થઈ શકે તેવું બને. પણ એવા અપવાદરૂપ કિસ્સાને બાજુએ રાખીએ તો રાજીનામું આપવા પાછળનો ઇરાદો અંગત લાભ, પોતાના પક્ષને હાની અને સામા પક્ષને ફાયદો કરાવી દેવાનો હોય છે.

ધારાસભ્યને પ્રજાએ ચૂંટીને મોકલ્યો હોય ત્યારે તેણે કામ અને વિચાર કરવાનો છે પ્રથમ પ્રજા માટે, પછી પોતાના પક્ષના હિત જોવાના છે. તેના બદલે તે રાજીનામું આપીને માત્ર પોતાનું જ વિચારે અને પક્ષને અહિત કરે તે ચલાવી લેવાય નહિ. રાજીનામું આપવાની છૂટ હોવી જોઈએ, પણ પાંચ વર્ષ માટે અથવા કમ સે કમ પોતાની જ બેઠક પરની પેટાચૂંટણી અથવા પોતાની બેઠકની સાથોસાથ યોજાઈ રહેલી અન્ય બેઠકની પેટાચૂંટણીમાં ના લડી શકે તેટલી જોગવાઈ હોવી જોઈએ. પાંચ વર્ષ પછી ફરીથી જીતીને પોતાનું રાજકારણ આગળ વધારી શકે.

કર્ણાટકમાં થયું હતું તેવું જ ગોવામાં થયું હતું. ગોવામાં 15માંથી 10 સભ્યોએ બળવો કર્યો તે જુદો મુદ્દો છે. 33 ટકા કરતાં વધારે સંખ્યા હોવાથી આખું જૂથ ભાજપમાં ભળી ગયું. પરંતુ ગોવામાં આવું જ રાજીનામું પડ્યું હતું અને તે સભ્યને ગેરલાયક ઠેરાવવાનો મામલો ઊભો થયો હતો. ગોવાના દરિયાકિનારે તે પછી અબજો મોજાં આવી ગયા પણ કેસ હજીય ચાલે છે.

2017માં ગોવામાં ચૂંટણીમાં કોઈને સ્પષ્ટ બહુમતી ના મળી. 40માંથી 17 બેઠકો સાથે કોંગ્રેસ પાસે સૌથી બેઠકો વધારે હતી, પણ મોવડીઓ રાબેતા મુજબ ઉંઘતા રહ્યા અને સરકાર ભાજપે બનાવી નાખી. કોને મુખ્ય પ્રધાન બનાવવા તેનો નિર્ણય કોંગ્રેસ સમયસર કરી શકી નહોતી. તેથી કોંગ્રેસના એક નેતા વિશ્વજિત રાણેનો ખેલ પાડી દેવામાં આવ્યો.

16 માર્ચ 2017ના રોજ ગૃહમાં પર્રિકર સરકારે પોતાની બહુમતી સાબિત કરવાની હતી. તે દિવસે પ્રથમ પ્રોટેમ સ્પીકર નિમાયા અને સૌને શપથ લેવરાવામાં આવ્યા. રાણેએ વિધાનસભ્ય તરીકે શપથ લીધા, પણ તરત જ ગૃહની બહાર જતા રહ્યા. શપથવિધિઓ પૂરી થઈ ગયા પછી પર્રિકરે મુખ્ય પ્રધાન તરીકે વિશ્વાસનો મત લેવાનો હતો. તેમાં કોંગ્રેસના સભ્ય તરીકે રાણેએ કોંગ્રેસના વ્હીપ અનુસાર હાજર રહીને મતદાન કરવાનું હતું. પરંતુ શપશ લઈને બહાર નીકળી ગયા પછી તે જ દિવસે પ્રોટેમ સ્પીકરને પોતાનું રાજીનામું પણ આપી દીધું હતું.

રાજીનામું આપીને ભાજપમાં જોડાઈ ગયા અને ગુજરાત મોડેલ પ્રમાણે તરત જ પ્રધાન પણ બની ગયા. બાદમાં પોતાની જ બેઠક પર પેટાચૂંટણી થઈ તેમાં હવે ભાજપના સભ્ય તરીકે જીતી પણ ગયા. કોંગ્રેસે રાણે સામે ફરિયાદ કરી તેમને ગેરલાયક ઠરાવવા માગણી કરી હતી. તેમણે વ્હીપનો અનાદર કર્યો હતો, પણ રાણેનો બચાવ હતો કે પોતે ધારાસભ્યપદેથી રાજીનામું આપી ચૂક્યા હતા. પ્રોટેમ સ્પીકરે રાજીનામું સ્વીકારી પણ લીધું હતું.

મામલો અહીં જ ગૂંચમાં પડે છે. સ્પીકરને અધિકાર હોય છે કે રાજીનામું સ્વીકારવું કે ના સ્વીકારવું. ભારતમાં આજ સુધીમાં અપવાદરૂપે જ સ્પીકર તટસ્થ રહ્યા છે. સ્પીકરો પોતાના પિતૃ પક્ષનું ઋણ અદા કર્યા જ કરે છે. ગોવામાં ભાજપની સરકાર છે, મૂળ ભાજપના સ્પીકર છે એટલે તેમણે તત્કાલ 10 કોંગ્રેસીઓના જૂથે પક્ષનું વિભાજન કર્યું તેને માન્ય કરી લીધું. તેમને ભાજપમાં ભેળવી પણ દીધા. સામી બાજુ કર્ણાટકમાં સ્પીકર તરીકે રમેશકુમાર છે, તેઓ મૂળ કોંગ્રેસના છે. તેથી તેમણે રાજીનામાં હજી સુધી સ્વીકાર્યા નથી.

નિયમોની રીતે બંને સ્પીકર સાચા છે. વન થર્ડથી વધારે સભ્યો અલગ થાય તેને માન્યતા મળે. એ જ રીતે ધારાસભ્યનોનું રાજીનામું સ્વૈચ્છિક અને વ્યક્તિગત કારણોસર છે તે નક્કી કરીને જ સ્વીકારવાનો અધિકાર કર્ણાટકના સ્પીકરને પણ છે. કર્ણાટકના 13 જેટલા ધારાસભ્યો છેલ્લા એક અઠવાડિયાથી સાથેસાથે ફરે છે, સાથેસાથે ખાનગી ચાર્ટર વિમાનમાં ઊડે છે, સાથેસાથે મુંબઈની ફાઇવસ્ટાર હોટેલમાં રહે છે, સાથેસાથે સુપ્રીમ કોર્ટમાં અરજીઓ કરે છે, સાથેસાથે ફરી બેંગલુરુ જઈ, સ્પીકરની ઓફિસમાં જઈ, સાથેસાથે ફરી રાજીનામાં આપે છે અને ફરી સાથેસાથે ખાનગી ચાર્ટર વિમાનમાં મુંબઈ ઊડી પણ જાય છે. તેથી આ વ્યક્તિગત રાજીનામાં નથી અને સ્વૈચ્છિક પણ નથી, કેમ કે પોતાના પક્ષની સરકાર પાડીને ભાજપની સરકારને લાવવા માટેનો કારસો છે તેનો તેઓ હિસ્સો બની રહ્યા છે.

રાણેએ તરત રાજીનામું આપી દીધું તે સાચું કે તેમણે રાજીનામું આપી દીધું એટલે ગેરલાયક ના ઠરે તે સાચું? કેસ સુપ્રીમમાં અઢી વર્ષથી ચાલી રહ્યો છે. કર્ણાટકમાં ધારાસભ્યોને રાજીનામાં આપવાનો અધિકાર આપવો જોઈએ કે તેઓ સરકાર ઉથલાવી નાખવાનું કાવતરું કરી રહ્યા છે, પોતાના જ પક્ષ વિરુદ્ધની પ્રવૃત્તિ કરી રહ્યા છે તેથી તેમને ગેરલાયક ઠરાવવા જોઈએ? મામલો સુપ્રીમ કોર્ટમાં જ જવાનો છે અને ચાલવાનો છે.

દરમિયાન કુમારસ્વામીએ કહ્યું છે કે પોતાની સરકારની બહુમતી સાબિત કરવા માટે તૈયાર છે. સ્પીકર સમય આપે એટલે વિશ્વાસનો મત લેવાશે. વ્હીપ અપાશે, વ્હીપનો અનાદર થશે, ધારાસભ્યોને ગેરલાયક ઠરાવાશે, મામલો સુપ્રીમ કોર્ટમાં ફરી જશે, પણ ત્યાં સુધીમાં કુમારસ્વામીની સરકાર પડી ગઈ હશે. સ્પીકર મૂળે કોંગ્રેસી હતા, પણ રાજ્યપાલ મૂળે ભાજપના હતા. રાજ્યપાલ નવી સરકાર બનાવવા માટે કદાચ ભાજપને આમંત્રણ આપી પણ દેશે…

સવાલ એ છે કે કર્ણાટકના નાગરિકોએ, દેશના નાગરિકોએ, આપણે આ બધો તમાશો માત્ર જોયા કરવાનો? વર્તમાન સમયે ધારાસભ્યો અને સાંસદસભ્યોની ખરીદી અમુક પક્ષને માફક આવે તેવી છે. તે પક્ષ પક્ષાંતર ધારાને કે આ પ્રકારના અનેક જરૂરી સુધારા ચૂંટણી પ્રક્રિયામાં કરવા માટે તૈયાર નહિ થાય. વિપક્ષ શું કરવા માગે છે તે પણ સ્પષ્ટ થતું નથી. ભવિષ્યમાં આ પ્રક્રિયાનું પુનરાવર્તન કરવાના સપના જોતો વિપક્ષ પણ ચૂપ બેઠો છે. પણ આપણે કેટલો સમય ચૂપ બેસીશું?