કહેતા હૈ જોકર…દુનિયા નયી હૈ, વિવાદ પુરાના!

આ વખતનો પીસ લખવા હું જેવું મારું લૅપટૉપ ઉઘાડું છું કે કર્ણાટક-ગુજરાતની બાધાબાધી, સામસામી દલીલો વિશેનાં નોટિફિકેશન સ્ક્રીન પર અફળાય છે. કન્નાડીગાઓએ બાંયો ચડાવીને કહી દીધું છે કે “ગુજરાતથી આવતું ‘અમૂલ’ દૂધ અમને ન ખપે.” સાથે તમિળ વિરુદ્ધ હિંદીની કચકચ પણ ચાલતી રહે છે. આ જોઈને મારું મર્કટ જેવું મન હૂપાહૂપ કરતું આજથી પચાસ વર્ષ પહેલાંના આવા એક વિવાદ પાસે પહોંચી જાય છે.

વસ્તુ એવી કે હિંદી સિનેમાના ધ ગ્રેટેસ્ટ શોમૅન રાજ કપૂર એમની અતિ મહત્વાકાંક્ષી ફિલ્મ ‘મેરા નામ જોકર’ સર્જી રહ્યા હોય છે. ફિલ્મમાં એવું આવે છે કે હિલ સ્ટેશન પરની બોર્ડિંગ સ્કૂલનો સ્ટુડન્ટ, 16 વર્ષનો રાજુ (રિશી કપૂર) વૅકેશન બાદ પાછા ફરી રહેલા પોતાના સહપાઠીઓ અને એની ફેવરીટ ટીચર મૅરી (સીમી ગરેવાલ)ને સત્કારવા ઊટી સ્ટેશને જાય છે.

આ અને અન્ય સીન શૂટ કરવા આરકે સાહેબે તામિલનાડુના ગિરિમથક ઊટીનું ઉદગમંડલમ્ રેલવે સ્ટેશન બુક કરેલું. શૂટિંગના દિવસે એ પોતાના કાફલા સાથે હોટેલથી નીકળ્યા તો જરૂરી દશ્ય ઝડપવા માટે પરફેક્ટ સૂર્યપ્રકાશ જોઈ એ ખુશ થઈ ગયા, પણ જેવા સ્ટેશને પહોંચ્યા તો ત્યાંનો નજારો જોઈને એમનું હૈયું બેસી ગયું. આખું સ્ટેશન સાચકલા વિદ્યાર્થીઓથી ઊભરાતું હતું. ના, એ શૂટિંગ જોવાની ભીડ નહોતી, બલકે હિંદી ફિલ્મનું શૂટિંગ તામિલનાડુમાં થાય એનો વિરોધ કરવાની ભીડ હતી. એ લોકો ‘તામિલનાડુ સ્ટુડન્ટ’સ એન્ટી હિંદી ઈમ્પોઝિશન એજિટેશન કાઉન્સિલ’ના સભ્યો હતા. એમની ડિમાન્ડ હતી કે રાજ્યમાં હિંદી શીખવાનું બંધ થવું જોઈએ. તે વખતે તામિલનાડુમાં તમિળ-હિંદી અને અંગ્રેજી શીખવવામાં આવતી. એમની અન્ય ડિમાન્ડ હતીઃ એનસીસીમાં (નેશનલ કૅડેટ કૉર્પ્સમાં) હિંદી ન જોઈએ, હિંદી સિનેમા, હિંદી સોંગ્સ ન જોઈએ, સાઉથ ઈન્ડિયામાં હિંદીનો પ્રચાર કરતી સંસ્થા ‘દક્ષિણ ભારત હિંદી પ્રચાર સભા’ને પણ તાળાં મારો.

આંદોલન એટલું ઉગ્ર હતું કે રાજસાહેબે વીલા મોંએ હોટેલ પાછા ફરવું પડ્યું. એમની સાથે હતા મનોજકુમાર. ફિલ્મમાં એ બન્યા હોય છે મિસ્ટર ડેવિડ, ટીચર મૅરીના બૉયફ્રેન્ડ. આખી ફિલ્મમાં એમના બે-ત્રણ સીન છે.

બીજા દિવસે રાજ કપૂરે ઍક્ટર મનોજકુમારને કહ્યું કે “તમે જરા વહેલા પહોંચીને વિરોધી સ્ટુડન્ટોને સમજાવો.” મનોજકુમારે સ્ટેશને પહોંચી વિદ્યાર્થીઓ સાથે ચર્ચા શરૂ કરી. એમણે જરા કડક અવાજમાં કહ્યું, “તમને ખબર છે, દેશના ભાગલા પડ્યા તે વખતે હું લાહોરથી આવેલો અને અહીં આવ્યા પછી હિંદી શીખ્યો. જો તમે તમિળને રાષ્ટ્રીય ભાષા બનાવવાની માગણી સાથે આંદોલન કરી રહ્યા હોત તો હું તમારી સાથે જોડાયો હોત, પરંતુ તમે તો હિંદીના ભોગે અંગ્રેજીને વધુ મહત્વ આપી રહ્યા છો. તમને અંગ્રેજીનો વાંધો નથી, પણ હિંદી સામે વાંધો છે. આ કેવું? તમે કહેતા હો તો અમે શૂટિંગ કર્યા વગર પાછા જતા રહીશું, પણ તમે સાડીસત્તર વાર ખોટ્ટા છો, છો અને છો.”

મનોજકુમારની વાત સાંભળીને વિદ્યાર્થીઓને પોતાની ઉપર શરમ ઊપજી. વાત તો સાચી હતી. એમના નેતાએ મનોજકુમારને કહ્યું, “સાર, આપ પીસફુલ્લી શૂટિંગ કરો. નો પ્રોબ્ળેમ.” આમ મનોજકુમારની મધ્યસ્થીથી એ આખી સિકવન્સ શોમૅન વિનાવિઘ્ને શૂટ કરી શક્યા.

બીજી એક ઈન્ટરેસ્ટિંગ વાતઃ રાજુ નામના જોકરના જીવનનાં ત્રણ પ્રકરણની (ત્રણ તબક્કાની) વાત માંડતી ‘મેરા નામ જોકર’ના પહેલા પ્રકરણની ખ્વાજા એહમદ અબ્બાસે લખેલી પટકથાથી રાજ કપૂર સંતુષ્ટ નહોતા એટલે એ આખું પ્રકરણ મનોજકુમારે નવેસરથી લખેલું, જે જોઈ રાજ સાહેબનું મનોજકુમાર માટે માન ઔર વધી ગયેલું.

કમનસીબે આજે ક્લાસિકની કક્ષામાં મૂકવામાં આવે છે એ ચાર કલાકની ‘મેરા નામ જોકર’ 1970માં રિલીઝ થઈ ત્યારે સરિયામ નિષ્ફળ થયેલી, જ્યારે એ જ અઠવાડિયે રિલીઝ થયેલી ‘જૉની મેરા નામ’ સુપરહિટ. તે વખતે બન્ને ફિલ્મના ટાઈટલમાં ‘મેરા નામ’નો જબરો વિવાદ થયેલો. પણ, વિશેની વાત ફરી ક્યારેક.