રહસ્યો… જાસૂસનાં અને જિંદગીનાં!

અમેરિકામાં સેન્ટ્રલ ઈન્ટેલિજન્સ એજન્સી (સીઆઈએ) છે તો ભારતની રીસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ (આર. એ. ડબલ્યુ.) છે. દેશની અંદર કે દેશની બહાર કોઈ ત્રાસવાદી કે એવી કોઈ ભાંગફોડિયા પ્રવૃત્તિ કરનારા પર નજર રાખતી આ સરકારી સંસ્થાના એક યુનિટના વડા રવિ ભૂષણના 2012માં પ્રકાશિત થયેલા પુસ્તક ‘એસ્કેપ ટુ નોવ્હેર’થી પ્રેરિત વિશાલ ભારદ્વાજ દિગ્દર્શિત ‘ખુફિયા’નો આરંભ થાય છે ઢાકામાં. 2004નું વર્ષ છે. ડિરેક્ટર આપણે જાણ કરે છે કે કારગિલ યુદ્ધ બાદ ભારત પાકિસ્તાનની ગુપ્તચર સંસ્થાઓ એકબીજા પર નજર રાખી રહી છે. બન્ને વચ્ચે જાણે એક રેસ લાગી છે આગળ નીકળી જવાની. કૃષ્ણા મહેરા (તબ્બુ) રીસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ (આર. એ. ડબલ્યુ.) માટે કામ કરે છે.

ફિલ્મનો ઉપાડ, આરંભના સંવાદ, કૅમેરા ટેકિંગ, વગેરે એવાં છે કે આપણને થાય કે એક જબરદસ્ત થ્રિલર જોવા મળવાનું છે. હકીકતમાં વિન્ડોની સજાવટ જોઈ તમે દુકાનમાં પ્રવેશ અને પછી નિરાશા સાંપડે એના જેવી આ વાત છે. વિશાલ અને રોશન નરુલાએ મળીને લખેલી પટકથા ભારે કન્ફ્યુઝિંગ છે.

કૃષ્ણા મહેરા અથવા કે.એમ. પોતાની એજન્સીમાં જ કામ કરતા ગદ્દાર રવિ (અલી ફૈઝલ)ની પાછળ પડી છે. કે.એમ.ના બૉસને (આશિષ વિદ્યાર્થીને) રવિ દેશનાં રહસ્ય વેચતો હોય એવી શંકા છે, પરંતુ વધુ પુરાવા એકઠા કરવા જરૂરી છે. એટલે રવિના ઘરે ઠેર ઠેર સર્વેલન્સ કૅમેરા લગાડવામાં આવે છે. કદાચ આખો પરિવાર જાસૂસીમાં સંડોવાયેલો હોય તો? કે.એમ.ને પણ આ કામગીરીનો ભાગ બનાવવામાં આવે છે, જેને નામ આપવામાં આવ્યું છેઃ ઑપરેશન બ્રુટસ’. પોતાના જ જાસૂસની જાસૂસી કરતી વખતે, કે.એમ.ને રવિની પત્ની ચારુ (વામિકા ગબ્બી), પુત્ર કુણાલ (સ્વસ્તિક તિવારી) અને રવિની માતા લલિતા (નવનીન્દ્ર બહલ) સાથેના રવિના સંબંધ વિશે ખબર પડે છે. રવિ ખરેખર કોના માટે કામ કરે છે, ભારત સરકારના અમુક ઈરાદા, કેટલાંક ખળભળાવી દે એવાં રહસ્ય, વગેરે ખબર પડતાં કે.એમ.ને આંચકો લાગે છે.

આવી જાસૂસી કથાવાળી કેટલીક ફિલ્મો જેવી ‘પરમાણુ’, ‘રાઝી’, ‘બેબી’  કે લેટેસ્ટ ‘ધ નાઈટ મૅનેજર,’ ‘ફ્રીલાન્સર’ જેવી ફિલ્મો આપણે જોઈ છે, પણ ખુફિયા એકંદરે નિરાશ કરે છે. એકસાથે એટલું બધું બનતું રહે છે કે એની સાથે તાલ મિલાવવું કપરું થઈ પડે છે. અમુક ઘટના એવી છે કે પ્રેક્ષક ગૂંચવાઈ જાય છે. ફ્લૅશબૅક શરૂ ક્યારે થયો સમાપ્ત ક્યારે થયો એ સમજવામાં પણ સમય લાગી જાય છે. આપણી ગુપ્તચર એજન્સીઓ જે રીતે વિદેશી અધિકારીઓને આસાનીથી છેતરે છે એ પચાવવું થોડું અઘરું છે. પરાકાષ્ઠા આકર્ષક છે, પરંતુ વધુ સારી બની શકી હોત.

કે.એમ. અને તેની ટીમ રવિના ઘરની જાસૂસી કરે છે ત્યારે રવિની પત્ની ચારુ ‘યે જવાની હૈ દીવાની’ના તાલે નૃત્ય કરે છે, કે.એમ.નો પુત્ર તેની માતાને ઉશ્કેરે છે અને રવિ તેની માતા સાથે દલીલ કરે છે જેવાં કેટલાંક દ્રશ્ય મજેદાર છે. વિશાલ ભારદ્વાજના સંવાદો ધારદાર છે. જબ તક યે દુનિયા દેશ ઔર ધર્મ મેં બંટી હૈ તબ તક યે ખૂનખરાબા હોતા રહેગા, ઔર ઈસકે જિમ્મેદાર હમ સબ હોંગે તો એક સીનમાં તબુ અમેરિકનને કહે છેઃ યાર, તમે તમારી ફિલ્મોમાં જ સ્માર્ટ લાગો છો…

એકંદરે, ખુફિયા એક ઘણી સારી ફિલ્મ બનાવવાની ક્ષમતા ધરાવતી ખુફિયા નબળી પટકથા તથા પાત્રલેખનના લીધે એકએવરેજ ફિલ્મ બની ગઈ છે. દાખલા તરીકે રવિ જે કંઈકરે છે એ શું કામ કરે છે એ સમજાવવાની દરકાર લેખક-દિગ્દર્શકે લીધી નથી. ફાઈનલી જ્યારે ખબર પડે છે ત્યારે એ બધું વાહિયાત લાગે છે. ‘ચાર્લી ચોપરા,’ ‘જ્યુબિલી,’ ‘ગ્રહણ’ જેવી ફિલ્મોમાં જોવા મળેલી ચારુ (વામિકા ગબ્બી)નો અભિનય પાવરફુલ છે અને એના પાત્રમાં વિશાલે ખાસ્સો રસ દર્શાવ્યો છે.