નયન ચકચૂર છે… મન આતુર છે

નૂતન વર્ષની હાર્દિક શુભેચ્છા સાથે એક સવાલઃ મહાકવિ ઉમાશંકર જોષી અને મહાસ્વરકાર અવિનાશ વ્યાસ વચ્ચે શું સામ્ય?

બન્નેને શબ્દના સ્વામી.

સહી જવાબ, પણ હવે જરા આ જુઓઃ બન્ને એક જ દિવસે, એક જ મહિને, એક જ રાજ્યમાં જન્મ્યાઃ ઉમાશંકર જેઠાલાલ જોશી 21 જુલાઈ, 1911ના રોજ ઉત્તર ગુજરાતના બામણા ગામે જન્મ્યા ને સદા સૌમ્ય શી વૈભવે ઊભરાતી માતૃભાષાના સમર્થ કવિ-ગદ્યકાર-એકાંકીકાર-વાર્તાકાર-નિબંધકાર અને વિવેચક તરીકે પંકાયા. તો 21 જૂલાઇ, 1912ના રોજ અમદાવાદમાં જન્મેલા, વિસલનગરા નાગર પદ્મશ્રી ગીતકાર, સંગીતકાર અવિનાશ આનંદરાય વ્યાસ સુગમ સંગીતનું પર્યાયવાચી નામ તરીકે પંકાયા.

અવિનાશભાઈનાં ગીતો વગર ગુજરાતી સંગીત-જગતની કલ્પના પણ કરી ન શકાય. કશાય શબ્દાડંબર વિનાની, લોકભોગ્ય બોલીમાં એમનાં ગીતોએ લોકહૃદયમાં અનેરું સ્થાન મેળવ્યું. આવા અદકેરા અવિનાશભાઈના જીવન-કવન પર રજની આચાર્યે સર્જેલી લાઈફોગ્રાફી સૂરશબ્દનું સરનામું આજે, 8 નવેમ્બરે, ટાટા સ્કાય, જિઓ જેવા ડીટીએચ મંચ, શેમારૂમી જેવા ઓટીટી પ્લેટફોર્મ તથા યુટ્યુબ, ઍરબોર્ન, ડિજિટલ પ્લૅટફૉર્મ પર સ્ટ્રીમ થઈ.

અખંડ ભારતના કરાચીમાં જન્મેલા, ભાગલા બાદ અઢી વર્ષની વયે હળવદ આવી વસેલા અને દાયકાઓથી મુંબઈને કર્મભૂમિ બનાવનારા રાઈટર, પ્રોડ્યુસર, ડિરેક્ટર રજની આચાર્ય આજે 80 વર્ષની વયે યુવાનોને શરમાવે એ હદે ધડાધડ ફિલ્મો બનાવી રહ્યા છે. એમણે બનાવેલી ફિલ્મોમાં રાજસ્થાનના ઝુંઝુનુ જિલ્લાના ગામ બિસાઉની વિશ્વવિખ્યાત મૂક રામલીલા, બૉલીવુડના પ્રખ્યાત વિગમેકર વિક્ટર પરેરાની લાઈફ-સ્ટોરી, કૅન્સરને માત આપી ખૂબ ભણેલા, હઠીલા રોગ સામે ઝઝૂમેલા ડૉક્ટર હરિકેશ બૂચની જીવનકથા, મોહમ્મદ રફી, મહેન્દ્ર કપૂરની લાઈફ-સ્ટોરી, વગેરે વગેરેનો સમાવેશ થાય છે.

સૂરશબ્દનું સરનામુંની વાત કરીએ તો, દિલડોલ રાસ-ગરબા-ગીતો લખી, એને સ્વરબદ્ધ કરી ગુજરાતભરમાં ગુંજતા કરવામાં પાયાના પથ્થરની ભૂમિકા ભજવનાર અવિનાશભાઈ અમદાવાદના ખાડિયા વિસ્તારની ગોટીની શેરીમાં 28 વર્ષ વિતાવ્યા બાદ ક્રિકેટ રમવા મુંબઈ આવ્યા... 1984ની 20 ઑગસ્ટે અવસાન થયું ત્યાં સુધી મુંબાપુરી એમની કર્મ-પિચ બની રહી.

ચાર વર્ષની જહેમત બાદ તૈયાર કરવામાં આવેલી આ લાઈફોગ્રાફી માટે રજનીભાઈ અને એમની ટીમે અવિનાશભાઈના પુત્ર ગૌરાંગ વ્યાસ, માનસપુત્ર પુરુષોત્તમ ઉપાધ્યાયથી લઈને, આદરણીય કથાકાર મોરારિ બાપુ, આશા ભોસલે, ઉષા મંગેશકર, ઉપેન્દ્ર ત્રિવેદી, પ્રફુલ્લ દવે, હર્ષિદાબહેન રાવલ, રજત ધોળકિયા, તુષાર શુક્લ, મહેશ-નરેશ, ઉદય મઝુમદાર, વગેરે ૩૦થી વધુ દિગ્ગજ કલાકાર-કસબીને મળી. લાઈફોગ્રાફીમાં ભાવકને ભજનથી લઈને, લગ્નગીતો, રાસ-ગરબા, મૈત્રી, શહેર (અમદાવાદ-મુંબઈ-રાજકોટ) ફિલસૂફી અને અધ્યાત્મ, ચિંતનાત્મક, રોમાન્ટિક ગીતો વિશેની માહિતી, એનાં ફૂટેજ તથા અવિનાશભાઈ વિશે ન જાણેલી વાતો આ જોવા-જાણવા મળે છે. જેમ કેઃ

* ગીતા દત્તે પોતાની કારકિર્દીમાં સૌથી વધુ ગુજરાતી ગીત ગાયાં એ પણ અવિનાશ વ્યાસ માટે (તાલીઓના તાલે ગોરી ગરબે ઘૂમતી જાય… કે અમે મુંબઈના રહેવાસી)…

* આશા ભોસલેએ અવિનાશ વ્યાસને મુંબઈથી બર્મિંગહામ મોકલેલા માત્ર એ જોવા-જાણવા કે એમણે રચેલાં ગીતોનું ત્યાં કેવું ગાંડપણ છે…

* ફિલ્મ સતી આણંદી માટે સર્જેલા રંગલો જામ્યો કાલિંદીને ઘાટ… છોગાળા તારા ગીત વિશે ફિલ્મના નિર્માતા રમણિક આચાર્ય લાઈફોગ્રાફીમાં કહે છેઃઅવિનાશભાઈએ આ જ ગીત સોનબાઈની ચુંદડીમાં આશા ભોસલે પાસે પણ ગવડાવ્યું.

* મનમોહન દેસાઈએ સુહાગમાં આ ગીતની ધૂન પરથી ગરબો રાખ્યો (હૈ નામ હૈ… સબસે બડા તેરા નામ, ઓ શેરોવાલી, ઊંચે ડેરોવાલી)… સલમાન ખાને બનેવીલાલ આયૂષ શર્માને ફિલ્મમાં ધંધે લગાડવા લવયાત્રી બનાવી તેમાં દર્શન રાવલે છોગાળા સોંગ રિમિક્સ કરીને મૂક્યું, જે હિટ થયું.

* ગુજરાતી-હિંદી ફિલ્મોના લેખક-ગીતકાર કેશવ રાઠોડ કહે છેઃ એક ફિલ્મનાં ગીતો હું લખતો હતો. અચાનક એક નિકટજનનું અવસાન થતાં મારે ત્યાં જવું પડયું. સમય સાચવી લેવા એક ગીત અવિનાશભાઈએ લખીને સ્વરબદ્ધ કરાવી લીધું. પછી જ્યારે મહેનતાણાની વાત આવી ત્યારે અવિનાશભાઈએ પ્રોડ્યુસરને કહ્યું કે ફિલ્મના ગીતકાર કેશવ રાઠોડ છે. મહેનતાણું એમને જ આપો…”

રજનીભાઈ, ડિરેક્ટર વિનયભાઈ પટેલ તથા સિનેમેટોગ્રાફર પ્રકાશ કાર્બેકરે, 190થી વધુ ગુજરાતી અને વીસ જેટલી હિંદી ફિલ્મ તથા અન્ય ગીતો મળીને દસ હજારથી વધુ સ્વરાંકન જેમના નામે બોલે છે એવા અવિનાશભાઈ વિશેની ઝીણામાં ઝીણી વિગત દર્શક સામે મૂકી આપી છે.

બસ, હવે તો, આ લાઈફોગ્રાફી જોવા નયન ચકચૂર છે, મન આતુર છે.”