અસામાજિક અને અનૈતિક સોશિયલ મીડિયા મુક્ત વિચારને મારી નાખશે

મે એવું માનતા હો કે સોશિયલ મીડિયા તમને મુક્ત રીતે તમારા વિચારોને વ્યક્ત કરવા દેવાનું માધ્યમ પૂરું પાડે છે તો તેમ થાપ ખાવ છો. સોશિયલ મીડિયા તમને મુક્ત નહિ, ગુલામ બનાવી રહ્યું છે.  સોશિયલ મીડિયા તમને માણસમાંથી મશીન બનાવે છે. તમને જણાવવામાં આવે કે સો એન્ડ સો હેશટેગ ટ્રેન્ડ છે એટલે તમે તેના તરફ દોડો છો. તમને ખબર પડે કે ગામ આખું ચોકિદાર બનવા જઈ રહ્યું છે એટલે તમે ચોકિદાર બનવા દોડો અને બીજા દિવસે ખબર પડે કે એટલું જ મોટું ટોળું બેરોજગાર બનવા તરફ દોડી રહ્યું છે એટલે તમે તેના તરફ દોડો છે. ચોકીદાર બનવા માટે અને તરત જ યાદ આવી ગયું કે તમે તો નવરા બેઠા બેઠા સોશિયલ મીડિયામાં જ ટાઇમ પાસ કરો છો, કેમ કે બેકાર છો, એટલે મેં ભી બેરોજગાર બનવા માટે દોડ્યા. તમે રાજી રાજી થઈ ગયા કે એવું મોકળાશભર્યું આ માધ્યમ છે કે ઘડીકમાં મને ચોકીદારમાંથી બેરોજગાર પણ બનાવી શકે છે. તમે બેરોજગાર બનીને અને ચોકીદારભણી ખુશ થાવ છો જેમણે તમને આના માટે મોકળાશ કરી આપી છે.
આ બધા જ ટ્રેન્ડ નકલી હોય છે અને ખણખણીયા ગણી આપીને કંપનીઓ પાસે ટ્રેન્ડ ઊભા કરાવી શકાય છે તે મર્યાદિત લોકો જ જાણે છે. આ મર્યાદિત લોકોની વાતોને સોશ્યલ મીડિયાના માંઘાતાઓ દબાવી દે છે. સોશ્યલ મીડિયા સૌથી ગંદું માધ્યમ બન્યું છે તેના આધારભૂત અભ્યાસો પણ સોશ્યલ મીડિયામાં જ ઉપલબ્ધ છે, પણ તમારા સુધી તેને પહોંચવા દેવાતા નથી. સોશ્યલ મીડિયાને ગંદકીમાંથી કમાણી થાય છે એટલે તે ગંદકી વધારે ફેલાવે છે. ઝાડૂ લઈને સ્વચ્છતા અભિયાન ચલાવનારી આસપાસ ઊડતી ધૂળનું જાળું રચી દેવામાં આવે છે. થોડા વખત પહેલાં સરકારે સોશ્યલ મીડિયાના સંચાલકોને બોલાવ્યા હતા. કેટલાક કહે છે કે તેમને રીતસર ધમકાવામાં આવ્યા હતા કે તમે અમને ગંદકી કેમ ફેલાવા નથી દેતા. અમુક ચોક્કસ પ્રકારની હલકટ મનોવૃત્તિ પ્રગટ કરતા હજારો એકાઉન્ટ સોશ્યલ મીડિયા કંપનીઓએ બ્લોક કરી દીધા હતા. આવા એકાઉન્ટ એક પ્રકારની મનોવિકૃત્તિ વધારે પ્રગટ કરતાં હતા, તેથી તે પ્રકારના સ્થાપિત હિતોએ દબાણ ઊભું કર્યું છે કે અમને મુક્ત રીતે દૂષણ ફેલાવવા નહિ તો ભારતમાં તમારી કંપનીના પાટીયા પાડી દઈશું.
આ ભય સામે લાલચ પણ આપવામાં આવી હતી કે તમે અમને તદ્દન ખોટ્ટાડો પ્રચાર કરવા દો અમે તમારા પ્લેટફોર્મ પર ટ્રેન્ડની ભરમાર કરી દઈશું. તેથી જ અમુક પક્ષના નેતાઓ વારંવાર પોતાના અંધભક્તોને વિનંતી કરતા રહે છે કે તમારી સો એન્ડ સો ભાવનાઓને સોશ્યલ ટ્રેન્ડ પર વ્યક્ત કરો. એક સાથે હજારો લોકો એક જ પ્રકારની ભાવના, સૂત્રો, તસવીરો મૂકે એટલે સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ પર સક્રિયતા વધે. પ્લેટફોર્મ યુઝર્સની સક્રિયતા વધે તેટલી તેની કમાણી વધે છે. લાલચ આપવાનો આ સીધો ને સટ રસ્તો છે. માત્ર ભારત પૂરતી આ વાત મર્યાદિત નથી. દુનિયાના ઘણા બધા દેશોમાં આ દૂષણ ઝડપથી ફેલાઈ રહ્યું છે. આમ પણ અમેરિકન પદ્ધતિ પ્રકારનું માર્કેટિંગ અત્યંત ચેપી હોય છે. એકવાર તમને વળગે પછી કદી છૂટતું નથી.
અમેરિકન સોશ્યલ મીડિયા કંપનીઓ ધંધો વધારવા માટે જુદા જુદા દેશોમાં સોશ્યલ મીડિયાનું ઝેર ઝડપથી ફેલાવી રહ્યા છે. યાદ હશે કે ડોનાલ્ડ ટ્રમ્પ ચૂંટણી લડવા ઉતર્યા ત્યારે ઘાતક પ્રકારનો પ્રચાર સોશ્યલ મીડિયામાં ચાલ્યો હતો. હિલેરી ક્લિન્ટનને હરાવવા માટે રશિયામાંથી સોશ્યલ ટ્રોલને છુટ્ટા મૂકી દેવાયા હતા, જે ડાઘિયા કૂતરાની જેમ અમેરિકન મતદારોના સોશ્યલ મીડિયામાં જઈને બટકા ભરી આવ્યા અને એવો હડકવા ફેલાવ્યો કે હિલેરી હારી ગયા.
2014ની પહેલાં ભારતમાં પણ ભયંકર પ્રમાણમાં સોશ્યલ મીડિયાનો દુરુપયોગ થઈ ગયો હતો. અણ્ણા આંદોલનની સફળતા પાછળનું એક કારણ સોશ્યલ મીડિયામાં થયેલો અસરકારક પ્રચાર હતો. લોકો સ્વંય ગામેગામ મણીબત્તી પેટાવવા લાગ્યા હતા અને રેલીઓ કાઢવા લાગ્યા હતા. પોતે જ તસવીરો પાડે અને પોતે જ એકાઉન્ટમાં મૂકે અને પોતે જ જગપ્રસિદ્ધ થઈ ગયા તેવા ભ્રમમાં પ્રજા રાચે. તેનો ચેપ તરત બાજુના ગામમાં લાગે અને બાજુના ગામવાળો પણ પાંચ સગા અને સાત મિત્રોને ભેગા કરીને મીણબત્તી પ્રગટાવીને ફોટા મૂકી દે અને બ્રહ્માંડમાં ક્રાંતિ કરી નાખ્યાનો કેકારવ કરી મૂકે.
એ તો હવે ખ્યાલ આવે છે કે અણ્ણા આંદોલનનો ઉપયોગ પ્રજામાં અસંતોષ ઊભો કરીને તત્કાલિન સરકારને તગેડી મૂકવાનો હતો. કામ પતી ગયું એટલે અણ્ણાને પણ તગેડી મૂકવામાં આવ્યા. બીચારા અણ્ણા હજારે હમણાં બે વાર ઉપવાસ પર બેઠા હતા તમને ખબર છે? ક્યાંથી ખબર હોય, અણ્ણાના નવેસરના ઉપવાસને સોશ્યલ મીડિયાની અન્ય પ્રચારાત્મક પોસ્ટની નીચે દબાવી દેવામાં આવ્યા હતા.
સોશ્યલ મીડિયાનો દુરુપયોગ થયાનો ખ્યાલ આવ્યા પછી બીજા રાજકીય પક્ષોએ શું કર્યું? સૌએ પોતપોતાની જૂઠ ઉત્પાદન ફેક્ટરીઓ ખોલી નાખી છે. ભેજાબાજ ટોળાંને નોકરીએ રાખીને એકબીજાને ઉતારી પાડવા માટેનો તાજ્જેતાજ્જો માલ રોજેરોજ ઉતારવામાં આવે છે. આપણે પણ ત્યાં આ દૂષણના અભ્યાસો થયા છે, પણ તે એટલા વ્યાપક નથી. દુનિયાના નવ દેશોમાં હાલમાં એક વ્યાપક અભ્યાસ થયો તેમાં ખ્યાલ આવ્યો છે કે સરકારો પોતે જ ભ્રામક સમાચારો સોશ્યલ મીડિયાના માધ્યમથી ફેલાવે છે.
ઑક્સફર્ડ યુનિવર્સિટીએ ‘કમ્પ્યૂટેશન પ્રોપેગેન્ડા રિસર્ચ પ્રોજેક્ટ’ કર્યો હતો. તેમાં ખ્યાલ આવ્યો છે કે રશિયામાં 45 ટકા ટ્વીટર એકાઉન્ટ બોટ્સ દ્વારા ચાલે છે. ભારતમાં કેટલા હશે? હાલમાં ચોકિદારીનો ટ્રેન્ડ ચાલ્યો છે તે પણ માત્ર ટ્વીટર પર ચાલ્યો છે. ફેસબૂક પર નથી ચાલ્યો, કેમ કે ફેસબૂકમાં એકાઉન્ટનું નામ તરત અને વારંવાર બદલી શકાતું નથી. ટ્વીટર પર દિવસમાં દસવાર તમારું નામ બદલી શકો છો. ટ્વીટરમાં ટચૂકડી ગંદકી તરત ફેલાવી શકાય છે.
બોટ્સ એટલે એક પ્રકારનું ઓટોમેશન. મશીન જ એકાઉન્ટ ચલાવે. ચોકિદારીના કિસ્સામાં પણ એવું જ થયું હતું. કોઈએ નિરવ મોદી નામનું એકાઉન્ટ બનાવીને મેં ભી ચોકિદાર હેશટેગ માટે મેસેજ મોકલ્યો તો નિરવ મોદીનો પણ આભાર માનવામાં આવ્યો હતો. હવે નિરવ મોદી જેવા ચોકિદાર બને તો દેશનું શું થાય તે તમે સમજી શકશો.
રશિયા, તાઇવાન, બ્રાઝીલ, કેનેડા, ચીન, જર્મની, પોલેન્ડ, યુક્રેન અને અમેરિકામાં થયેલા આ સર્વે પછી ઓક્સફર્ડના પ્રોફેસર ફિલિપ હોવાર્ડે કહ્યું હતું કે સોશ્યલ મીડિયામાં એવા અલ્ગોરિધમ ગોઠવવામાં આવે છે, જેના કારણે હલકી કક્ષાની ખોટી માહિતી વધારેમાં વધારે ફેલાય. પ્રોફેસરનું કહેવું છે કે નકલી એકાઉન્ટ બનાવીને તેને લાખો અને કરોડો લોકો ફોલો અને લાઇક કરી રહ્યા છે તેવું તદ્દન ખોટ્ટેખોટ્ટું દેખાડીને (એક પણ માણસ ફોલો ના કરતો હોય, માત્ર મશીન જ – બોટ્સ જ કામ કરતા) જનતાનો મિજાજ બદલી શકાય છે.
કેટલાક દેશોએ સાવચેતીના પગલાં શરૂ કર્યા છે. ભારતમાં હજી વાર લાગશે. ચૂંટણી પંચે કહ્યું છે કે સોશ્યલ મીડિયા પર દેખરેખ રાખવામાં આવશે. જોકે ચૂંટણી પંચ એટલું સજ્જ છે ખરું તે સવાલ છે. જર્મન સરકારે કાયદો બદલ્યો છે અને ઓનલાઇન જે પણ માહિતી મૂકવામાં આવે, તે માટે જે તે વ્યક્તિને જવાબદાર ગણવામાં આવે છે. નકલી એકાઉન્ટ બનાવીને પ્રચાર કરવો મુશ્કેલ બને તેવો કાયદો બનાવવાની જરૂર ભારતમાં પણ છે. જોકે હજી સુધી મેં ભી ચોકિદાર સામે મેં ભી બેરોજગારનો મારો ચલાવી શકાય છે, પણ આગળ જતા તેને રોકવાનો પેંતરો પણ શોધી કાઢવામાં આવશે ત્યારે સોશ્યલ મીડિયા પર મનફાવે તેમ કરવાની મોકળાશ છે તે મુદ્દો જતો રહેશે. મનફાવે તેવી નહિ, માત્ર મુઠ્ઠીભર લોકોને ફાવે એવી જ મોકળાશ રહેશે, ત્યારે શું કરીશું…