50 વર્ષ પહેલાં બેન્કોનું ખાનગીકરણ રાજકીય રીતે કોને ફળ્યું?

ર્થિક રીતે લેવાયેલા નિર્ણયો પાછળ રાજકારણ હોય છે. ક્યારેક તેનો ફાયદો થાય છે, ક્યારેક નથી પણ થતો. ઘણીવાર આર્થિક રીતે અમુક નિર્ણયો લેવા જરૂરી હોય છે, પણ તેનો રાજકીય ફાયદો લેવાની કોશિશ પણ થઈ જતી હોય છે. બાકીના આર્થિક નિર્ણયો રાજકીય કારણોસર જ લેવાતા હોય છે અને તેના કારણે જ તે ફાવતાં નથી. સબસિડી આપવાના આર્થિક નિર્ણયો અમુક વર્ગને રાજી કરવા માટે હોય છે, પણ તેનાથી અર્થતંત્રને નુકસાન જ વધારે થાય છે.


આવો જ એક નિર્ણય બેન્કોનું ખાનગીકરણ કરવાનો હતો. 50 વર્ષ પહેલાં તે લેવાયો હતો. તેના કારણે આર્થિક ફાયદો શું થયો અને રાજકીય ફાયદો શું થયો તેનું મૂલ્યાંકન પાંચ દાયકે કરવા જેવું છે. આજે બેન્કોની હાલત વધારે ખરાબ થઈ છે, આઠ લાખ કરોડથી વધુ નાણાં ઉદ્યોગપતિઓ ખાઈ ગયા છે. તે વખતે બેન્કો ખાનગી હતી અને ઉદ્યોગપતિ અને વેપારીઓ માટે જ હતી. ગરીબ માણસ માટે બેન્કો જોઈએ એવા રાજકીય હેતુથી ખાનગીકરણ થયું, પણ ગરીબ માણસને ખાસ કોઈ ફાયદો થયો નથી. બેન્કો સરકારી બની તે પછીય ઉદ્યોગપતિ અને વેપારીઓને જ પોષતી આવી છે.

બેન્કોનું રાષ્ટ્રીયકરણ કરીને ઇન્દિરા ગાંધીએ પોતાની છાપ સમાજવાદી અને ગરીબોના બેલીની બનાવી હતી. જનધન ખાતા દ્વારા લોકોને માલામાલ કરી દેવાની વાતો થાય છે, તે રીતે બેન્કોનું ખાનગીકરણ કરીને ગરીબોને લહાણી કરી દેવાની વાતો ત્યારે થતી હતી.  1969નું વર્ષ ભારતના રાજકારણ અને કોંગ્રેસ માટે વળાંકમય સાબિત થયું હતું. ઇન્દિરા ગાંધીનો સિક્કો ચાલવા લાગ્યો અને પક્ષના ભાગલા પડ્યા હતા. બેન્કોનું રાષ્ટ્રીયકરણ કરાયું અને તે માટે નાણા મંત્રાલયમાંથી મોરારજી દેસાઈને હટાવવામાં આવ્યા. તે પછી રાષ્ટ્રપતિ માટેની ચૂંટણી આવી તેમાં પોતાનો ઉમેદવાર મૂકીને ઇન્દિરાએ તાકાત દેખાડી અને તેના કારણે આખરે કોંગ્રેસના બે ફાડિયા થયા. આ ત્રણેય ઘટનાઓ એકબીજા સાથે જોડાયેલી હતી. યુરોપના કેટલાક દેશોમાં પણ બેન્કોનું રાષ્ટ્રીયકરણ કરાયું હતું. ભારતમાં આઝાદી આવવાની તૈયારી હતી ત્યારે સૌને બેન્કોનો લાભ મળે તે માટે સરકારી બેન્કનો વિચાર થવા લાગ્યો હતો. આઝાદી સાથે જ 1949માં રિઝર્વ બેન્કનું સરકારીકરણ થઈ ગયું હતું. આઝાદી પછી 1966માં ઇમ્પિરિયલ બેન્કનું રાષ્ટ્રીયકરણ કરીને તેને સ્ટેટ બેન્ક ઑફ ઇન્ડિયા બનાવવામાં આવી હતી.

દેશમાં 14 મોટી બેન્કો હતી અને દેશનો 70 ટકા કારોબાર તેના હાથમાં હતો. આ બેન્કો સફળ હતી, કેમ કે તેનું મૂડીરોકાણ નફો કરતા ક્ષેત્રોમાં જ થતું હતું. ઇન્દિરા ગાંધીની સરકાર હવે ગરીબો માટે વાતો કરવા માગતી હતી. નાના ઉદ્યોગો અને લઘુ ઉદ્યોગોને બેન્ક લોનો મળે, ખેડૂતોને બેન્ક લોનો મળે તે માટેની સમાજવાદી વાતો થવા લાગી હતી. પણ મોટી બેન્કો કૃષિ કે લઘુઉદ્યોગોમાં નાણાં રોકતી નહોતી. દરમિયાન બીજી નાની મોટી ઘણી બધી બેન્કો ડૂબી પણ ગઈ હતી. એક અંદાજ અનુસાર નાના પાયે લોકોની બચત લઇને બેસેલી 360 બેન્કો આઝાદી પછી પાંચ સાત વર્ષોમાં ડૂબી ગઈ હતી. નાના લોકોની બચત પણ તેમાં ડૂબી ગઈ.

આવા કારણોસર પણ સરકાર પાસે બેન્કોનું નિયંત્રણ વધારે હોય તેવું ઘણાને જરૂરી લાગતું હતું. જોકે મોરારજીભાઈ દેસાઈ જેવા નેતાઓ માનતા હતા કે બેન્કો પર નિયંત્રણો વધારી શકાય, પણ તેમનું ખાનગીકરણ ના કરી શકાય. ગુજરાતી વેપારી વર્ગને સારી રીતે જાણતા મોરારજીભાઈ સમજતા હતા કે ખાનગી કંપનીઓ જ વ્યવસ્થિ કામ કરે, સરકારી તંત્ર રગશિયા ગાડાની જેમ જ ચાલે. રાજકીય રીતે પણ મોરારજી દેસાઈ બહુ મજબૂત હતા. નહેરુના અવસાન પછી અને શાસ્ત્રીના અવસાન પછી બંને વાર મોરારજીભાઈ વડાપ્રધાનપદના મુખ્ય દાવેદાર હતા. પરંતુ કોંગ્રેસના કેટલાક જૂથોની ટોળકીએ તેમને ફાવવા દીધા નહોતા. દરમિયાન નહેરુ પરિવારના વફાદારોની ટોળકી તૈયાર થઈ ગઈ હતી અને તેઓ હવે ઇન્દિરા ગાંધીને જ મજબૂત બનાવવા માગતા હતા. તેથી આખી વાતને એવી રીતે રજૂ કરાઈ કે મોરારજી દેસાઈ મૂડીવાદી છે, ઉદ્યોગપતિ અને વેપારીઓનું હિત જુએ છે અને ગરીબ માણસો માટે બેન્કિંગ ઇચ્છતા નથી. તેની સામે ગરીબોના બેલી ઇન્દિરા ગાંધી સૌને બેન્કોનો લાભ આપવા માટે રાષ્ટ્રીયકરણ કરી રહ્યા છે.

રાજદ્વારી ત્રિલોકનાથ કૌલ, ડિપ્લોમેટ દુર્ગા પ્રસાદ ધર, અર્થશાસ્ત્રી પૃથ્વીનાથ ધર, આઈપીએસ રામેશ્વર નાથ કાઉ અને આઈએફએસ અને વિદેશી બાબતોમાં સર્વેસર્વા બનેલા પ્રેમેશ્વર નારાયણ હક્સર – આ પાંચેય કાશ્મીરી પંડિતો હતા. આ પાંચની ઓળખ પાંચ પાંડવ તરીકે થવા લાગી હતી. નહેરુ પરિવાર અને ઇન્દિરા ગાંધીના વફાદાર તરીકે આ પંડિતોની ટોળકીએ હરિફોને પાછા પાડવાના કાવતરા શરૂ કરી દીધા હતા. તેમાં પહેલું નિશાન મોરારજી દેસાઈ હતા. ઇન્દિરા ગાંધીના મુખ્ય સલાહકાર તરીકે આગળના વર્ષોમાં પણ પી. એન. હક્સર મુખ્ય ભૂમિકા ભજવવાના હતા. તેઓ નહેરુની જેમ સમાજવાદી વિચારધારામાં માનતા હતા અને સોવિયેટતરફી પણ ગણાતા હતા.

સિન્ડિકેટ સામેની રાજકીય લડાઈમાં જીતવા માટે દેખાવ વિચારધારાની લડાઈનો કરવો પડશે એવી સલાહ હક્સરની જ હતી. દેસાઇ સહિતના સિન્ડિકેટના નેતાઓ ઉદ્યોગપતિના ટેકેદાર છે, મૂડીવાદી છે, તેની સામે અમારી ગરીબો અને સમાજવાદની લડાઈ છે એવી રીતે આખી વાતને રજૂ કરવામાં આવી. બેંગલુરુમાં તે વર્ષે એઆઇસીસીનું અધિવેશન મળ્યું, તેમાં ઇન્દિરા ગાંધીએ બેન્કોનું રાષ્ટ્રીયકરણ કરવાની દરખાસ્ત મૂકી દીધી હતી.  દેસાઈ પહેલેથી જ માનતા હતા કે રાષ્ટ્રીયકરણ કરવાને બદલે સરકારી નિયંત્રણો વધારવા જોઈએ. તેમણે આ દરખાસ્તનો વિરોધ કર્યો એટલે હવે તેમને રાજકીય રીતે ખતમ કરવા માટે પાંચ કાશ્મીરી પંડિતોની ટોળકી કામે લાગી. તેમણે ચંદ્રશેખર જેવા યંગ ટર્ક નેતાઓને ઉશ્કેર્યા. આ નેતાઓએ મોરારજી દેસાઈ અને તેમના પુત્ર કાંતિ દેસાઇ પર અંગત આક્ષેપો કર્યા. ઉદ્યોગપતિઓના ફાયદા માટે તેઓ કામ કરતા હોવાની વાતો ઉછાળીને તેમની બદનામી કરી દેવાઈ.

ઇન્દિરા ગાંધીએ એવું નિવેદન આપ્યું કે મોરારજી દેસાઈ મૂડીવાદી વિચારો ધરાવે છે, જ્યારે અમારી સરકારની વિચારધારા સમાજવાદી છે. તેથી સરકાર અને તેમના પ્રધાન વચ્ચે સમન્વય નથી. આ રીતે તેમનું ખાતું બદલવા માટેનું બહાનું રજૂ કરવામાં આવ્યું. જોકે દેસાઈએ નાણા મંત્રાલયને બદલે બીજું મંત્રાલય સ્વીકારવાને બદલે રાજીનામું આપી દેવાનું પસંદ કર્યું હતું. આ રીતે દેસાઈનો કાંટો હટી ગયો તે પછી બેન્કોનું રાષ્ટ્રીયકરણ કરી દેવાયું. ઇન્દિરા ગાંધીની વાહવાહી કરાવવામાં આવી અને ગરીબી હટાવાનો નારો વધુ મજબૂત થયો.  ગુંગી ગુડિયા ગણાતાં ઇન્દિરા ગાંધીએ પાંચ કાશ્મીરી પંડિતોની ચઢવણી પ્રમાણે આ દાવ માર્યો અને ગરીબોના મસીહા તરીકે તેમનો પ્રચાર થવા લાગ્યો. આ સંજોગોમાં ઇન્દિરાનો વિરોધ કરવામાં આવે તો પોતાનું જ ખરાબ દેખાશે તેનો ખ્યાલ સિન્ડિકેટના સભ્યોને આવી ગયો. તે લોકો સમસમીને બેસી રહ્યા.

જોકે રાષ્ટ્રપતિ ઝાકિર હુસૈનના અવસાનના કારણે રાષ્ટ્રપતિની ચૂંટણી આવી ત્યારે ફરી એકવાર સિન્ડિકેટ કોંગ્રેસ પર પકડ માટે તૈયાર થઈ ગઈ. જોકે ફરી એકવાર હવે રાજકીય રીતે પણ સિન્ડિકેટને ફટકો પાડવા માટેનો તખતો ગોઠવાઈ ગયો હતો. બેન્કોના રાષ્ટ્રીયકરણને કારણે દેશમાં ઇન્દિરાની છાપ મજબૂત બનાવાઈ હતી ત્યારે હવે બીજા નેતાઓની જરૂર પાંચ પંડિતોની ટોળકીને નહોતી. તેથી કોંગ્રેસના સત્તાવાર ઉમેદવાર સામે અપક્ષ તરીકે વી. વી. ગીરીને ઊભા કરવામાં આવ્યા. સત્તાવાર ઉમેદવારને જીતાડીને સિન્ડિકેટ એવું સાબિત કરવા માગતી હતી કે હજી પણ કોંગ્રેસના સંગઠન પર પોતાની પકડ છે. બીજી બાજુ ઇન્દિરા ગાંધીનું જૂથ હવે પોતાના ઉમેદવાર ગીરીને જીતાડીને દેખાડી દેવા માગતા હતા કે અસલી સત્તા તેમના હાથમાં આવી ગઈ છે.

સિન્ડિકેટ સાથે જોડાયેલા મરાઠા નેતા સદોબા પાટીલે બાદમાં કહ્યું પણ હતું કે હિટલરની પદ્ધતિએ પ્રચારનો મારો ચલાવાયો હતો. એવું કહેવાયું કે ગીરી સામ્યવાદી વિચારધારા ધરાવે છે એટલે તેમને જ પસંદ કરવા જોઈએ. ઇન્દિરા ગાંધી બિચારા સિન્ડિકેટની નીતિરીતિનો ભોગ બની રહ્યા છે તેવી રીતે વાતને રજૂ કરાઈ હતી. સિન્ડિકેટે કહ્યું કે સત્તાવાર રીતે તમારે કોંગ્રેસના ઉમેદવારને જ મત આપવાની વાત સાંસદોને જણાવવી રહી. ઇન્દિરા પર દાદાગીરી થઈ રહી છે તેવા ગુબ્બારા ચલાવાયા અને ખાનગીમાં વફાદારોને ઉશ્કેરીને વી. વી. ગીરીને જીતાડી દેવાયા. ઇન્દિરાએ ભાષણમાં એટલું જ કહેલું કે સૌએ અંતરાત્મા પ્રમાણે મત આપવો જોઈએ.  ભારતીય રાજકારણમાં આ મોટો આંચકો હતો. અપક્ષ ઉમેદવાર રાષ્ટ્રપતિ બની ગયા હતા. સિન્ડિકેટ આંચકો ખાઈ હતી. કોંગ્રેસના અધ્યક્ષ નિજલિંગપ્પાએ ઇન્દિરા ગાંધી પર નોટીસો મોકલીને ખુલાસા માગ્યા. સામસામે પત્રવ્યવહાર ચાલ્યો. નિજલિંગપ્પાએ નવેમ્બર 1969માં ઇન્દિરા ગાંધીને કોંગ્રેસમાંથી દૂર કરવાની જાહેરાત કરી દીધી.  હક્સરની આગેવાની હેઠળની નહેરુ ખાનદાનના વફાદાર પાંચ કાશ્મીરી પંડિતોની ચાલ પ્રમાણે જ વાત આગળ વધી રહી હતી. કોંગ્રેસના યુવા નેતાઓને ઉશ્કેરીને તેમની પાસે ખુલ્લેઆમ ઇન્દિરા ગાંધીની તરફેણ કરાવાઇ. જૂના નેતાઓને જૂનવાણી અને મૂડીવાદી ચીતરવામાં આવી રહ્યા હતા.

કોંગ્રેસના હવે ટુકડા થઈ જશે તે નક્કી હતું. કોંગ્રેસ-આર અને કોંગ્રેસ-ઓ એવા બે જૂથો થઈ ગયા હતા. ટુકડા કરાવવાની જ ઇન્ડિકેટની ગણતરી હતી. તેમણે ખાનગીમાં વ્યવસ્થા કરી લીધી હતી કે વધુમાં વધુ સભ્યો ઇન્દિરા સાથે જ રહે. આગળ જતા બંને જૂથોએ પોતપોતાના અધિવેશનો બોલાવ્યા. એઆઇસીસીના 705 સભ્યો હતા તેમાંથી 429 ઇન્દિરા જૂથના અધિવેશનમાં હાજર રહ્યા. અગત્યની વાત એ હતી કે આ 429માં 220 એવા હતા, જે લોકસભાના સભ્યો હતા. જોકે સરકાર ટકાવી રાખવા માટે હજી 45 સંસદસભ્યોના ટેકાની જરૂર હતી. ઇન્ડિકેટ સતત સામ્યવાદી વિચારધારાની વાત કરતી હતી એટલે ભારતીય સામ્યવાદી પક્ષ માટે ઇન્દિરા કોંગ્રેસને ટેકો આપવો સહેલો બની ગયો હતો. આ રીતે કોંગ્રેસમાંથી તેમને કાઢી મૂકાયા પછીય ઇન્દિરાની જ સરકાર ફરી બની. આ રીતે અસલી કોંગ્રેસ કરતાં ઇન્દિરા કોંગ્રેસ મોટી થઈ ગઈ અને સરકાર પણ તે જૂથની જ બની.

આ રીતે બેન્કોનું રાષ્ટ્રીયકરણ કરીને રમવામાં આવેલી રાજકીય ચાલ આખરે સફળ રહી. મોરારજી દેસાઈ સહિતના સંસ્થા કોંગ્રેસના જૂના જોગીઓ સત્તા અને પક્ષ બંનેમાંથી ફેંકાઈ ગયા. આઝાદીની લડાઈ લડેલી કોંગ્રેસ હવે માત્ર નહેરુ પરિવારની કોંગ્રેસ રહી ગઈ હતી. ઇન્દિરાના મુખ્ય પાંચેય સલાહકારો કાશ્મીરી પંડિતો હતા અને તેમણે જ આખા પક્ષને કાશ્મીર પંડિત પરિવારની જાગીર બનાવી દીધી. પાંચેયમાં સૌથી શક્તિશાળી પી. એન. હક્સર હતા. જોકે 1973 પછી, સંજય ગાંધીની ટોળકી મજબૂત બની તે પછી હક્સર પણ પરદા પાછળ ધકેલાવા લાગ્યા હતા.
આજે ફરી એકવાર કોંગ્રેસ ટુકડા થવાના આરે છે, ત્યારે નહેરુ-ગાંધી પરિવાર સાથે રહેનારો ટુકડો મોટો હશે, કે પછી પરિવારની બહારની નેતાગીરીમાં ઊભું થનારું જૂથ મોટું હશે તે જોવાનું રહે છે. પ્રિયંકા ગાંધી જે રીતે ઉત્તર પ્રદેશમાં અચાનક સોનભદ્રના મામલે સક્રિય થયા છે, તે જોતા કોંગ્રેસની આંતરિક હલચલ અને અવઢવ આગળ ચાલતી રહેશે. તેમાં બેન્કોના રાષ્ટ્રીયકરણ જેવો કોઈ મુદ્દો આવે છે ખરો, તે જોવાનું રસપ્રદ રહેશે. જોકે મુદ્દા અને પ્રચારના મામલે અત્યાર ડ્રાઇવિંગ સીટમાં ભાજપ છે…