શુક્રવારે વહેલી સવારે ‘તેરી બાતોં મેં એસા ઉલઝા જિયા’ જોઈને જિગરી દોસ્ત સાથે ચાય પે ચર્ચા કરતી વેળા મેં કહ્યું, યાર, આ ફિલ્મના રાઈટર-ડિરેક્ટર અમીત જોશી અને કો રાઈટર આરાધના સાહ પ્રોડ્યુસરને કેવી રીતે રાજી કર્યા હશે એ દશ્ય હું કલ્પી શકું છું- “અમારો એકદમ નવો સ્ટોરી-આઈડિયા હૈઃ માનવ અને મશીનની (રૉબોની) પ્રણયકથા. આજના આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સના જમાનામાં આવી લવસ્ટોરીને યંગ જનરેશન બે હાથે વધાવી લેશે. ફિલ્મની માવજત આપણે પારિવારિક મનોરંજન તરીકે કરીશું એટલે યંગસ્ટર્સ ઉપરાંત બધા વર્ગના લોકો જોવા જશે. સુપડુપર હિટ. બોલો, શું કહો છો”?
પ્રોડ્યુસર રાજી રાજી થતાં કહે છે, “ક્યાબ્બાત. ગો અહેડ. સ્ટારકાસ્ટ-બજેટ ડિસ્કસ કર લેતે હૈં”.
-અને આમ, વૅલેન્ટાઈન્સ ડેની પૂર્વસંધ્યાએ સર્જકોએ રિલીઝ કરીઃ ‘તેરી બાતોં મેં એસા ઉલઝા જિયા’. સાયન્સ ફિક્શનની વાર્તાવાળો રોમાન્ટિક પારિવારિક ડ્રામા, જેમાં ન તો સાયન્સ છે, ન કૉમેડી ન રોમાન્સ. તર્કવિહોણી વાર્તા અને સુસ્ત પટકથા. બલકે વિવેકભાનની હદ વટાવી દેતી બે કલાક, પચીસ મિનિટની ફિલ્મ એક તબક્કે ધીરજની કસોટી કરે છે.
નિર્માતાને કન્વિન્સ કરવા રચાયેલી વાર્તા આવી છેઃ આર્યન અગ્નિહોત્રી અથવા આરુ (શાહીદ કપૂર) રૉબોટિક્સ એક્સપર્ટ છે. એ કામમાં એટલો રચ્યોપચ્યો રહે છે કે પ્યાર-મોહબ્બત-શાદી વિશે વિચારવાનો ટાઈમ જ નથી. આરુનાં ઊર્મિલા માસી (ડિમ્પલ કાપડિયા)ની અમેરિકામાં રૉબોટિક્સ કંપની છે. અમેરિકામાં આરુ કુમાર મળે છે સિફરા નામની હ્યુમનોઈડ ફિમેલ રૉબોને. એવો રૉબો, જેને લાગણી છે. કૃતિ સેનન બની છે સિફરા (સુપર ઈન્ટેલિજન્ટ ફિમેલ રોબો ઑટોમેશન). રૉબોના ટેસ્ટિંગ પ્રોસેસ દરમિયાન આરુભાઈ પ્રેમમાં પડે છે. પાછળથી આરુને ખબર પડે છે કે પોતે જેના પ્રેમમાં ઊંધે કાંધ અને સિફરા સાથે શાદી રચાવવા માગે છે. અડધું મૂવી પત્યા બાદ રૉબોટિકસ એક્સપર્ટ હીરો સિફરાને સંયુક્ત કુટુંબવાળા ઘરમાં લઈ આવે છે. જ્યાં કોઈને ખબર નથી કે અમારી ભાવિ બહુ સિફરા ખરેખર તો રૉબો છે… એટલે હ્યુમનોઈડ રૉબો અને હાડમાંસના બનેલા માનવી, વિશાળ પંજાબી જૉઈન્ટ ફૅમિલીના કલ્ચરલ ડિફરન્સના લીધે કહેવાતી રમૂજ નિષ્પન્ન થાય છે. છેલ્લી 20-25 મિનિટ ફિલ્મ અણધાર્યો વળાંક લે છે, જેમાંની અમુક પળ માણવા જેવી છે.
આ ફિલ્મ જોઈને મને આ જ વિષય પરથી સર્જાયેલી કેટલીક કૃતિ યાદ આવી ગઈ. જેવી કે, ‘બહુ હમારી રજનીકાંત’ ટીવીસિરિયલ, જેમાં એક વિજ્ઞાની રજની નામની સર્વગુણસંપન્ન હ્યુમનૉઈડ સર્જી એને પોતાના પરિવારમાં પત્ની તરીકે ઈન્ટ્રોડ્યુસ કરે છે. કલ્ચરલ ડિફરન્સના લીધે દરરોજ જાતજાતની કોમિક સિચ્યુએશન્સ નિષ્પન્ન થતી રહે છે. 1980ના દાયકાની અમેરિકન ટીવીસિરીઝ ‘સ્મૉલ વન્ડર’ અને એની દેશી આવૃત્તિ ‘કરિશ્મા કા કરિશ્મા’. તમિળ સુપરસ્ટાર રજનીકાંતની શંકર દિગ્દર્શિત અને ચિટ્ટી નામનો ‘રૉબો’. આ ઉપરાંત ‘રા.વન’, ‘લવસ્ટોરી 2025’, ‘કોઈ મિલ ગયા’, વગેરે.
વારુ. અમીત જોશી સર્જિત ફિલ્મની વાત કરીએ તો, ફૅમિલી એન્ટરટેનરના નામે એમાં દાદા (ધર્મેન્દ્ર) દાદી-ફોઈ-ફુઆ સગાઈ-સંગીતના પ્રસંગમાં ડિઝાઈનર કુરતાં-જાકીટ પહેરીને લો-કટ બ્લાઉઝધારિણી અને સુગોળ નિતંબિનીને તાકે છે, પત્ની વિશે કઢંગી જોક્સ મારે છે, જે જોઈને સિફરાની જેમ આપણે પણ પરાણે હસવું પડે છે. હા, ક્વચિત એકાદ જોક હસાવે છે, પણ ધૅટ્સિટ. અને તનીશ્કના સ્વરાંકનવાળું ‘લાલ પીલી અખિયાં’ સરસ બન્યું છે, એનું ચિત્રીકરણ પણ ભવ્ય છે. શીર્ષક ગીત પણ મજેદાર છે. શાહીદ-કૃતિ સરસ છે, ખાસ તો કૃતિ.
થોડા સમય પહેલાં ‘ઍનિમલ’ના વિરોધનો બચાવ કરવા રણબીર કપૂરે કહ્યું કે “સમાજસુધારણા માટે ખરાબ માણસો વિશે ફિલ્મ બનવી જોઈએ… બૂરી ચીજ, કઢંગી ચીજ પરદા પર બતાવો તો જ ખબર પડે કે સારું શું ને ખરાબ શું”. રણબીરના સ્ટેટમેન્ટનો આશરો લઈને કહેવું હોય તો નાવીન્યના અભાવવાળી, વિજ્ઞાનીના નિષ્ફળ પ્રયોગ જેવી અને ક્રિએટિવ રાઈટિંગ કેવું ન હોવું જોઈએ એ સમજાવવા બની છે ‘તેરી બાતોં મેં એસા ઉલઝા જિયા.’