સત્ય અને સિનેમા… જ્યારે કૅમેરા પાછળની દુનિયા પરદા પર જીવંત થાય

ઈઝરાયલ-ઈરાન-અમેરિકા સંઘર્ષ રોમાંચક સ્પાય-થ્રિલર જેવો ભયાનક અને જટિલ બની ગયો છે ત્યારે ઈરાનની પશ્ચાદભૂમાં બનેલી ફિલ્મો, સિરીઝ યાદ આવવી સ્વાભાવિક છે.

જેમ કે ‘અરગો.’ 2012માં ફાંકડા એક્ટર બૅન અફ્લેક દિગ્દર્શિત આ ફિલ્મમાં તેહરાનની યુએસ એમ્બેસીમાં ફસાયેલા છ કર્મચારીને છોડાવવા સીઆઈએ એક યોજના બનાવે છે. ટોની મેન્ડેઝ (બૅન અફ્લેક) અને સાથીદારો હોલિવૂડના ફિલ્મસર્જક બનીને ઈરાન-તેહારન જાય છે. એમ્બેસીનો કબજો લઈ બેઠેલા ઈરાનના બળવાખોરોને એવું કહેવામાં આવે છે કે અમે ફિલ્મનું લોકેશન પસંદ કરવા આવ્યા છીએ. લોસ એન્જલિસ, વોશિંગ્ટન, ઈસ્તનબુલમાં શૂટ થયેલી આ ફિલ્મ ઈરાનમાં રિલીઝ થઈ નહોતી, પણ એની પાઈરેટેડ ડીવીડી ધૂમ વેચાઈ હતી.

(બેન અફ્લેકની ‘અરગો’)

2011માં આવેલી ‘હોમલેન્ડ’ની ત્રીજી સીઝન સંપૂર્ણપણે ઈરાન પર કેન્દ્રિત હતી. આમાં સીઆઈએ દ્વારા ઈરાનના ઈન્ટેલિજન્સ ચીફને બદલવાની એક મોટી અને જોખમી કામગીરી બતાવવામાં આવી છે. આ ઉપરાંત ઈરાનના પરમાણુ કાર્યક્રમ અને તેના પર લાગેલા પ્રતિબંધો વિશેની વૈશ્વિક ચર્ચાઓને વાર્તામાં વણી લેવામાં આવી છે.

હિંદી સિનેમાની વાત કરીએ તો, 2023માં આવેલી ‘અકેલી’માં ઈરાનની તો નહીં, પણ ઈરાકની વાત હતી. આ ફિલ્મમાં નુસરત ભરૂચા એક સામાન્ય ભારતીય યુવતી (જ્યોતિ)નું પાત્ર ભજવે છે, જે મોસુલ શહેરની ગારમેન્ટ ફેક્ટરીમાં નોકરી કરવા જાય છે, પણ એ જે સમયે મોસુલમાં હોય છે ત્યારે આતંકવાદી સંગઠન એ શહેર પર હુમલો કરે છે અને તેને કેદી બનાવી લે છે. નરક જેવી યાતનામાંથી એ એકલી કેવી રીતે બચીને નીકળે છે તેના સંઘર્ષની વાત છે. ‘હોમલેન્ડ’ની જેમ પ્રણય મેશરામ દિગ્દર્શિત ‘અકેલી’માં પણ યુદ્ધગ્રસ્ત વિસ્તારની ભયાનકતા અને માનવીય સંઘર્ષ બતાવવામાં આવ્યો છે. ફિલ્મ જોવાલાયક છે. જિયો સિનેમા અથવા જિયો હોટસ્ટાર પર જોઈ શકાય.

(‘અકેલી’)

ગયા વર્ષે આવેલી, દિલ્હી, મુંબઈ, તેહરાન અને ગ્લાસગોમાં શૂટ થયેલી જોન અબ્રાહમની તેહરાનમાં ભારત, ઈરાન અને ઈઝરાયલ વચ્ચેના જટિલ સંબંધો અને જાસૂસીની રમત બતાવવામાં આવી છે.

જોન અબ્રાહમની ‘તેહરાન’ની વાત નીકળે ને ‘તેહરાન’ વેબ સિરીઝની વાત ન કરીએ તો એ નાઈન્સાફી ગણાશે. 2020માં ‘ઍપલ ટીવીપ્લસ’ પર આવેલી આ સિરીઝ અને વર્તમાન ભૌગોલિક-રાજકીય (જિઓપોલિટિકલ) તણાવ વચ્ચે ઘણી સમાનતા છે. ઈઝરાયલની સિક્રેટ એજન્સી ‘મોસાદ’ની કાર્યપદ્ધતિ પર આધારિત ‘તેહરાન’માં સર્જકોએ માત્ર મારધાડ જ નથી રાખી, પણ માઈન્ડ ગેમ પણ દેખાડી છે.

પ્લોટ કંઈ આવો છેઃ યુવા યહૂદી તમાર રબિન્યાન જન્મી ઈરાનમાં પરંતુ ઉછેર ઈઝરાયલમાં થયો. તમાર મોસાદની એક નિષ્ણાત કમ્પ્યુટર હેકર છે. ‘મોસાદ’ એને ઈરાનની રાજધાની તેહરાનમાં છૂપા વેશે મોકલે છે, જ્યાં એણે ન્યુક્લીઅર રિએક્ટરને ખોરવી નાખવાનું છે. વાર્તામાં વળાંક ત્યારે આવે છે, જ્યારે મિશન નિષ્ફળ જાય છે, તમાર તેહરાનમાં ફસાઈ જાય છે.

મને આ સિરીઝ એટલા માટે ગમી કેમ કે એમાં માત્ર જાસૂસી નથી, પણ અસ્તિત્વની ખોજ પણ છે. તમાર તેહરાનમાં પોતાના ભૂતકાળ ઈરાની સંસ્કૃતિ પ્રત્યે ખેંચાણ અનુભવે છે. વળી સર્જકોએ આમાં માનવીય પાસાં પણ બતાવ્યાં છે. જેમ કે ઈસ્લામિક રેવોલ્યુશનરી ગાર્ડ કૉર્પ્સ, જેને સેપાહ તરીકે પણ ઓળખવામાં આવે છે, એ ઈરાનનાં સશસ્ત્ર દળોની એક વિશિષ્ટ શાખા છે. ગાર્ડના ઈન્વેસ્ટિગેટિવ ઑફિસર ફરાજ કમાલીના પાત્રાલેખનમાં દુશ્મન દેશની જાસૂસની નિષ્ઠા પ્રત્યે આદર અને પારિવારિક લાગણીઓને વણી લેવામાં આવી છે.

‘તેહરાન’ સિરીઝમાં જે પ્રકારના સાયબર એટેક અને હવાઈ હુમલાની કલ્પના કરવામાં આવી હતી, તે આજે વાસ્તવિકતા બની રહી છે. વેબ સિરીઝમાં જે રીતે તમાર રબિન્યાન કમ્પ્યુટર સિસ્ટમ હેક કરે છે, એ જ રીતે વાસ્તવિક યુદ્ધમાં પણ ઈરાનની પાવર ગ્રીડ અને કમ્યુનિકેશન ચૅનલ પર સાયબર હુમલાના સમાચાર છે.

તેહરાનના સર્જકોનું માનવું છે કે એ પરદા પર જે બતાવે છે એવું થોડા જ સમયમાં સમાચારમાં જોવા મળે છે. જેમ કે,  પરમાણુ મથકોનો નાશ, ઈરાનનો ન્યુક્લીઅર પ્રોગ્રામ અટકાવવો. આ માટે સાયબર એટેક અને ગ્રાઉન્ડ ઈન્ટેલિજન્સ, ડ્રોન, મિસાઈલ અને અદ્યતન સાયબર વોર… સંઘર્ષથી આમ જનતા અને એજન્ટોની જિંદગી પર અસર, મિડલ ઈસ્ટના આકાશમાં ઊડતાં વિમાનો જમીન પર, અને તેલના ભાવમાં ઉછાળો.

‘તેહરાન’ જેવી સિરીઝ આપણને સમજાવે છે કે મિડલ ઈસ્ટમાં ચાલતાં યુદ્ધમાં કોઈ એક પક્ષ સંપૂર્ણ વિજેતા હોતો નથી, પણ એનાં પરિણામ આખી દુનિયાએ ભોગવવાં પડે છે.

‘તેહરાન’ સિરીઝની અત્યાર સુધીમાં ૩ સીઝન અથવા ત્રણ પાર્ટ આવી ગયા છે. 2020માં આવેલી પહેલી સીઝનથી જબરદસ્ત શરૂઆત થઈ, જેમાં એજન્ટ તમાર રબિન્યાન કેવી રીતે ઈરાન પહોંચી અને તેહરાનમાં ફસાઈ ગઈ એ દર્શાવવામાં આવ્યું. ૨૦૨૨માં સીઝન ૨ આવી, જેમાં હોલીવૂડ અભિનેત્રી ગ્લેન ક્લોઝની એન્ટ્રી થઈ, જેણે સિરીઝને વધુ રોમાંચક બનાવી દીધી. તે પછી, લાંબો સમય રાહ જોવડાવ્યા બાદ, આ વર્ષના જાન્યુઆરીમાં ત્રીજી સીઝન આવી, જેમાં પ્રખ્યાત અભિનેતા હ્યુ લૌરીનો પ્રવેશ થયો, જે ‘હાઉસ’ સિરીઝ માટે જાણીતો છે. ત્રીજી સીઝનનો છેલ્લો એપિસોડ૨૭ ફેબ્રુઆરી ૨૦૨૬ના રોજ પ્રસારિત થયો.

હવે, ઍપલ ટીવીપ્લસે ચોથી સીઝનની સત્તાવાર જાહેરાત કરી છે. હાલ એનું કામ ચાલી રહ્યું છે, પણ એ ક્યારે આવશે એ કહી શકાય નહીં. કેમ કે હાલ ચાલી રહેલા વાસ્તવિક ઈઝરાયલ-ઈરાન સંઘર્ષના પગલે સ્ક્રિપ્ટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે.

જો કે રિયલ લાઈફમાં ટ્વિસ્ટ ત્યારે આવ્યો જ્યારે ‘તેહરાન’નાં નિર્માત્રી, ગ્રેમીવિજેતા ડાના એડનનું ગયા મહિને મોત થયું. 15 ફેબ્રુઆરી, 2026ના રોજ એ એથેન્સની એક હોટેલમાં મૃત હાલતમાં મળી આવ્યાં. બાવન વર્ષી ડાનાબહેન ‘તેહરાન’ની ચોથી સીઝનના શૂટિંગ માટે ત્યાં ગયેલાં. ગ્રીક પોલીસ આ કેસની તપાસ કરી રહી છે. શરૂઆતના રિપોર્ટ્સમાં તેને આત્મહત્યા ગણાવવામાં આવી, પરંતુ તેમના શરીર પર મળેલા ઉઝરડા અને અન્ય સંજોગોને કારણે મિડિયામાં જાતજાતની અટકળો અને ભેદી વાતો વહેતી થઈ. સીરીઝના વિષય (મોસાદ અને ઈરાન)ના કારણે એવી અફવાઓ પણ ઊડી કે આમાં કોઈ વિદેશી હાથ હોઈ શકે.

દરમિયાન, સીઝન-૩માં વાર્તા એવા વળાંક પર છે કે, તમાર રબિન્યાન માટે ઈઝાયલ પાછા ફરવું અને જીવતા રહેવું વધુ મુશ્કેલ બની ગયું છે. ચોથી સીઝનમાં નવાં પાત્રો અને વધુ ઘાતક મિશન જોવા મળશે એવી અપેક્ષા તો છે.